બાળવાર્તાઓ : ૧૫ : આવ રે, કાગડા, પાણી પીવા

પુષ્પા અંતાણી

નાનકડો કૈરવ બીજાં છોકરાંને નિશાળે જતાં જોતો અને એને પણ નિશાળ જવાનું બહુ મન થતું. એક દિવસ એણે એની મમ્મીને પૂછ્યું: :”હું ક્યારે નિશાળે જઈશ?” મમ્મીએ એને કહ્યું: “બસ, બેટા, આ ઉનાળાનું વેકેશન પૂરું થાય પછી તું પણ નિશાળે જશે.” પોતે થોડા દિવસો પછી નિશાળે જશે તે વિચારથી ખુશ થઈને કૈરવ રોજના નિયમ પ્રમાણે રૂમની બાલ્કનીમાં આવીને ઊભો રહ્યો. નીચે આંગણાના ક્યારામાં ઊગેલા છોડ પર નાની નાની ચકલી, પતંગિયાં કે ક્યારેક ભમરો ઊડીને આવે તે બધું જોવાની કૈરવને બહુ મજા આવતી.

એના ઘરની બહાર ગુલમહોરનું મોટું ઝાડ હતું. એની ડાળીઓ છેક બાલ્કની સુધી આવી ગઈ હતી. બપોર પછી ત્યાં રોજ એક કાગડો આવીને બેસતો. કાગડાનો ‘કા…કા…’ અવાજ સાંભળીને કૈરવ દોડતો બાલ્કનીમાં આવી જતો. એને લાગતું કે કાગડો ‘કા…કા…” કરીને એને બોલાવે છે. એ કાગડાને ‘હાય’ કહે અને પછી કાગડા સાથે વાતો કરે. કાગડો ડાળી પર બેસીને એની ડોક બંને બાજુ જે રીતે હલાવે, આંખનો ડોળો જે રીતે ફેરવે, તે જોઈને કૈરવને એવું લાગતું કે કાગડો એની બધી જ વાતો સાંભળે છે. થોડી વાર પછી કાગડો ઊડી જાય અને કૈરવ ખુશ થતો કૂદતો-કૂદતો ઘરમાં આવી જાય.

આજે કાગડાનો આવવાનો સમય થઈ ગયો, છતાં એનો અવાજ સંભળાયો નહીં. કૈરવ બે-ત્રણ વાર બાલ્કનીમાં આવીને જોઈ ગયો, પણ કાગડો આવ્યો નહોતો. એ થોડી વાર બાલ્કનીમાં ઊભો રહ્યો. એને કાગડાની ચિંતા થવા લાગી. ત્યાં તો એને દૂરથી ઊડતો આવતો કાગડો દેખાયો. એ રોજની જેમ ગુલમહોરની ડાળી પર આવીને બેઠો તો ખરો, પણ કૈરવને આજે એ બદલાયેલો લાગ્યો. એ ‘કા..કા…’ પણ બોલ્યો નહીં. એ ખૂબ થાકેલો લાગતો હતો. એણે કૈરવ સામે જોયું પણ નહીં.

કાગડો ચારે બાજુ ડોક ફેરવી દૂર દૂર સુધી જોતો હતો. કૈરવને લાગ્યું કે જાણે કાગડો કશુંક શોધી રહ્યો છે. કાગડો હાંફતો હતો અને વારંવાર ચાંચ ઉઘાડબંધ કરતો હતો. થોડી વાર પછી કાગડો ઊડીને નીચે આંગણાના ક્યારામાં આવેલા નળ પર બેઠો. એણે ડોક નીચે નમાવી નળમાંથી પાણી પીવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નળ તો બંધ હતો. એમાંથી પાણી આવતું નહોતું. કાગડો નિરાશ થઈને ફરી પાછો ગુલમહોરની ડાળીએ આવીને બેઠો.

કૈરવને હવે સમજાઈ ગયું કે કાગડો આજે બહુ ઊડ્યો છે એથી થાકી ગયો છે અને તરસ્યો થયો છે. એણે કાગડાને પૂછ્યું: “તરસ લાગી છે? પાણી પીવું છે?” પણ કાગડાએ તો જાણે એની વાત સાંભળી જ નહીં. કૈરવને થયું, હું કાગડા માટે પાણી લઈ આવું. એ દોડતો રસોડામાં ગયો. કાચના મોટા વાડકામાં પાણી લાવ્યો. વાડકો બાલ્કનીની પાળી પર મૂક્યો. પણ આ શું? કાગડો ડાળી પર હતો જ નહીં.

કૈરવ કાગડાને શોધવા લાગ્યો. એની નજર સામે આવેલા ઘરની અગાશી પર પડી. કાગડો ત્યાં પાળી પર બેઠો હતો અને ચારે બાજુ જોતો પાણી શોધતો હતો. કાગડાનું મોઢું ઊંધી દિશામાં હતું, કૈરવ તરફ એની પૂંછડી હતી. કૈરવ પાણીવાળો વાડકો બતાવી મોટેમોટેથી બોલવા લાગ્યો: “કાગડા, તને તરસ લાગી છેને? આવ, પાણી પીવા આવ… જો, હું તારા માટે પાણી લાવ્યો છું… આવ.”

પરંતુ કાંઈ વળ્યું નહીં. કાગડો ત્યાંથી પણ ઊડ્યો અને ઉપર ગોળગોળ ચક્કર મારવા લાગ્યો. કૈરવ તો વાડકો બતાવી એને પાણી પીવા બોલાવતો રહ્યો. સાંજ પડી ગઈ હતી. આથમતા સૂરજનાં કિરણો પાણીથી ભરેલા કાચના વાડકા પર પડવા લાગ્યાં. એથી પાણી ચમકવા લાગ્યું. ઉપર ઊડતા કાગડાની નજર એના પર પડી. એને ખબર પડી ગઈ કે નીચે વાડકામાં પાણી છે. કાગડો તરત નીચે આવ્યો, બાલ્કનીની પાળી પર બેઠો, નાના નાના કૂદકા મારતો વાડકા પાસે આવ્યો.

કૈરવ રાજી થતો બોલ્યો: “લે, પાણી પી!” કાગડો ચાંચ નમાવીને વાડકામાંથી પાણી પીવા લાગ્યો. પીતો જ રહ્યો. એ જોઈને છેવટે કૈરવથી રહેવાયું નહીં. એ બોલી ઊઠ્યો: “હવે બસ કર, કાગડા, કેટલું પાણી પીશે? કયાંક તારું પેટ ફાટી પડશે!” કાગડાએ પણ પાણી પીવાનું બંધ કર્યું. તાજોમાજો થયો હોય તેમ આખા શરીરને ફફડાવ્યું. પછી કૈરવ સામે જોયું, જાણે કહેતો હોય: “મેં પાણી પી લીધું, હવે જાઉં છું મારે ઘેર!”

કાગડો ઊડીને જવા લાગ્યો. કૈરવે દૂર જતા કાગડાને કહ્યું: “બાય, કાગડા! કાલે પાછો આવજે પાણી પીવા!”

કાગડો ‘કા…કા…’ બોલતો ઊડી ગયો.

Author: admin

1 thought on “બાળવાર્તાઓ : ૧૫ : આવ રે, કાગડા, પાણી પીવા

Leave a Reply

Your email address will not be published.