ફિર દેખો યારોં : પ્રકૃતિનો નાશ સંસ્કૃતિ, તો વિકૃતિ કઈ?

–  બીરેન કોઠારી

વિશ્વના મોટા ભાગના દેશોમાંથી કોરોના વાઈરસ બાબતે ડરામણા સમાચાર મળી રહ્યા છે. વિકસીત ગણાતા પશ્ચિમના દેશોની સ્થિતિ વધુ ને વધુ માઠી બની રહી છે. અલબત્ત, ત્યાં આપણા જેવી કે આપણાથી બદતર સ્થિતિ સરજાય તો ખુશ થવા જેવું નથી, કેમ કે, ઘરઆંગણે આપણે ત્યાં પણ પરિસ્થિતિ જીવતા બૉમ્બ પર બેઠા હોઈએ એવી જ છે. આવા કપરા સમયમાં ફરજરત હોય એ સિવાયના સહુ કોઈ પોતપોતાના ઘરમાં બંધ છે. ટી.વી. પરના કાર્યક્રમો જોઈ જોઈને કે સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર સક્રિય રહીને આવા મોટા ભાગના લોકો સમય પસાર કરી રહ્યા છે. સળંગ એકવીસ દિવસ માટે દેશની ગતિવિધિઓને થંભાવી દેવામાં આવી હોય, અને એ પણ કોઈ એક રોગને કારણે, એવું કદાચ પહેલવહેલી વાર બન્યું છે. મોટા ભાગના નાગરિકો માટે આ અનુભવ નવો છે, એમ શાસકો માટે પણ આ અનુભવ પહેલવહેલો છે.

આવા વિપરીત કાળમાં પણ કેટલાક સમાચાર એવા જાણવા મળે છે કે જે ખરેખર આનંદ પમાડે એવા છે. વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને લોકો પોતાનાથી બનતી મદદ જરૂરતમંદોને કરી રહ્યા છે અને માનવધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે એ અલબત્ત, આનંદદાયક છે. જો કે, આ સમાચાર એ અંગેના નથી.

ઓરિસ્સાના સાગરકાંઠે આ વર્ષે લાખોની સંખ્યામાં ઓલિવ રિડલી દરિયાઈ કાચબા ઈંડા મૂકવા માટે આવ્યા છે. આમ તો, આ મોસમમાં અહીં તેમનું આ કારણ માટે આવવું સામાન્ય બાબત હતી, પણ છેલ્લા ઘણા સમયથી તેમની સંખ્યામાં ઘટાડો થતો જતો હતો. દરિયાઈ કાચબામાં આ જાતિના કાચબા સૌથી નાના ગણાય છે, જે મુખ્યત્વે પ્રશાંત, હિંદી તેમજ એટલાન્‍ટિક મહાસાગરના ઉષ્ણ પાણીમાં જોવા મળે છે. હજારો કિલોમીટરની સફર ખેડીને આ કાચબા ઓરિસ્સાના ગંજમ જિલ્લાના સાગરતટે આવી પહોંચે છે. તેમનો સમાવેશ અત્યંત જોખમગ્રસ્ત અને સંવેદનશીલ પ્રજાતિમાં કરવામાં આવ્યો છે. ઈંડામાંથી નીકળેલાં કાચબાના બચ્ચાં હજારો કિલોમીટરની દરિયાઈ સફર ખેડીને પોતાના નિવાસસ્થાને પાછા વળે છે. નવાઈ લાગે એવી હકીકત એ છે કે ત્રીસ વર્ષ પછી આ કાચબા પ્રજનનક્ષમ બને ત્યારે પોતાના જન્મસ્થળે જ તે ઈંડાં મૂકવાં આવે છે. ગોવા, તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠેથી તે પસાર થાય છે, પણ ઈંડા મૂકવા માટે તે ઓરિસ્સાના સાગરતટની રેતીને જ પસંદ કરે છે. જળપ્રણાલિના સંતુલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા આ કાચબાને કુદરતનાં અનેક આશ્ચર્યો પૈકીનું એક ગણી શકાય, પણ છેલ્લા ઘણા વખતથી આ કાચબાની સંખ્યા ઘટતી ચાલી હતી. સમુદ્રના ઊંડાણમાં તરતા આ કાચબાએ ચાલીસેક મિનીટ પછી શ્વસન માટે સપાટી પર આવવું પડે છે. એ વખતે તે માછીમારોની જાળમાં ફસાઈ જતા હતા. તેમનાં મૃત્યુ થવા લાગ્યાં અને આ મામલો એવો ગંભીર ગણાયો કે ઓરિસ્સાની વડી અદાલતે કાચબાના માર્ગમાં ફરનારી નૌકાઓને પોતાની જાળમાં ‘ટેડ’ એટલે કે ‘ટર્ટલ એક્સક્લુઝન ડિવાઈસ’ નામનું ઉપકરણ લગાવવાનો આદેશ બહાર પાડવો પડ્યો. પણ એમ કાયદા બનાવવાથી આપણે ઓછા સુધરી જઈએ? આ આદેશનું પાલન બરાબર ન થઈ રહ્યું હોવાના અહેવાલ અવારનવાર આવતા રહેતા હતા. આ વરસે કોરોના વાઈરસના પ્રકોપને લઈને આ સાગરતટના વિસ્તારમાં માનવસંચાર બંધ છે. તેનું સીધું પરિણામ દરિયાઈ કાચબાની વધેલી સંખ્યા તરીકે જોવા મળે છે. ત્રણ મહિના પહેલાં, જાન્યુઆરીમાં જ માછીમારોની જાળમાં ફસાઈને, કે તેમની નૌકાઓ સાથે ટકરાઈને મૃત્યુ પામેલા અનેક કાચબાઓનાં શબ આ જ સાગરતટે જોવા મળ્યા હતાં. ગેરકાનૂની રીતે થતી માછીમારી આનું મુખ્ય કારણ ગણાવાયું હતું. આ સંજોગોમાં આટલી સંખ્યામાં આવેલા કાચબાઓ નિ:શંકપણે આનંદના સમાચાર ગણાય.

આ પ્રકારના બીજા છૂટાછવાયા સમાચાર પણ મળતા રહ્યા. મુંબઈના મરિન લાઈન્‍સ પાસેના દરિયામાં ડોલ્ફિન માછલી નજરે પડ્યાના અહેવાલ છે, દિલ્હીના મયુરવિહાર વિસ્તારમાં મોર પાછા આવ્યા હોવાના સમાચાર છે. આ વિસ્તારનું નામ જ અસલમાં અહીં વિપુલ પ્રમાણમાં જોવા મળતા મોરને કારણે રાખવામાં આવ્યું હતું, પણ માનવે ‘કળા’ કરતાં મોર ધીમે ધીમે અદૃશ્ય થતા ગયા હતા. નોઈડાના જી.આઈ.પી. શૉપિંગ મૉલ પાસે એક નીલગાય નિર્ભયપણે ટહેલતી જોવામાં આવી. ચંદીગઢના માર્ગ પર બે હરણાં ફરતા દેખાયા, તો કેરળના મેપ્પયુર શહેરમાં મુખ્ય માર્ગ પર જબાદી બિલાડો (સિવટ કૅટ) ફરતો દેખાયો. આ બિલાડો સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં હોય છે, અને નિશાચર હોવાથી તે ઝટ નજરે પડતો નથી. ગુજરાતમાં પણ અમરેલી જિલ્લામાં દેખાતા સિંહનું પ્રમાણ વધ્યું હોવાના અહેવાલ છે. આ વિસ્તારમાં અલબત્ત, સિંહના આગમનની નવાઈ નથી, પણ માનવસંચાર ઘટતાં તેનું પ્રમાણ વધ્યું એ હકીકત છે. સવારસાંજ ઘેર રહેતા લોકોને હવે પોતાના ઘરની આસપાસ આવતા પક્ષીઓનો કલબલાટ કાને પડવા લાગ્યો છે. પ્રદૂષણની માત્રા પણ નોંધપાત્ર રીતે ઘટી.

આટલી વિપરીત અને વિકરાળ પરિસ્થિતિમાં આવા સમાચાર હૈયાધારણ આપે એવા છે. તે આપણને સૌને એ બાબતે વિચાર કરવા માટે પણ પ્રેરે છે કે કુદરતને અત્યાર સુધી માનવજાતે સતત અને એકધાર્યું નુકસાન કર્યે રાખ્યું છે. શું પામવાની લ્હાયમાં વિકાસની આ આંધળી દોટ માનવજાતે મૂકી? આંધળા ઉપભોક્તાવાદની કેવી વરવી સંસ્કૃતિ ઊભી કરી? અને એ પછી શું લૂંટી લીધું? નરી આંખે જોઈ પણ ન શકાતા એક વાઈરસના ખોફને કારણે માણસો જાણે કે પાંજરે પુરાયા અને પ્રકૃતિના વિનાશને સહેજ વિરામ મળ્યો.

લૉકડાઉન તો આજે નહીં, ને કાલે પૂરું થશે, પણ એટલું નક્કી કે ત્યાર પછીની દુનિયા કંઈક અલગ હશે. અરસપરસ વ્યવહાર, જરૂરિયાતો, માંગ અને પુરવઠાનાં આંતરદેશીય સમીકરણો નવેસરથી વિચારાશે. સવાલ એ છે કે એ નવા જગતમાં આ ગાળામાં થયેલા અનુભવોમાંથી કંઈક બોધપાઠ લેવાશે? કે પછી પર્યાવરણનું ધનોતપનોત કાઢવા માટે આપણે સૌ ફરી પાછા એ જ ઝનૂનથી મચી પડીશું? સામુદાયિક તેમજ વ્યક્તિગત સ્તરે પણ આ બાબત વિચારવાની રહેશે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨-૪-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ:
bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.