લ્યો, આ ચીંધી આંગળી : છાપામાંથી મને લાગેલા એક ચેપની વાત… ( ભાગ ૧)

રજનીકુમાર પંડ્યા

આ કોરોનાના કહેરના કારણે છાપું નાખવા ઘેર નથી આવવાના એ જાણીને લાખો લોકો ખિન્ન થઇ ગયા. ટીવીમાંથી રાતદિવસ ધોધમાર ઝિંકાતા સમાચારો (જેને દરેકને બ્રેકિગ ન્યુસ તરીકે ઓળખાવવામાં આવે છે), રેડીયો, અને હવે તો નેટ પર વગર માગ્યે પીરસાતાં અખબારોનો આફરો ચડે છે, છતાં નક્કર કાગળ પર છપાઇને મળતાં છાપાં સિવાય કરાર વળતો નથી.

જો કે, એનાથી કોઇને ચેપ લાગ્યાના કોઇ સમાચાર હજુ તો આવ્યા જ નથી.

પણ મને પોતાને ૧૯૮૬ની સાલમાં એક સવારે હું તાવથી પીડાતો હતો ત્યારે અખબાર ‘ફૂલછાબ’માંથી એક ‘ચેપ’ લાગ્યો હતો.

ચોત્રીસ વરસ પહેલાંની એ ચેપની યાદ આજે જુદા જ સંદર્ભે મનમાં ઊમટી આવી.

૧૯૮૬માં માર્ચ સુધી હું રાજકોટની વિજયા બૅન્‍કમાં મેનેજર હતો અને ત્યાંથી બદલી પામીને અમદાવાદ આવી જતાં પહેલાં થોડા દિવસે બન્યો હતો. મને લાગેલા એ વિશિષ્ટ ‘ચેપ’ વિશે એનો ઇલાજ થઇ ગયા પછી મારી ‘સંદેશ’ની કોલમમાં એક લેખ પણ લખ્યો હતો. એ લેખ જ અહીં ઉતારું:

‘કાળી મેઘલી રાતે બહાર અનરાધાર વરસાદ જામેલો છે. અમારા ઘરનાં બારીબારણાં સજ્જડ બંધ છે. અમે સૌ રજાઈમાં ઢબુરાઈને સૂતાં છીએ. એકાએક મારા કાને પાણીનાં એકધારા ટીપાં ક્યાંક પથ્થર ઉપર પડી રહ્યાં હોય, એવો આછો અવાજ સંભળાય છે. મારી વરસાદી મીઠી ઊંઘની આરપાર એક સળવળાટ પસાર થઈ જાય છે. અરે, ક્યાંક મારા ઘરની છતમાં તો ચુવાક નથી ને! તો તો ભારે થાય ! હું રજાઈ હટાવીને પલંગ નીચે પગ મૂકું છું. લાઈટ ગયેલી છે. એટલે લાંબી ટોર્ચનો શેરડો ખૂણે ખૂણે ફેંકીને તપાસું છું. હાશ, કશું નથી. એ તો ખાલી મારા મનની ભ્રમણા જ. આ ચોમાસામાં ભલભલાં પાકાં મકાનોની છત ટપકવા માંડી છે. અમારો તો આ ભાડાનો જૂનોપુરાણો આશરો છે. એટલે મનમાં બીક પેસી ગયેલી તે અત્યારે રાતના બે વાગે મારા ચિત્તમાં ચમકી જાય છે. ચમકાવીને જગાડી દે છે, પણ જોઉં છું તો હકીકતમાં કશું નથી. સબસલામત છે. બાકી મને ટેવ છે, શિયાળામાં અર્ધી રાતે ઊઠી ઊઠીને નાનકડી દીકરીના શરીર પરથી ખસી ગયેલી શાલને સમી-નમી કરું છું. ઉનાળામાં એનું તાળવું તપી ના જાય એટલા માટે પરાણે સફેદ ફેલ્ટ પહેરાવું છું. રસ્તામાં ચાલતો હોઉં ત્યારે ઍન્જિનના ડબ્બાની જેમ મારી પાછળ પાછળ ચાલવાની યા મારી આંગળી પકડીને ચાલવાની એને ટેવ પાડી છે. મારા સંતાનની મને બહુ ફિકર છે. બહાર બારે મેઘ ખાંગા થઈને તૂટી પડ્યા હોય પણ એના પગના નખ પરથી શાલનો છેડો ખસી ના જવો જોઈએ. આમ હજુ હું વિચારું છું ત્યાં તો આંધી-પવનના ઝપાટાથી સજ્જડ વાસેલી બારી ખૂલી જાય છે. સામી સ્ટ્રીટ લાઈટના ઝાંખા પ્રકાશમાં દેખાય છે કે એક વાછરડું થરથર કાંપતું એક રેંકડી પર ખેંચેલી તાલપત્રીની ઓથે ઊભું છે. પશુને શું ? એનું તો જીવન જ એવું, કદાચ કોઈ માણસનું બચ્ચું હોત તો થોડી વધારે કંપારી થાત. પણ અંતે તો બારી ફરી સજ્જડ વાસ્યે જ છૂટકો. એ ઉઘાડી રહી જાય, એને પવન લાગી જાય અને બાળક માંદું પડી જાય તો ?

સૌએ પોતપોતાનાં બાળકનું ધ્યાન રાખવું જોઈએ, પણ ક્યારેક નથી પણ રાખતા. નથી રાખતા ત્યારે ફેરીયાના ફુગ્ગાના ઝૂમખામાંથી એક નાનકડો ફુગ્ગો છુટ્ટો પડીને આકાશમાં ચડીને ક્યાંક અદૃશ્ય થઈ જાય છે અને પછી ફરી કદી પાછો હાથમાં નથી આવતો. જો કે. બાકીના ફુગ્ગાની જિંદગીનો દોર તો ટટ્ટાર રહે છે. પણ પેલા છૂટા પડી ગયેલા ફુગ્ગાનું શું ? બાળકનું પણ એવું થાય. છૂટા પડી ગયેલા બાળકને આ અફાટ માનવસાગરને ડખોળીને, ખોળી આપીને એનાં મા-બાપને કોણ શોધી આપે ? શા માટે શોધી આપે ? એવી કોઈ જરૂર નથી. સૌએ પોતપોતાનાં સંતાનોનું ધ્યાન રાખવું જોઈએ.

કેવાં કેવાં કારણે, કેવી કેવી રીતે બાળક કુટુંબથી છૂટું પડી જાય છે ? સૌ સૌની અલગ અલગ કથની હોઈ શકે. એમાંની એક કથની, જે ખરેખર તો આ લેખના બીજા ભાગમાં મારે આપી દેવાની હતી. પણ અત્યારે જ અહિં આપી દઉં છું. કારણ કે હું કોઇ સસ્પેન્સ સ્ટોરી નથી લખી રહ્યો. હું જે લખી રહ્યો છું તેના સસ્પેન્સનું કેન્દ્ર તો બીજું જ છે.

કર્ણાટકની ધારવાર-હુબલી રેલવે લાઈન પર આવેલા હાવેરી ગામની સુધરાઇના બગીચાનો નિલપ્પા નામનો હરિજન માળી આ રીતે જ પોતાની સાથે રહીને ઉછરતી નવ-દસ વર્ષની પૌત્રીને ખોઈ બેઠો. દિકરો શેટ્યાપ્પા અને વહુ થેલમ્મા મુંબઈ રહે છે. મુંબઈમાં એ લોકો કામાટીપુરામાં રહે છે. દિકરો તો ટૅક્સી ડ્રાઈવર છે, પણ વહુનો ‘ધંધો’ એવો છે કે એમની નાનકડી આઠ-દસ વરસની બેબીને એની સાથે રાખી ના શકાય. કામાટીપુરાનો વિસ્તાર ધાવણાં બાળકો માટે બરાબર, પણ સમજણાં બાળકો માટે નથી. એટલે દસ વરસની દીકરી લલિતા દાદાદાદી સાથે હાવેરી રહેતી હતી. ત્યાં કન્નાવેલી સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતી હતી. દાદી નાગમ્મા એને બહુ વહાલી હતી. પણ વહાલી દાદી પણ ક્યારેક બહુ તંગ થાય ત્યારે ગુસ્સો કરી બેસે. વૃદ્ધાવસ્થામાં મગજ પણ તિતાલી થઈ ગયું હોય. એક દિવસ સવારે લલિતાને ભૂખ લાગી અને ખાવા માગ્યું ત્યારે તાકડે જ ઘરમાં અન્ન ના મળે. ડબ્બા-ડુબ્બીને અને હાંડલાને દાદીમા ઉપર તળે કરતી હતી ત્યાં જ લલિતાએ પગ પછાડીને ફરી ખાવાનું માગ્યું. દાદી ચિડાઈ ગઈ. પકડીને એક દીધી અડબોથ. લલિતા રિસાઈને ઘરમાંથી ભાગી. એને ગાડી જોવી બહુ ગમતી, કારણ કે ગાડી એને મન રહસ્યમય પટારા જેવી હતી. એમાં બેસીને મા ક્યારેક આવતી. ને એમાં બેસીને જ અદૃશ્ય થઈ જતી. દાદી સાથે માથાકૂટ થઇ ત્યારે એ ગાડીમાં બેસીને ક્યાંક ભાગી છૂટવાની લલિતાને ઈચ્છા થઈ. સ્ટેશને ગઈ ત્યારે ગાડી પડી જ હતી. એ દોડીને એક ડબ્બામાં ચડી ગઈ. અને ગાડી ઉપડી.

પછી રસ્તામાં શું થયું ? પૈસા વગર વિટંબણા પડી ? ખાવાપીવાનું મળ્યું કે નહીં ? કાંઈ જ માહિતી મળતી નથી. કલ્પના છે કે મુંબઈ સ્ટેશને ઊતર્યા પછી મહાકાય અજગરના જડબા જેવા શહેરમાં પેસવાની એની હિંમત નહીં ચાલી હોય. માનું સરનામું ક્યાં એની પાસે હતું ? એ જ મૂંઝવણમાં એ બીજી ગાડીમાં બેસી ગઈ હશે. એકલી એકલી છૂટે મોંએ રડી પડી હશે. અથવા વિસ્મયથી ફાટી ફાટી આંખે ચોતરફ જોઈ રહી હશે – રસ્તામાં કોઇએ ભિખારી સમજીને ખાવાનું આપ્યું તે ખાઇ લીધું હશે. એકાદ-બે દિવસ એમ જ પસાર થઈ ગયા હશે. અને પછી જ્યાં એ ટ્રેઇનનું છેલ્લું સ્ટેશન એવા સાવ અજાણ્યા એવા રાજકોટ જંક્શનના પ્લૅટફૉર્મ પર એણે પગ મૂક્યો હશે. અને પછી સ્ટેશનની બહાર નીકળી ગઇ હશે.

આ બધી સાચી હોય એવી કલ્પનાઓનો નકશો.

પણ વર્તમાનમાં શું થયું ? એનો તો આરંભ અહિંથી થાય છે.

બીજે દિવસે બપોરે પાપડનો ધંધો કરતા પાંત્રીસ વરસના નટવરલાલ બાબુલાલની નજરે એ રખડતી ભટકતી નજરે પડી. ખોડિયાર પરાની ચાર નંબરની શેરીમાં એક ખૂણામાં નિમાણી થઈને બેઠી હતી અને બીજા એના જેવડાં અજાણ્યાં ગુજરાતી છોકરાંઓને રમતાં કિલ્લોલતાં જોઈ રહી હતી. નટવરલાલને દયા આવી ગઈ. થોડું વહેમવાળું લાગ્યું એટલે પૂછ્યું – ઠપકારી ઠપકારીને પૂછવાથી એટલી ખબર પડી કે નામ લલિતા છે. ને વતન દૂરદેશમાં કર્ણાટક છે. ગામ ? એ એને નહોતી ખબર. હોય તોય ભાષાના માધ્યમ વગર બીજી શી ખબર પડે ? લલિતાને કન્નડ ભાષા સિવાય કોઈ ભાષા ના આવડે! નટવરલાલને કન્નડ ભાષા ના આવડે. નટવરલાલને ડહાપણ સૂઝ્યું કે પોલીસમાં સોંપી દઈએ. ત્યાંથી ક્યાંક છેડો મળશે. ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં ‘ગુનો’ ( જો એ ગુન્હો હોય તો) બનતો હતો. ત્યાં જઈને છોકરીની ભાળવણી કરી. જમાદારે બીજી જાન્યુઆરી છ્યાસીની તારીખમાં ૧૦/૮૬ નંબરની ઍન્ટ્રી પાડી. પછી છોકરીને બેસાડીને પાણી-બાણી પાયું. ગાંઠિયા ખવડાવ્યા. ફરી પૂછપરછ શરૂ કરી. પણ ભાષાભેદના લોખંડી પડદા આડેથી કાંઈ સંભળાતું નહોતું. કંટાળીને એમણે કલમ મૂકી દીધી ને છોકરીને ગોંડલ રોડ – રાજકોટ ઉપરના કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં આશરો લેવા મોકલી આપી.

પેટમાં લાગેલી ભૂખને કારણે ગાલ પર પડેલી દાદીમાની થપ્પડ દસ વરસની એક કંગાળ હરિજન છોકરીને ક્યાંથી ક્યાં લઈ આવી ? ક્યાં હાવેરી ? ક્યાં રાજકોટ ? ક્યાં એનાં માબાપ, ક્યાં એનાં દાદાદાદી ? ને ક્યાં આ સાવ અજાણી ભાષા બોલતા ચહેરા ! ઝૂમખામાંથી છૂટા પડી ગયેલા ફુગ્ગાની વ્યથા કદાચ લલિતાએ અનુભવી હશે. પણ આશ્રમમાં એના જેવડી ઘણી છોકરીઓ. ચશ્માંવાળા બહેન આશાબહેન અને એક મંગળાબહેન કરીને બહેન બહુ ભલાં હતાં. થોડા દિવસમાં લલિતાનું મન બધાં સાથે ભાષાની દીવાલને ગણકાર્યા વગર હળી ગયું. એનાં કપડાં સાવ ચીંથરેહાલ હતાં. આશ્રમવાળાએ નવાં પહેરાવ્યાં. સરસ મજાના ચોટલા પણ વાળી આપ્યા. પણ આમ છતાં અનંત આકાશને કોઈક છેડે પડેલા, છૂટા પડેલા પરિવારના નાનકડા ઝૂમખાને એનું મન ઝંખ્યા કરતું હતું. પણ ત્યાં સુધી કોણ પહોંચાડે ? કેવી રીતે પહોંચાડે ? ને છેલ્લે, શા માટે પહોંચાડે ? અરે, એ વાત સમજવા માટે ભાષા જોઈએ એ સમજનાર પણ ક્યાં છે ? એની ભાષા તો કોઈ સમજી શકતા નહોતા, પણ આંસુમાં તરતી ઉદાસીની ભાષા તો સૌ ઉકેલી શકતા હતા.

**** **** ****

હવે અહીં મને છાપામાથી લાગેલા ચેપની વાત આવે છે.

સવારના પહોરમાં આખા જગતના સારામાઠા સમાચારોને ચાના ટેબલ પર પાથરીને બેઠો હતો. ચા પીતાં પીતાં એ સમાચારો પર રસભૂખ્યા અસંતુષ્ટ પતંગિયાની જેમ નજર ઊડાઊડ કર્યા કરતી હતી. એ જોવાતું હતું કે અવસાન નોંધમાં આપણું તો કોઈ નથી ને ? બાકી ક્યાંક જ્વાળામુખી ફાટ્યો હોય, ક્યાંક રોગચાળો ફાટી નીકળ્યો હોય અને હજારો મર્યા હોય એનો વાંધો નહોતો. એ તો ચાલ્યા કરે. પસાર કરવાના આખા દિવસનો પ્યાલો હજુ તો છલોછલ ભર્યો હતો. છાપાનાં સુખદુઃખ એમાં બરફના નાના નાના ક્યૂબ્સ જેવા તરતા હતા. દિવસ સાથે સાથે એને પણ ઓગાળી ઓગાળીને પી જવાના હતા. પણ બરફનો એક ટુકડો આજે ગળે અટક્યો. લલિતા નામની એક માસૂમ કન્નડ છોકરી આપણા શહેરમાં આવી ચડી હતી. ભાષાના વાંકે અટવાઈ પડી હતી. સમાચારો ચાર-પાંચ લીટીના જ હતા. એમાં કોઈ અપીલ પણ નહોતી. પણ વાંચતા વાંચતા મારી જ દીકરી દૂર દૂરના કોઈ અજાણ્યા પ્રદેશમાં એકલી અટવાઈ પડી હોય એવી, થૂંકી નાખવાનું મન થાય એવી કલ્પના આવી ગઈ. જાણે કે બહારના અનરાધાર વરસાદમાંથી સાવ ઝીણી ઠંડી વાછટનું એક બિંદુ મારી જાડી ચામડી પર બરછીની તીક્ષ્ણતાથી પડ્યું. યા કદાચ કોઇ વાઇરસ દિમાગમાં પેઠું. કદાચ ઉપરનું વેન્ટિલેશન જરી ખુલ્લું રહી ગયું હશે. બાકી બારીઓ તો સજ્જડ બંધ કરેલી હતી.

હવે ? શું કરવું ? કાંઈ થઈ શકે આપણાથી ? કે ચાલશે ! ક્ષણભર માટે લાગ્યું કે ચાલશે, પણ બીજી જ ક્ષણે અમારી બે વરસની બાળકી તર્જનીની અને દસ વરસની લલિતાની છબી એક થઈ ગઈ. કોઈએ જાણે કે દયામણી બૂમ મારી : ‘પપ્પા, તમે ક્યાં છો?’

એ સાથે મગજમાં હજાર કીડીઓ સામટી સળવળવા માંડી. વાઇરસ લાગી ગયો. શરીર સતપ હતું. સાધારણ તાવ હતો. છાપું બાજુએ મૂકીને મેં બારણાં તરફ પગ દીધો. જાણે કે બહારથી અનરાધાર વરસાદની થોડી વાછટ આવી. અને માત્ર એ વાછટથી પણ રેલ આવી અને મને ઘરના ઊંબરાની બહાર તાણી ગઈ. સામેના ફ્લેટના ઊંબરે લઈ ગઈ. એ ઊંબરાની અંદર હર્યુંભર્યું સુખી કન્નડ કુટુંબ હતું. એમને ત્યાં પણ લલિતા જેવડાં કે, એનાથી થોડાં નાનાંમોટાં સંતાનો હતાં. એ સૌ લલિતાના મુલકનાં હતાં. લલિતાની ભાષાનો શબ્દેશબ્દ સમજે એવાં. પણ હું ગયો ત્યારે ભાઈ ઘેર નહોતા. મેં એમનાં પત્નીને કહ્યું, “આપને ત્યાં ફોન નથી એટલે જરા મારે ત્યાંથી ફોન પર એમની સાથે વાત કરશો ? તમારા મુલકની દૂર દૂરથી રઝળતી ભૂલી પડેલી લલિતાની કથની હું તમને કહું છું. તમે એમને કહેશો? કહેશો કે ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશને જાય અને લલિતા સાથે વાતચીત કરીને એમાં નામ-ગામ, ઠામ-ઠેકાણું મને મેળવી આપે. બાકીનું હું ફોડી લઈશ.”

“કેમ નહીં?” એમણે કહ્યું: “કેમ નહીં? ચાલો.”

બહેન મારે ત્યાં આવ્યાં. ફોનથી એમના પતિ જોડે વાત કરી. પણ મને સંતોષ ના થયો એટલે મેં પણ રિસીવર હાથમાં લઇને વાતને દોહરાવી. ખાતરી મેળવી કે ભાઈ સમય મળતાં આજે જ પોલીસ સ્ટેશને જઈ આવશે. મને બધો પત્તો મેળવી આપશે.

તાવની જરી કળતર વધી હતી એટલે ઑફિસે જવાય તેમ નહોતું પણ કળતરની સાથે મનમાં બેચેની વધતી જતી હતી. વારે વારે અમારી બેબીને ખેંચીને વહાલ કરતો હતો. એથી મારા મનને થોડી સ્વાર્થી શાંતિ થતી હતી.

રાત પડી. સામેવાળા કન્નડ બંધુને ઘેર જઈ દ્વાર ખખડાવ્યું. ટી.વી. પરના સમાચારોનો આસ્વાદ થતો હતો. એમાં ખલેલ પાડીને આ ઘરઆંગણના સમાચાર તેમની પાસેથી મેળવવાનું મને અજુગતું લાગ્યું. અંતે નવ વાગ્યા. ‘યે જો હૈ જિંદગી’ શરૂ થવાને ચારપાંચ જાહેરખબરોનું છેટું હતું. વાત કરવા માટેનું આ આદર્શ મુહૂર્ત ગણાય. લોકો નારાજ થયા વગર શાંતિથી વાત સાંભળી લે. કાનસરો આપે. મેં પૂછી જ લીધું : “શું થયું ? જઈ આવ્યા ?”

“અરે….” એમણે ઘૂંટણ પરની લુંગી સરખી કરી પોતાની નાનકડી મુન્નીને ગોદમાં લીધી : “આજે કામમાં સાવ રહી જ ગયું. અને….” એમણે અટકીને વિચાર કર્યો પછી પૂછ્યું : “પણ પોલીસ સ્ટેશન આવ્યું ક્યાં ? મને એ તો ખબર નથી.”

“સવારે ફોન પર જ પૂછી શક્યા હોત.” એમ કહેવાનું મને થયેલું મન મેં વાળી લીધું. શાયર ગાલિબની પેલી પંક્તિ યાદ આવી ગઈ : તેરે બેમહેર કહને સે વો તુઝ પર મહેરબાં ક્યું હો ?”

મેં ડાહ્યું ડાહ્યું હસીને કહ્યું : “હા, એ સાચી વાત. હું હમણાં જ પૂછી લઉં છું.” ફરી ફોન પર ગયો. ડાયલ ઘુમાવ્યું અને ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન ક્યાં આવ્યું ? તેનો પત્તો મેળવ્યો. ફરી ટી.વી.ગ્રસ્ત વિસ્તારમાં પ્રવેશ્યો. ‘યે જો હૈ જિંદગી’ પૂરું થયા પછી મેં એમને ‘બી’ ડિવિઝનનું સરનામું આપ્યું.

“કાલે જરૂર જઇ આવીશ..” એ બોલ્યા. મને શંકાળુ સંતોષ થયો.

‘કાલે’ પણ એ જ જવાબ મળ્યો : “કામમાં રહી ગયું. ભુલાઈ ગયું. મારી ઓફીસમાં ઘણા મુલાકાતીઓ આવ્યા હતા….”

“ખેર.” મેં કહ્યું : “કાંઈ વાંધો નહીં.”

“કાંઈ વાંધો નહીં.” કહેતી વખતે મને છાતીએ પાણી હતું. રાજકોટ શહેરમાં બીજા કન્નડભાષીઓ નહીં મળે ? શી વાત છે ? અરે મારી વિજયા બૅન્ક કર્ણાટકની જ છે. આપણી ઑફિસમાં જ ચારપાંચ જણા કન્નડ છે. કોઈ પણને કહીશું.

આવીને તો ઑફિસના જ એક કર્મચારીને ચે મ્બરમાં બોલાવ્યા. વિનંતીના સ્વરમાં કહ્યું : “કર્ણાટકની એક બાળકી લલિતા ભૂલથી રાજકોટ આવી ગઇ છે. નિરાશ્રિત બાલાશ્રમમાં પોલીસે રાખી છે. પણ એ કોણ છે ? એનું ગામ ક્યું ? એના વાલી કોણ ? એની કોઇ માહીતી એ આપી શકતી નથી. કારણ કે એને ગુજરાતી ભાષા આવડતી નથી અને આશ્રમના કોઇને કન્નડ આવડતી નથી. આ મુશ્કેલી છે.’

“તો સર, વ્હૉટ કેન આઇ ડુ?”

એ મારા ભાવને પામી ન શક્યો. એટલે મેં સ્પષ્ટ કહ્યું : “મારી સાથે આવશો ? મદદ કરશો ? તમારા જ સ્ટેટની આ બાળકી….”

એક પળ એ હોઠ બીડીને વિચારમાં પડી ગયો. પછી એ વિચારનું પરિણામ મને કહ્યું :

“અહીં અમારો કર્ણાટક સંઘ છે. એને પૂછવું પડશે.”

મને જરી આંચકો લાગ્યો.“અરે પણ….” મેં કહ્યું : “દુભાષિયા તરીકે મદદ કરવા આવવું એમાં પણ પૂછવું પડે ?”

પણ એ બહુ સ્વસ્થ માણસ હતો. બોલ્યો : “પૂછવું પડશે. કાલે પૂછીને કહીશ.”

હું નિરાશ થયો. પણ વિચાર્યું ‘કાલ’ પડવાને કેટલી વાર ?

પણ એ કાલેય આવી ગઇ એમાં આવો જવાબ મળ્યો. “અમારા સંઘવાળા ના પાડે છે. કહે છે કે છોકરીનો મામલો છે. પોલીસનું લફરું થાય.”

મારા શરીરમાં આજે ફરી થોડો તાવ હતો. એ મગજમાં ચડી ગયો હોય એમ મેં અનુભવ્યું. અકળાઈને બોલ્યો : “લફરું કેવી રીતે થાય ? તમે તો પોલીસને મદદ કરવા જાઓ છો. નથી બાળકીનો કબજો સંભાળતા. નથી જામીન થતા, નથી ક્યાંય સહીસિક્કામાં સંડોવાતા. ભલે હું બૅન્‍ક મેનેજર રહ્યો, પણ હું એક કૉલમિસ્ટ પત્રકાર તરીકે જાઉં છું. મારી પાસે ‘સંદેશ’ નું કાર્ડ પણ છે. તમે એકલા નથી જતા. મારી સાથે આવો છો. મારી અને લલિતાની વચ્ચે દુભાષિયાનું કામ કરો છો. એમાં શેનું લફરું થાય?”

“લફરું થાય.”

હું થોડી વાર સૂનમૂન બેઠો રહ્યો. કેવી વાત હતી? છોકરીને કાંઈક કહેવું છે. મારે એ સાંભળવું છે. માત્ર વચ્ચેની હવા બનવા કોઈ તૈયાર કેમ નથી ? પોલીસનો એટલો બધો ડર ? કે પછી..

( વધુ આવતા સપ્તાહે..)

(તસવીર: નેટ પરથી)


લેખક સંપર્ક:

રજનીકુમાર પંડ્યા., બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: admin

5 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : છાપામાંથી મને લાગેલા એક ચેપની વાત… ( ભાગ ૧)

  1. ‘ઝૂમખામાંથી છૂટો પડી ગયેલો ફુગો’! જબરદસ્ત સરખામણી કરી. તમે વચ્ચે હતા એટલે આ સત્યકથા જરૂરથી સુખાંત હશે એમ માની લઉં છું.

  2. Very nicely presented. Had you not given the background people would have taken it to be fictional suspense. Thanks for sending. But why didn’t you meet Dev Anand alone? He would have many things stored in his heart which without disclosing to persons like you have gone into the waters of oblivion.

Leave a Reply

Your email address will not be published.