ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૨ :: ભગતસિંઘને ફાંસી અને ગાંધીજી

દીપક ધોળકિયા

ભગત સિંઘ અને એમના સાથીઓને ફાંસીથી ગાંધીજી બચાવી શક્યા હોત એમ માનનારા એ જમાનામાં પણ હતા અને આજે પણ છે. ભારતના આઝાદીના સંગ્રામમાં ઘણી વાતો પર આજે પણ વિવાદ ચાલ્યા કરે છે, તેમાં આ વાત પણ છે. આ ગાળો આપણા ઇતિહાસમાં મહત્ત્વનો છે અને આપણા આઝાદીના સંઘર્ષને નવા વળાંક મળ્યા, પરંતુ એ વાત લાંબી ચાલશે એટલે પહેલાં આપણે ભગત સિંઘની ફાંસી અને ગાંધીજીના પ્રત્યાઘાત વિશે કેટલીક હકીકતો જોઈએ અને તે પછી પાછા ૧૯૩૦માં જશું. આમ પણ આપણે ૧૯૧૬થી ૧૯૩૫ના ગાળામાં હજી ઘણો વખત રહેવાનું છે.

આપણે આ પહેલાં જોયું કે વાઇસરૉયે વટહુકમ બહાર પાડીને ટ્રાઇબ્યુનલના ફેંસલા પર કોર્ટમાં અપીલ કરવાની વ્યવસ્થા રદ કરી નાખી હતી. અપીલ માત્ર પ્રીવી કાઉંસિલમાં થઈ શકે,

ગાંધીજી એ સમજતા હતા કે વટહુકમને કારણે કેદીઓના અધિકારો પર કાપ મુકાયો હતો. એમણે ૧૯૩૦ના મેની ૪થી તારીખે આ વટહુકમને “માર્શલ લૉના છુપા રૂપ” જેવો ગણાવ્યો.

બીજા જ દિવસે પાંચમી તારીખે ગાંધીજીને સરકારે પકડી લીધા અને ૨૬મી જાન્યુઆરી ૧૯૩૧ સુધી એ જેલમાં જ રહ્યા. ગાંધીજી ભગત સિંઘને જેલમાં મળવા ન ગયા, એવું ઘણા કહે છે ત્યારે એ હકીકત ભૂલી જતા હોય છે કે ગાંધીજી એ વખતે પોતે જ જેલમાં હતા.

ઑક્ટોબર ૧, ૧૯૩૦: ગાંધીજી જેલમાં હતા ત્યારે સદ્‌ગત ગોપાલ કૃષ્ણ ગોખલેએ સ્થાપેલી ‘સર્વંટ્સ ઑફ પીપલ સોસાયટી’ ભગત સિંઘ અને એમના સાથીઓને ફાંસીથી બચાવવા માટે સક્રિય હતી. સોસાયટીએ લંડનમાં સોલિસીટર હેનરી પોલાકનો સંપર્ક સ્થાપ્યો. પોલાક ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સાથી હતા અને ત્યાંથી લંડન આવીને સોલિસીટર તરીકે વ્યવસાય કરતા હતા. એમણે આ કામમાં કશી ફી લીધા વિના સહકાર આપવાની ઑફર કરી અને ૧ ઑક્ટોબર, ૧૯૩૦ના રોજ પંજાબ બાર એસોસિએશનના નામાંકિત સભ્ય સર મોતી સાગરને પત્ર લખીને જણાવ્યું કે પ્રીવી કાઉંસિલમાં અપીલ કરવા માટે ડી. એન. પ્રિટ અને સિડની સ્મિથને વકીલ તરીકે રોકવાની ભલામણ કરી.

આમ બધા ભારતીય નેતાઓ જાણતા હતા કે ટ્રાઇબ્યુનલ ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા કરશે એટલે પ્રીવી કાઉંસિલમાં જવું પડશે. ટ્રાઇબ્યુનલ સમક્ષ કોંગ્રેસ નેતા અસફ અલી ભગતસિંઘ અને એમના સાથીઓ વતી કેસ લડતા હતા. ગાંધીજી પણ અસફ અલીના સંપર્કમાં હતા.

ટ્રાઇબ્યુનલે સાતમી ઑક્ટોબરે પોતાનો ચુકાદો આપી દીધો. તે સાથે જ પ્રીવી કાઉંસિલમાં જવાનાં ચક્રો ગતિમાન થઈ ગયાં. (આપણે ૪૧મા પ્રકરણમાં જોયું છે કે ભગત સિંઘના પિતાએ કરેલી અરજી પ્રીવી કાઉંસિલે નકારી કાઢી હતી. ભગત સિંઘને તો એ જ પસંદ ન પડ્યું કે એમના પિતાએ દયાની માગણી કરી).

ગાંધીજીને ૧૯૩૧ની ૨૬મી જાન્યુઆરીએ સરકારે છોડ્યા. ૩૧મીએ અલ્હાબાદમાં કોંગ્રેસના કાર્યકરોની મીટિંગ મળી તેમાં ગાંધીજીએ કહ્યું: “(અહીં) કેદીઓની વાત કરવામાં આવી છે. ફાંસીવાળાને ફાંસી ન મળવી જોઈએ (એમ કહેવામાં આવ્યું). મારો અંગત ધર્મ તો (એમને) ફાંસી જ નહીં, કેદ પણ ન આપવાનું કહે છે, પણ એ મારી અંગત રાય છે. એને શરત બનાવી શકીએ કે કેમ એ નથી કહી શકતો…આ વસ્તુ શરત તરીકે રાખવામાં જોખમ છે, અન્યાય છે. કારણ ન્યાય એ છે કે આ લડાઈઉઠાવનારાઓનો જ છુટકારો આપણે માગીએ…જેની રીતસરની અદાલતી તપાસ નથી કરવામાં આવી તેને તો છોડવા જ જોઈએ. (દા. ત.મીરતવાળા)… એના પછી ગાંધીજીએ તરત વાઇસરૉયને પત્રે લખ્યો અને મીઠાના સત્યાગ્રહ વખતે દેશમાં પોલિસે કરેલા અત્યાચારોની ચર્ચા કરવા ની માગણી કરી. ગાંધીજીએ લખ્યું તેમ પોલીસની વર્તણૂકની તપાસ કરવાનો નિર્ણય લેવાશે તો એમાંથી પુરાવો મળશે કે સરકારનું હૃદય પરિવર્તન થયું છે.

૧૪મી ફેબ્રુઆરીએ ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈને શ્રીનિવાસ શાસ્ત્રી, એમ. આર. જયકર અને તેજ બહાદુર સપ્રુને મળવા મોકલ્યા. મહાદેવભાઈએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા ન થાય એ સારુ બધા પ્રયત્ન કરવા માટે ગાંધીજીનો સંદેશો એમને પહોંચાડ્યો. આ પ્રયત્નનો આરંભ ગાંધીજી વાઇસરૉય લૉર્ડ અર્વિનને મળ્યા તે પહેલાંથી જ થઈ ચૂક્યો હતો. (માર્ચના પહેલા અઠવાડિયામાં ગાંધી-અર્વિન કરાર થયા તે આ ત્રણ નેતાઓની દરમિયાનગીરીને કારણે થયા. આના વિશે વિશેષ હવે પછી).

ગાંધીજી અને લૉર્ડ અર્વિન ૧૭મીએ મળ્યા. ગાંધીજીએ ભગતસિંઘ અને એમના સાથીઓની ફાંસીની મુદત મુલતવી રાખવા અપીલ કરી. એ વખતના કાયદામાં જોગવાઈ હતી કે ફાંસી અચોક્કસ મુદત સુધી, આખા જીવન સુધી, મુલતવી રાખી શકાય. લૉર્ડ અર્વિને કોંગ્રેસનું કરાચીમાં મળનારું અધિવેશન પૂરું થાય ત્યાં સુધી મુલતવી રાખી શકાય એવો સંકેત આપ્યો, પણ ગાંધીજી કોંગ્રેસનું અધિવેશન શાંતિથી પૂરું થાય તે માટે સોદો કરવાની તૈયારી ન દેખાડી.

આ દરમિયાન, અર્વિન પર દબાણ વધતું જતું હતું. ચર્ચિલે આ વાટાઘાટો પર ચીડ દેખાડતાં કહ્યું કે “ગાંધી, મિડલ ટેમ્પલનો એક વકીલ અને હવે પૂર્વના દેશોમાં જ જોવા મળે તેવો એક અર્ધનગ્ન ફકીર સવિનય ભંગ માટે લોકોને સંગઠિત કરતો હોય અને એનો દોરીસંચાર કરતો હોય, તે સાથે જ સમ્રાટના પ્રતિનિધિ સાથે બરાબરીથી વાત કરવા માટે વાઇસરીગલ પ્લેસનાં પગથિયાં પણ ચડે છે…!”

આના પહેલાં ૧૯૩૦ની ૨૩મી ડિસેમ્બરે પંજાબના ગવર્નર જ્યોફ્રી ડી’ મોંટમોરેન્સી પર જીવલેણ હુમલો થયો હતો. એમાં એ ઘાયલ થયો. બે પોલીસ અધિકારીઓ અને એક મહિલા ડૉક્ટરને પણ ઈજાઓ થઈ.

સાતમી માર્ચે દિલ્હીમાં એક સભામાં ગાંધીજીએ ફરી કહ્યું કે “કોઈને પણ ફાંસી થાય તે મારો અંતરાત્મા કબૂલી નથી શકતો, અને તેમાંય ભગતસિંઘ જેવા બહાદુરને તો નહીં જ.”

આઠમી માર્ચે લાહોરમાં નવજવાન ભારત સભાની બેઠક મળી (આ સંસ્થાના સ્થાપક ભગત સિંઘ પોતે જ હતા). આ સભામાં હરિકિશનને મંચ પર ઉપસ્થિત કરીને ગવર્નર પર હુમલો કરવા બદલ એની ભારોભાર પ્રશંસા કરવામાં આવી. ગવર્નરે તરત વાઇસરૉયને જાણ કરીને ફાંસીની સજાનો અમલ કરવા લખી દીધું. હરિકિશન નામના એક વિદ્રોહીએ આ હુમલો કર્યો હતો. સશસ્ત્ર ક્રાન્તિકારીઓ એકસૂત્રે બંધાઈને કામ નહોતા કરતા તેનું આ ઉદાહરણ છે. આ કામ બહાદુરીનું હોઈ શકે છે, પણ ભગત સિંઘની સજા રદ કરાવવા માટેના પ્રયાસો પર એની નકારાત્મક અસર પડી શકે છે એવું કોઈએ ન વિચાર્યું.

૧૯મી માર્ચે ભારત સરકારના હોમ સેક્રેટરી ઈમર્સને ગાંધીજીના એક કથનનો ખાસ ઉલ્લેખ કર્યો. ગાંધીજીએ કહ્યું હતું કે “ભગત સિંઘને ફાંસી આપવાથી સ્થિતિ વધારે ગુંચવાશે.” સરકારે આ કથનનો મનફાવતો અર્થ કર્યો કે ગાંધીજી અશાંતિ ફેલાવાની ધમકી આપે છે.

૨૧મી માર્ચે ગાંધીજીને ભગતસિંઘના વકીલ અસફ અલી મળ્યા અને ફાંસી માફ કરવાની અરજીનો મુસદ્દો દેખાડ્યો. ગાંધીજીએ એમાં ફેરફાર કર્યા, એમને લાગ્યું કે અસફ અલીના મુસદ્દામાં ભગત સિંઘ દયા માગતા હોય અને ફરી આવું નહીં કરવાનું વચન આપતા હોય એવું દેખાતું હર્તું. ગાંધીજીએ એમાં ભગત સિંઘના આત્મસન્માનને છાજે એ રીતે એમાં ફેરફાર કર્યા.

વાઇસરૉયને છેલ્લો પત્ર

૨૩મી માર્ચે ગાંધીજી રાતે દોઢ વાગ્યે ઊઠ્યા અને અર્વિનને પત્ર લખ્યો અને કહ્યું કે “જો કે તમે મને ચોખ્ખું કહ્યું હતું કે ભગત સિંઘ અને બીજા બે જણની ફાંસીની સજા માફ થાય એવી આશા બહુ નથી. મેં શનિવારે કરેલી વિનંતિ પર વિચાર કરવા તૈયાર હતા, એમ પણ તમે કહ્યું. શ્રી સપ્રુ મને મળ્યા અને કહ્યું કે તમે આ બાબતમાં બહુ બેચેન છો. જો તમે ફેરવિચાર કરવાના હો તો હું અમુક બાબતો પર ધ્યાન આપવા વિનંતિ કરું છું. લોકો સાચી કે ખોટી રીતે સજા માફ કરવાની માગણી કરે છે અને કોઈ સૈદ્ધાંતિક મુદ્દો ન હોય તો લોકોની આવી માગણીને માન આપવું તે ફરજ બની જાય છે. આ કેસ એવો છે કે ફાંસીની સજા માફ કરશો તો શાંતિને જ બળ મળશે. ક્રાન્તિકારી પાર્ટીએ પણ મને ખાતરી આપી છે કે એ હિંસાત્મક કાર્યો બંધ રાખશે. આ પહેલાં પણ રાજકીય હત્યાઓ થઈ છે અને સરકારે એમાં માફી પણ આપી છે. શક્ય છે કે ક્રાન્તિકારી હિંસાત્મક કાર્યવાહીઓ પણ અટકી જાય. તમે જાણો છો કે હું શાંતિનો ચાહક છું એટલે મારી સ્થિતિ વધારે કફોડી ન બનાવો. ફાંસી આપ્યા પછી પાછા વળી ન શકાય. એટલે એમાં જરા સરખી ભૂલ હોવાની શંકા પડે તો ફાંસી રોકી દેવાનું જરૂરી બની જાય છે.

વાઇસરૉયને આ પત્ર સવારે જ પહોંચી ગયો પણ એ જ સાંજે ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપી દેવાઈ.

વાઇસરૉય અર્વિનની મુદત પૂરી થતી હતી અને ઠેર ઠેર એના માટે વિદાય સમારંભો યોજાતા હતા, તેમાં દિલ્હીમાં ૨૬મીએ આવું મિલન યોજાયું તેમાં વાઇસરૉયે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસથી ભગત સિંઘનો મુદ્દો બહુ ચર્ચામાં હતો અને ગાંધીજીનું દબાણ પણ બહુ હતું મને નવાઈ લાગી કે અહિંસાના પુજારી પાસેથી આવીકેમ આશા રાખી શકાય? સુભાષબાબુનો ઉલ્લેખ આપણે ગયા પ્રકરણમામ જોયો છે. એમણે એ જ પુસ્તકમાં લખ્યું છે કે ગાંધીજી એ ખૂબ પ્રયત્ન કર્યા પણ સફળ ન રહ્યા.

ગાંધીજીએ ભગત સિંઘને યંગ ઇંડિયામાં અંજલી આપી, પરંતુ યુવાનોને એમનો માર્ગ ન લેવાની સ્લાહ આપી અને કહ્યું કે એ રસ્તે દેશ સ્વતંત્ર નહીં થાય.

ગાંધીજીની અંજલી

“ભગત સિંઘ અને એમના બે સાથીઓને ફાંસી અપાઈ છે. કોંગ્રેસે એમની જિંદગી બચાવવાના ઘણા પ્રયત્ન કર્યા અને સરકારે પણ એવૉ ઘણી આશા દેખાડી. પરંતુ બધું એળેગયું

ભગત સિંઘ જીવવા નહોતા માગતા. એમને માફી માગવાનો ઇનકાર કર્યો, અપીલ માટે પણ તૈયાર નહોતા. એ અહિંસાના ઉપાસક નહોતા પણ હિંસાના ધર્મના પણ અનુયાયી નહોતા.. એમણે લાચારીથી અને પોતાની માતૃભૂમિના રક્ષણ માટે હિંસાનો માર્ગ લીધો. ભગત સિંઘે પોતાના છેલ્લા પત્રમાં લખ્યું કે હું તો યુદ્ધ કરતો હતો, તો મારા માટે ફાંસી ન હોય, મને તો તોપને મોઢે બાંધો અને ઉડાડી દો. આ વીરોએ મૃત્યુ પર વિજય મેળવી લીધો હતો. એમની વીરતાને આપણાં હજારો નમન.

પરંતુ આપણે એમના કૃત્યનું અનુકરણ ન કરવું જોઈએ. આપણા દેશમાં કરોડો લોકો નિરાધાર અને પંગુ છે. આપણે જો. હત્યાઓ મારફતે ન્યાય મેળવવાનું કરશું તો ભયંકર સ્થિતિ ઊભી થશે. આપણા જુલમોનો ભોગ આપણા જ લોકો બનશે., હિંસાને ધર્મ બનાવીશું તો આપણાં કર્મોનાં ફળ આપણે જ ભોગવીશું.

આથી આ બહાદુરોની હિંમતને દાદ આપીએ તેમ છતાં એમની પ્રવૃત્તિઓનો મહિમા ન ગાવો જોઈએ. આપણો ધર્મ ક્રોધને ગળી જઈને આપણું કર્તવ્ય છે તે પાર પાડવાનું છે.

૦૦૦

અહીં હું કોઈ અલગ સંદર્ભ સૂચી નહીં આપું કારણ કે ઇતિહાસકાર અને ગાંધીજી વિશેના સાહિત્યના વિદ્વાન લેખક અનિલ નૌરિયાએ વ્યક્તિગત ઊપયોગ માટે બનાવેલા ઘટનાક્રમના સમયપત્રકનો ઉપયોગ કર્યો છે અને વધારે આવશ્યક લાગ્યું ત્યાં એમણે દર્શાવેલા સંદર્ભોનો ઉપયોગ કર્યો છે.

૦૦૦

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: admin

1 thought on “ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૪૨ :: ભગતસિંઘને ફાંસી અને ગાંધીજી

Leave a Reply

Your email address will not be published.