અસંગ પુરુષ : રામ

દર્શના ધોળકિયા

વાલ્મીકિના નાયક પોતાની વિભિન્ન ભૂમિકાઓ જેવી કે પુત્ર, પતિ, રાજા વગેરેને પસાર કરતાં કરતાં દરેક ક્ષણે પોતાનું અસંગત્વ ને અસાધારણતા સતત પ્રગટ કરતા ગયા – રહ્યા છે.

રામાયણમાં રામનો પહેલો પ્રવેશ, રામના તારુણ્યકાળે, અછડતો જ થયો છે. આશ્રમો તથા યજ્ઞોનું પાવિત્ર્ય જાળવવા માટે, તેમને રાક્ષસોથી સંરક્ષવા માટે, ઋષિ વિશ્વામિત્રને રામ-લક્ષ્મણની આવશ્યકતા પડે છે. વિશ્વામિત્ર, રાજા દશરથ પાસે આ બંને ભાઈઓની માગણી કરે છે ત્યારે દશરથ, પ્રિય પુત્ર રામના વિયોગની કલ્પનાથી વ્યથિત, મૂર્છિત થાય છે પણ રામ તટસ્થ છે.તેમનો પોતાનો આ બાબતે કોઈ જ અભિપ્રાય નથી. પિતા જો ઋષિ સાથે પોતાને મોકલવા ઇચ્છે તો તેઓ જવા માટે તત્પર છે ને પિતા મોકલવા ન ઇચ્છે તો અયોધ્યામાં રહીને જ પિતાની સેવા કરવા તત્પર છે.

પિતાની આજ્ઞાથી વિશ્વામિત્ર સાથે ગયેલા રામે સર્ત્વ્યકર્મ કરીને, રાક્ષસોને માર્યા છે ને વરદાનરૂપે વિશ્વામિત્ર પાસેથી અનેક વિદ્યાઓ ને વરદાનોની પ્રાપ્તિ કરી છે એ પણ પૂરાં તાટસ્થ્યથી. વિશ્વામિત્ર તેમને જનક રાજાના દરબારમાં લઈ જાય છે ને જનક તથા વિશ્વામિત્રના કહેવાથી અત્યાર સુધી કોઈથી સંધિત ન થયેલું શિવધનુષ્ય, રામે ક્ષણમાત્રમાં ઉઠાવી લીધું છે ક્ષત્રિયનો ધર્મ માનીન, નહીં કે સીતાને પામવા. તેમને આ કારણે સીતાપ્રાપ્તિનો આનુષંગિક લાભ થયો છે, તોપણ યુવાન રામ, એ ક્ષણે આવી અલભ્ય પ્રાપ્તિ પ્રત્યે પૂરા નિર્લેપ છે.

જ્યાં સુધી વ્યક્ત થવાની આવશ્યકતા ઊભી થતી નથી ત્યાં સુધી રામ પડદા પાછળ રહેવાનું પસંદ કરે છે. આથી જ લગ્ન કરીને પાછી ફરતી રામની જાનને પરશુરામ આડા ફરે છે ને રામે એમની રજા વિના શિવધનુષ્યનો ભંગ કરવા બદલ દશરથની ખબર લે છે ત્યારે પણ રામે મૌન સેવ્યું છે. જ્યારે પરશુરામે રામને સંબોધીને વાત કરતાં વિષ્ણુનું ધનુષ્ય ચઢાવવા માટે તેમને આજ્ઞા આપી છે ત્યારે રામે મૌન તોડ્યું છે અને ક્ષત્રિયને છાજે એ રીતે પરશુરામ સમક્ષ આંખ ઉઠાવીને વાત કરવાનો આરંભ કર્યો છે. પરશુરામે આપેલા વિષ્ણુના ધનુષ્યને હાથમાં લેતાં રામે કહ્યું છે: “ આપ બ્રાહ્મણ તેમ જ ઋષિ વિશ્વામિત્રના સંબંધી પણ છો તેથી આ બાણ તમારા પર છોડી નહીં શકું. પણ મને લાગે છે કે આપને સર્વત્ર આવવા-જવાનું જે વરદાન મળ્યું છે, આપના તપોબળથી આપે જે લોક પ્રાપ્ત કર્યા છે તેના ઉપર મારું બાણ ચલાવું છું. મારું નિશાન અફળ તો નહીં જ જાય. તેને ક્યાંક તો લક્ષિત કરવું જ પડશે.” આ છે ક્ષત્રિય રામનું રૂપ ને તેમાંથી પ્રગટેલો અટલ આત્મવિશ્વાસ. પરશુરામના ઘમંડ ઓઅર નિશાન લઈને રામે તરત જ પોતાના પુણ્યપ્રકોપનું સંવરણ કરીને પરશુરામને પ્રણામ કર્યાં છે! રામનો આ પ્રથમ પરિચય છે.

લગ્ન કરીને અયોધ્યામાં પ્રવેશેલા યુવાન રામને નીવડવાનું હજુ બાકી છે ત્યારે પણ દિવ્યદ્રષ્ટિથી પોતાના નાયકને પામી ચૂકેલા વાલ્મીકિએ પછીથી પ્રગટ થનારા પોતાના નાયકને ‘સકલ પુરુષ’ તેમ જ ‘કલ્યાણની જન્મભૂમિ’ કહીને અભિવાદતાં અયોધ્યાની ગાદી હવે પછી જેમણે સંભાળવાની છે એવા રામનાં ગુણલક્ષણો અયોધ્યાકાંડના આરંભે માંડીને વર્ણવ્યાં છે.

પોતાના ચારેય ઉત્તમ પુત્રોમાં રાજા દશરથે રામ અધિકતમ પ્રિય હતા. તેમની વિશેષ ગુણવત્તાને લઈને, રામની ગુણવત્તાને લગભગ ભક્તની ઉત્તેજનાથી વર્ણવતા વાલ્મીકિ નોંધે છે:

“શ્રીરામ અત્યંત રૂપવાન અને પરાક્રમી હતા. તેઓ કોઈનો દોષ જોતા નહોતા. સમસ્ત ભૂમંડળમાં તેમની બરાબરી કરનાર કોઈ નહોતું. તેઓ પોતાના ગુણોને લઈને દશરથની સમકક્ષ પુત્ર હતા.

“તેઓ હંમેશાં શાંતચિત્ત, મીઠાં વચનો બલનારા હતા. કોઈ તેમને ક્યારેક કઠોર વચન કહે તોપણ પ્રત્યુત્તર આપવાનો તેમનો સ્વભાવ ન હતો.

“કોઈ માત્ર એક વાર તેમના પર ઉપકાર કરતું તો તેના એક જ ઉપકારથી તેઓ સંતુષ્ટ રહેતા અને વશચિત્ત હોઈ, કોઈના અનેક અપરાધો કરવા છતાં તેના અપરાધોને યાદ રાખતા નહોતા.

“અસ્ત્ર-શસ્ત્રોનો અભ્યાસ કરતાં કરતાં પણ વચ્ચેથી સમય કાઢીને તેઓ ઉત્તમ ચરિત્રોના મનન દ્વારા તથા વયમાં મોટેરા સત્પુરુષો સાથે વાતચીત કરીને જ્ઞાનસંપાદન કરતા હતા.

તેઓ અત્યંત બુદ્ધિમાન અને મધુરભાષી હતા. એમની પાસે આવનાર મનુષ્યો સાથે પહેલાં પોતે જ માધુર્યપૂર્વક વાતચીતનો પ્રારંભ કરતા. બળ અને પરાક્રમથી સંપન્ન હોવા છતાં રામને પોતાના પરાક્રમોનો સહેજ પણ ગર્વ નહોતો.

“રામના મુખેથી અસત્ય ભાષણ કહી વ્યક્ત થયું નહોતું. તેઓ વિદ્વાન અને વૃદ્ધ પુરુષોના ભક્ત હતા. પ્રજાનો શ્રીરામ પ્રત્યે ને શ્રીરામનો પ્રજા પ્રત્યે હાર્દિક અનુરાગ હતો.

“તેઓ પરમ દયાવાન, ક્રોધને જીતનાર ને બ્રાહ્મણોના પૂજક હતા. તેઓ ધર્મના રહસ્યના મર્મી, ઇંદ્રિયજિત તથા બાહ્યાભ્યંતર પરમ પવિત્ર હતા.

“પોતાના કુલોચિત આચાર, દયા, ઉદારતા અને શરણાગતની રક્ષા જેવા ગુણો વગેરેમાં જ તેઓ રચ્યાપચ્યા રહેતા હતા. તેઓ પોતાના ક્ષત્રિયધર્મને વિશેષ મહત્વ આપતા હતા અને એમાં જ સ્થિર રહેવા પ્રત્યે તેમનું લક્ષ રહેતું હતું. સ્વધર્મના પાલનને જ તેઓ મુક્તિ માનતા હોઈ, તેમાં જ પ્રસન્નતાથી સંલગ્ન રહેતા હતા.

“અમંગળકારી નિષિદ્ધ કર્મોમાં રામ ક્યારેય પ્રવૃત્ત થતા નહોતા. શાસ્ત્ર વિરુદ્ધની વાતોમાં તેમને રુચિ નહોતી. તેઓ પોતાના ન્યાયયુક્ત પક્ષના સમર્થનમાં બૃહસ્પતિની જેમ એક એકથી ચઢિયાતી યુક્તિઓ બતાવી શકતા હતા.

“તેમનું શરીર નીરોગી હતું અને અવસ્થા તરુણ. તેઓ સુંદર વક્તા, આકર્ષક શરીરેથી સુશોભિત અને દેશકાળનાં તત્વોના મર્મજ્ઞ હતા. તેમને જોઈને એવું જણાતું હતું કે જઍણે વિધાતાએ સંસારના સમસ્ત પુરુષોના સારતત્વને સમજનાર સાધુ પુરુષના રૂપમાં એકમાત્ર રામને જ પ્રગટ કર્યા હોય!”

“તેઓ કલ્યાણની જન્મભૂમિ, સાધુ, દૈન્યરહિત, સત્યવાદી અને સરળ હતા. ધર્મ અને અર્થના જ્ઞાતા એવા વૃદ્ધ બ્રાહ્મણો દ્વારા એમને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થયેલું.

“રામને ધર્મ, કામ અને અર્થતત્વનું સમ્યક જ્ઞાન હતું. તેઓ સ્મરણ શક્તિથી સંપન્ન અને પ્રતિભાશાળી હતા. તેઓ લોકવ્યવહારના જ્ઞાતા અને સમયોચિત ધર્માચરણમાં કુશળ હતા.

“તેઓ વિનયશીલ, પોતાના અભિપ્રાયને છુપાવી શકવામાં સમર્થ, મંત્રને ગુપ્ત રાખનાર, તથા સહાયકોથી સંપન્ન હતા. તેમનો ક્રોધ ને હર્ષ બંને નિષ્ફળ જતા નહોતા. તેઓ વસ્તુઓના ત્યાગ ને સંગ્રહના અવસરને ઉચિત રીતે જાણતા હતા.

“ગુરુજનો પ્રત્યે રામને દ્રઢ ભક્તિ હતી. તેઓ સ્થિતપ્રજ્ઞ ને અસદ વસ્તુઓને ત્યાગનાર હતા. તેમના મુખમાંથી ક્યારેય પણ દુર્વચન નીકળતું નહીં. તેઓ પ્રમાદશૂન્ય હતા તથા પોતાના ને પારકા માણસોના દોષોને સારી રીતે જાણી શકતા.

“તેઓ શાસ્ત્રોના જ્ઞાતા, ઉપકારીઓ પ્રત્યે કૃતજ્ઞ તથા બીજાના મનોભાવોને જાણવામાં કુશળ હતા. યથાયોગ્ય નિગ્રહ અને અનુગ્રહ કરવામાં તેઓ સંપૂર્ણ ચતુર હતા.

“તેમને સત્પુરુષોના સંગ્રહ તથા પાલનનું અને દુષ્ટ પુરુષોને ત્યાગવા અંગેનું જ્ઞાન હતું. ધનના ઉપાર્જનના ઉપાયોને તેઓ સારી રીતે જાણતા હતા તથા તેને કેમ ખચર્વું તેની પણ તેમનામાં આવડત હતી.

“તેમણે તમામ પ્રકારનાં શાસ્ત્રાસ્ત્રો તથા સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓ દ્વારા રચાયેલાં નાટક વગેરેના જ્ઞાનમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. તેઓ અર્થ અને ધર્મનું પાલન કરતાં કરતાં એને અનુકૂળ એવા કામનું સેવન કરતા હતા અને આળસને તો પોતા પાસે ફરકવા સુદ્ધાં દેતા નહોતા.

“મનોરંજન માટે જરૂરી સંગીત, વાદ્ય અને ચિત્ર આદિ કળાઓના તેઓ વિશેષજ્ઞ હતા. અર્થના વિભાજનનું પણ તેમને પૂરતું જ્ઞાન હતું. તેઓ ઘોડા તથા હાથી પર સવાર થવામાં તથા તેમને વિવિધ ચાલોનું શિક્ષણ આપવામાં પણ નિપુણ હતા.

“રામ આ લોકના ધનુર્વેદના તમામ વિદ્વાનોમાં શ્રેષ્ઠ હતા. અતિરથી વીરો પણ તેમનું સમ્માન કરતા. શત્રુસેના પર આક્રમણ અને પ્રહાર કરવામાં તેઓ વિશેષ કુશળ હતા. સેના-સંચાલનની નીતિમાં તેમણે અધિક નૈપુણ્ય મેળવેલું.

“સંગ્રામમાં ક્રોધિત થઈને આવેલા તમામ દેવતાઓ કે અસુરો પણ રામને હરાવી શકે તેમ નહોતા. રામમાં દોષદ્રષ્ટિનો સર્વથા અભાવ હતો. તેઓ ક્રોધને જીતી ચૂક્યા હતા. દર્પ અને ઈર્ષ્યા પણ તેમના સદંતર ગેરહાજર હતાં.

“કોઈ પણ પ્રાણી પ્રત્યે તેમનામાં ઉપેક્ષાનો સહેજ પણ ભાવ નહોતો. તેઓ કાળને વશ થઈને તેની પાછળ ચાલનાર નહોતા. આ પ્રકારે ઉત્તમ ગુણોથી સંપન્ન હોવાથી રાજકુમાર શ્રીરામ તમામ પ્રજાઓ ને ત્રણે લોકનાં પ્રાણીઓ માટે આદરણીય હતા. તેઓ પોતાના ક્ષમા સંબંધી ગુણો દ્વારા પૃથ્વીની સમાનતા કરતા હતા તો બુદ્ધિમાં બૃહસ્પતિ તથા બળ-પરાક્રમમાં શચીપતિ ઇન્દ્ર સમાન હતા.

“જેવી રીતે સૂર્યદેવ પોતાનાં કિરણોથી પ્રકાશિત થાય છે તેવી રીતે શ્રીરમચંદ્રજી સમસ્ત પ્રજાજનોને પ્રિય તથા પિતાનો પ્રેમ વધારનાર સદગુણોથી શોભતા હતા.”

આ તો રામનો કવિદીધો પરિચય છે. પણ રામનાં ગુણલક્ષણો વ્યવહારમાં, આચારમાં કેવાં તો પ્રગટ થતાં ગયાં છે એને પછીથી ક્રમશઃ વાલ્મીકિ પ્રમાણિત કરતા રહ્યા છે.

રામના રાજ્યાભિષેક પહેલાં જ, એમના વ્યવહારને લઈને, રાજ્યના મંત્રીઓ, ડાહ્યા મનુષ્યો ને પ્રજામાં રામની એક પ્રતિભા ઊભી થઈ છે એવું રામના રાજ્યાભિષેકનો નિર્ણય લેવા માટે દશરથે બોલાવેલી આમાત્યોની સભામાં પુરવાર થાય છે. પોતે વૃદ્ધ થયા હોઈ, સત્તાનાં સૂત્રો રામને સોંપવા ધાર્યાનું રાજાએ મંત્રીઓને જણાવતાં મયુરો જેમ મેઘનું અભિવાદન કરે તેમ મંત્રીઓએ રાજાના વિચારનું અભિવાદન કરી, રામને રાગથી અદૂષિત ને દશરથથીયે શ્રેષ્ઠ પુરુષ જણાવીને રામે સંપાદિત કરેલા પ્રજાપ્રેમને પ્રતિઘોષિત કર્યો છે.

રામને રાજ્ય સોંપવા ઉતાવળા થયેલા દશરથે અમાત્યોને સભામાં જ રામને બોલાવીને પોતાની ઇચ્છા પુત્ર સમક્ષ વ્યક્ત કરી છે. દશરથના પ્રસ્તાવને આજ્ઞા માનીને અભિપ્રાય વિના જ રામે સ્વીકાર્યો છે. આ ક્ષણ સુધી રામના નીવડવાની એક ભૂમિકા, જાણે કે રચાઈ છે.

રામાયણના નાયક તરીકે રામનો સાચો પ્રવેશ તેઓના રાજ્યવિમુખ થયાની ક્ષણથી થાય છે. કૈકેયીએ માગેલા વરદાનથી મૂર્છિત જેવા થયેલા દશરથ પાસે કૈકેયી જ રામને બોલાવે છે ને દશરથ સમક્ષ પણ કૈકેયી જ પોતાને રાજાએ આપેલાં બે વરદાન – રામનું વનગમન ને ભરતનો રાજ્યાભિષેક – ની આજ્ઞાના સૂરમાં વાત કરે છે. રામ પોતાની આજ્ઞાનું પાલન કરી શકશે કે કેમ તેની કૈકેયી સંદેહ્પૂર્વક પૃચ્છા કરે છે ત્યારે રામને પોતા પ્રત્યે માતાના જાગેલા સંદેહને કારણે વિષાદ જાગે છે, નહીં કે પરિસ્થિતિના બદલાવથી. આ ક્ષણે પૂરી સ્વસ્થતાથી રામ જણાવે છે તેમ, “તમારા કહેવાથી પણ હું સઘળું ત્યાગી શકું તો પિતાના કહેવાથી તો ત્યાગવાનું જ હોય. હું ધનનો ઉપાસક થઈને સંસારમાં રહેવા ઇચ્છતો નથી. મેં પણ ઋષિઓની જેમ નિર્મળ ધર્મનો આશ્રય લીધો છે.” ચડાવની ક્ષણે આવેલા ઉતારને રામે પૂરા અસંગત્વથી સ્વીકાર્યો છે.

વનમાં જવા માટે માનસિક રીતે એ જ ક્ષણે તૈયાર થઈ ગયેલા રામ, અભિષેક માટે તૈયાર કરવામાં આવેલી સામગ્રીની પ્રદક્ષિણા કરીને તેની સામે પણ જોયા વિના મહેલની બહાર નીકળી ગયા છે. જેવી રીતે ચન્દ્રનું ક્ષીણ થવું તેની સહજ શોભાનો અપકર્ષ કરી શકતું નથી તેવી રીતે કાન્તિમાન રામચંદ્રની શોભામાં પણ એ ક્ષણે કોઈ બાધા આવતી નથી.

માતા કૌશલ્યાની વેદના સમજી શકતા રામ સ્વયં તો સંબંધોની આસક્તિને પાર કરી ગયેલા સાબિત થાય છે. આથી જ, માતાને સમજાવ્યા છતાંય જ્યારે તેની વેદના ઓછી થતી નથી ત્યારે રામ, લક્ષ્મણને પૂરાં તાટસ્થ્યથી પોતાનો અભિપ્રાય સમજાવતાં કહે છે: “મારી માતાને જે અનુપમ ને મહાન દુઃખ થઈ રહ્યું ક્ગ્ગે, એ સત્ય ને શના વિષયમાં મારા અભિપ્રાયને ન સમજવાને લઈને છે. સંસારમાં ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે; ધર્મમાં જ સત્ય પ્રતિષ્ઠિત છે. પિતાજીનું આ કચન પણ ધર્માશ્રિત હોવાને કારણે પરમ ઉત્તમ છે.”

“પોતાના કર્તવ્યકર્મમાં આ રીતે દ્રઢ રહેતા રામે લક્ષ્મણને સમજાવતાં કહ્યું છે: “અત્યાર સુધી અભિષેકની સામગ્રી એકઠી કરવામાં તું જેટલો ઉત્સાહિત હતો, એટલો જ ઉત્સાહ એને રોકવામાં અને મારાં વનગમનની તૈયારી કરવામાં હોવો જોઈએ.”

અનાસક્ત રામે પોતાના જીવનમાં આવેલ આ ક્ષણને પૂરા દ્રષ્ટાભાવે નિહાળી ને એમાં દૈવની, કાળની ગતિએ કામ કર્યું હોવાનું પ્રમાણ્યું છે. રામને મતે, જે કૈકેયી તેને ખૂબ ચાહે છે તેણે આજે એક સામાન્ય માણસને પણ ન છજે એવાં કટુવચનો વાપરીને એક સાધારણ સ્ત્રી જેવો વ્યવહાર કર્યો છે. તેમાં દૈવ જ કારણભૂત છે. લક્ષ્મણને મનાવતાં રામે દૈવનો પ્રભાવ વ્યક્ત કરતાં જણાવ્યું છે તેમ, સુખ-દુઃખ, ભય, ક્રોધ, લાભ-હાનિ, ઉત્પત્તિ અને વિનાશ જેવાં જે જે પરિણામો છે, જેને સમજવાં મુશ્કેલ છે, એ બધાં જ દૈવવશાત્ થાય છે. જે ઘટના અકસ્માત્ ઘટતી હોય છે અને પ્રયત્નપૂર્વક આરંભ કરેલાં કામોને રોકીને કોઈ નવો જ કાંડ ઊભો કરે છે એ ચોક્કસપણે દૈવ જ છે. રામનું કહેવું છે તેમ, આ પ્રકારને તાત્વિક સમજને લઈને તેઓ સંતાપથી દૂર રહી શક્યા છે. આ આખીય ઘટનામાં રામે માતા-પિતાને કારણ તરીકે જોયાં નથી.

વનમાં પ્રયાણ કરતા રામને, દશરથ એક દિવસ રોકાઈ જવા જણાવે છે ત્યારે પણ પિતાની આસક્તિથી વિષાદ અનુભવત રામ, નિશ્ચયાત્મક થઈને પિતાને આજ-કાલના ભેદની વ્યર્થતા સમજાવીને જવાની રજા માગે છે. દશરથને આશ્વાસન આપતાં તેઓ કહે છે તેમ, રાજ્યાભિષેકનો સ્વીકાર પણ તેમણે પિતાની આજ્ઞાથી કરેલો ને રાજત્યાગ પણ એ જ કારણે તેઓ કરી રહ્યા છે. જેટલો ઝડપી સ્વીકાર હતો એટલો જ ઝડપી ત્યાગ પણ આથી બની શક્યો. આ જ કારણે પોતાની પાછળ આવેલા પ્રજાજનોને પણ નિદ્રાધીન છોડીને જ રામે વનની વાટ પકડી છે. કટોકટીની ક્ષણોમાં પણ રામે સુમંત્રને પોતાનો વિચાર જણાવતાં કહ્યું છેઃ “રાજકુમારોનું એ કર્તવ્ય છે કે તેઓ નગરવાસીઓને પોતાના દ્વારા થતાં દુઃખોથી મુક્ત કરે, નહીં કે પોતાનું દુઃખ તેમના પર નાખીને તેમને વધારે દુઃખી કરે.”

રામનું અસંગત્વ, બલકે અવતારીપણું તો ઝળહળી ઊઠે છે વનમાં મળવા આવેલ ભરત સાથેના સંવાદ સમયે. કૈકેયીને ધિક્કારતા ભરતને ઠપકો આપતાં રામ તેને માતાની નિંદા ન કરવા જણાવે છે. રામને મતે, માતા-પિતાનો સંતાનો પર પૂરો અધિકાર છે. તેઓ તેમને ગમે તેવી આજ્ઞા આપી શકવા સમર્થ છે.

રામને લેવા આવેલો ભરત રામેન રાજ્યગ્રહણ કરવા પ્રાર્થે છે ત્યારે બહ્રતને ઉત્તર વાળતા રામનું અસંગત્વ એક નીવડેલી વ્યક્તિનું છે. ભરતને મૃત્યુની શાશ્વતી સમજાવતાં, અન્યના મૃત્યુનો શોક કરવાને બદલે પોતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા રામ જણાવે છે. રામની અસંગ મનોવૃત્તિનં મૂળિયાં જીવન અને મૃત્યુ વિશેના તેમના આ ચિંતન દ્વારા વિગતે પકડાય છે. ભરતને મૃત્યુનું સ્વરૂપ સમજાવતાં રામ જણાવે છેઃ “ કોઈ ઋતુનો પ્રારંભ થતાં એ જાણે નવી નવી જ આવી હોય તેમ લોકો ખુશ થાય છે. પણ તેઓ જાણતાં નથી કે ઋતુઓના પરિવર્તનથી આયુષ્ય ક્રમશઃ શીણ થતું જાય છે. આથી જ મનુષ્યે બીજાના મૃત્યુ પર રુદન કરવું વ્યર્થ છે, કેમકે એ પોતે પણ મરણાધીન છે. પૂર્વજોની પાછળ ચાલતો મનુષ્ય કોના પર શોક કરે?” જીવન વિશેની આ સમજે કરીને જ રામ નિર્મોહી રહી શક્યા છે. ભરતની અથાક સમજાવટ પછી આથી જ, નિર્ણયાત્મક ઢંગને રજૂ કરતા રામ, ભરતને જણાવી દે છે: “ શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ તેનો નિર્ણય મેં કરી દીધો છે. આથી, ફળમૂળથી પાંચેય ઇન્દ્રિયોને સંતુલિત કરીને શ્રદ્ધાપૂર્વક હું લોકયાત્રા (જેને કૃષ્ણ ‘લોકસંગ્રહ કહે છે)નો નિર્વાહ કરીશ.”

સ્વભાવથી જ કોમળ પ્રકૃતિ ધરાવતા રામ સમય આવ્યે આવી કઠોર નિશ્ચયાત્મકતા પણ જ્યારે બતાવી શક્યા છે. ભાગ્યે જ, પણ આવશ્યકતા ઊભી થઈ છે ત્યારે રામે પોતા વિશે પણ પૂરી સભાનતાથી વાત કરી છે. પોતે વાલીનો વધ કરવા સમર્થ છે એમ કહીને રામ સુગ્રીવ સાથેના સંવાદમાં ઉમેરે છે: “મેં પહેલાં ક્યારેય જૂઠી વાત કરી નથી અને ભવિષ્યમાં પણ હું ક્યારેય અસત્ય બોલનાર નથી…” વાલી-સુગ્રીવ વચ્ચે થયેલા વિવાદને સાંભળતા-સમજતા રામ સુગ્રીવને કહે છે: “મારા ધનુષ્યના ચઢાવ્યા પહેલાં જ તમે બધી વાત પ્રસન્નતાથી કરી દો; કારણ કે જેવું મેં બાણ છોડ્યું કે તમારો શત્રુ કાળના ફંદામાં ફસાઈ જશે.”

મૃત્યુન્મુખ વાલી પ્રથમ રામ પ્રત્યે નારાજ થાય છે પણ રામની સમજાવટ પછી તેમની ક્ષમા માગીને રામને સુગ્રીવ તેમ જ અંગદની સોંપણી કરે છે ત્યારે દુઃખ ને પશ્ચાત્તાપથી ઘેરાયેલા વાલીનું મૃત્યુ સુધારતા રામના કથનનો રણકો એક અવતાર પુરુષને શોભે તેવો છે: “વાનરશ્રેષ્ઠ! તારે સંતાપ નહીં કરવો જોઈએ. તારે અમારી ને તારી પોતાની ચિંતા પણ ન કરવી જોઈએ. કારણ કે અમે (હું) તારા કરતાં વિશેષજ્ઞ છીએ એટલે મેં ધર્માનુકૂલ વર્તન કરવાનો નિશ્ચય કર્યો છે.

“જે દંડનીય વ્યક્તિને દંડ આપે છે અને જે દંડનો અધિકારી બનીને દંડ ભોગવે છે, એ બંને પોતપોતાનું કર્તવ્ય પૂરું કરીને કર્મરૂપી ઋણમાંથી મુક્ત થઈ જાય છે. આથી એ બંને દુઃખી થતા નથી. તું દંડ ભોગવીને આજે મુક્ત બને છે. આથી એ મનમાં રહેલા શોક, મોહ અને ભયને ત્યાગી દે. તું દૈવને ઓળંગી નહીં શકે. કુમાર અંગદ તારા જીવનકાળ દરમ્યાન જેમ રહેતો હતો તેમજ મારા ને સુગ્રીવ પાસે રહેશે એમાં શંકા નથી.”

મિત્ર-શત્રુ સૌને સમાનભાવે જોતા રામ, વાલીના મૃત્યુ પછી સુગ્રીવ, તારા ને અંગદને આશ્વાસન આપતાં તેમને પન અસંગત્વના પાઠ શીખવે છે. કઠોર કર્વવ્યનિષ્ઠ રામ સૌને જણાવે છે: “ શોક-સંતાપ કરવાથી મૃત્યુ પામેલ વ્યક્તિનું ભલું થતું નથી. આથી હવે આગળનાં કર્તવ્યનો વિચાર કરવો જોઈ. તમે ખૂબ આસું વહાવ્યાં. હવે તેની આવશ્યકત નથી. (હવે) લોકાચારનું પાલન પણ થવું જોઈએ. સમય બગાડવાથી કોઈ નિશ્ચિત કામ થઈ શકતું નથી. જગતમાં કાળ જ બધાનું મૂળ છે. બધાં જ કર્મોનું સાધન છે અને એ જ તમામ પ્રાણીઓને કર્મોમાં યોજનાર બળ છે.

“કોઈ પણ વ્યક્તિ ન તો સ્વતંત્રતાપૂર્વક કોઈ કામ કરી શકે છે કે ન તો કોઈને કોઈ કામમાં યોજી શકે છે. તમામ જગત સ્વભાવને અધીન છે અને સ્વભાવનો આધાર કાળ છે. કાળ પોતે પણ કાળનું ઉલ્લંઘન કરી શકતો નથી. કાળ ક્યારેય ક્ષીણ નથી થતો. પ્રાપ્ત પ્રાતબ્ધકર્મને કોઈ ઓળંગી શકતું નથી.

“કાળને કોઈ સાથે ભાઈચારાનો, મૈત્રીનો અથવા જાતિનો સંબંધ હોતો નથી. તેને વશમાં કરવાનો કોઈ ઉપાય નથી. જગતનું કારણ એવા કાલેશ્વર કોઈના વશમાં નથી. આથી સાધુદર્શી વિવેકી પુરુષે બધાંને કાળનું પરિણામ સમજવું જોઈએ. ધર્મ, અર્થ અને કામ પણ કાળ દ્વારા જ પ્રાપ્ત થાય છે.” જીવન ને મૃત્યુ વિશેના રામના ખયાલો સમદર્શી પુરુષના છે.

સુગ્રીવનો રાજ્યાભિષેક કરાવતા રામ, સુગ્રીવ પાસે અંગદઈ પ્રશંસા કરીને અંગદને યુવરાજ બનાવવા સૂચવે છે. પોતે દુઃખી અવસ્થામાં હોવા છતાં એ ક્ષણે તો ચોમાસાના ચાર માસ સુગ્રીવને ભોગ ભોગવવા ને સૌને આનંદ પ્રદાન કરાવવા માટે મુક્ત કરે છે – પોતે સુગ્રીવ પર ઉપકાર કર્યો હોવાના કોઈ ભાર વિના જ. વળી પોતે વનવાસ સેવતા હોઈ, સુગ્રીવની રાજધાનીમાં રામે પ્રવેશ પણ કર્યો નથી.

જીવનની વિષમતાઓમાંથી અસંગ રામ પૂરી નિસબતથી પસાર થયા છે. રામે કટોકટીની ક્ષણોમાં પણ એમના જીવનમાં આવેલી વ્યક્તિઓ પ્રત્યે પણ એમના વ્યક્તિત્વને અનુરૂપ વ્યવહાર વ્યક્ત કર્યો છે. વનમાં શબરીને મળતા રામ, શબરીનાં જ્ઞાન ને ભક્તિની ભારે અદબ કરે છે. શબરી સાથેના સંવાદમાં રામનો શબરી પ્રત્યેનો ઊંડો આદરભાવ વ્યક્ત થયો છે. વૃદ્ધા શબરીના સમાચાર પૂછતાં રામ કહે છે: “તપોદને! તેં બધાં વિઘ્નો પર વિજય મેળવ્યો છે? તેં ક્રોધ અને આહાર પર કાબૂ પ્રાપ્ત કર્યો છે ને? તેં જે નિયમોનો સ્વીકાર કર્યો છે એને તો નભાવી શકે છે ને? તારા મનમાં સુખ-શાંતિ છે ને? હે ચારુભાસિણી! તેં કરેલી ગુરુજનોની સેવા પૂર્ણરૂપથી સફળ તો થઈ છે ને?” રામના પ્રશ્નોના ઉત્તરમાં શબરીએ વ્યક્ત કરેલો રામમહેમા રામને અવતાર સિદ્ધ કરે છે: “રઘુનંદન! આજે આપનાં દર્શનની પ્રાપ્તિથી જ મારી તપસ્યા સિદ્ધ થઈ છે. આજે મારો જન્મ સફળ થયો અને ગુરુજનોની સેવા પણ સાર્થક થઈ. આપની દ્રષ્ટિ મારા પર પડવાથી હું પરમ પવિત્ર થઈ ગઈ. આપના પ્રસાદથી હું અક્ષયલોકને પ્રાપ્ત કરીશ.”

શબરીનાં જ્ઞાન-ભક્તિનો સમાદર કરતા રામ, એક કૃતજ્ઞ પુરુષ છે. નાના-મોટાના ભેદ વિના જ, મનુષ્યની આંતરિક ગરિમાને પ્રમાણતા રામે સીતાની શોધ કરીને આવેલા હનુમાન પ્રત્યે લળી-ઢળીને પોતાની કૃતજ્ઞતા ઊંડી નિષ્ઠાથી પ્રગટ કરી છે. સૌની વચ્ચે હનુમાનને પ્રશંસતા રામ જણાવે છે: “ જે સેવક સ્વામી દ્વારા કોઈ દુષ્કર કાર્યમાં યોજાઈ, તેને સંપન્ન કરે છે એટલું જ નહીં, એનાં આનુષંગિક કાર્યોને પણ સાથે પૂર્ણ કરે છે એ ઉત્તમ સેવક ગણાય.

“હનુમાને સ્વામીના એક કાર્યમાં યોજાઈને સાથોસાથ બીજાં મહત્વપૂર્ણ કાર્યોને પણ સંપન્ન કર્યા – પોતાન ગૌરવનો ભંગ કર્યા વિના – અને સુગ્રીવને સંપૂર્ણ સંતુષ્ટ કર્યા.

“આજે હનુમાને વિદેહનંદિની સીતાનો પત્તો મેળવીને ધર્માનુસાર મરી, રઘુવંશની અને લક્ષ્મણની પણ રક્ષા કરી.

“આજે મારી પાસે પુરસ્કાર આપવાલાયક વસ્તુનો અભાવ હોઈ, મારા મનમાં વ્યથા જન્મે છે. જેણે આવો પ્રિય સંવાદ સંભળાવ્યો એના પ્રતિ હું કંઈ પ્રિય કરી શકતો નથી. આજે હું માત્ર તેમને ગાઢ આલિંગન આપીને જ તેમનો પ્રત્યુત્તર પાઠવી શકીશ.” સેવક પ્રતિ રામની છલકાતી કૃતજ્ઞતા પણ તેમની જીવનનિષ્ઠાની જ નીપજ છે.

અનાસક્ત રામચંદ્રને પોતા-પારકાનો કોઈ ભેદ નથી. શરણે આવેલા શત્રુપક્ષીય વિભીષણને પોતાના પક્ષમાં સમાવવા માટે સૌ સાથે સંવાદ કરતા રામ ફરીથી પોતા વિશેની ને પોતાના સ્વધર્મ વિશેની સભાનતા અવતારની ભૂમિકાએ ઊભા રહીને વ્યક્ત કરતાં જણાવે છે: “વાનરરાજ! વિભીષણ દ્રુષ્ટ હોય કે સાધુ, એ રાક્ષસ મારું સૂક્ષ્માતિસૂક્ષ્મરૂપે પણ અહિત કરી શકે તેમ નથી. હું ધારું તો પૃથ્વી પર જેટલા પણ પિશાચ, દાનવ, યક્ષ અને રાક્ષસ છે એ સૌને એક આંગળીના અગ્ર ભાગથી પૂરા કરી શકું તેમ છું.

“હે પરંતપ! જો શત્રુ પણ શરણે આવીને દીનભાવે દયાની યાચના કરે તો એના પર પ્રહાર કરવો જોઈએ નહીં. શત્રુ દુઃખી હોય કે અભિમાની, પણ જો એ વિપક્ષીના શરણે જાય તો નિર્મળ મનુષ્યે પોતાના પ્રાણનો મોહ છોડીને પણ તેનું રક્ષણ કરવું જોઈએ. જો એ ભય, મોહ અથવા કોઈ કામનાને અનુસરીને યથાશક્તિ એની રક્ષા ન કરી શકે તો એના પાપકર્મની લોકોમાં ભારે નિંદા થાય છે.

“જો શરણે આવેલ વ્યક્તિ રક્ષણ ન મેળવીને એના રક્ષક દેખતાં જ નષ્ટ થઈ જાય તો એ રક્ષકનાં બધાં જ પુણ્ય પોતાની સાથે લઈ જાય છે.

“આ રીતે શરણાગતની રક્ષા ન કરવામાં મોટો દોષ રહેલો છે. શરણાગતનો ત્યાગ સ્વર્ગ અને યથાપ્રાપ્તિનો ઘાતક છે અને મનુષ્યનાં બળ-વીર્યનો નાશ કરનાર છે.

“જે એક વાર પણ શરણે આવીને ‘હું તમારો છું’ આમ કહીને મારા પાસે રક્ષણ પ્રાર્થે છે એને હું સૌથી ભયમુક્ત કરી દઉં છું. આ મારું હંમેશનું વ્રત છે. માટે હે કપિશ્રેષ્ઠ સુગ્રીવ! એ વિભીષણ હોય કે ખુદ રાવણ હોય, તમે એને લઈ આવો. મેં એને અભયદાન દઈ દીધું!”

શત્રુપક્ષની વ્યક્તિને પૂરી નિર્મળતાથી અને હાર્દિકતાથી આવકારતા રામ આત્મવિશ્વાસથી છલકાતી પ્રસન્નતાથી લક્ષ્મણને આદેશ આપતાં જણાવે છે: “તું સમુદ્રનું જળ લાવીને પરમ બુદ્ધિમાન રાક્ષસરાજ વિભીષણને લંકાના રાજ્ય પર તરત જ અભિષિક્ત કર. મારા પ્રસન્ન થવાથી તેમને આ લાભ મળવો જ જોઈએ.”

પોતાની વીરતાના પ્રભાવને સંપૂર્ણત: જાણતા ને સમય આવ્યે તેને વ્યક્ત પણ કરતા રામે પોતાને ચાહતી વ્યક્તિઓનું પણ અસાધારણ મૂલ્ય કર્યું છે. મિત્રો સુગ્રીવ ને વિભીષણ સમુદ્રને મનાવવા રામને ધરણાં કરવા જણાવે છે ત્યારે વિનીતભાવે રામ સુગ્રીવ ને લક્ષ્મણની પણ સલાહ પૂછે છે.

સૌના સૂચનને માન આપીને, સમુદ્ર પ્રત્યે અંજલિબદ્ધ થયેલા વીર્યવાન રામનો નિશ્ચય છે તેમ, “આજે કાં તો હું સમુદ્રની પાર જઈશ અથવા મારા દ્વારા સમુદ્રનો સંહાર થશે.” રામ, પોતાના પ્રભાવથી આ વાત સાબિત પણ કરે જ છે.

રામના વ્યવહારની ઋજુતા સૌ પ્રત્યે સમાન છે. રાવણના ગુપ્તચર શુક અને સારણને વાનરો પકડી ને રામ સમક્ષ હાજર કરે છે ત્યારે સસ્મિત ચહેરે રમે તેમનો પણ આદર કરતાં જણાવ્યું છે: “જો તમે સમગ્ર સેનાનું નિરીક્ષણ કરી લીધું હોય, અમારી સૈનિકશક્તિનો પરિચય કેળવી લીધો હોય તથા રાવણની આજ્ઞાનુસાર બધું કામ પૂરું કરી લીધું હોય તો તમે તમારી ઇચ્છાનુસાર પ્રસન્નતાથી પાછા ફરો. અથવા તમારે જો હજુ પણ કંઈ જોવાનું બાકી રહી ગયું હોય તો ફરીથી જોઈ લો. વિભીષણ તમને બધું જ પૂર્ણતઃ બતાવશે. આ સમયે તમે હોવા છતાં તમારે કોઈ ભય રાખવાની જરૂર નથી, કારણ કે નિઃશસ્ત્ર અવસ્થામાં પકડાયેલા તમે બંને દૂત વધ માટે યોગ્ય નથી.” નિતાંત નિર્મળતાથી કહેવાયેલાં રામનાં આ વચનોમાં તેમનું આભિજાત્ય વ્યક્ત થયું છે.

કરુણાસાગર રામ સમુદ્રોલ્લંઘન કરીને સુવેલ પર્વત પરથી લંકાનું નિરીક્ષણ કરતાં વિભીષણ પાસે આર્દ્ર થઈને રાક્ષસો માટે વિષાદ અનુભવતાં જણાવે છે: “કાળપાશથી બંધાયેલો એક જ મનુષ્ય પાપ કરે છે તેને કારણે આખા કુળનો નાશ થી જતો હોય છે. માત્ર એક રાવણના અધમ કૃત્યને કારણે હું સમસ્ત રાક્ષસકુળનો વિનાશ જોઈ રહ્યો છું.” અસંગ રામની આ વેદના પણ તેમના વિમલ વ્યક્તિત્વની પરિચાયક બની રહે છે.

સમદ્રષ્ટિ ધરાવનારા રામ, ઇંદ્રજિતનો વધ કરીને આવેલા લક્ષ્મણને અભિનંદતાં એ યશમાં સૌને સામેલ કરતાં જણાવે છે: “ વિભીષણ ને હનુમાને પણ યુદ્ધભૂમિમાં મહાન પરાક્રમ કર્યું છે. તમે બધાએ મળી ઇંદ્રજિતનો વધ કરીને મને શત્રુહીન બનાવ્યો છે.” એ જ ક્ષણે વૈદ્યરાજ સુષેણને બોલાવીને રામે લક્ષ્મણ, વિભીષણની સાથે તમામ રીંછો ને વાનરોને સ્વસ્થ કરી દેવાની વિનંતી કરી છે. એ ક્ષણે ઘવાયેલા લક્ષ્મણની જ નહીં, સમગ્ર સેનાની રામને ચિંતા છે.

કરુણાની આ ક્ષણોને પસાર કર્યા પછી તરત જ વીર્યવાન રામચંદ્ર યુદ્ધમાં રાવણ પ્રતિ કેન્દ્રિત થતાં હુંકાર કરે છે: “ જેને કારણે હું વાનરોની આ વિશાળ સેના સાથે લાવ્યો છું, જેને કારણે મેં યુદ્ધમાં વાલીનો વધ કરેને સુગ્રીવને રાજ્ય અપાવ્યું છે તથા જે ઉદ્દેશથી સમુદ્ર પર પુલ બાંધીને એને પાર કર્યો છે, એ પાપી રાવણ આજ મારી સામે ઉપસ્થિત છે. મારા દ્રષ્ટિપથમાં આવીને હવે એ જીવિત રહેવા માટે યોગ્ય નથી.

“દ્રષ્ટિમાત્રથી સંહારક વિષનો પ્રસાર કરનાર સર્પની આંખ સામે આવીને જેમ કોઈ મનુષ્ય જીવતો બચી શકતો નથી અથવા જેમ વિનતાનંદન ગરુડની દ્રષ્ટિમાં આવીને કોઈ મહાન સર્પ (પણ) બચી શકતો નથી, એવી રીત આજે રાવણ મારી સામે આવીને જીવિત કે સકુશળ પાછો ફરી નહીં શકે.”

રાવણ સામે એકલે હાથે જ લડવા માગતા રામ સૌને ખસાવીને જણાવી દે છે: “દુર્ધર્ષ વાનરશિરોમણિઓ! હવે તમે લોકો પર્વતશિખરો પર બેસીને મારા ને રાવણના આ યુદ્ધને સુખપૂર્વક નિહાળો. આજે સંગ્રામમાં દેવતા, ગંધર્વ, સિદ્ધ, ઋષિ અને ચારણો સહિત ત્રણે લોકનાં પ્રાણી રામનું રામત્વ જુએ. આજે હું મારું એવું પરાક્રમ પ્રગટ કરીશ, જેની જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી ચરાચર જગતના જીવ અને દેવતા સુદ્ધાં એકઠા થઈને ચર્ચા કરશે અને જે પ્રકારે યુદ્ધ થયું છે એની પરસ્પર કથા કહેશે.” સ્વ વિશેની આ પ્રકારની ધારણ જરૂર પડ્યે જ વ્યક્ત કરતા રામ, રાવણનો વધ કરીને એક પણ પ્રતિક્રિયા વ્યક્ત કર્યા વિના જ ઉપશમ ધારણ કરીને ફરીથી અસંગ બન્યા છે.

રાવણ પછી વિભીષણની બનેલે લંકાનગરીમાં પ્રવેશ કરવા માટે રામ, સીતાના કુશળ સમાચાર પૂછવા માટે લક્ષ્મણને વિભીષણની આજ્ઞા માગવાનું જણાવીને પૂરી અદબથી વિભીષણનું પ્રભુત્વ સ્વીકારે છે. પોતે જીતેલી લંકા પ્રત્યે રામને જરા પણ મિહ નથી, બલકે કિષ્કિન્ધાની જેમ જ, લંકામાં પણ વનવાસી રામ પ્રવેશ્યા પણ નથી. જે સીતા માટે રામે વલોપાત કર્યો છે, એની પ્રાપ્તિની ક્ષણે જરા પણ અધીર થયા વિના રામે નિરાંતથી કામ લીધું છે.

સીતા સ્નાનાદિથી સજ્જ થઈને આવે એવું ઇચ્છતા રામે વિભીષણને સીતાને લાવવા મોકલ્યા છે. વસ્ત્રાભૂષણોથી સજ્જ થયેલી સીતાને પાલખીમાં બેસાડીને લાવતા વિભીષણે પાલખી નજીક લાવીને રામને સીતાના આવ્યાના ખબર સંભળાવતાં જ રામે સીતાનાં દર્શન માટે ઉત્સુક વાનરોને સિપાહીઓ દ્વારા દૂર કરાતા જોઈને નારાજગી વ્યક્ત કરતાં સીતાને પગે ચાલીને આવવા આદેશ કર્યો છે, જેથી વાનરો સીતાનાં દર્શન કરી શકે. આ ક્ષણે કરુણાવતાર રામ કઠોર કર્તવ્યનિષ્ઠા નિભાવતી ભૂમિકાને અનુરૂપ વ્યવહાર કરતા હોઈ પ્રલયકારી સંહારક યમરાજ જેવા જણાતા હોવાનું કવિ નોંધે છે. લોકોમાં ભય ઉત્પન્ન કરનાર રઘુનાથને એ ક્ષણે કોઈ મિત્ર તેમને સમજાવવા, બલકે તેમની સામે જોવાની પણ હિંમત કરી શકે તેમ નથી.

અસંગત્વના એક વધુ આયામને પસાર કરતા રામ પાસે આવેલા દેવતાઓ ને દશરથને મળતા રા, પિતા દશરથ પાસે કૈકેયી ને ભરત પર કૃપા કરવાની પ્રાર્થના કરે છે. દેવરાજ ઇંદ્ર પણ રામને કશોક વર માગવા જણાવે છે ત્યારે પોતા માટે લડીને મૃત્યુ પામેલા રીંછ-વાનરને જીવતા કરવાનું રામે ઇચ્છ્યું છે જેથી તેઓ પોતાનાં પત્ની-પુત્રાદિને મળીને પ્રસન્ન થી શકે; એટલું જ નહીં એ વાનરોના નિવાસ અન્ન આદિ સામગ્રીથી ભરપૂર રહેવાનું પણ રામે માગ્યું છે. સર્વકેન્દ્રી રામની જીવનનિષ્ઠાનું અહીં એક વિશેષ પ્રમાણ સાંપડે છે.

લંકામાં કરવાનાં તમામ કાર્યો સંપન્ન કરીને અયોધ્યા પહોંચતા રામે, અયોધ્યામાં પ્રવેશતાં પહેલાં હનુમાનને ભરત પાસે મોકલતાં ભરતનું મન જાણવા ઇચ્છ્યું છે. પોતે રાવણને જીતીને ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને આવ્યા છે એ સમાચારથી ભરતના મનોભાવો ધ્યાનથી નિહાળવાનું હનુમાનને જણાવતા રામ મનુષ્યમનના જ્ઞાતા તરીકે વ્યક્ત થયા છે. જેને ઐશ્વર્યયુક્ત રાજ્ય સુલભ થયું હોય તેનું મન કદાચ બદલાઈ પણ જઈ શકે. કદાચ કૈકેયીની સંગતિ કે લાંબા સમય સુધી સુખોપભોગના સંસર્ગથી ભરતના મનમાં જો રાજ્યની જરા પણ ઇચ્છા જાગી હોય તો ભરત નિષ્કંટક બનીને ભલે રાજ્ય કરે. રામ અયોધ્યાની સીમાથી જ પાછા ફરવા તૈયાર છે. અયોધ્યા છોડવાની ક્ષણે તરુણ રામ જે અસંગત્વના માલિક હતા એ જ અસંગત્વ વનની અપાર મુશ્કેલીઓ વેઠ્યા પછી, ચૌદ વર્ષો બાદ પણ રામનો સ્થાયી ભાવ જ રહ્યું છે.

રામને અયોધ્યા લાવેલું કુબેરનું વિમાન પુષ્પક, જે રાવણે આંચકી લીધેલું ને પછીથી વિભીષણની માલિકીનું બનેલું તેને પણ રામે અયોધ્યા આવીને કુબેર પ્રતિ પાછું રવાના કર્યું છે – વિભીષણની રજા લીધા વિના જ. રામ જાણે પોતાની સાથે, પોતાના આચરણ દ્વારા સૌને અસંગ થવા પ્રેરે છે. પ્રગલ્ભ થયેલી કૈકેયીએ રામને અયોધ્યાથી દૂર કરેલા એ ક્ષણે પણ કૈકેયીને જ પ્રથમ નમસ્કાર કરીને પોતાના અસંગત્વની ભાવકને થતી પ્રતીતિનું વર્તુળ પૂરું પાડ્યું છે.

ગીતાના દસમા અધ્યાયમાં કૃષ્ણે પોતાની વ્યાપકતાનું દર્શન કરાવતાં ‘શસ્ત્રધારીઓમાં હું રામ છું’ એવું કથ્યું છે. રામ તો હિંદુ ધર્મના લગભગ દેવો શસ્ત્રધારી તો છે જ. આ બધા દેવોમાંથી કૃષ્ણે રામ પર પોતાની આંગળી મૂકી છે તેનું કારણ પણ રામનું શસ્ત્ર પ્રત્યેનું અસંગત્વ જ છે. જીવનની અનિવાર્ય ક્ષણોને બાદ કરતાં રામે ધનુષ્યને માત્ર ધાર્યું જ છે, વાપર્યું નથી. જન્મે ક્ષત્રિય એવા રામ ધર્મે સંન્યાસી છે. રામને પોતાનો પ્રભાવ પ્રવર્તાવવામાં સહેજ પણ રસ નથી. તેમને રસ છે પ્રકોપ જાગે એવી ક્ષણોમાં પ્રકોપને વશ રાખેને ઉદાસીનભાવે વાપરવામા; આંતચેતનાને ઊર્ધ્વ બનાવવામા આ અર્થમાં રામ વીર્યવાન છે. આવી ક્ષણોમાં રામનું વીર્ય ઝળહળી ઊઠ્યું છે. શસ્ત્રને વાપરવાનો વિવેક એ શસ્ત્રધારી રામની કલા છે. કર્તવ્યના ચાહક એવા રામે સ્વધર્મપાલનની ક્ષણે જ ધનુષ્ય ઉઠાવ્યું છે. બાકીના સંજોગોમાં તો એ માત્ર રામનું આભૂષણ જ છે. રામ એના સ્વામી છે. ધનુષ્ય એમનું સાધન છે, શસ્ત્ર નથી. પ્રભાવનું સાધન સતત સાથે હોવા છતાં, એના પર પૂરું પ્રભુત્વ ધરાવવા છતાં રામે એની જે રીતે અદબ જાળવી છે તે જોતાં રામ કર્મસંન્યાસીની સાથોસાથ શસ્ત્રસંન્યાસી પણ ઠર્યા છે. રામની આવી ભિન્ન પ્રકારની વીર્યવાન ક્ષણો પર વારી જરીને કૃષ્ણે વિભૂતિયોગમાં પોતાના આ રૂપને ઓળખાવવાનું જાણે પસંદ કર્યું છે.

વિદુરનીતિના ગાયક વિદુરે ગામ માટે ઘર, દેશ માટે ગામ ને આત્મદર્શન માટે કંઈ સઘળું છોડવાનું પ્રબોધ્યું છે. રામનું અસંગત્વ પણ આ જ વાત પ્રબોધે છે. પરમપ્રિયા સીતા ને બીજા અંતરાત્મા અનુજ લક્ષ્મણને પણ પ્રજા માટે રામે છોડી દીધાં છે. ક્યારે શું ગ્રાહ્ય છે ને ક્યારે શું ત્યાજ્ય છે એ વિશે રામ સ્પષ્ટ છે. તેમનું આ દર્શન તેમની નિરામય અનાસક્તિમાંથી પ્રગટ્યું છે.

વાલ્મીકિના નાયક રામ પાત્ર નહીં, ચરિત્ર છે. જીવનની ગતિવિધિની પાર જઈને રામે પોતાનું આસન ‘જમાવ્યું’ છે એમ નહીં પણ રામે દરેક આસન છોડ્યું છે – પુત્રનું, પતિનું, ભાઈનું, રાજાનું, માલિકનું. તેમને મળેલાં દરેક આસનને રામ પસાર કરતા ગયા છે ને બનતા ગયા છે ‘અકાલ’ કશુંક મેળવવાના સામાન્ય ખયાલથી રામ ઊફરા ચાલ્યા છે. રામની જાગ્રત ચેતના વગર શસ્ત્રે ખસેડી શક્યા છે. આ શક્તિએ તેમને ‘અકાલ’ ને તેથી ‘અવતાર’ સાબિત કર્યા છે.

રામાયણના આરંભે સહૃદય ભાવકો ‘સકલ પુરુષ’ રામથી અપરિચિત છે, ‘કલ્યાણની જન્મભૂમિ’ ને ‘કાળથી આગળ ચાલનાર’ તરીકે રામને ઓળખાવતા કવિ સાથે કૃતિને અંતે ભાવકની પૂર્ણ સંમતિ સધાય છે. કવિને ઇચ્છિત એવા જિતેન્દ્રિય, કૃતજ્ઞ, મનુષ્યમાત્રના હિતૈષી નાયકને પ્રમાણીને ભાવક પણ ઉપશમને પામે છે.

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું:
dr_dholakia@rediffmail.com

Author: admin

1 thought on “અસંગ પુરુષ : રામ

Leave a Reply

Your email address will not be published.