પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૩૬

નયના પટેલ, લેસ્ટર, યુકે

પ્રિય દેવી,

મારા જન્મદિવસની શુભેચ્છા આમ જ દર વર્ષે મળતી રહેશે જ એવી ખાત્રી સાથે એક વાત યાદ આવી. તું મારી બાળપણની મિત્ર શ્રીલેખાને ઓળખે છે ને? હું લગ્ન કરીને યુ.કે. આવી ત્યાં સુધી એને એક એવી ધારણા હતી કે હું જ્યાં સુધી એને પરિક્ષાના ‘બેસ્ટ લક’ ન કહું તો એ સફળ ન થાય..!

તેં આપણી દોસ્તીને પૂર્ણ ચંદ્રની જે ઉપમા આપી તે હું એ રીતે મૂલવું છું કે અપેક્ષા વગરની મિત્રતામાં શીતળતા હોય, એક ભર્યૉ ભર્યૉ અહેસાસ હોય…જેને ‘રુહથી મહેસુસ’ કરવાનો હોય. અને એટલે જ મને ‘ ખામોશી ‘ ફિલ્મનું પેલું ગીત ખૂ….બ જ ગમે છેઃ

હમને દેખી હૈ ઈન આંખોકી મહેંકતી ખૂશ્બુ, હાથસે છૂકે ઈસે રિશ્તોંકા ઈલ્ઝામ ન દો,
સિર્ફ એહસાસ હૈ યે, રુહસે મહેસુસ કરો, પ્યારકો પ્યાર હી રહેને દો કોઈ નામ ન દો.

ગુલઝારજીની સૂક્ષ્મતમ્ લાગણીની અભિવ્યક્તિ અંતરને હચમચાવી દે તેવી હોય છે. આત્માથી જ જેનું હોવાપણું અનુભવવાનું હોય એ વિચાર જ કેટલો ભવ્ય છે ને? હવે ગીતની વાત કરવા બેઠી છું તો એ ફિલ્મની વાત પણ કરી જ લઉં. શું સ્ટોરી, શું એક્ટીંગ અને શું ગીતો! સાચે જ જ્યારે મેં એ ફિલ્મ જોઈ હતી ત્યારે ઘણા દિવસો સુધી એ મનને ઉદાસ કરી ગઈ હતી.

વ્યક્તિ માટે પ્રેમની અભિવ્યક્તિ કેટલી મહત્વની હોય છે નહી? અને જ્યારે એને મનને ખૂણે ધરબી દેવી પડે ત્યારે જે ટીસ ઉઠે છે તે કોઈ જોઈ શકતું નથી. પરંતુ તે દરેક વ્યક્તિની ખામોશ રહીને સહન કરી લેવાની શક્તિ પર આધાર રાખે છે. કોઈ એમાંથી હકારાત્મક બનીને એ ટીસને રચનાત્મક બનાવી શકે છે જ્યારે શરદબાબુના દેવદાસ જેવા કોઈ નકારત્મક બની વિનાશ તરફ ઘસડાઈ જાય છે.

ગયા પત્રમાં આપણે જે પુરાણોની વાત કરી તેના પર હું વિચારતી હતી ત્યારે એક વાત કહેવાનું મન થાય છે કે વેદો લખ્યા પછી તેને બને એટલા સહેલા બનાવવા માટે વ્યાસજીએ પુરાણો લખ્યા. હવે એ પણ કેટલા પ્રમાણમાં મૂળ સ્વરુપે રહ્યા હશે કોને ખબર? ઓછું ભણેલા કે અજ્ઞાન લોકોને સમજાવવા માટે એ લોકોના સ્તર પર જઈને વાત કરવી પડે એ બરાબર છે પરંતુ પુરાણો હિંસા, ઈર્ષ્યા, અભિમાન, કામનાઓથી ભરેલા જોવા મળે છે તેમાંથી નીતિમત્તા કઈ રાતે શીખી શકાય કે શીખવાડી શકાય? તે એક પ્રશ્ન ખરો.

મને લાગે છે કે યુગે યુગે તત્કાલિન પરિસ્થિતિ મુજબ નીતિમત્તાના ધોરણ ઘડાવા જોઈએ અને જમાના પ્રમાણે એમાં બદલાવ લાવવો જ પડશે. હાલમાં હું સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક ‘ચાલો અભિગમ બદલીએ’ વાંચું છું. એ બદલાવ લાવતાં પહેલાં ધર્મ, નીતિ, આચાર-વિચાર, પાપ-પુણ્ય વિગેરે બધાની વ્યાખ્યાઓ તપાસવી પડે, સમજવી પડે અને તાર્કિક રીતે બૌધિક સ્તરે જઈને લોકોને સમજાવવી પડે. કોઈ એકલ-દોકલનું એ કામ નથી. ઝાડના મૂળમાં જ જો સડો લાગ્યો હોય તો તેને કાપ્યે જ છૂટકો અને તો જ એના મૂળમાંથી બીજી નવી કૂંપળો ફૂટશે.

આજે ફિલ્મની વાતો કરવાના મૂડમાં છું. કદાચ એટલે આ લખતી વખતે થોડા વર્ષો પહેલા પરેશ રાવળ એક નાટક લઈને યુ.કે. આવ્યા હતાં-‘કૃષ્ણ V કનૈયો’-એવું કંઈક નામ હતું પછી એ જ નાટક પરથી ફિલ્મ બનાવી હતી-OMG. ફિલ્મ સાચે જ ખૂબ સરસ હતી. હવે કોઈ એમ પૂછે કે આ ફિલ્મ જોઈને કેમ લોકો બદલાયા નહી? ન બદલાય. પરંતુ મનને સાતમે પડદે એ સચવાયેલી હોય. કોને ક્યારે, કેમ અને કઈ રીતે અસર કરશે તે કહેવું તદ્દન અશક્ય છે. પરંતુ મારા હકારત્મક વલણ મુજબ હું માનું છું કે ક્યારેક એ સંઘરાયેલ વિચારો ફળીભૂત થશે-જરુર થશે. ફક્ત આ બદલાવ માટે અખૂટ ધીરજ અને ફળીભૂત થાય એવો (વાંઝણો નહીં) આશાવાદ જોઈશે.

ચાલ, બહુ ગંભીર વાતો કરી લીધી. હમણા થોડા સમય પહેલા મારો ભત્રીજો અને એનું કુટુંબ અહીં ફરવા આવ્યું હતું. એક દિવસ એણે યુટ્યુબ પરથી ‘લગે રહો ગુજ્જુભાઈ’ શરુ કર્યું, દેવી, ખબર નહી કેટલા સમય પછી અમે એટલું હસ્યા છીએ કે મારું માથું અને જડબા દુખી ગયા. જીવનને ગંભીર લઈને ફર્યા કરીશું તો જીવન બોજો બની જશે એમ તે દિવસે સમજાયું.

તેં શાહબુદ્દીનભાઈ રાઠોડની રમૂજો સાંભળી જ હશે. મને એવાં નિર્દોષ જોક્સ ગમે. હું જ્યારે એમ.એ.ટી.વી ઉપર મારા ‘સ્વયંસિધ્ધ’ કાર્યક્રમની હારમાળા આપતી હતી ત્યારે શાહ્બુદ્દીનભાઈનો ઈન્ટર્વ્યુ લેવાની મને તક મળી હતી. મને લાગે છે અગાઉ ક્યારેક મેં આ વાત તને કરી છે છતાં ફરી ફરી કહેવાનું મન થાય છે. કારણ કે, તેમની એ દિવસની વાતોથી હાસ્યકલાકારનું એક અલગ પાસું જોવા મળ્યું હતું. એમણે હાસ્યના વિવિધ પ્રકારોની વાત કરી. મારા એક પ્રશ્ન-‘આજ-કાલ હાસ્યનું સ્તર કેમ નીચું જતું જાય છે?-ના ઉત્તરમાં એમણે એક ખૂબ સરસ વાત કરી, ‘ હાસ્ય નિષ્પન્ન કરવાની કળા બધા પાસે હોતી નથી. ઈશ્વરદત્ત એ કળા અમુક લોકોને મળે છે. હવે આ લોકો પાસે નિરીક્ષણ શક્તિનો જ્યારે અભાવ થઈ જાય ત્યારે એ વ્યક્તિગત કે કોઈ એક જાતિ કે સ્થૂળતા કે સ્ત્રી એવી બધી વાતોનો આધાર લઈને હાસ્ય નિપજાવવું પડે. નિરીક્ષણ શક્તિ જેટલી વિશાળ તેટલા હાસ્ય માટેના વિષયો પણ વિશાળ.’ક્યારેક એમના ઈન્ટર્વ્યુને યુટ્યુબ ઉપર મૂકવા ધારું છું-ક્યારે ખબર નહી.

ચાલ, મને લાગે છે અંતે ફિલ્મ ‘ખામોશી’ના જ એક ગીતની પંક્તિ જે મારા પ્રિય ગાયક હેમંતકુમારના સ્વરમાં છે તે લખી પત્ર પૂરો કરું.

દિલ બહેલ તો જાયેગા ઈસ ખયાલસે, હાલ મિલ ગયા તુમ્હારા અપને હાલસે……

તુમ્હારે પત્રકા ઈન્તજાર હૈ….

નીનાની સ્નેહયાદ.


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.