સમયચક્ર : રુપિયાની કથા, માણસની વ્યથા !

બે ઘડી ધારીએ કે જો દુનિયામાંથી બે શબ્દોની બાદબાકી થઈ જાય અથવા એ ગુમ થઈ જાય તો શું થાય ? એ બે શબ્દો છે ઈશ્વર અને નાણાં. મનુષ્યના જીવન સાથે નિકટમ નાતો હોય તો એ છે ઈશ્વરનો અને નાણાંનો. આ બેય માણસની જરુરીયાત છે. ન ઈશ્વર વગર ચાલ્યું છે કે ન નાણાં વગર. રસપ્રદ બાબત એ પણ છે કે આ બે શબ્દોએ માણસના જીવનને જેટલું સૂરીલું બનાવ્યું છે એટલા જ ગુંચવાડા સર્જ્યા છે. માણસ બેયને મેળવવા મથે છે પણ બેય સરળતાથી હાથ આવતા નથી. માણસ આ બેય શબ્દને ગમે તેટલો ધિક્કારે તોય કોઈને કોઈ રીતે તે ઈશ્વર અને નાણાં મનુષ્યની નજીક આવી જ જાય છે. આજે રુપિયો જેટલો સગવડરુપ છે એટલો જ વગોવાયો છે. અત્રે એ યાદ રાખવું પડે કે રુપિયો શબ્દ મોગલકાળની નીપજ છે.

માવજી મહેશ્વરી

જગતમાં એક સમય એવો પણ હતો જ્યારે નાંણા નહોતાં. આજે કલ્પના પણ ન આવે એવી વસ્તુ વિનિમયની પ્રથા થકી જીવન વ્યવહારોનું ગાડું ગબડતું. અનાજ આપો, વાસણ લ્યો. દૂધ આપો, કાપડ લ્યો. ટૂંકમાં ટકે શેર ભાજી ટકે શેર ખાજા જેવો તાલ હતો. વસ્તુ વિનિમયની ( barter System) પ્રથા એટલી અગવડરુપ હતી કે ઉત્પાદનનો કોઈ જ અર્થ સરતો ન હતો. ઉપરાંત અનેક વસ્તુઓ વગર ચલાવી લેવું પડતું તે વધારામાં. પરિણામે સમગ્ર જીવના નિર્વાહમાં કોઈ જીવંતતા ન હતી. કોઈ રોમાંચ ન હતો. પુરુષાર્થનો પણ કોઈ અર્થ ન હતો. કદાચ આ ત્રાસમાંથી છૂટવા જ ચલણની શોધ થઈ હશે. છતાં હકીકત એ પણ છે કે ચલણની શોધ બાટલીમાં પૂરાયેલા ભૂતને બહાર કાઢવા બરાબર હતી. જે આજે સમજાય છે. ચલણની શોધથી કે વ્યવહારમાં ચલણ દાખલ કરવાથી મનુષ્ય જીવન સરળ અને વ્યવહારુ તો બન્યું, તે સાથે બીજા અનેક પ્રશ્નો ઊભા થયા જેનો શો ઉપાય કરવો તેનો ઉકેલ આજના સમયે પણ નથી મળ્યો. અને ભલભલા સત્તાધિશો માથું ખંજવાળી રહ્યા છે. ચલણના આવિસ્કાર પહેલા અમર્યાદ સંપત્તિનો સંગ્રહ કરવો શક્ય ન હતો. કે ન તો કોઈ પદાર્થના સંગ્રહનો અર્થ હતો. પરંતુ ચલણી નાણાએ સંઘરાખોરીના અનેક દરવાજા ખોલી નાખ્યા. ચલણ આધારિત અર્થ વ્યવસ્થાએ સમાજ જીવનમાં અનેક જાતની દોડ પેદા કરી દીધી. નાણાં ભેગા કરવાની દોડ. ભેગા થયેલા નાંણાંથી સત્તા મેળવવાની દોડ. સત્તા મેળવ્યા પછી સત્તા ટકાવી રાખવાની દોડ. પરિણામે આજે નાણું અનેક રીતે અસરકારક હોવાં છતાં બદનામ થઈ રહ્યું છે.

અહીં ચલણ એટલે ભારતીય ચલણની વાત કરવાની છે ત્યારે આપણે ભારતીય તરીકે એ વાતનો ગર્વ લેવો જોઈએ કે જગતની અન્ય સંસ્કૃતિઓની સરખામણીએ ભારતમાં ચલણ વહેલું શરુ થઈ ગયું હતું. ભારતીય ઉપખંડમાં ચલણ આધારિત અર્થ વ્યવસ્થા ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી સદીમાં શરુ થઈ ગઈ હતી. એટલે લગભગ ૨૬૦૦ વર્ષ પહેલા ભારતમાં ચલણની વ્યવસ્થા હતી. દુનિયાભરના ઈતિહાસવિદ્દો સુપેરે જાણે છે કે રાજાઓના સિક્કાઓની વિવિધતા ભારત જેટલી વિશ્વમાં અન્યત્ર ક્યાંય નથી. ભારતનું પ્રારંભિક ચલણ વિવિધ ધાતુના સિક્કા રુપે હતું. ભારત તેમજ બ્રીટનના મ્યુઝીયમોમાં આજે પણ જુદા જુદા ભારતીય રાજવંશો અને રાજાઓએ બહાર પાડેલા સિક્કા જે તે સમયના ભારતીય ચલણના ઉજળા ઈતિહાસની ચમક સાચવી બેઠા છે. એટલું જ નહીં અંગ્રેજોના શાસન દરમિયાન જ ભારતીય ચલણના ઈતિહાસની શાખ પુરતા સિક્કાઓ ભારત બહાર પગ કરી ગયા છે. અહીં નોંધનીય બાબત એ છે કે એ વખતના એકેય સિક્કા ઉપર ક્યાંય રુપિયો શબ્દ નથી. રુપિયો શબ્દ મોગલકાળમાં આવ્યો છે. મોગલકાળ દરમિયાન ભારતીય ઉપખંડમાં કેટલીક વ્યવસ્થાઓ ગોઠવાઈ અથવા તો એ વ્યવસ્થાઓમાં ફેરફાર થયો. અહીં એનાથી પણ મહત્વની રસપ્રદ બાબત એ છે કે મોગલકાળમાં રુપિયો શબ્દ જરુર આવ્યો પણ હિન્દુસ્તાન તરીકે ઓળખાતા આ ભારત દેશમાં ચલણી નાણાંને રુપિયો નામ આપનાર રાજા મોગલ નહોતો. અહીં રુપિયાના જનક ગણાતા સમ્રાટ શેરશાહ સૂરીનો પરિચય જરુરી બને છે.

તારીખ ૨૬/૬/૧૫૩૯ના રોજ અકબરના પિતા હુમાયુને ચૌસાની લડાઈમાં હરાવીને દિલ્હીના તખત ઉપર રાજ કરનાર સમ્રાટ શેરશાહ સૂરીનું મૂળ નામ ફરીદ હતું. જાગીરદાર પિતાનું સંતાન એવા શેરશાહને પિતા સાથે અણબનાવ થવાથી તેણે ઘર છોડ્યું અને લશ્કરમાં સિપાઈથી કારકિર્દી શરુ કરી. ૧૫૩૯ થી ૧૫૪૫ સુધીના માત્ર છ વર્ષ જેટલા અલ્પ સમયમાં ભારતના સમ્રાટ બનવાનું તેના નશીબમાં લખાયું હતું. પરંતુ આટલા ટૂંકા ગાળામાં તેણે કેટલાક એવાં કાર્યો કર્યાં જેના માટે તેને યાદ કરવો પડે. શેરશાહ સૂરીએ ભારતમાં ટપાલ સેવા દાખલ કરી. પોતાના રાજ્યમાં પોલીસ અને જાસૂસી ખાતું શરુ કર્યું. તેણે દેશનું વહીવટી માળખું તૈયાર કર્યું. તેણે જ મહેસુલી પધ્ધતિ દાખલ કરી. આજે ગ્રાન્ડ ટેન્ક રોડ જે નેશનલ હાઈવે નંબર બે તરીકે ઓળખાય છે તે કલકતા દિલ્હીનો માર્ગ બનાવ્યો. એ ભારતનો સૌ પ્રથમ હાઈવે હતો. શેરશાહ સૂરીની સૌથી મોટી ઉપલબ્ધી હોય તો એ છે કે તેણે ભારતીય ચલણને રુપિયો એવું નામ આપ્યું. રૂપિયો શબ્દ મૂળ રૌપ્ય એટલે કે રૂપું (ચાંદી)માં રહેલો છે. સંસ્કૃત ભાષામાં રુપ્યકમ એટલે ચાંદીનો સીક્કો એવો અર્થ થાય છે. શેરશાહ સૂરીએ પોતાના સમયમાં દાખલ કરેલો શુધ્ધ ચાંદીનો રુપિયો ૧૧.૩૪ ગ્રામનો હતો. અને આજના ભાવે ગણીએ પાંચસો રુપિયાની આસપાસ કિંમત થાય. શેરશાહ સૂરીનો રૂપિયો તાંબાના ચાલીસ સિક્કામાં વહેંચાયેલો હતો. જેમકે આજનો રુપિયો ૧૦૦ પૈસામાં વહેંચાયેલો છે. પૂર્વ અને ઈશાન ભારતમાં રૂપિયાને ટાકા કહેવામાં આવે છે. અને એજ નામે ચલણી નોટો ઉપર ઉડિયા ભાષામાં લખાય છે. આજે શતમાન એટલે કે ટકા શબ્દ પણ ટાકા શબ્દમાંથી જ આવ્યો છે.

ભારતની વિવિધ ભાષાઓમાં આના શબ્દ પણ છે. વાસ્તવમાં આના શબ્દ રુપિયાનો લઘુત્તમ એકમ હતો. ભારતમાં એક રૂપિયો ૧૬ આનાનો બનેલો હતો. કચ્છી ભાષામાં નાણાં માટે આના શબ્દ પ્રચલિત છે. ૧૯૫૭ની સાલમાં સ્વતંત્ર ભારતની સરકારે મેટ્રીક સીસ્ટમ દાખલ કરી. એક રુપિયો ૧૦૦ નયા પૈસાનો જાહેર કર્યો. ૧૭૫૦ સુધી ભારતમાં ચલણ જુદી જુદી ધાતુના સિક્કા રુપે જ હતું. અઢારમી સદીના ઉતરાર્ધમાં રૂપિયાએ કાગળનું સ્વરૂપ લીધું. જોકે તે વખતેય ભારતના જુદા જુદા સ્ટેટમાં પોતાનું સ્વતંત્ર ચલણ તો હતું. શરુઆતમાં કાગળનો રૂપિયો ચલાવનાર ભારતમાં ત્રણ બેન્કો હતી. બેન્ક ઓફ હિન્દુસ્તાન (૧૭૨૦ થી ૧૮૩૨), જનરલ બેન્ક ઓફ બંગાળ અને બિહાર ( ૧૭૭૩ થી ૧૭૭૫ ) અને બંગાળ બેન્ક ( ૧૭૮૪ થી ૧૭૯૧ ). બંગાળ બેન્કે ૧૦૦, ૨૫૦ અને ૫૦૦ રુપિયાના ચલણની નોટ બહાર પાડી હતી. નવાઈની વાત છે કે એ નોટની છપાઈ એક તરફ રહેતી અને નોટની બીજી બાજુ કોરી રહેતી. ૧૮૬૧માં ભારતમાં બ્રીટીશ સરકારે સૌ પ્રથમ કાગળની નોટ બહાર પાડી તે દસ રુપિયાની હતી. આ નોટ પણ એક તરફ છપાયેલી અને બીજે તરફ કોરી રહેતી. એ નોટ ઉપર રાણી વિક્ટોરિયાનું ચિત્ર છાપવામાં આવતું. ૧૮૯૯માં બ્રીટીશ સરકારે રુપિયા ૧૦૦૦૦ની કાગળની નોટ બહાર પાડી. ભારતમાં છપાયેલી અત્યાર સુધીની તમામ ચલણી નોટમાં એ નોટ સૌથી વધારે મુલ્ય ધરાવતી પ્રથમ નોટ હતી. એ સમયે બ્રીટીશ સરકારે અઢી રુપિયાની પણ નોટ બહાર પાડી હતી. અને એ નોટ ઉપર હિન્દી ભાષા જ નહોતી પણ ગુજરાતી હતી. એ બાબત તે સમયમાં ગુજરાતી ભાષાનું મહત્વ બતાવે છે.

( અપૂર્ણ )


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “સમયચક્ર : રુપિયાની કથા, માણસની વ્યથા !

  1. અહીંથી થોડાંક ચિત્રો પણ આપ્યાં હોત તો ઓર મજા આવત-

    https://www.google.com/search?q=indian+currency+notes+history&tbm=isch&ved=2ahUKEwjan9Sy0LHoAhUPyawKHQVYDAEQ2-cCegQIABAA&oq=indian+currency+notes+history&gs_l=img.3..0.6753.9625..10794…0.0..0.77.429.8……0….1..gws-wiz-img…….0i67j0i5i30j0i8i30j0i24.xbPGzlVoZF0&ei=4DV5XtqvD4-SswWFsLEI&bih=597&biw=1242&rlz=1C1CHBD_enUS843US843

  2. “૧૫૩૯ થી ૧૫૪૫ સુધીના માત્ર છ વર્ષ “માં ૧૫૩૯ને બદલે ૧૧૯૩૯ છપાયું હતું તે હવે સુધારી લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published.