વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : કાર્યસ્થળમાં કોરોનાનો સામનો શી રીતે કરશું?

જગદીશ પટેલ

કોરોના વાયરસનો વા વાયો છે, વાદળ ઘેરાયા છે, કયારે તુટી પડશે પહેવાય નહી. તુટી ન પડે તો સારું એમ સૌ ઇચ્છે છે પણ આપણી ઇચ્છા મુજબ તો બધું થતું નથી હોતું. ચીન અને ઇટાલીમાં લોકોએ એમ જ ઇચ્છયું હશે પણ એથી વીપરીત હાજરોના મોત થયા છે. કહેવાય છે કે ૧૨૮ દેશોમાં તે પ્રસરી ગયો છે. યુરોપમાં એક જ દીવસમાં ૫૦૦થી વધુના મોત થયા છે, ઇટાલીમાં મૃતકોને દફનાવવા માટે લાંબી લાઇન લાગી છે. હવે ત્યાં પરંપરાગત દફનવીધી પણ શકય નથી કારણ ચર્ચો બંધ છે અને લોકોને ભેગા થવા પર પ્રતીબંધ છે. આમાં હવે એવું વલણ પણ ચાલે તેમ નથી કે ત્યાં થયું તેમાં આપણે શું! ખરી વાત તો એ છે કે ત્યાં થયું છે એટલે જ આપણે પણ લપેટમાં આવીએ છીએ.હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો પરદેશમાં ભણવા કે મજુરી કરવા જાય છે અને લાંબો સમય ત્યાં ગાળે છે.

આપણે ત્યાં ગુજરાતમાં તો હજુ એકાદ કેસ નોંધાયો ત્યાં તો શાળા—કોલેજ ૩૧મી માર્ચ ,૨૦૨૦ સુધી (જે હવે ૧૪મી એપ્રિલ )સુધી બંધ કરી દીધા જેથી બાળકોને ચેપ ન લાગે. પણ શિક્ષકો અને બીજા સ્ટાફને રજા અપાઇ નહોતી. સીનેમાઘરો, તરણકુંડો વીગેરે બંધ કર્યા છે પણ મોલ—દુકાન ચાલુ હતાં. હોસ્પીટલો તો બંધ કરી શકાય જ નહી. મહારાષ્ટ્રમા સરકારી કચેરીઓ બંધ કરી છે. પણ કારખાનાં અને ખાનગી કચેરીઓ બંધ નહોતાં કરાયાં. એ ચાલુ હોય ત્યાં સુધી તો કામદારકર્મચારીઓએ કામે જવું જ પડે. ન જાય તો એણે કારણ આપવા પડે અને આપેલું કારણ કંપની ન ચલાવે તો એને માથે બરતરફીનું જોખમ ઉભું રહે. તમે હરવા—ફરવા ન જાઓ, કોઇની ખબર કાઢવા કે લગન—જનોઇ—સીમંત—વેવીશાળ જેવા સામાજીક પ્રસંગોમાં ન જાવ પણ પરિવારના સભ્યને દવાખાને—હોસ્પીટલમાં લઇ જવાના હોય કે ઘર માટે ખરીદી માટે જવું હોય તો શું કરશો? સંસદ અને વિધાનસભાના સત્રો ચાલુ રખાયા હતાં અને રાજયસભાની ચુંટણી પણ થશે કે કેમ તે હજુ ચોક્કસ નથી.એટલે એ બધા કામોમાં સરકારી કર્મચારીઓ રોકાયેલા હોય છે.

એક સમાચાર આવ્યા કે કર્ણાટકમાં કોરોનાના એક દર્દી જે હૈદરાબાદથી આવ્યા હતા તેમની સારવાર કરનાર તબીબને ચેપ લાગ્યો છે અને તેઓ કવોરન્ટાઇનમાં મુકાયા છે. ચીનના વુહાનમાં જે તબીબે જગત આખાને આ સમાચાર આપ્યા હતા તે તબીબનું અવસાન કોરોનાને કારણે થયું તે આપણે જાણીએ છીએ. હોસ્પિટલ, મોલ, એરપોર્ટ વીગેરે કામના સ્થળોમાં કામ કરતા કામદાર/કર્મચારીઓને માથે આ ચેપ લાગવાનું જોખ મોટું છે. કારખાના વગેરેમાં જવા—આવવા દરમ્યાન તમે જાહેર પરિવહનનો ઉપયોગ કરતા હો બસ કે લોકલ ટ્રેઇનમાં એકબીજાથી એક મીટરનું અંતર રાખવું શકય નથી. તમારી બાજુમાં ઉભેલો માણસ છીંકશે જ નહી અને તેનું છીંક તમારા પર નહી જ ઉડે તેની કોઇ ગેરંટી નથી.

જો એમ થાય તો શું? હાલના ભારતના કાયદા મુજબ ઘરેથી તમે કામે જવા રોજના રસ્તે નીકળો અને રસ્તામાં અકસ્માત થાય તો તે કામને કારણે થયેલો ગણાય અને તે માટે તમે વળતર મેળવવાના હકદાર બનો. સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો હતો અને તેમાં “નોશનલ એકસટેન્શન ઓફ વર્કપ્લેસ” ગણી વળતર ચુકવવા જણાવાયું હતું. તે પછી ઇ.એસ.આઇ. કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. કામને સ્થળે હ્રદયરોગનો હુમલો થાય તો તે કામના દબાણને કારણે આવ્યો અને તેથી તેને વળતર ચુકવવું જોઇએ તેવા દાવા થાય છે અને ઘણાને તેમાં સફળતા મળે છે.

અકસ્માત કામને કારણે અને કામ દરમીયાન થયો હોય (અંગ્રેજીમાં એ માટે જે શબ્દો છે તે ઇન કોર્સ એન્ડ આઉટ ઓફ એમ્પ્લોયમેન્ટ) તો તમે વળતર માટે હકદાર ગણાવ પણ જો રોગ થયો હોય તો? તે માટે કર્મચારી વળતર ધારો અને ઇ.એસ.આઇ. કાયદો એટલે કે કામદાર રાજય વીમા કાયદા હેઠળ જોગવાઇ એવી છે કે બંને કાયદાઓમાં અનુસુચિ —૩માં આપેલ રોગોની યાદી પૈકી કોઇ રોગ થયો હોય અને તેના અનુસંધાનમાં આપેલ શરત તમે પુરી કરતા હો તો તમે દાવો કરી શકો છો.

આ અનુસુચિ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે અ, બ અને ક. અ ભાગમાં માત્ર એક જ રોગનું નામ છે જે છે ચેપી રોગો. તમે આરોગ્ય કાર્યકર હો એટલે કે તમે ડોકટર હો, નર્સ હો, પેરામેડીક કર્મચારી કે હોસ્પીટલમાં કામ કરતા અન્ય કામદાર હો ત્યાંની કેન્ટીનના હોય કે ધોબી હોય કે ઇલેકટ્રીશીન હોય કે સફાઇ કામદાર હોય તો તમને દર્દીઓ ચેપ આપી શકે છે તે ટીબીનો ચેપ હોય કે એચ.આઇ.વી. હોય કે કોરોનો હોય. ચેપી રોગ માત્ર હોસ્પિટલમાં જ લાગે તેવું નથી. અન્ય કાર્યસ્થળમાં પણ લાગી શકે પણ તમારે તેના પુરાવા રજુ કરવા પડે. આવી નોકરીમાં એક દીવસ કામ કર્યું હોય તો તે દાવો કરવા માટે પુરતું ગણાય.

“બ” ભાગમાં જે રોગોના નામ છે તે રોગ માટે તમારે એવા વાતાવરણમાં કામ કર્યું હોય અને ઓછામાં ઓછા ૬ મહીના કામ કર્યું હોય તો જ તમે દાવો કરી શકો. દા.ત. સીસાને કારણે થતા રોગનો આ યાદીમાં સમાવેશ છે. તમે જયાં કામ કરતા હો ત્યાં સીસું વપરાતું જ ન હોય તો તમે શી રીતે દાવો કરી શકો? વળી, આ રોગ એવા નથી કે સંપર્કમાં આવતાં વેંત થઇ જાય. રોગ લાગુ પડે તે માટે સંપર્કનો લાંબો સમયગાળો જરુરી છે અને કાયદાએ તે ગાળો ૬ મહીનાનો નકકી કર્યો છે. કોઇકને એથી વહેલો થાય તો તે પોતાની સજુઆત કરી શકે છે અને કોર્ટ તેને માન્ય રાખે તો વળતર મળે પણ ખરું.

“ક” વિભાગમાં જે રોગો છે જે જુદી જુદી ધુળને કારણે થતા ફેફસાંના જીવલેણ રોગો છે અને તે દરેક માટે જે તે આનુષંગીક વ્યવસાયમાં કેટલો સમય કામ કરવું જરુરી છે તે જુદા જુદા સમયે સરકાર નકકી કરી જાહેરનામું પ્રગટ કરે તેવી જોગવાઇ છે. હાલ જે જાહેરનામું અમલમાં છે તે મુજબ દરેક રોગ માટે જુદો સમયગાળો નકકી થયો છે. દા.ત. સીલીકોસીસ માટે ૬ મહીના છે તો બીસ્સીનોસીસ માટે ૬ વર્ષ છે.

કર્મચારી વળતર કાયદા મુજબ કામદાર/કર્મચારીને સારવારનો ખર્ચ પણ આપવો પડે છે અને તે કારણે થતી ગેરહાજરી પેટે અડધો પગાર પણ ચુકવવો જરુરી છે. કાયદાની અનુસચિમાં ૫૦ જેટલા વ્યવસાયોની યાદી આપી છે તે વ્યવસાયમાં કામ કરનારાઓને આ કાયદો લાગુ પડે છે. ભારતમાં જે કુલ મજુરો છે તેમાં ૫૦%થી વધુ તો ખેતમજુરો છે. આ યાદીમાં તેમનો સમાવેશ થયેલો છે. જો કે કેટલા ખેતમજુરો આ કાયદાનો લાભ મેળવે છે તેની કોઇ માહિતી નથી.

કામદાર રાજય વીમા કાયદાની જોગવાઇ મુજબ કામદારે અને તેના માલીકે વીમાના પ્રીમીયમપેટે ફાળો ભરવાનો હોય છે અને તેની સામે કામદારને અને તેના પરિવારને કાયદામાં જણાવેલા મુખ્ય પાંચ લાભ મળવાપાત્ર છે.૧. તબીબી લાભ. ૨. માંદગી લાભ.૩.અપંગતા લાભ ૪. આશ્રીત લાભ ૫.અંતિમ ક્રિયા લાભ.આ પાંચ લાભોને કારણે કા.રા.વી. નીગમનું ચિન્હ છે તે પાંચ દીવાનું છે અને બધા શહેરોમાં તેના મકાનોનું નામ પણ “પંચદીપભવન” જ હોય છે. આ ઉપરાંત મહીલા કર્મચારીને પ્રસુતિ લાભ, બેકારીમાં બેકારી ભથ્થું વીગેરે લાભો છે. દરેક લાભ માટે જુદી જુદી શરતો છે અને તે શરત પુરી કરનાર વીમા કામદારને જ જે તે લાભ મળી શકે છે.

કામને કારણે કોરોના થાય તો તેને સારવાર તો મળે જ પણ તે કારણે તેને આરામ કરવો પડે અને તબીબી વીમા અધીકારી જો તેને રજા આપે તો સામાન્યરીતે તેને આવી મંજુર થયેલી માંદગી રજા પેટે અડધો પગાર મળે પણ જો કામને કારણે થયું તેમ સ્વીકારાય તો પોણો પગાર મળે. તે કારણે તેને કાયમી અપંગતા આવે કે મૃત્યુ થાય તો તેને અપંગતા લાભ અથવા આષીત લાભ, જે લાગુ પડતો હોય તે, લાભ મળે.અનુભવ એવો છે કે કામદાર રાજય વીમા યોજના અને નીગમના કર્મચારીઓનું વતર્ન અન્ય સરકારી વીભાગો જેવું જ હોય છે. કોઇને સામેથી લાભ આપવો જ નહી, તેને આવો લાભ મળી શકે તેમ છે તેવી જાણ કરવી નહી કે માર્ગદર્શન આપવું નહી પણ તેથી આગળ વધી જો કોઇ લાભનો દાવો કરતું આવે તો તે સ્વીકારવો નહી અને તેને ધકકા ખવડાવવા, જાત જાતાના બહાના બતાવવા, શરતો બતાવવી અને અમુક તમુક શરત તમે પુરી કરતા નથી તેમ જણાવી દાવો નકારી દેવો. પછી દાવેદારમાં દમ હોય અને લડતો રહે તો વળી લાભ મળે.

બધા દેશોમાં વળતર પાત્ર રોગોની યાદીમાં કોરોનાને કારણે મળશે તેવું સ્પષ્ટ લખ્યું નથી હોતું તેવું જ આપણા કાયદામાં છે, માત્ર ચેપી રોગ તેવો ઉલ્લેખ છે.

હવે આ તો કોરોના વાયરસ કોઇ કામદારને કામને કારણે લાગુ પડે તો તેના શા અધિકાર છે તેની વાત થઇ.

ગુજરાતમાં કારખાનાઓમાં ૧૨ લાખ જેટલા કામદારો હોવાનું જણાવાય છે જયારે બાંધકામમાં ૧૫ લાખ હોવાનું કહેવાય છે. આ બાંધકામ કામદારોમાંથી બહુ થોડા કાયમી કહી શકાય તેવા કામદાર હોય છે.મોટા ભાગના કામદારોતો કોન્ટ્રાકટર સાથે કામ કરતા હોય છે અને લાખો એવા છે જે રોજે રોજનું કામ મેળવવા કડીયા નાકે ઉભા રહે છે. બપોર થતા સુધીમાં કામ મળે તો કામે જાય નહી તો ઘરે (ઘર શેનું, ઝુંપડીએ) પાછા ફરે નીકળ્યા હોય કમાવા પણ કમાયા વગર પરત ફરે. આ કડીયાનાકાના કામદારોને કોરોના કહેરમાંથી બચવાનો કોઇ ઉપાય ખરો? કોરોનાથી બચવા ભીડ ન કરવી તેવી સુચના છે. કડીયા નાકા બંધ થશે તો એમની તો રાજી ગઇ. એનું વળતર એમને કોણ ચુકવશે? બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડ પાસે કરોડો ભેગા થયા છે. બોર્ડે તાત્કાલીક નીર્ણય લઇ નોંધાયેલા કામદારોને બેકારી ભથ્થું ચુકવવાની ગોથવણ કરવી જોઇએ. જો કે એમ થાય તો પણ લાખો રહી જાય કારણ અંદાજીત ૧૫ લાખ પૈકી બોર્ડમાં નોંધણી કરાવનાર તો ૫ લાખ પણ નથી.

અને એ સિવાય ઘરે બેસી કામ કરતા બીડી વાળનારાનું શું? હાલ સીનેમા ઘરો બંધ કરાવ્યા છે તે કામદારોને છટણીના લાભ નહી મળે. તેમનો પગાર તેમને મળશે નહી. ગુજરાતમાં શણના કોથળા સીવનારા એક લાખ કામદાર હશે, મંડપ બાંધનારા પણ એટલા જ હશે. બીજી અનેક શ્રેણીના લાખો કામદારો હશે જે રોજી ગુમાવશે. શાક બજાર માટે સરકાર શું કરશે? બધા શાકવાળા ફેરી કરી શકશે નહી અને શાકબજારમાં ભીડ થાય તે સમાજને પાલવશે નહી.

વધુ અગત્યનો સવાલ એ છે કે આપણે આ રોગને કેમ કરી અટકાવી શકીએ અને તે માટે કોણે શું કરવું જોઇએ. આમ તો છેલ્લા થોડા દીવસથી ઇલેકટ્રોનીક અને પ્રિન્ટ માધ્યમોમાં સતત આ વાત આવી રહી છે અને સરકારો જાહેરખબરો આપીને પણ માહીતી આપી રહી છે. છતાં કામના સ્થળો વીશે આ લેખમાં થોડું વિશેષ.

ફેકટરી એકટ હેઠળ નોંધણી પામેલાં કારખાનાઓમાંથી જેમને લાગુ પડતું હોય તેવા એકમોમાં સેફટી ઓફીસર હોય, સેફટી કમિટી હોય અને ઓકયુપેશનલ હેલ્થ સેન્ટર હોય, પુરા કે ખંડ સમયના તબીબ હોય, પુરુષ નર્સ હોય. આ બધાની આ રોગ અટકાવવામાં મહત્ત્વની ભૂમિકા છે.

૧. કામદારોને ખોટી માહિતીથી ચેતવો. તેમને આરોગ્ય શિક્ષણ આપો. તેમને વિશ્વાસપાત્ર માહિતી અને આંકડા આપો. વિશ્વ આરોગ્ય સંસ્થાની વેબસાઇટનો ઉપયોગ કરી શકાય. પ્રચાર માટે પોસ્ટર, લીફલેટ પ્રગટ કરીને વહેંચી શકાય.બોર્ડ પર માહિતી મુકી શકાય.વીડીયો ક્લિપ વોટસએપ દ્વારા મોકલી શકાય.

https://www.who.int/emergencies/diseases/novel-coronavirus-2019

૨. કેટલાક દેશોમાં અસલામત કાર્યસ્થળમાં કામ કરવાનો ઇન્કાર કરવાનો કામદારને અધિકાર છે પણ ભારતમાં નથી. ભારતના કારખાનાઓમાં જે એકમોને પ્રકરણ ૪—અ લાગુ પડે છે તે એકમોના કામદારોને પોતાના જાનનું જોખમ લાગતું હોય તેવી સ્થિતિમાં કારખાના નીરિક્ષકને જાણ કરવાનો કલમ ૪૧—એચ હેઠળ અધિકાર છે. કલમ ૧૧૧—એ હેઠળ કામદારને કામને સ્થળે સલામતી અને આરોગ્ય અંગે માહિતી મેળવવાનો અધીકાર છે, તે માટે તાલીમ મેળવવાનો છે, અને તે અંગે ફેકટરી ઇન્સપેકટરને રજુઆત કરવાનો છે. કલમ ૧૧૧માં કામદારની ફરજો આપવામાં આવી છે. સલામતી અને આરોગ્યના રક્ષણ માટે આપવામાં આવેલા સાધનોનો દુરઉપયોગ ન કરવો, જાણીજોઇને પોતાને કે સાથી કામદારો જોખમમાં મુકાય તેવું કશું ન કરવું વીગેરે. આ કલમના ભંગ માટે તેની સામે કાયદેસર કાર્યવાહી થઇ શકે અને રુ.૧૦૦/— સુધીનો દંડ કે ત્રણ મહીના સુધીની જેલ કે બંને થઇ શકે.

૩. હાથ ધોવાની પુરતી સુવિધા, પુરતા જથ્થામાં સાબુ, સૌની પહોંચમાં હોય તે રીતે સેનીટાઇઝરની સુવિધા, પુરતા વાતાયનની સુવિધા, જેને વારેવારે અડવાની જરુર પડતી હોય તેવી વસ્તુઓને સતત સાફ કરતા રહેવાની વ્યવસ્થા.જયાં જેને માસ્ક આપવાનું જરુરી હોય તેમને સારી ગુણવત્તાના માસ્ક આપવા અને તેનો ફીટનેસ ટેસ્ટ કરવો, માસ્ક કયારે બદલવા તેની નિતી બનાવી જાહેર કરવી અને તેનો પુરતો જથ્થો રાખવો.

૪. આ કારણે કામદારોની ગેરહાજરી હોય તો તે માટે આકરાં પગલાં ન લેતાં વિશેષ ભરપગારી રજા મંજુર કરવી.

૫. કાનુની અધીકારોની માહિતી આપવી અને ખાસ કરીને કામદાર રાજય વીમા યોજનામાંથી લાભ મેળવવામાં વીમા કામદારોને કંપનીનામાનવ સંસાધન વિભાગના અધીકારીઓએ ઉલટભેર મદદ કરવી. જરુર પડયે કંપનીના વકીલોની વીનામુલ્યે સેવા મેળવી આપવી.

૬. જે સુવિધા—સગવડ કાયમી કામદારોને અપાય તે જ કોન્ટ્રાકટર દ્બારા કામે રખાયેલા કામદારોને અપાય. કોરોનાને કારણે રજા પડે તો તેમના પગારનું પણ રક્ષણ કરાય.અહીં હકક—અધીકાર અને ફરજની બહાર જઇ આ મહામારીનો સૌએ સાથે મળીને સામનો કરવાનો છે તે વાત યાદ રાખી સહીતો એ રહીતો માટે ઘસાવાની તૈયારી રાખવી જોઇશે.

૭. જાહેર પરિવહનનો ઉપયોગ કરી કામે આવતા કામદારો પર વિશેષ ધ્યાન આપવું અને તેમને સુવિધા આપવી અને માર્ગદર્શન આપવું. શકય હોય તો કંપનીએ જાહેર પરિવહનનો ઉપયોગ કરતાં રોકવા જરુરી વ્યવસ્થા કરવી જેથી ઉત્પાદન વીનાવિઘ્ને ચાલુ રહે.

૮. વયોવૃધ્ધ કામદાર, જે પહેલેથી જ કોઇ બીમારીનો ભોગ બન્યા હોય (દા.ત. અસ્થમાથી પીડાતા કે સીલીકોસીસ જેવા ફેફસાંના રોગથી પીડાતા) અથવા જે મહીલા કર્મચારી/કામદાર સગર્ભા હોય તેવા માટે વિશેષ ધ્યાન, માર્ગદર્શન, નિતી, છુટછાટ.

૯. જે ઘરે બેસી કામ કરી શકે તેમ હોય તેમને એવી છુટ આપવી. શકય હોય તો પાળીઓની ફેરવિચારણા કરવી જેથી સંપર્કો ઘટાડી શકાય. કામદારો એકબીજાથી અંતર જાળવી શકે તે માટે વ્યવસ્થા કરવી. બને તેટલા ઓછા કામદારોનેકામે બોલાવવા.

૧૦. નાક ખંચેરવું, થુંકવું, છીંક ખાતી વખતે રુમાલ આડો ન રાખવો જેવી સ્વચ્છતા માટે કડક સુચના આપી તેનો અમલ સૌ કરે તેની ખાતરી કરવી. આપણે ત્યાં માવો/તમાકુ/પાન ખાવાની અને ખાઇને જાહેરમાં થુંકવાની ટેવ વ્યાપક છે તે સંદર્ભે આ બહુ મહત્ત્વની વાત છે અને એક પડકાર છે.

૧૧. કામદારો એકબીજાના સાધનો, મોબાઇલ, ટેબલ,કપડાં,જુતાં વીગેરેને અડે નહી, વાપરે નહી, લે નહી તેની ખાસ સુચના આપી તેનું પાલન કરાવવું.

૧૨. ડીસઇન્ફેકટન્ટનો ઉપયોગ કરી સપાટીઓને — ખાસ કરીને — ધાતુની સતત સાફ કરતા રહેવું.

૧૩. જે બીમાર પડે અથવા જેને રોગ લાગુ પડે કે ચેપ લાગે તેને તરત ઓખખી તેને જુદા પાડવા માટેની નીતી તૈયાર કરી અમલમાં મુકવી.

૧૪. લક્ષણો દેખાય ત્યારે કામદારો વીના સંકોચે, ડર્યા વગર અને સમય ગુમાવ્યા વગર મેનેજમેન્ટને જાણ કરે તે માટે પ્રોત્સાહીત કરવા અને તે માટે અનુકુળ સામાજીક વાતાવરણ તૈયાર કરવું.

૧૫. જેમના ઘરમાં કોઇ બીમાર હોય તેવા કામદારોએ કામથી દુર રહેવું સારું જેથી ચેપ ન ફેલાય. તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી.

૧૬. વ્યવસાયના સંદર્ભમાં જેમને પ્રવાસ કરવાનો થતો હોય તેમને તે પ્રવાસ ઓછો કરવા પ્રયાસ કરવો.

૧૭. કામદારોના સવાલો, ચિંતા, મુંઝવણ વીગેરેનો તરત જવાબ મળે તેવી વ્યવસ્થા ગોઠવવી.

૧૮. આરોગ્ય કાર્યકર અને બીજા એવા કાર્યસ્થળોમાં વિશેષ પોશાકની જરુર હોય ત્યાં એ વસાવવા અને તેને પહેરવા વાપરવાની તાલીમ આપવી.

૧૯. મેલા થયેલા, વપરાયેલા, ચેપ લાગેલી વસ્તુઓનો યોગ્ય નીકાલ થાય તે માટે વ્યવસ્થા કરી તેની માહિતી આપવી.

૨૦. કયા કામદારોને માથે સૌથી ઓછું જોખમ છે, કોને માથે મધ્યમ પ્રકારનું જોખમ છે અને કોને માથે સૌથી વધુ જોખમ છે તે જોઇ તે મુજબ રક્ષણની વ્યવસ્થા કરવી.

૨૧. જોખમ ઘટાડવા માટે ઇજનેરી નીયંત્રણ, વહીવટી નીયંત્રણ, અને અંગત સુરક્ષા સાધનો ઉપાય હોય છે.

૨૨. સેવા અને સગવડ આપવામાં કાયમી કામદાર, સ્થળાંતરીત કામદાર, કોન્ટ્રાકટ કામદાર, મહીલા કામદાર, દલીત કામદાર, આદીવાસી કામદાર, ધર્મ—વર્ણ—ભાષા—પ્રદેશને આધારે ભેદભાવ ન કરવા, વહેરો—આંતરો ન કરવો.

૨૩. આ અંગેની નિતી અને કાર્યક્રમ ઘડતી વખતે કામદાર પ્રતિનિધિઓને વિશ્વાસમાં લો અને તેમના સુચનો જાણો.

૨૪. રોજે રોજ બની રહેલા બનાવો અને મળી રહેલી માહિતીની સમીક્ષા કરો, નજર રાખો અને તે મુજબ સુનાઓ આપતા રહો.

કેટલીક લિન્કઃ

https://www.ilo.org/global/topics/coronavirus/lang–en/index.htm

http://phmindia.org/wp-content/uploads/2020/03/Statement-COVID19.pdf


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.