હોય જો ખુલ્લાં આંખ-કાન …..તો….મળે સર્વેથી સાનભાન

હીરજી ભીંગરાડિયા

બધી જ બાબતોમાં આપણે જાણકાર હોઇએ એવું તો ઓછું બને. પણ જો આપણા આંખ-કાન ખુલ્લાં હોય, જિજ્ઞાસાભર્યા હોય તો ઘણીએવાર આપણી આંખો એવું કોઇ દ્રશ્ય પકડી પાડે અને આપણા કાન એવી કોઇ વાત સાંભળી જાય જે આપણા માટે સાવ નવી હોય, છતાં આપણા જ્ઞાનમાં ઉમેરો કરનારી બની જાય છે. જીવનમાં આપણને સૌ કોઇને આવા નાનામોટા પ્રસંગો જોવા-સાંભળવા મળ્યા જ કરતા હોય છે. અને આપણું વિચારતંત્ર જાગૃત હોય તો આપણા જ્ઞાનમાં ઉમેરો થયા કરતો હોય છે.

હું રહ્યો ખેડૂતજીવ ! એટલે ખેતી વ્યવસાયમાં ઉપયોગી થાય એવા કેટલાક નિરીક્ષણોથી મળેલા ઉકેલોની વાત કરું તો…….

[1] બાળકો ગુરુ બન્યાં : વાત છે 1980-82 ના ગાળાની. સૌરાષ્ટ્રમાં ગોલા-ઉમરાન કલમીબોર ઉગાડવાનો વાયરો ફુંકાએલો. અનુભવ નહીં છતાં પંચવટીબાગમાં બોરની કલમો બનાવવા અમે નર્સરી શરુ કરેલી. પ્લાસ્ટિકની થેલીઓમાં માટી ભરી બિયાં ઉગાડવાનું કામ ચાલે. એક જણ બે હાથે થેલીનું મોઢું પહોળું કરી રાખે અને બીજો જણ ખોબા વચાળેથી માટીની ધાર કરી થેલીમાં ભરે. જણ બે રોકાય છતાં ધાર્યું કામ ઉકલે નહીં. અમારા મુંઝારાનો કોઇ પાર નહીં. ઉપાય સૂઝે નહીં, કરવું શું ?

અમારું કુટુમ્બ સયુંક્તકુટુંબ [29 જણનું], બાળકોની સંખ્યાયે ઘણી. ઉનાળાનું વેકેશન. બાળકો બધાં આખોદિ’ અમારી સાથે વાડીએ જ હોય. વાડીમાં થઈ રહેલું નર્સરીનું કામ જોઇ તેઓએ પણ દૂર લીમડાને છાંયડે નર્સરી-નર્સરીની રમત આદરેલી. એ બધા અંદરોઅંદર ઝઘડતા તો નથીને એ જોવા હું એ બાજુ ગયો, ને જોયું તો તેઓ પણ થેલીઓમાં માટી ભરવાનું જ કામ કરી રહ્યા હતાં. પણ આ શું ? અહીં તો બધા અમારી જેમ બેબે જણ ભેગા મળી થેલીઓમાં માટી ભરવાને બદલે સ્વતંત્રરીતે જ દરેક જણ થેલીઓ ભરી રહ્યા છે ! દૂર ઊભા ઊભા મેં નિરીક્ષણ કર્યું તો ખ્યાલ આવ્યો કે તેઓની બાજુમાં પડેલ દેશી નળિયાના ઢગલામાંથી [દેશી નળિયાનો એક છેડો થોડો સાંકડો અને બીજો છેડો જરા પહોળો હોય] એકેક નળિયું ઉપાડી લાવી, સાંકડો છેડો થેલીના મોઢામાં ભરાવી, પહોળા ભાગને માટીના ઢગલામાં એવો ધક્કો મારી દબાવે કે નળિયું આખું માટીથી ભરાઈ જાય, પછી નળિયું ઊંચું કરી દે ત્યાં નળિયાં માહ્યલી માટી આપોઆપ થેલીમાં સરકી રહે ! હું તો ઘડીભર જોઇ જ રહ્યો ! પછી તો બધા મજૂરને એક એક નળિયું આપી બાળકોની પદ્ધત્તિથી સ્વતંત્રરીતે થેલીઓ ભરતા કર્યા. અને સુરત નાનાભાઇને ફોન કરી તળિયા વિનાના પ્યાલા હોય તેવા પૂંઠાના બોબીન મગાવી લીધાં અને નર્સરીનું કામ સરળ બન્યું. કહેવાનો ભાવાર્થ એ છે કે જે યુક્તિ અમને નહોતી સૂઝી તે બાળકોની બુદ્ધિએ અમને સુઝાડી, કહોને એ બાબતે બાળકો અમારા ગુરુ બની રહ્યાં !

[2] સૂર્યમુખીનું ખળું લેવાની રીત જડી : ઘણા વરસો પહેલાં અમે સૂર્યમુખીનું વાવેતર કરેલું. પાક બહુ સરસ થયેલો. મોટા થાળી થાળી જેવડા ફૂલ અને એમાં દાણા પણ ભરાયા ભરચક ! બિયાં પરિપક્વ થતાં લણી લણી નાખ્યાં ખળામાં અને સૂકાયા પછી લીધા ડંડા, ને માંડ્યા ધોકાવવા ! થાળીના ટુકડે ટુકડા થઈ જાય પણ અંદરથી બિયાં છૂટા પડવાનું નામ ન લે ! મીણ ભણી ગયા સૂર્યમુખીનું ખળું લેવા બાબતે. “આ પાક ક્યારેય ન ઉગાડવો” એવું નીમ લઈ લીધું જાણોને !

રવિપૂરામાં “ભાઇકાકા કૃષિકેંદ્ર” ખાતે સર્વદમનભાઇને ત્યાં કપીલભાઇ શાહ સાથે એક સેમિનારમાં જવાનું થયું.ત્યાં સૂર્યમુખીનું મોટું વાવેતર જોયુ. અરે ! એનું ખળું લેવાની કામગીરી પણ ચાલુ હોવાથી એ વિધિ ત્યાં જે પ્રત્યક્ષરૂપે જોવા મળી એની વાત કરું તો બેત્રણ જણા સૂર્યમુખીના પાકા પાકા ફુમકા લણી લણી લાવ્યે રાખતા હતા અને બાકીના બધા એ લીલેલીલા ફુમકામાંથી હાથની આંગળીઓ વડે વહાલથી પંપાળતા હોય એમ જ સહેજસાજ ભીંસ આપી બિયાં ફટાફટ જુદા પાડી રહ્યા હતા. માનો પંપાળીને કામ થતું હોય તે મારામારીથી નથી થતું ! અમારી જેમ ફુમકાને નહીં સુકવવાના કે નહીં ધોકાવવાના ! ખરું કહેવાય ! આ તો સાવ સહેલું- “સસ્તુ ભાડું ને સિદ્ધપૂરની જાત્રા !” કહ્યું છેને કે “અજાણ્યું ને આંધળું બેય સરખા” તે આનું જ નામ ! સર્વદમનભાઇની વાડીએથી સૂર્યમુખીનું ખળું લેવાની સાવ સરળ રીત જાણી.

[3] ફળઝાડની ડાળીઓને નીચે બાંધી રાખવી લાભદાયી : ઇઝ્રાયલના પ્રવાસમાં ઘણાબધા ફળબાગના વૃક્ષો જોવાનું થયેલું. આંબા,પેર, સફરજન, દાડમ જેવા ફળવૃક્ષોને ટુંકા અંતરે રોપી, તેને સમયે સમયે પ્રુનિંગ કરતા રહી, નાનાં રાખી, એકંદર વિઘાદીઠ વધુ ઉત્પાદન લેવાની અહીં અમલમાં મૂકાએલ પદ્ધતિથી તો વાકેફ હતા જ, પણ હજુ સુધી નહોતું જોયું તેવું અહીં એ જોવા મળ્યું કે દરેક વૃક્ષના થડથી મીટરની દૂરી પર ફરતા ફરતા લોખંડના ચાર ચાર ખુંટા ખોડેલા જોયા, અને ફળવૃક્ષને પ્રુનિંગ કર્યા પછી ફૂટી નીકળેલી કુણી તીરખીઓને દોરીથી બાંધી, નીચી વાળી, લોખંડના ખુંટા સાથે બાંધી દીધેલી જોઇ ! મનમાં થયું, અરે ! આવું શું કામ ? પૂછતા ઉત્તર મળ્યો કે “ આ રીતે નીચી રાખેલી ડાળીઓમાં જે ફળો લાગે છે તે ઊંચેરી ડાળીઓમાં લાગેલા ફળોની સરખામણીએ કદમાં મોટાં અને ગુણવત્તામાં વધુ સારા હોય છે”, લ્યો કરો વાત ! મિત્રો ! આપણે તો ઝાડવાની નીચે નમેલી ડાળીઓ “નડતરરૂપ છે” કહી, કાપી નાખી, ઝાડવાને વધુ ઊંચું બનાવવાની મહેનતમાં હોઇએ છીએ ! ઇઝ્રાયલ અને આપણી વચ્ચે ખેતીની સમજ બાબતે કેટલો બધો ફરક ?

[4] મૂળિયાંને ડ્રીપરમાં ઘૂસવાની મનાઈ ! : ઇઝ્રાયલમાં કીબુત્ઝના બગીચાઓમાં બદામ,સફરજન, પેર,દાડમ જેવા બધાં વૃક્ષો જોયા લીલાછંમ અને ફાલથી ભાળ્યા લથબથ ! પણ પિયત માટેની કોઇ ધોરિયા-ખામણા કે ડ્રીપની લેટરલ સુદ્ધાં નજરે નહીં ચડતાં અમે પૂછી બેઠા કે “ શું ? તમારે ત્યાં તળના પાણી જ એટલાં ઉપર છે કે જેથી વૃક્ષોનાં મૂળિયાં આપમેળે જ પાણી મેળવી લે છે ?” જવાબ મળ્યો, “ના, એવું નથી, પણ દરેક ઝાડના થડથી એક મીટરની દૂરી પર બન્ને બાજુ એક એક લેટરલ જમીનમાં 6 ઇંચ ઊંડે દબાવીને રાખેલી હોય છે, એના દ્વારા અમે પિયત આપીએ છીએ” તરત જ મેં કહ્યું “અરે ભૈલા ! એમ કરવાથી તો ડ્રીપરોમાં પાકના મૂળિયાં ઘૂસી જઈ, ડ્રીપરને જામ કરી દે છે એવો અનુભવ અમને છે.” મારી વાત સાંભળી એમણે શું જવાબ આપ્યો કહું ? એણે કહ્યું,” એ બધું તમારે ત્યાં ઇંડિયામાં થઈ શકે, આ ઇઝ્રાયલ છે ઇઝ્રાયલ ! અહીં મૂળિયાંઓને ડ્રીપરથી 6 ઇંચ દૂર જ રહેવું પડે !” પછી એમણે ચોખ કર્યો કે અમે પાણી સાથે એવું રસાયણ [જેની ભારતમાં છૂટ નથી} ભેળવીએ છીએ કે મૂળિયાં એનાથી દૂર જ રહે ! અને હવે તો એવા ફીલ્ટરની શોધ થઈ ગઈ છે કે એમાંથી પસાર થયેલ પાણીવાળા ડ્રીપરોથી મૂળિયાં થોડા છેટાં જ રહે. છે ને ઇઝ્રાયલની કમાલ !

[5] મગફળીના પાકને પ્લાસ્ટિકનું ઢાંકણ ? બેડ પર પ્લાસ્ટિક પાથરી તરબૂચની ખેતી થતી હોય કે પપૈયા-કેળ જેવા પાકની ખેતી પ્લાસ્ટિકનું આવરણ કર્યા પછી કરાતી હોય તેવું સાંભળ્યું અને જોયું પણ હતું. પણ “મગફળી” ની ખેતી કંઇ પ્લાસ્ટિકના મલ્ચિંગ થકી થોડી કરી શકાય ? અન્ય પાકોને તો એનાં મૂળિયાં ઉપર પ્લાસ્ટિક ઢંકાઇ રહેતું હોય, એ એને લાભકારી હોય.પણ મગફળી પાકમાં તો છોડવાની ડાળીઓમાંથી સૂયાને ઉતરી જમીનમાં જવાનું હોય ! ડાળી અને જમીન વચ્ચે પ્લાસ્ટિકનું પડ આવી જાય તો પ્લાસ્ટિક સોંસરવા સૂયા જમીનમાં જાય શી રીતે ? પ્રશ્નનો જવાબ જડતો નહોતો.

પણ ચીનના પ્રવાસ દરમ્યાન જાણ્યું કે બેડ પર સાવ પાતળું 5-6 માઇક્રોનનું પાણી કલરના પ્લાસ્ટિકનું મચિંગ કરી ઊભડી મગફળી ઊગાડાય છે અને આપણા નાના 16 ગુંઠાના વિઘે 40-50 મણ નહીં, 70 અને 75 મણ તો અવળી અંટીએ ઉતરી પડે છે એ અમે ચીનમાં રૂબરુ જઈને જોયું છે, મગફળીના ઊભા પ્લોટમાંથી એક ગુંઠો જમીન માપી, તેમાં ઊભેલ છોડવા જાતે ખેંચી, એનાં ડોડવા અલગ કરી, એનું વજન કરી,બરાબરનું ગણિત કરી- ઉતારો કાઢ્યા પછી આ વાત કરી રહ્યો છું. આટલું જાણ્યા પછી તો પંચવટીબાગમાં અને અન્ય ઘણા ખેડૂતોની વાડીઓમાં આ પ્રયોગ કરી જોયા અને આ પદ્ધત્તિથી ઉત્તમ પરિણામો મેળવી શકાય છે એ સાબિત થયું. કહો, ચીન પાસેથી મગફળીની ઉત્તમ ખેતી પદ્ધત્તિ જાણવા મળી જ ને !

[6] ઝાડવું એક પણ થડિયાં અનેક ! ; હિરાભાઇ કરમટા [મો.63531 44074] મારા મિત્ર. એકવાર વેરાવળ બાજુની એની વાડીએ જવાનું થયું. ચીકુડીનું મોટું પ્લાંટેશન. ઘેઘૂર ઝાડવાઓને ફળોએ લટરલૂમ જોઇ હૈયું હરખાઇ રહ્યું. આવા સરસ ઝાડ અને આટલાં બધાં ફળોની ઠાંહણી ? ઝાડવાઓને શી શી માવજત આપી છે એ બાબતે વાતચીત કરતા મારું ધ્યાન બાજુની ચીકુડીના ખામણાં બાજુ ગયું. વાતચીત બંધ થઈ ગઈ અને નજર ખોડાઇ ગઈ એ ઝાડવાની નીચે જ ! આ શું ? વડલાને વડવાઇઓ હોય, એ વડવાઇઓ લોંઠકી બની થડ જેવો ટેકો પૂરતી હોય એવું તો જોયું છે,, પણ ચીકુડીના ઝાડવાને કંઇ વડવાઇઓ હોય ? આ કોઇ ચીકુની નવી જાત વાવી છે કે શું ? હું તો જોઇ જ રહ્યો, એક ચીકુડીની નીચે, બીજીની નીચે, ત્રીજી-ચોથી અરે, અરે આ શું ? જ્યાં નજર ફરે ત્યાં દરેક ચીકુડીને ત્રણ ત્રણ કે ચચ્ચાર થડિયાં ભળાઇ રહ્યાં છે ! હું તો તખત પામી ગયો. ખરું કહેવાય ભાઇ ! ઝાડવું એક અને થડિયાં અનેક !

હીરાભાઇને પૂછતાં ખ્યાલ આવ્યો કે હા, ગણતરી પૂર્વક એમના મોટાભાઇએ ચીકુના ઝાડને વધુ પોષણ પૂરું પાડવા ઝાડની નીચે રાયણના પઠ્ઠા ઉછેરી, ચીકુની ડાળી સાથે ભેટકલમ કરી, ઝાડવાને વધારે થડિયાંની ભેટ ધરી, વધારે તંદુરસ્તી બક્ષી, અઢળક ઉત્પાદન આપવા સક્ષમ બનાવ્યાં છે. એક દ્રષ્ટિવંત ખેડૂતની કોઠાસૂઝ કેવું સરસ પરિણામ લાવી શકે છે તે અહીં જાણ્યું.

[7] ખભાની ભેરુ કેડને બનાવી : એ તો હવે મોલાતમાં દવા છંટકાવના બેટરીવાળા પંપ આવી ગયા એટલે છાંટનારના ખભાને ઓછું આલ પડે છે. બાકી જ્યારે પંપને હેંડલ મારવાના થાય ત્યારે ખભાને બે બાજુનો માર પડતો હોય છે. એક તો 16 લીટર અંદર ભરેલ પ્રવાહીનું વજન ઉપાડવાનો ભાર અને બીજું હેંડલ ઉંચું-નીચું કરવામાં લાગતા ઝટકાનું દબાણ ! છાંટનારના ખભા એન એન દુખી જતા હોય છે એવો અનુભવ સૌની સાથે મારો પણ છે જ.

આમાંથી ઉગરવા પંપ પર પીઠ સાથે લાગનાર ભાગ સાથે પોચી ગાદી અને ખભાના પટ્ટા પર પણ ગાદીના આવરણ જેવા પ્રયત્નો પંપ-કંપનીઓએ કરી જોયા છે, પણ એમાં ખાસ ફાયદો ખભાને થયો નથી. આ ખભા દુ;ખવાનો વહમો અનુભવ તો મને પણ છે જ. હુંયે વિચાર્યા જ કરતો હતો કે શું કર્યું હોય તો આમાં રાહત થાય ? મુંઝવણને સંશોધનની માતા કહી છેને ! એક વિચાર એવો આવ્યો કે ખભા સિવાય શરીરનું બીજું કોઇ અંગ ખરું કે જે આ દુ;ખમાં ભાગ પડાવી શકે ? મારું ધ્યાન કેડ [કમર] બાજુ ગયું. પ્રયોગ આરંભ્યો. મેં એક ફાળિયું વળ દઈ ટાઇટફીટ રીતે કેડે વિંટાળ્યું, અને પ્રવાહી ભરેલ પંપના પટ્ટા ખભે ભરાવી, પંપનો નીચલો કાંઠો પંપનું વજન કેડે બાંધેલ ભેટ ઉપર આવે એ રીતે ટેકાવી દીધો. અને પછી છંટકાવનું કામ ચાલુ કર્યું, તો ખભાને ઘણી હળવાશ રહી. આખા પંપનું વજન કમરબંધે જ ઊપાડી લીધું-ખભાને તો માત્ર પંપને ટેકાવી રાખવા પૂરતું જ કામ કરવાનું રહે. કામ કરતા કરતા હાથ લાગેલ આ કીમિયો હવે તો અમારી વાડીએ રોજિન્દો વ્યવહાર બની રહ્યો છે.

[8] અને હવે બે અનુભવ ખાણી-પીણી બાબતેના :

[અ] સીતાફળ ખાવાની સરસ રીત જડી : બોર, જાંબુ, દ્રાક્ષ, રાયણ જેવા ફળો સીધા હાથથી મોંમાં મૂકી ખાઈ શકાય. દાડમને દાણાં કાઢી ખવાય. જામફળ, સફરજન જેવાને સુધારી-ચીરીઓ કરી ખવાય અને કેરી જેવા ફળને ઘોળીને રસ કાઢી ખવાય. પણ સીતાફળને ન સીધું મોઢું મારી ખાઇ શકાય, ન તેનો રસ કાઢી શકાય કે ન ચીરીઓ કરી શકાય ! પાછું સીતાફળ ભાવે સૌને બહુ, પણ ખાવામાં આંગળાં બગડે અને ગોબરવેડા થાય તે વધારામાં !

પણ સીતાફળને ખાવાની ઉત્તમ પદ્ધત્તિ અમે નિહાળી ગાલાફાર્મ-દેહરીમાં. ત્યાં અમે મુલાકાતે ગયેલા. તેના માલિકે જે રીતે સીતાફળ ખાધું, અમે એ જોયું અને અમે પણ એ રીતે ખાતા થઈ ગયા એની વાત કરું તો…ફળનું દીટું નીચે રહે તેમ એક હાથમાં ફળ પકડવું. બીજા હાથે ફળની ઉપર ઉપરની પાંચ-છ કળી પરથી છાલ ઉપાડી લેવી. પછીથી સ્ટીલની ચમચી ખુલ્લી કરેલ કળીમાં દબાવી, થોડી પેશીઓ ચમચીમાં લઈ ખાવાનું શરૂ કરવું. એ રીતે ચમચી દ્વારા ફળનું આખું કોચલું હાથમાં રાખી, આખા ફળનો માવો જેમ કપમાંથી આઇસ્ક્રીમ ખાતા હોઇએ એમ હાથ બગાડ્યા વિના લિજ્જતથી ખાઇ શકાશે. કરી જોજો અખતરો ! જામો પડી જાશે.

[બ] “પોષક-કોફી” પોતાની વાડીમાંથી જ મળી ગઇ : ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે ત્યાં મહેમાન આવ્યા હોય અને સ્વાગતમાં “ચા” નથી પીતા એમ કહે તો ? તો આપણે “કોફી”નો આગ્રહ કરતા હોઇએ છીએ. બજારમાંથી જે “કોફી-પદાર્થ” લાવીએ છીએ તેમાં કેટકેટલા રસાયણો ભળેલા હોય છે તેની ખબર આપણને તો હોતી નથી. એટલે એનાથી થતા ફાયદાની વાત તો બાજુ પર રહી-પણ મહેમાનને નુકશાન કેટલું કરશે એ નક્કી નથી. એવી કોફી આપણે પાવી ન હોય તો શું કોફી પાવી જ નહીં ? જરૂર પાવી,પણ કઈ કોફી ? તો સાંભળો…..જે વાસણમાં કોફી બનાવવી હોય તે વાસણને ચૂલા પર મૂકી, તેમાં જેટલા કપ કોફી બનાવવાની ગણતરી હોય તેટલી ચમચી આખેઆખી કાચી મેથી નાખવી. ધીમા તાપે પૂરેપૂરી શેકાવા દીધા પછી એમાં દૂધ ઉમેરી, જોઇતાપૂરતું ગળપણ [ખાંડ]નાખી, બે ઉફાળા આવવા દઈ ગળણીથી ગાળી લઈ, કપ કે રકાબીમાં મહેમાનને પીરસી દેવી.મહેમાનને આ કોફી પીને મજા આવી જશે એની ખાતરી અમે આપીએ છીએ. આ કોફીની વિશેષતા એ છે કે એ આપણી પોતાની વાડીમાં પાકતી, કોઇ પણ ભેળસેળ અને રસાયણમુક્ત, છતાં સાવ સસ્તી અને આરોગ્યવર્ધક-સ્વાદ અને સુગંધમાં સૌને ચડી જાય તેવી આ મેથીની “પોષકકોફી” બનાવી મહેમાનને તો પાજો અને પી જો જો, જામો પડી જાશે !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.