સાયન્સ ફેર : સ્નોટબોટને કારણે વ્હેલની વસ્તીગણતરી બનશે આસાન

જ્વલંત નાયક

ઇસ 2021માં ભારતમાં વસ્તી ગણતરી થવાની છે. આવી કવાયત દર દસ વર્ષે યોજાય છે. વસ્તી ગણતરીની પ્રક્રિયા બહુ અગત્યની ગણાય છે, માત્ર માનવો માટે જ નહિ પણ બીજા સજીવો માટે ય! વસ્તી ગણતરીને પ્રતાપે જ સજીવસૃષ્ટિના જે-તે સજીવની લાઈફ સાઈકલ, વધી-ઘટી રહેલી સંખ્યા અને એ પાછળના પરિબળો, ઇકોસિસ્ટમ ઉપર પડતી અસર વગેરે જેવા મહત્વના પરિબળો વિષે માહિતી મળે છે. આથી વિજ્ઞાનીઓને હંમેશા પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા દરેક નાના-મોટા સજીવોની સંખ્યા અને એમની જીવન પદ્ધતિ વિષે જાણવાની તાલાવેલી હોય છે.

ગમે એટલી ઈચ્છા હોય તો પણ સૂક્ષ્મજીવોની સચોટ ગણતરી સ્વાભાવિક રીતે શક્ય નથી. એથી વિરુદ્ધ વિશાળકાય સજીવોની ગણતરી આસાનીથી થઇ શકે, ખરું ને? જી ના. અમુક વાર મોટું કદ ધરાવનાર સજીવોને ટ્રેક કરવાનું પણ અઘરું પડી જતું હોય છે. પૃથ્વીના વિશાળતમ જીવોમાં જેની ગણના થાય છે એ વ્હેલ માછલીનો જ દાખલો લો. કોઈ એક સમુદ્રમાં વ્હેલ જેવું જળચર પ્રાણી રહેતું હોય તો એની હાજરી છૂપી ન જ રહે. આવું ગંજાવર પ્રાણી ક્યાંકને ક્યાંક દેખાય જ! ઓકે ફાઈન! પણ શું વ્હેલ જોવા માત્રથી એની સાચી સંખ્યાનો અંદાજો લગાવી શકાય? કદી નહિ! વ્હેલ આમ શાંતિપ્રિય જીવ છે. જ્યારે કોઈ બોટ નજીક આવતી જણાય, ત્યારે વ્હેલ મોટે ભાગે ઊંડા પાણીમાં ગરક થઇ જવાનું પસંદ કરે છે. આથી વ્હેલની ગણતરીનું કામ અતિશય ખર્ચાળ અને દુષ્કર નીવડે છે. બીજી તરફ, વ્હેલ અને ડોલ્ફીન જેવા સજીવો નષ્ટ થવાની કગાર પર ઉભા છે. એમને બચાવવા હોય તો એમની લાઈફ સાઈકલ અને બીજી સમસ્યાઓ વિષે આધારભૂત માહિતી ભેગી કરવી જ પડે. આ સંજોગોમાં સાચી સંખ્યા જાણવા માટે તેમજ એ સંખ્યામાં થતા વધારા-ઘટાડાનું પ્રમાણ જાણવા માટે તમારે એક એક વ્હેલને માથે આંગળી મૂકીને ગણવી જ રહી. ખરી તકલીફ અહીં છે. સામાન્ય રીતે જંગલમાં વિચરતા વાઘ, સિંહ, રીંછ કે દીપડા જેવા રાની પશુઓની ચોક્કસ સંખ્યા જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ ગોઠવીને જાણી શકાય છે. આ પશુઓના પગલાની ખાસ પ્રકારે પડતી છાપ દ્વારા પણ જંગલમાં એમની ચોક્કસ સંખ્યા વિષે જાણી શકાય છે. આ પદ્ધતિને ‘પગ માર્ક’ (pug mark) મેથડ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વ્હેલ જેવા જળચરની ફૂટપ્રિન્ટ ખોળવી કઈ રીતે?!

ડોન્ટ વરી બી હેપ્પી ! સાયન્સ હૈ તો મુમકીન હૈ ! મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીની મદદથી હવે મધદરિયે વિચરતી વ્હેલની વસ્તી ગણતરી હવે સરળ બનશે. એ માટેની પદ્ધતિ જરા હટકે છે !

જો યુટ્યુબ અને ટેલીવિઝન ઉપર વિજ્ઞાન અને જીવસૃષ્ટિ વિષેની ચેનલ્સ ફોલો કરવાની ટેવ પાડી હોય તો એક દ્રશ્ય ચોક્કસપણે જોયું હશે. વ્હેલ જ્યારે પાણીની સપાટી પર ડોકિયું કરે, ત્યારે ઘણીવાર એ પોતાના નસકોરા વાટે પાણીનો મોટો જથ્થો પિચકારીની જેમ હવામાં છોડે છે. સમુદ્રની વચ્ચે ક્યાંક ફુવારો ફૂટી નીકળ્યો હોય એવું એ દ્રશ્ય ફોટોજેનિક ગણાય. અત્યાર સુધી માત્ર ફોટોગ્રાફર્સને જ આવું દ્રશ્ય મેળવવા દરિયો ખૂંદતા. પરંતુ હવે વહેલની ગણતરી કરવા માંગતા જીવવિજ્ઞાનીઓ પણ વ્હેલ ફુવારો છોડતી હોય એવા દ્રશ્યના દીવાના થયા છે. એનું કારણે છે ‘સ્નોટબોટ’ (SnotBot) તરીકે ઓળખાતા રોબોટિક ડ્રોન્સ.

સ્નોટબોટ એ મૂળભૂત રીતે એક કોર્પોરેટ કંપનીએ આપેલું નામ છે, જે ટચૂકડા ડ્રોન વિમાનને મોડીફાય કરવાનું કામ કરે છે. વ્હેલની ગણતરી માટે જે પ્રકારના ડ્રોન વિમાનનો ઉપયોગ શરુ થયો છે, એ સ્નોટબોટ તરીકે ઓળખાય છે. ખાસ કોઈ મહાન ટેકનિકલ કારીગરી ન ધરાવતા સ્નોટબોટ્સ સામાન્ય ડ્રોન વિમાનો જેવા જ છે. ફરક માત્ર એટલો જ છે કે સ્નોટબોટ્સને માથે ખાસ પ્રકારની પેટ્રીડીશ બેસાડેલી હોય છે. પેટ્રીડીશ એટલે કાચની નાની રકાબી-ડીશ જેવું કન્ટેનર, જે પ્રયોગશાળાઓમાં વપરાય છે. જ્યારે કોઈ જૈવિક નમૂનો (Specimen) પ્રયોગ માટે સાચવવાનો હોય, ત્યારે એને પેટ્રીડીશમાં રાખવામાં આવે છે. સ્નોટબોટ કઈ રીતે વ્હેલની ગણતરી કરે છે એ પ્રક્રિયા સમજવા જેવી છે.

જેવી કોઈ વ્હેલ પાણીની સપાટી પર દેખાવાનું શરુ કરે એટલે સેંકડો મીટર દૂરની કોઈ બોટમાં બેસીને નજર રાખી રહેલા વિજ્ઞાનીઓ રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ થતા ડ્રોનને એ વહેલ પાછળ દોડાવે. વ્હેલના નસકોરામાંથી જેવો પાણીનો ફુવારો છૂટે કે તરત પેલું ડ્રોન એ ફુવારામાં થઈને પસાર થાય. પરિણામે વ્હેલના નસકોરામાંથી છૂટેલું ફુવારાનું પાણી ડ્રોનના માથે બાંધેલી પેટ્રીડીશમાં પડે! અને લો, આ સાથે જ મળી ગયો પેલી વ્હેલ અંગેની તમામ માહિતી આપતો પુરાવો. કેમકે વ્હેલ જે ફુવારો છોડે, એમાં એના નાકમાંથી નીકળતી લાળ પણ બહુ મોટા પ્રમાણમાં સામેલ હોય છે. પેટ્રીડીશમાં દરિયાના ખારા પાણી સાથે વ્હેલની આ લાળ પણ ઝીલાય છે. અને સહુ સુજ્ઞજનો જાણે છે એમ લાળની જૈવિક તપાસ કરીને જે-તે પ્રાણીના ડીએનએ વિષે સચોટ જાણકારી મેળવી શકાય છે.

અત્યાર સુધી વ્હેલની ગણતરી માટે નાની સાઈઝની બરછી વપરાતી, જેના વડે વ્હેલના શરીરમાંથી માણસનો નાનકડો ટુકડો કાઢી લેવાતો, જેના અભ્યાસ દ્વારા જે-તે વ્હેલ વિષે માહિતી મળતી. જો કે આ પદ્ધતિ દ્વારા વ્હેલના શરીરમાં આકાર લઇ રહેલી કોઈ વિષમતા કે રોગ વિષે માહિતી નહોતી મળતી. પરંતુ લાળની તપાસ દ્વારા પહેલા કરતાં અનેકગણી વધુ માહિતી મળશે. વળી, આ રીતે ગણતરી કરવાની હોય તો લાખો ડૉલરની બોટ કે સ્કુબા ડાઈવર્સને બદલે સામાન્ય મોટરબોટ અને ૪,૫૦૦ ડૉલરના ડ્રોનથી જ કામ ચાલી જાય છે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


સંપાદકીય નોંધ – અહીં લીધેલ તસ્વીરો નેટ પરથી લીધેલ છે. તેનો આશય લેખના સંદર્ભને સમજવામાં મદદરૂપ થવા માટેનો છે. તે દરેકના પ્રકાશાનાધિકાર જે તે વેબસાઈટ / મૂળ કર્તાના રહે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.