યૂં કિ સોચનેવાલી બાત : હું અને કોરોના: સામાજિક દૂરી’ના દૌરમાં કામકાજ અને રોજીંદુ જીવન

ઉચ્ચાભ્યાસ માટે ઈંગ્લંડ ગયેલાં સુશ્રી આરતી નાયર હવે પાછાં અહીં આવી ગયાં છે, અને એપ્રિલ, ૨૦૨૦થી સામાજિક ઘટનાઓ વિશે તેમના આગવા દૃષ્ટિકોણને રજૂ કરતી શ્રેણી ‘યૂં કિ સોચનેકી બાત’નું તેઓ પુનઃસંધાન કરી રહ્યાં છે.


સુશ્રી આરતીબહેનને ખુબ ખુબ અભિનંદન સાથે વેબ ગુર્જરી પર હાર્દિક સ્વાગત.


– સંપાદક મડળ, વેબ ગુર્જરી


બધું હંમેશ મુજબ છે, અને છતાં બધું અસ્તવ્યસ્ત છે

આરતી નાયર

૧૫મી માર્ચ, રવિવારે, હું અને મારા જીવનસાથી – જેને આપણે અહીં પૂરતી સગવડ માટે ‘જી’ના નામે બોલાવીશું – અમારાં મુંબઈનાં , અને અમારાં સહજીવનનાં, નવાં, પહેલવહેલાં, ઘરમાં પ્રવેશ્યાં. અમારાં લગ્ન ૧લી ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ, અમારાં માદરેવતન, અમદાવાદ,માં થયાં. છે તો તે ભાડાનું, પણ અમારી કલ્પનામાં હતું તેવું એ ઘર છે. ખુબ હવા=ઉજાસ,ખુબ મોકળાશ અને સીધું સાદું છતાં પોતીકું લાગે તેવું એ ઘર છે. અમારાં હનીમૂનના દિવસોને માણ્યા બાદ અમે છેલ્લા થોડા કેટલાક દિવસોથી અમારાં એક નજદીકનાં મિત્રના મુંબઈના ઘરનાં દીવાનખાનામાં ‘સ્યુટકેસ ભરી’ ઉચમચાળ જિંદગી ગુજ઼ારી રહ્યાં હતાં. સ્વાભાવિક જ છે કે અમારાં પોતાનાં ઘરમાં પગ મુકતાંવેંત અમે સાતમા આસમાને હતાં.

એ જ દિવસે, બપોરે, ‘જી’ની ઑફિસમાંથી સંદેશ આવ્યો કે ‘નવી વ્યવસ્થાની જાણ ન થાય ત્યાં સુધી બધાં કર્મચારીઓએ, મહારાષ્ટ્રમાં કોરોનાના રોગચાળાને વધતો રોકવાના સાવચેતીનાં પગલાંરૂપે, સોમવારથી ઘરેથી કામ કરવાનું રહેશે’. છેલ્લા થોડાક દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોનાનો ફેલાવો ઝડપથી વધવા લાગ્યો હતો, અને મુંબઈ તો વળી તેમાં વધારે ખળભળી ઊઠ્યું હતું. જોકે, બીજાં કોઈને ન કહેવાની કસમ દઈને તમને ખાનગી પાયે કહી દઉં કે આ સંદેશાએ તો અમને ખુશખુશાલ કરી મુક્યાં હતાં. અમને તો સામે ચાલીને કોઈ પતાસું મોંમાં મુકી ગયું હતું એવું અનુભવાતું હતું. નવાં ઘરને શાંતિથી ગોઠવવા માટેના અને સાથે રહેવાના આ રીતે સામે ચાલીને મળી રહેલા હજુ વધારે દિવસો અમને અમારાં લગ્નજીવનની ભેટ જેવા વહાલા લાગ્યા. સામેથી ચાલી આવતી ખુશીઓની પાછળ પાછળ જીવનની વરવી વાસ્તવિકતાઓ પણ આવી રહી છે તેની મને ક્યાં ખબર હતી !

લંડનથી મારા અનુસ્નાતક કક્ષાના અભ્યાસ પછી, ડીસેમ્બર, ૨૦૧૯માં, અહીં પરત આવ્યા બાદ હવે મારે નવું કામ શોધવાના પણ આ દિવસો હતા. સોમવારે સવારે મેં કેટલાક પૂછતાછ આગળ વધારવાના ફોન અને ઈ-મેલ કર્યા, ત્યારે જ જાણવા મળ્યું કે ભરતીની બધી પ્રક્રિયાઓ હાલ પુરતી સ્થગિત થઈ ગઈ છે. રાજ્યના મુખ્ય પ્રધાને જાહેર પરિપત્ર દ્વારા તાકીદનાં કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે આગ્રહ રાખવા ભારપૂર્વક વિનંતિ કરી હતી. આ બધું ક્યાં જઈને અટકશે તેવા ઉચાટ સાથે અમે પણ તેનું પાલન કરવા માટે સજ્જ બની રહ્યાં હતાં. પરંતુ બીજાં ઘણાં લોકોએ આ વિનંતિને સાચાં પરિપ્રેક્ષ્યમાં સમજી કે અમલમાં નહોતી મૂકી તેમ જણાયું. પરિસ્થિતિ વણસતી જતી હોય એમ લાગવા માંડ્યું હતું. બીજા પાંચ દિવસમાં તો મુંબઈ પર ‘તાળાબંધી’ લાગુ કરવાની ફરજ પડી ગઈ. મુંબઈના ઈતિહાસમાં કદાચ પહેલી વાર લોકલ ટ્રેન સેવાઓ, અનિશ્ચિત સમય માટે, સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ !

બપોરે હું નજીકના ડી-માર્ટ સ્ટોરમાં રોજિંદી ચીજવસ્તુઓની ખરીદી કરવા ગઈ.. ત્યાં પહેલાં તો સ્ટોરમાં ખરીદી કરવા આવનાર દરેક દરેક મુલાકાતીનાં ઉષ્ણતામાનને પિસ્તોલ જેવાં એક યંત્રથી માપવાની ચકાસણી શરૂ કરી દેવાઈ હતી. મારૂં પણ ઉષ્ણતામાન એ રીતે ચકાસવામાં આવ્યું જે ૧૦૨0 દેખાતું હતું. હું બહારના ધોમધખતા તાપમાં ચાલીને આવી હતી એટલે હશે કદાચ. તેમણે મને પાંચ મિનિટ બાજુમાં બેસાડી રાખી અને તે પછી ફરીથી ઉષ્ણતામાન માપ્યું. હવે ઘટીને કોઈ સ્વીકાર્ય માપમાં આવ્યું જણાયુ, એટલે મને અંદર જવાની છૂટ મળી. અંદર તો એક જ દિવસમાં જાણે માસ્ક બાંધેલાં લોકોનાં ઘોડાપૂર આવ્યાં હોય તેવાં દૃશ્યો હતાં. લોકો ગાંડાંતુર થઈને ખરીદારીમાં મચી પડ્યાં હોય તેવું જણાતું હતું. સ્ટોરમાં ‘બધી વસ્તુઓનો પુરતો જથ્થો છે. બધાંને જોઇતું મળી રહેશે’ એવી હૈયાધારણ આપતી જાણ કરાતી જ રહી હોવા છતાં, પાંચ કિલો સર્ફ એક્ષેલ, ૧૦ લીટર તેલ, ૨૦ પેકેટ દૂધ, ફ્લોર ક્લીનરની પાંચ બૉતલ એમ વસ્તુઓ લોકોની ઠેલણ ગાડીઓમાં ઠલવાતી જતી હતી. આ શું? દુનિયા આવતી કાલથી મહાપ્રલયમાં ડૂબી જવાની છે?

માણસ જાતની તળમાં છૂપાયેલી મુર્ખતાનાં વરવાં દર્શન અમને થઈ રહ્યાં હતાં. થોડા દિવસો પહેલાં ઘરે અમે મારાં માતાપિતા સામે એ લોકો અમારે માટે બહુ બધું પૅક કરવાનો આગ્રહ રાખી રહ્યાં હતાં તે માટે ફરિયાદો કરી રહ્યં હતાં. અમે તેમને કહેતાં કે અમે કોઈ એકલા અટૂલા નિર્જન ટાપુ પર દેશનિકાલ માટે નથી જઈ રહ્યાં! જોકે ભૌગોલિક રૂપે મુંબઈ એક ટાપુ છે તે વાત અલગ છે ! પણ એટલે દાળ, ચોખા લોટના પાંચ પાંચ કિલોના ડબ્બાઓ, પ્લાસ્ટીકના ખાલી ડબ્બાઓના બે નવા અને ઘરમાંથી કાઢી આપેલ એક સેટ, ચાર ‘સેટ’ ગાદલાંગોદડાં ભરી આપવાનું અને મુવર્સ અને પેકર્સ પાસે માથે ઊભાં રહીને પેક કરાવી મોકલી આપવાનું અમને બહુ વધારે પડતું લાગતું હતું. જોકે આમારાં માતાપિતાના એ પ્રેમાળ હઠાગ્રહને અમારે વશ થવું જ પડ્યું. આજે જ્યારે આ ‘તાળાબંધી’માં લોકોને ઘાંઘાં થઈને ખરીદતાં જોયાં ત્યારે અણચિતવ્યી ઊભી થઈ પડનારી અછત કે આવી પડનારી આફત સામે સુરક્ષા કવચ તૈયાર રાખવાની અમારાં વડીલોની મનોદશા અમને સમજાવા લાગી હતી. અમને એ પણ ‘ભાન’ થયું કે આપણી પેઢીએ તો આવી કોઈ ‘અણચિંત્યવી અછત કે આકસ્મિક આફત’ તો હજુ સુધી ક્યારેય અનુભવી પણ ક્યાં છે !

એ પછીના દિવસોમાં તો એવી ‘પહેલી વારની ઘટનાઓ’નો સિલસીલો ચાલવાનો હતો. ‘કચરાવાલે ભૈયા’એ લગભગ ધમકીના સુરમાં જાણ કરી દીધી કે,’કાલથી કચરાનો ડબ્બો બહાર મુકતાં જજો. હું તમારાં ઘરની ઘંટડી નહી વગાડું કે દરવાજો નહીં ખટખટાવું.’ પછી એક ઊંડો શ્વાસ લઈને તેમણે સુચના પુરી કરી, ‘કંઈ પણ વસ્તુને અડવાનું નથી ને ! પછી પાછાં એ બાબતે મારી સમે ફરિયાદ કરશો.’

કરિયાણું વગેરેની ખરીદી કરવા જતી દેખાતું હતું કે રીક્ષાચાલકો પણ મોંએં માસ્ક લગાવેલા હતા. ઓલાઉબર તો ભાગ્યેજ મળી શકે તેવું જણાતું હતું. બીજા દિવસથી તો બધાં રેસ્તરાં વગેરે પણ ફરજીયાતપણે બંધ કરી દેવાયાં. કારણ વગર રસ્તા કોઈ રખડવા ન નીકળે માટે પોલીસે પણ વધારે વ્યાપક દેખરેખ અને કોઈ ‘હાથ લાગી જાય’ તો નાની મોટી સજા પણ ‘ફટકારવા’નું શરૂ કરી દીધા હોવાનું જાણવા મળ્યું.

આ બધું થવા છતાં અમે બન્નેએ અમારી નિયમિત દિનચર્યા ગોઠવી લીધી. સવારે વહેલાં, ૬.૩૦ વાગ્યે ઊઠી જતાં. સવારની ક્રિયાઓ પતાવી મસ્ત મજાની, સુસ્તી ઉડાડતી, કસરતો કરવાનું શરૂ કર્યું. તે પછી વરાળ નીકળતા મગમાં ચા / કૉફી પીતાં પીતાં, બાલ્કનીમાં બેસીને સવારનું અખબાર સાથે બેસીને વાંચવાનું. ચાની ચુસ્કીઓ વચ્ચે દુનિયાને સંયુક્ત નજરે જોવાની લ્હાણ કંઈક ઓર જ અનુભવાતી. તે પછી ‘જી’ સવારનો નાસ્તો બનાવે.

મારા લંડનના દિવસોમાં મેં મરજીયાત અળગા રહેવાનું બહુ અનુભવ્યું છે. એટલે તેમાં શું શું થઈ શકે તે મારો જાત અનુભવ છે. આવી પરિસ્થિતિઓમાં જો તમે એક નિયમિત દિનચર્યા ન ગોઠવી લો તો બધો સમય કંઈ જ કર્યા વગર પડી રહેવાનું બનવા લાગે. એ પરિસ્થિતિ જો લાંબી ચાલે તો તમે પહેલાં કટાળવા લાગો, અને પછી તેમાંથી જન્મતી નિરાશા તરફ ધકેલાવા લાગી શકો છો. ૨૦૧૬થી ફ્રીલાન્સ કામ કરવાના મારા અનુભવને આધારે હું ચોક્કસ કહી શકું છું કે ઘરેથી કામ કરવા માટે બહુ જ આકરાં સ્વ-શિસ્તભરી જીવનશૈલી અપનાવવી પડે છે. ભારતમાં ઘરેથી કામ કરવાની પ્રથા હજુ બહુ વ્યાપક સ્વરૂપે પ્રસ્થાપિત નથી થઈ, પરંતુ આ કોરોના તાળાબંધીએ લોકોને તેના માટે ફરજ પાડી છે. ઘરેથી કામ કરવામાં ગાપચી મારનારાંનું સૌથી હાથવગું બહાનું ‘ઇન્ટરનેટ નહોતું મળતું કે બહુ ધીમું હતું’ તે છે. એક દિવસે ‘જી’ અને તેમના પાંચ અન્ય સહકર્મચારીઓને એક ટેલીકોન્ફરન્સ પર વાત કરવાનું થયું. છએ છ જણાંનું પહેલું વાક્ય ‘ઇન્ટરનેટ નથી મળતું’ એ હતું. એટલું બોલતાં જ બધાં ખડખડાટ હસી પડ્યાં હતાં ! અમે બન્નેએ અમારી પોતપોતાની કામની વ્યવસ્થા અલગ અલગ ગોઠવી લીધી. પલંગ પર લેપટોપને ખોળામાં લઈને બેસવાને બદલે બન્ને માટે અલાયદાં ટેબલની વ્યવસ્થા કરી લીધી અને એક ચોક્કસ સમયપત્રક મુજબ પોતપોતાનું કામ કરવા લાગ્યાં.

તે પછી આવી પ્રધાનમંત્રીની દેશવ્યાપી જનતા કરફ્યુની જાહેરાત. એ રાત્રે અમે પણ થોડી ખરીદી કરવા બજારમાં ગયાં હતાં. ત્યાં અમે ડરના વાતાવરણનો અનુભવ કર્યો. કરિયાણા અને શાકભાજીની દુકાનોની બહાર લાંબી લાંબી લાઈનોમાં લોકો લાગી ગયાં હતાં. ભાવો આસમાને ચડી ચૂક્યા હતા. ૨૨મીના રવિવારે દેશ માટે જનતા કરફ્યુનો પહેલો અનુભવ હતો, પણ અમે મુંબઈવાળાંઓ તો અડધાંપડધા કરફ્યુમાં છેલા ચારેક દિવસથી રહેતાં જ હતાં. અમારી સોસાયટીએ બધાંને જણાવી દીધું કે ૩૧મી સુધી હવે કોઈને ત્યાં (ઘરકામ કરતાં)’બાઈ’ નહીં આવે. પ્રધાનમંત્રીનાં દેશવ્યાપી તાળાબંધીનાં એલાન પછી જે હવે ૧૪ એપ્રિલ સુધી લબાવાયું છે. બીજા દિવસથી અખબાર પણ આવતાં બંધ થઈ ગયા. અમારી ગોઠવાયેલી દિનચર્યામાં પહેલું ગાબડું પડ્યું !

હવે બીજા વીસેક દિવસ તો બધાંએ આ પરિસ્થિતિમાં કાઢવાના રહેશે. આ પ્રકારના સંજોગોમાં અમને અમારાં માતાપિતાની બહુ વિચિત્ર કહી શકાય એવી મુશ્કેલ હાલતમાં હોય તેવું જણાતું હતું. તેમનાં લગ્નજીવનને ભલે ત્રીસ વર્ષ થયાં, પણ ઘરે બેસીને, જાગૃત અવસ્થાનો, એક સાથે આટલો બધો સમય તેઓએ ક્યારે પણ કદાચ નહીં વીતાવ્યો હોય. નૅટફ્લિક્ષ જેવાં સાધનોની મદદથી તેઓ સમય પસાર કરવાના પ્રયાસ કરી રહ્યાં છે, પણ તેમ છતાં કામકાજ વગર ઘરે બેસી રહેવું પડે છે એટલે દિવસના અંતે તેમને કંટાળો આવવા લાગ્યો છે. અમે તેમની સાથે દિવસમાં ત્રણ ચાર વાત કરીને, એકાદ બે વખત વિડીયો કૉલ કરીને તેમના ખબર અંતર પૂછતાં રહીએ છીએ. દિવસમાં એકાદ બે વાર અહીં અમે જે રીતે ઘરમાં ગોઠવાઈ રહ્યાં છીએ તેના ફોટા અને વિડીયો ક્લિપ્સ પણ મોકલીએ. પણ તેનાથી કંઈ અર્થપૂર્ણ રીતે સમય તો ન વાપરી શકાય ! એ લોકોની પેઢી હજુ અમારી પેઢી જેટલી આપણી પૈતૃક સમાજવ્યવસ્થાની મનોદશામાંથી બહાર પણ નથી આવી શકી. અમારી પેઢીના પિતાઓ અમારી માતાઓને ઘરકામમાં મદદ કરવા ટેવાયેલા ન હોય, તો અમારી માઓ પણ તેમની રસોડામાં હાજરીથી ટેવાયેલી ન હોય. હું તો નસીબદાર છું કે હું આજની પેઢીના સમયમાં જન્મી છું, જ્યાં પતિપત્ની એકબીજાંની અપેક્ષાઓ બાબતે બહુ સ્પષ્ટ હોય છે. મને તો જોકે રસોઈ કરવી ગમે છે અને હું રાંધણકળાની નિષ્ણાત ભલે નથી, પણ મારા હાથની રસોઈ સ્વાદિષ્ટ તો જરૂર હોય છે. મારે માટે તો રસોઈ જીવનચર્યાની એકધારી દોડધામમાં શારીરીક અને માનસીક સ્ફુર્તિ બક્ષતી પ્રવૃતિ પણ છે. પણ તેમ છતાં ‘જી’ મારી સાથે મદદમાં હંમેશાં રહે જ છે, અને તે મને ગમે પણ છે.

સમાજ તરીકે આપણે એક બહુ અકળ વળાંક પર આવી ઊભાં છીએ. કોરોનાએ આપણને પહેલી વાર ભાન કરાવ્યું છે કે આજે સમય ‘જીસકી લાઠી ઉસકી ભેંસ’નો નથી, પણ જો ટકી રહેવું હશે તો બધાંએ સામુહિક રીતે જવાબદારી ઉઠાવવી અને નિભાવવી પડશે. ઈન્ડીયન એક્ષ્પ્રેસના એક લેખમાં જણાવાયું છે એમ આ સમય, ખરેખર તો, ‘શારીરીક અંતર’ જાળવીને ‘સામાજિક’ નજદીકી’ની હુંફ પેદા કરવાનો છે. સાર્વત્રિક તાણના આ સમયમાં પોતાની સંભાળ રાખવાની સાથે આપણી ભૌતિક કક્ષાએ અંતર જાળવીને આસપાસનાંની સંભાળ લેવાની બાબતે સજાગતા કેળવવી પડશે. અને એ બધું કરવા જતાં કોરોના વાઈરસનાં સંક્રમણનાં ચક્રને તોડવા માટે જે કંઇ કરવાનું છે તેમાં તો ચૂક ન થાય તે તો મહત્ત્વનું છે જ. ટેલીફોન, સામાજિક માધ્યમોની મદદથી એકબીજાંની જરૂરીયાતોથી અવગત રહીએ અને તે પુરી કરવામાં શક્ય તેટલી સહાય કરીએ. એકબીજાંથી અંતર રાખવામાં આપણે સામાજિક તાણ અને ચિંતામાં ઉમેરો નથી કરી રહ્યાં તે બાબતે સજાગ રહીએ.

ન્યુયોર્ક ટાઈમ્સના એક અન્ય લેખમાં આ મહામારી પછી માનસીક આઘાત પછીની વિકારાત્મક પરિસ્થિતિનાં સહલક્ષણો (પૉસ્ટ-ટ્રૉમેટિક ડીસઑર્ડર સિન્ડ્રોમ) તરફ અંગુલિ નિર્દેશ પણ કરાયો છે. આ એવી સ્થિતિ હોઈ શકે છે જેમાં પરિસ્થિતિ પર કાબુ મેળવાઈ ચુક્યાનું સાબિત થયા બાદ પણ સામુહિક્પણે તેના ડરની સ્થિતિમાં જીવવું. એક એવી શક્યતા પણ વિચારાઈ રહી છે કે પૂર્વવત સ્થિતિ સ્થપાયા બાદ પણ લોકો હવે તે વ્યવસ્થામાં પાછાં ફરવામાં અસુખ અનુભવે, અમુક બાધ્યકર્તા જીવનક્રમ જ તેમને ફાવી ગયો હોય કે તૂટી ચુકેલ અમુક સામાજિક સંબંધો કે વ્યવસ્થાઓ ફરીથી પૂર્વવત ન બને.

અમારૂં જ ઉદાહરણ લઈએ. ફેબ્રુઆરી ૨૦૨૦માં લગ્નસંબંધમાં બંધાયા પહેલાં અમે બન્ને આઠ વર્ષથી એકબીજાનાં પરિણય સહચર્યમાં હતાં. અમારી વૈધિક અને કાયદાકીય સ્વરૂપની સ્વીકૃત સહજિંદગી આવી અકલ્પ્ય ઐતિહાસિક પરિસ્થિતિમાં શરૂ થશે તેવું તો એ વર્ષોમાં ક્યારે પણ વિચાર્યું નહોતું. સહજીવનની આ શરૂઆત આદર્શ જરૂર નથી, પણ એ પરિસ્થિતિમાં બન્ને એકબીજાં સાથે છીએ તેને કારણે તે માત્ર સહ્ય જ નહીં પણ રસપ્રદ અને મજા આવે તેવી અનુભવાઈ રહી છે.

આ હું લખી રહી છું ત્યારે એક વડીલ બાજુના મકાનની બાલ્કનીમાં, એકલા એકલા, આકાશ ભણી, નજર કરીને, મોટેથી ભજનો ગાઈ રહ્યા છે. થોડી જ વારમાં ઘરમાંથી એક બુમ સંભળાય છે (કદાચ તેમના દીકારાની હશે) જે તેમને ઘરની અંદર બોલાવી લે છે.

બધું પૂર્વવત બની રહ્યું છે, અને છતાં કંઇ જ પહેલાં જેવું નથી જણાતું.

આપણને, આપણા બધાં માટે, શુભેચ્છાઓ…..


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે

Author: admin

Leave a Reply

Your email address will not be published.