શબ્દસંગ : મિલાપ, લોકમિલાપ અને પુસ્તકવાચન પ્રસારના ઋષિ

-નિરુપમ છાયા

ગુજરાતી સાહિત્ય અને પુસ્તકોની વાત કરીએ એમાં આ ક્ષેત્રે મૂલ્યો સાથેની અનોખી પરંપરાઓ દ્વારા ઉચ્ચ માપદંડો થકી પ્રથમ રહી, સાહિત્ય સર્જકો અને ભાવકોના હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન મેળવનાર લોકમિલાપની FACE BOOK WALL પર નવેમ્બર માસના પ્રારંભે જ એક સંદેશ વાંચીને સૌને આંચકાનો અનુભવ થયો: “લોકમિલાપ વિદાય માગે છે. સિત્તેર વરસની સાહિત્ય યાત્રા હવે પૂરી કરીએ છીએ……….દરેક પ્રારંભનો એક અંતિમ પડાવ ક્યારેક તો આવવાનો જ…..” અને પછી આગળ આ ટૂંકા નિવેદનમાં વિશેષ સ્પષ્ટતાઓ પણ કરી છે. લોકમિલાપે વિવધ પ્રકારે, પુસ્તક પ્રકાશન ક્ષેત્રે કલ્પનાશીલ પ્રયોગો, પ્રવૃત્તિઓ અને પ્રકલ્પોનાં માધ્યમથી લોકોનાં હૃદયમાં સ્થાન મેળવ્યું એનાં મૂળમાં સ્વજન સમું બની ગયેલું એક નામ એટલે મહેન્દ્ર મેઘાણી. ઝવેરચંદ મેઘાણી જેવા સમર્થ સર્જકના એ પુત્ર. પણ પિતાનું નામ આગળ ધરીને ઓળખાવાને બદલે પોતે અલગ જ એવી કેડી કંડારી કે પિતાના સંસ્કારને, વારસાને ઉજ્જવળ બનાવ્યો. લોકમિલાપના પાયાનાં મંડાણથી લઈને વિકાસ, સંવર્ધનમાં મહેન્દ્રભાઈનાં દૃષ્ટિ અને શ્રમ મહત્વનાં બની રહ્યાં. એથી જ મહેન્દ્રભાઈને થોડા જાણ્યા વિના લોકમિલાપની વાત અધૂરી જ કહેવાય. મહેન્દ્રભાઈએ અભ્યાસકાળ દરમિયાન, સ્વાતંત્ર્ય આંદોલનમાં ભાગ લીધો અને ગુલામીની કેળવણી ન લેવી એવું મનમાં દૃઢ થઈ ગયેલું એટલે કોલેજનું શિક્ષણ તો અધૂરું જ રહ્યું. પિતાજી સાથે થોડું કામ કર્યું અને નાની એવી નોકરી પણ કરી. પછી છેવટે ૧૯૪૮માં અમેરિકા ગયા અને ન્યુયોર્ક શહેરમાં આવેલી કોલંબિયાની સ્કૂલ ઓફ જનરલ સ્ટડીઝ માં માસ કોમ્યુનીકેશન-પત્રકારત્વ, રેડિયો, ફિલ્મ-નો કોર્સ લીધો. વિદેશ અભ્યાસના એ સમયનો એમણે ઉત્તમ ઉપયોગ કર્યો. બપોરે અભ્યાસમાંથી ફ્રી થતાં જ UNOની ઓફિસે પહોંચી જતા. જન્મભૂમિના એક સવારનાં દૈનિક ‘નૂતન ગુજરાત’ તરફથી પ્રતિનિધિ તરીકેની નિમણુંકનો પત્ર સાથે લાવેલા એટલે દરેક સ્થળે અને મીટીંગોમાં પણ પત્રકાર તરીકે પ્રવેશ મળી જતો. છેવટે અભ્યાસ પૂર્ણ કરી, ૧૯૪૯ના ડિસેમ્બરમાં ભારત પાછા આવ્યા. અમેરિકા હતા ત્યારે જ ‘રીડર્સ ડાયજેસ્ટ’ જેવું એક સામયિક ગુજરાતી ભાષામાં શરુ કરવું એવી ગાંઠ વાળેલી. એટલે ભારત આવીને, ‘લોકમિલાપ’ના નેજા હેઠળ, ૨૬ જાન્યુઆરી ૧૯૫૦નાં રોજ દેશના પ્રથમ પ્રજાસત્તાક દિને, મુંબઈમાં ‘મિલાપ’ નામનું સામયિક શરુ કર્યું. દરેક વયના વિદ્યાર્થીઓ માટે અને જિંદગીના અંત સુધી વિદ્યાર્થી રહેનારા તથા ગરીબ લોકોને પોતાના જીવન પરની રાખ ખંખેરી,પ્રદીપ્ત કરવાની પ્રેરણા આપી જીવન સંતોષમય, આશામય અને સંસ્કારમય બનાવી, જીવનને દોરતું, પુરૂષાર્થને પ્રેરે, શુદ્ધ વિચાર, પવિત્ર ભાવના, ઉત્સાહ, શુભ વૃત્તિની જાગૃતિ સાથે, લાગણીઓની સૂક્ષ્મતા કેળવે, ધર્મબુદ્ધિને જાગૃત કરે,હૃદયની વેદનાને તેજસ્વી કરી, સમભાવ પેદા કરે,ચિત્તમાં પ્રવેશી, આનંદ લહેરીથી વાચકને ડોલાવી દે, ઓજસ્વિતા અને સત્વવૃદ્ધિ જેના પ્રાણ છે એવાં સાહિત્યનું , ભેરુ, ભોમિયા અને ગુરુની કામગીરી બજાવે તેવું વાચન પૂરું પાડવા, મુંબઈમાં લોકમિલાપ દ્વારા મિલાપ સામયિકરૂપે આ પ્રથમ સોપાન મૂકાયું. પહેલાં જ અંકમાં ઊઘડતે પાને ‘નાની સી મિલનબારી’ નામના લેખમાં પ્રયોજન વ્યક્ત કર્યું, ‘ચોપાસની દુનિયા વિશેનું જ્ઞાન વધારનારું, સામાન્ય સમજના રસિક વાચકને રુચે,સરળ લાગે ,અને ઉપયોગી નીવડે તેવું વાચન પૂરું પાડવુ વિવિધ અનેક સામયિકોમાંથી અને પુસ્તકોમાંથી ઉત્તમ સામગ્રી પસંદ કરી, એને સંક્ષિપ્ત કરી,‘મિલાપ’માં પ્રસિદ્ધ કરતા. કોઈ લેખકે સીધી મોકલેલી કૃતિ પ્રસિદ્ધ ન થતી. આમ સાહિત્યના ભાવકો, વાચકોને સામયિકોમાંની ઉત્તમ સામગ્રી અને પુસ્તકોના અંશોથી મિલાપ દ્વારા ઉત્તમ પુસ્તકોનાં વાચન માટે માર્ગદર્શન મળતું. આ રીતે ‘મિલાપે’ વાચકોના વાચન રસનું ઘડતર પણ કર્યું. ‘મિલાપ’ના લોક્ગંગા નામના વિભાગમાં વિવિધ સમાચારપત્રોમાંનાં વાચકોનાં મંતવ્યોમાંથી પસંદ કરી, ટૂંકાવીને , પ્રસિદ્ધ થતાં. વિચાર ઘડતરનો પણ આ એક ઉત્તમ પ્રયાસ !. મહેન્દ્રભાઈની સંક્ષિપ્તિકરણની હથોટી એવી કે મૂળ કરતાં પણ કૃતિ સંઘેડાઉતાર બનતી. ઘણી વખત તો લેખકોને મૂળ કરતાં એ સંક્ષિપ્ત કૃતિ વધારે પસંદ પડતી. એનો ઉપયોગ પણ કરતા. યશવંત શુક્લ કહેતા કે મહેન્દ્રભાઈ તો હાઈકુનો પણ સંક્ષેપ કરી શકે.

ગાંધીજીના પ્રભાવથી નિયમિત દિનચર્યા સાથે દરેક કાર્યમાં સમયપાલન, અપરિગ્રહ, સાદાઈ, અને શ્રમ વગેરે સાથે જે કરવું એ ઉત્તમ કરવું જેવા ગુણો એમનાં વ્યક્તિત્વની વિશેષતા બની રહ્યા. પ્રચાર અને પ્રસંશાથી તો દુર જ. ખાદીનાં વસ્ત્રોનો જ ઉપયોગ કરે. ભાવનગરમાં સાઇકલ પર પૌત્રને ફરાવવા નીકળતા એનું ઘણાને સ્મરણ હશે. ગાંધીજીનાં વ્યક્તિત્વ અને કર્તૃત્વને સુંદર રીતે પ્રસ્તુત કરતાં ગાંધીગંગાના બે ભાગનું પુસ્તક તૈયાર કરવા અમદાવાદમાં રહ્યા. પુત્રીનાં ઘર પાસેથી મળતી બસમાં દરરોજ ટીફીન લઇ ,સાબરમતી આશ્રમ જવાનું, ત્યાં બેસીને આખો દિવસ પુસ્તકોનું અનુશીલન, લેખન ચાલે અને સાંજે બસમાં જ ઘરે પાછા આવે. ઘણા દિવસો સુધી એમનો આ નિત્યક્રમ રહેલો. ઘરે હોય કે કોઈને ત્યાં મહેમાન થયા હોય, પોતાનાં કપડાં જાતે જ ધોવાનાં, ભોજન પછી પોતાનાં વાસણ પણ પોતે જ સાફ કરવાનાં. વજુભાઈ શાહના નાના ભાઈ બાબુભાઈને ઘરે કોઈ કારણસર એમને જવાનું થયું ત્યારે બાબુભાઈને ઘંટી પર દળતા જોયા અને મહેન્દ્રભાઈ જેનું નામ! તરત એનો ચેપ લાગ્યો અને ઘંટી વસાવી, દળવાનું શરુ કર્યું તે લગભગ ૨૦-૨૫ વર્ષ ચાલ્યું. એમની સિદ્ધાંતપ્રિયતા લોકોને જડતા લાગે એટલી હદ સુધીની. લિપિમાં (જોડણીમાં નહીં) સુધાર માટે આત્યંતિક લાગે એટલે સુધીના આગ્રહી. તેમ છતાં એમનાં સૌમ્યતા અને સરળતા આપણને આકર્ષ્યા વિના ન રહે. એથી જ આ કલ્પનાશીલ વ્યક્તિત્વે નૂતન કેડીઓ પણ કંડારી.

પછી લોકમિલાપ ભાવનગર ખસેડાયું અને ત્યાં તો “રસ્તે જતાં રસ્તો મળે’ એ ઉમાંશંકર જોશીની કાવ્યપંક્તિ વાસ્તવિક રુપ ધારણ કરતી હોય તેમ આ કલ્પનાશીલ વ્યક્તિત્વે નૂતન કેડીઓ પણ કંડારી. તેમના આ નિષ્ઠાભર્યા પુરુષાર્થને દિશાઓ જ જાણે આમંત્રણ આપવા લાગી. બે’ક વર્ષમાં તો પુસ્તક ભંડાર શરુ થઇ ગયો. મોટે ભાગે ગુજરાતી પુસ્તકો ત્યાંથી મળે. ગુજરાતીમાં પ્રકાશિત થતાં પુસ્તકોમાંથી કાળજીપૂર્વક વીણીને વિવિધ વિષયો અનુસાર ગોઠવેલાં ઉત્તમ પુસ્તકોના એ ભંડારની મુલાકાત પણ લ્હાવો હતો. વ્યવસ્થા પણ એટલી ઉત્તમ કે પુસ્તકો મોકળાશથી અને નિરાંતે જોઈ શકાય. ‘મિલાપ’ સામયિકનાં માધ્યમથી અને નિયમિત પત્રવ્યવહારથી સંપર્કની વ્યવસ્થિત યાદી તૈયાર હતી, એમને અવારનવાર આ ભંડારમાં પ્રાપ્ય પુસ્તકોની નિયમિત સૂચિ મોકલીને ભંડાર વિષે માહિતી આપવામાં આવતી. પણ નગીનદાસ પારેખે એક વખત લખેલું તેમ ”ભાઈ મહેન્દ્રને અવનવા તુક્કા સુઝે છે, અને એમની વ્યવસ્થાશક્તિ તેને સિદ્ધિમાં પલટી નાખે છે એટલે તે તુક્કા ન રહેતાં , તીર બની જાય છે.” પુસ્તક ભંડાર સ્થિર થતાં જ, ગુજરાતી સાહિત્યમાંથી ઉત્તમ સાહિત્ય લોકોને ઉપલબ્ધ કરાવવા આગવી દૃષ્ટિ સાથે પ્રકાશનનો પ્રારંભ કરાયો. આગવી દૃષ્ટિ એટલા માટે કે સાહિત્ય સત્વશીલ તો હોય જ, પણ મોંઘુ છે એમ કહીને ખરીદવાનું માંડી વાળવું ન પડે એટલે પરવડે એવી કિંમતે આપવા વિચારાયું. અને એ રીતે આગોતરા ગ્રાહકની યોજના તૈયાર થઇ. સંપર્કની સૂચિ તો તૈયાર જ હતી એ પ્રમાણે યોજનાની વિગતો પહોંચાડવામાં આવી. આ યોજનાની વિશેષતા એ હતી કે પ્રકાશક અને ગ્રાહકનો સીધો સંબંધ બંધાય. વચ્ચેથી વિતરક ન હોય એટલે કમિશન નીકળી જ ગયું. વળી, રકમ આગોતરી આવી જતાં અને જેટલી નકલ છપાય તે બધી વેંચાઈ જશે એવી ખાતરી રહે જેથી રોકાણ, વ્યાજ જેવા કોઈ પ્રશ્નો જ ઊભા ન થાય, પરિણામે પુસ્તકની કિમત નીચી આવે. પછી તો સમયાંતરે, ‘આપણો સાહિત્ય વારસો’ ઉપરાંત, ખિસ્સાપોથી જેવાં કાવ્ય કોડિયાં, હાસ્ય, સામાન્યજ્ઞાન, વિચારકણીકાઓ જેવાં વિવિધ સ્વરૂપનાં, મિલાપના પ્રથમ અંકમાં વ્યક્ત કરેલી લોકમિલાપની ભાવનાને અનુરૂપ અને આર્થિક રીતે પરવડે તેવી કિમત સાથે અન્ય પુસ્તકોનાં પ્રકાશનો પણ થવા માંડ્યાં. પુસ્તકોની ગુણવત્તા ,પ્રામાણિકતા અને પારદર્શકતાને કારણે લોકમિલાપે લોકહૃદયમાં આદર અને શ્રદ્ધાપૂર્ણ સ્થાન મેળવ્યું.

(ક્રમશ:)


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.