– મૌલિકા દેરાસરી

ગાયક કિશોર કુમાર અને સંગીતકાર રવિની જુગલબંધીની પ્રથમ સફર આપણે કરી. આ સફરમાં એવી ફિલ્મોને યાદ કરી જેમાં કિશોરકુમારે અભિનેતા અને પ્લે બેક સિંગરનો રોલ પ્લે કર્યો હતો.
આજની સફરમાં એવા ગીતોને માણીશું, જે ફિલ્મોમાં કિશોરદા અભિનેતા ન હતા પણ પ્લેબેક સિંગર તરીકે પોતાના અવાજની મોહિની ફેલાવી હતી. સંગીતકાર તરીકે તો રવિબાબુ કાયમ છે.
“મારો દીકરો અને એની પત્ની મને ઘર બહાર ફેંકી દેવા માંગે છે”, જીવનના છેલ્લા તબક્કામાં એક સમયે આવી કેફિયત આપનારા સંગીતકાર રવિએ પોતાનો ખાસ મુકામ હાંસલ કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.
સંગીત પ્રત્યેની તેમની લગન તેમને વતન દિલ્હી છોડીને મુંબઈ લઈ આવી. મુંબઈ આવી તો ગયા, પણ અહીં ના તો રહેવા માટે ઘર હતું ના તો ખાવા માટે રોટી. કોણ જાણે કેટલાય દિવસો એમણે મુંબઈની સડકો પર અથવા તો ફૂટપાથ પર ગુજાર્યા. ૫૦ આનાનો નાસ્તો અને એક કપ ચા પીને દિવસોના દિવસો પસાર કર્યા.
પણ… પ્રતિભા પરખાયા વિના રહેતી નથી!
તેમની પ્રતિભાને સૌપ્રથમ સંગીતકાર હેમંતકુમારે પારખી, અને તેમને ફિલ્મોમાં સૌ પ્રથમ બ્રેક મળ્યો. ફિલ્મ આનંદ મઠના વંદે માતરમ ગીતમાં કોરસમાં ગાવાની તક તેમને મળી. પછી હેમંતકુમારના સહાયક તરીકે તેમણે કામ ચાલુ રાખ્યું. તેઓ ખાસ કરીને ત્યારે તબલા વગાડતા. પછી તેમણે ગીતો લખવાના શરૂ કર્યા અને એ પછી હેમંતકુમારના સૂચનથી સ્વતંત્રપણે સંગીત આપવાનું શરૂ કર્યું. બસ… પછી ક્યાં અટકવાનું જ હતું!
એક સમયે મલાડ રેલ્વે સ્ટેશન પર સૂઈને જેમણે ગુમનામ રાત્રિઓ વિતાવી છે, એવા સંગીતકાર રવિને આજે કોણ નથી ઓળખતું!
આપણી સંગીતની સફરમાં કિશોરકુમારને તો આપણે ઘણી રીતે ઓળખ્યા છે, પણ સંગીતકાર રવિ યાને કે રવિશંકર શર્મા વિષે પણ જાણવું જરૂરી હતું.
તો, સફરનો આરંભ કરીએ ફિલ્મ બાબુલ કી ગલીયાંના આ ગીતથી. જેમાં કિશોરકુમાર સાથે યુગલ સ્વર છે આશા ભોંસલેનો.
સંજય ખાન અને હેમામાલિની પર ફિલ્માવાયેલું આ ગીત હતું –
ઇક ચીઝ માંગતે હૈ હમ તુમસે પેહલી બાર…
૧૯૮૬ આવેલી ફિલ્મ તન્હા તન્હા, જેમાં કિશોરકુમારે ગાયું છે, એક પ્રેમગીત. એક મધુર યોડલિંગ સાથે ગીતની શરૂઆત થાય છે અને આપણને ખેંચી જાય છે એક વાસંતી માહોલમાં.
સામાન્ય કરતાં કંઇક અલગ અંદાજમાં ગવાયેલું આ ગીત સાંભળવાની પણ એક મજા છે.
તો સાંભળો, આશા ભોંસલે અને કિશોરદાના અવાજમાં મેરા દિલ તે તે તે તેરા…
વર્ષ ૧૯૭૫માં ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોરને લઈને આવી હતી ફિલ્મ, એક મહલ હો સપનો કા… જેનું એક દિલકશ ગીત અને આપણી સફરનું ટાઇટલ સોંગ… આજે પણ જ્યારે જિંદગીની વાસ્તવિકતાની વાત હોય ત્યારે આ ગીત યાદ આવ્યાં વિના રહે નહીં.
દેખા હૈ ઝિંદગી કો કુછ ઇતના કરીબ સે…
સાહિર લુધિયાનવી જ લખી શકે –
तेरी वफ़ा की लाश पे ला मैं ही डाल दूँ –
रेशम का ये कफ़न जो मिला है रक़ीब से.
૧૯૮૬ માં જ અન્ય એક ફિલ્મ આવી હતી ખામોશ નિગાહે, જેમાં સંગીતકારની સાથે શબ્દકાર પણ હતા – રવિ. એટલું જ નહિ, રવિએ આમાં પોતાનો સ્વર પણ આપ્યો છે. એમનો અવાજ સાંભળવાનું પણ ચૂકાય એમ નથી, એટલે આપણાં રસ્તેથી થોડા ફંટાઈને રવિને પણ સાંભળી લઈએ આ ગીતમાં.
દર્દે દિલ તુને દિયા..
આ જ ફિલ્મમાં આશા ભોંસલે અને કિશોરકુમારના યુગલ સ્વરોમાં – મૈંને તુમસે મુસ્કુરાકે બાત કી…
એક નવી ખૂબસૂરત દુનિયામાં લઈ જાય છે આ ગીતમાં કિશોરકુમાર. રવિએ આ ગીતમાં એક એવી દુનિયા શબ્દસ્થ કરી છે, જે સપનાની ખ્વાબ- ખયાલની દુનિયા છે.
આજ ચલે કિસી ઐસી જગહ…જહાં દૂર ગગન ઝૂક કર ધરતી કા મૂંહ ચૂમે.
હવે વાત કરીએ ૧૯૭૨માં આવેલી ફિલ્મ નાગ પંચમીની, જેના ગીતકાર હતા ઇન્દિવર.
ફિલ્મનું એક અદ્વિતીય ગીત, જેમાં નારીશક્તિ ની મહત્તા બખૂબી દર્શાવી છે, એ પણ કિશોરકુમારના બુલંદ અવાજમાં – ભારત કી નારી હૈ તું, તેરે લહૂ મે સીતા હૈ, કર્મો મેં તેરે ગીતા હૈ…
ગીતા આ જ ફિલ્મના એક ગીતમાં લતા મંગેશકર સાથે કિશોરદા ગાય છે: મૈં નદીયાં કી ધારા, બાંહે તેરી કિનારા. અત્યંત મનમોહક બેકગ્રાઉન્ડમાં ફિલ્માવાયું છે આ ગીત.
ધડકન – આ ફિલ્મ આવી હતી ૧૯૭૨માં. ફિલ્મમાં સંજય ખાન અને મુમતાઝે મુખ્ય કિરદાર ભજવ્યાં હતાં. ગીતકાર પ્રેમ ધવન સાથે સંગીતકાર રવિ મળીને યાદગાર ગીત આપે છે –
કિશોર કુમારના અવાજમાં મૈં તો ચલા, જિધર ચલે રસ્તા. પહાડો અને પ્રકૃતિના સાંનિધ્યમાં ફિલ્માવાયેલું આ ગીત આંખોને પણ ઠંડક આપે છે.
કિશોર કુમાર અને આશા ભોંસલેના મસ્તીભર્યા સ્વરોમાં – મૈંને પેહલી બાર દેખા ગુસ્સા હસીનો કા..
https://youtu.be/6GzNw8nrj9E
રવિ, આશાજી અને કિશોરદાના અવાજમાં એક આઇકોનિક ગીત, જેના ગીતકાર હતા, રવિ, પ્રેમ ધવન અને અલી જલીલી.
તુમસે નઝર મિલી, મિલતે હી ઝૂકને લગી..
કિશોરદા તો ઓલ ઈન વનનો રોલ બખૂબી ભજવી જ લેતા હતા, સાથે અનેક પ્રતિભાના સ્વામી રવિએ પણ સંગીતકારની સાથે ગીતકાર, વાદક અને ગાયક તરીકે પણ પોતાનું અણમોલ યોગદાન આપ્યું છે.

સંગીતની આ સફરમાં આપણે રવિશંકર શર્મા યાને કે રવિએ સંગીતબદ્ધ કરેલા અને કિશોરકુમારે સ્વરોથી સજાવેલા ગીતો માણ્યા.
આ સફર તો અહીં પૂરી કરીએ પણ જિંદગીની સફર અટકતી નથી. કિશોરકુમારનાં સી રામચંદ્ર દ્વારા સંગીતબધ્ધ કરાયેલાં ગીતો લઈને ફરીથી મળીશું અને ગુનાગુનાવીશું કોઈ નવા ગીત …
મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર
· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી