વલદાની વાસરિકા : (૭૯) માનવતાના મારગડે આશાનાં કિરણો

વલીભાઈ મુસા

હું સ્થાનિક બિનસરકારી સંસ્થા – ધી ગાર્ડિયન ટ્રસ્ટ, કાણોદરનો સ્થાપક ટ્ર્સ્ટી, તેના બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર અને ટ્રસ્ટીમંડળના ચેરમેનપદે પણ સ્થિત હતો. મેં મારા સાથી ટ્રસ્ટીઓ સાથે સંઘભાવનાથી ટ્રસ્ટના ઉદ્દેશો સિદ્ધ કરવા અર્થે શરૂઆતનાં સાત વર્ષ સુધી કામ કર્યું હતું અને હાલમાં હું નિવૃત્ત છું. અહીં ટ્રસ્ટના બંધારણમાંના કેટલાક ઉદ્દેશો પૈકીના એક ઉદ્દેશને હું જાહેર કરવા માગું છું. આ ઉદ્દેશ મારા વાચકોને અને ખાસ કરીને અત્રેનાં અન્ય દેશોમાં વસતાં બિનનિવાસી અને કાયમી વસવાટ કરતાં નવીન પેઢીનાં કાણોદરી ભાઈબહેનોને સ્વયં રીતે સ્પષ્ટ થઈ જશે અને તેઓ જાણી શકશે કે કાનો (કાનજી) પટેલ નામના ઈસમે સ્થાપેલા આ ગામ વિષે, છેલ્લી અર્ધસહસ્ત્રાબ્દિથી પૂર્વજો તરફથી ચાલ્યા આવતા ગામના ભવ્ય અને બહુમુખી સાંસ્કૃતિક વારસા વિષે, તેના રહેવાસીઓ અને તેમના સંસ્કાર વિષેનો સમગ્રતયા સારાંશ એ એક માત્ર ઉદ્દેશમાં જ સમાવિષ્ટ છે.

ટ્રસ્ટના ઉપર ઉલ્લેખિત ઉદ્દેશની વિગત (Text) અક્ષરશ: નીચે મુજબ છે :

“કાણોદરના મોમીનો (મુસ્લીમો) વિશ્વભરમાં પોતાની આગવી એવી ઓળખ સાથે ફેલાઈ ગયા છે કે તેઓ અન્યો સાથે પ્રેમથી રહેવા ઉપરાંત કોઈની સાથેના કોઈ મતભેદો હોય તો તેમને ખેલદિલીપૂર્વક સ્વીકારી લઈને પોતાના વસવાટના સ્થળે સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પોતાનું યોગદાન આપવામાં કદીય પાછી પાની કરતા નથી. આ ટ્રસ્ટ આવાં વિશિષ્ટ લક્ષણો ધરાવતા સમુદાયની વ્યક્તિઓ કે સંગઠનોને એ રીતે પ્રોત્સાહિત કરશે કે જેથી તેઓ અન્ય સમુદાયોના લોકોને એવો ઉમદા દાખલો પૂરો પાડે કે જેથી દરેક જણનું વ્યક્તિગત સ્વમાન અને તેમના અધિકારોનું જતન થતું રહે અને સર્વજનકલ્યાણની પ્રવૃત્તિઓની જવાબદારીઓનું વહન અને પાલન થયા કરે.”

ગામની એકતા અને પ્રતિષ્ઠાને ઉર્ધ્વગામી બનાવવામાં ભૂતકાલીન કેટલાય મહાનુભાવોએ પોતપોતાનાં યોગદાન આપ્યાં છે, તો વળી વર્તમાન નેતાગીરીએ પણ અગાઉના એ ગરવા ગામઆગેવાનોના પગલે પગલે ચાલી બતાવીને ગ્રામજનોના એ સહિયારા ઉમદા આદર્શોનું સાતત્ય જાળવી રાખ્યું છે. મારા આ લેખ પાછળનો નેક ઈરાદો એ છે કે વર્તમાન પેઢીને આપણા સમુદાયની સંસ્કૃતિ અને તેની પરંપરાઓની યાદ તાજી કરાવવામાં આવે, પોતાની સારી રીતભાત થકી ગામની પ્રતિષ્ઠાને અકબંધ જાળવી રાખવાની સભાનતા તેમનામાં કેળવવામાં આવે અને ભવિષ્યની પેઢીને એ લોકો એવું જીવંત ઉદાહરણ પૂરું પાડે કે જેથી એ જ વારસો તેમના સુધી પહોંચી શકે અને જળવાઈ શકે. મારા લગભગ સાત દાયકાના જીવનકાળ દરમિયાન હું સેંકડો એવા સ્થાનિક ગામઆગેવાનોનો ચશ્મદીદ ગવાહ રહ્યો છું કે જેમણે ગામની પ્રતિષ્ઠાનાં સોપાનો સર કરવા માટે પોતાના જીવનનો મુલ્યવાન સમય આપવામાં કોઈ કસર બાકી છોડી નથી. મારા લેખની કદમર્યાદાને ધ્યાનમાં લેતાં હંમેશ માટે પ્રકાશમાન એવા એ ગ્રામસિતારાઓની સેવાઓને વિગતે બિરદાવવા હું અશક્તિમાન છું.

પરંતુ આ ગામ, તેની એકતા, તેની શાંતિ અને તેની આબાદીને સ્પષ્ટ કરવા અર્થે અન્ય ત્રાહિત લોકોએ આ લાક્ષણિકતાઓ વિષે પોતાનાં એકંદરે જે મંતવ્યો આપ્યાં છે, તેમાંથી એકાદને અહીં દર્શાવવું મને ગમશે. ઘણા લોકો સ્વામી સચ્ચિદાનંદજીના નામથી પરિચિત હશે જ. તેઓશ્રી ગુજરાતના એવા કર્મયોગી સંત છે કે જે સામાજિક, સાહિત્યિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહે છે. થોડાંક વર્ષો પહેલાં અત્રેની સ્થાનિક હાઈસ્કૂલના વિજ્ઞાન પ્રવાહના સંકુલના ઉદઘાટન પ્રસંગે તેમને નિમંત્રવામાં આવ્યા હતા. સ્વામીજીએ આ ગામની અગાઉ કદીયે મુલાકાત લીધેલી ન હતી, પણ પેટલાદથી કાણોદર આવતાં વચ્ચે રસ્તામાં તેમને ગામ વિષેની સંક્ષિપ્ત પશ્ચાદભૂમિકા આપવામાં આવી હતી. પોતાની વિચક્ષણ બુદ્ધિમત્તા, આધ્યાત્મિકતા અને પોતાની સ્વયંસ્ફૂરણાના બળે તેમણે ગામ અને તેના લોકો વિષે એટલું બધું જાણી લીધું કે જાણે તેઓ અગાઉ અહીં આવ્યા હોય અથવા અહીં વસવાટ કરેલો હોય! પોતાના પ્રવચનમાં તેમણે કહ્યું હતું, “આઝાદી વખતે ભારતના ભાગલા અંગેની વિચારણા કરવા માટેની લાહોર કોંફરન્સ જો કાણોદરમાં મળી હોત તો ભારત અખંડ રહ્યું હોત!” સ્વામીજીના આ શબ્દો ગામ માટે ઉત્તમોત્તમ પ્રશસ્તિસૂચક પુરસ્કાર માત્ર જ નહિ, પણ ગામ લોકો માટે ભવિષ્યમાં પણ આ મુદ્દે સભાન રહેવાની તાકીદ સમાન છે કે જેથી ગામની એકતા હંમેશ માટે અકબંધ જળવાઈ રહે, અને માત્ર એટલું જ નહિ પણ આ ગામના વતનીઓ જ્યાં જ્યાં રહે ત્યાં ત્યાં એકતા અને ભાઈચારાની ભાવનાને જીવંત રાખે. સામાન્ય રીતે સ્વામીજીને ક્યાંય પણ નિમંત્રવામાં આવે અને તેમનું બહુમાન કરવામાં આવે ત્યારે તેમના આશ્રમ માટે કંઈક અને કંઈક દાન તેમના ચરણોમાં મૂકવામાં આવે, પણ અહીં વિપરિત થયું કે તેમણે પોતાના ટ્રસ્ટના ફંડમાંથી આ હાઈસ્કૂલને રૂ|.૨૫,૦૦૦/- નું દાન જાહેર કર્યું હતું.

હવે જો આપણે થોડાક વધુ દૂરના ભૂતકાળ તરફ જઈએ તો ડો. હરિભાઉ લક્ષ્મણરાવ પુરોહિત કે જે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા અને શ્રી દ્વારકાગીરી મહારાજ જે ઉત્તર પ્રદેશથી આવેલા અખાડા સાધુ હતા તેઓ બંનેની યાદ આપણાં દિમાગોમાં તાજી થયા સિવાય રહેશે નહિ. ડો. પુરોહિતે એક ફિઝિશિયન તરીકે ગામને એકધારી ૩૩ વર્ષ સુધી સેવાઓ આપી અને દ્વારકાગીરી મહારાજે સ્થાનિક શિવમંદિરમાં પોતાની સેવાઓ આપવા ઉપરાંત સમાજસેવા અને ગામની ભલાઈ માટેનાં કાર્યોમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. આ બંને મહાનુભાવોને આ ગામ પ્રત્યે પોતાનો ઊંચો અભિપ્રાય હોવા ઉપરાંત દિલી લાગણીઓથી લોકો સાથે એવા ઓતપ્રોત થઈ ગયા હતા કે તેમણે જાહેરમાં પોતાની એવી મહેચ્છાઓ પ્રગટ કરી હતી કે તેઓ પોતાનો અંતિમ શ્વાસ આ ભૂમિમાં જ લે અને તેમની અંતિમક્રિયા પણ અહીંની માટીમાં જ થાય. ડો. પુરોહિત તેમની તમન્ના પરિપૂર્ણ કરવા ભાગ્યશાળી પુરવાર ન થયા, કેમ કે નિવૃત્તિ પછી તેમનાં સંતાનોએ તેમને પોતાના વતન વડોદરા ખાતે બોલાવી લીધા હતા; પણ બાપજી નસીબદાર રહ્યા કે તેમણે પોતાનો અંતિમ શ્વાસ તો અહીં લીધો, પણ તેમને સમાધિની સ્થિતિમાં બેસાડીને વાજતેગાજતે ગામમાં જુલુસ ફેરવીને મંદિરની જ ભૂમિમાં દફન પણ કરવામાં આવ્યા. બંને જણા પોતાની હિંદુ આસ્થા મુજબ લોકોને સંવેદનામય શબ્દોમાં હંમેશાં કહેતા રહેતા કે જો ઈશ્વર તેમને કોઈપણ સ્વરૂપમાં પુનર્જન્મ આપે તો તેઓ માત્ર એક વાર જ નહિ, પણ વારંવાર અહીં આ ભૂમિમાં જ જન્મવાનું પસંદ કરશે. તેમના આ શબ્દો સ્થાનિક મુસ્લીમ પ્રજા માટે માત્ર એક મોટા પુરસ્કાર રૂપે જ નહિ, પણ તમામની આંખોમાં આભારવશતાનાં આંસુ ઊભરાવી દેવા માટે સમર્થ પુરવાર થયા હતા.

અહીં આ તબક્કે મુસ્લીમ સમુદાયનાં પણ સંખ્યાબંધ સ્ત્રીપુરોષોનાં વિશિષ્ટ યોગદાનોને યાદ કરી લેવાનો આ લઘુ લેખમાં અવકાશ નથી, આમ છતાયે એકંદરે એટલું તો જરૂર કહીશ કે તેઓ બધાં પણ માનવતાના માર્ગે આશાનાં કિરણો સમાન પુરવાર થયાં હતાં. એ તમામે ગામની એકતાને જાળવી રાખવા ઉપરાંત બિનસાંપ્રદાયિકતાની ભાવનાના એક મજબૂત પાયાને પણ પ્રસ્થાપિત કરી દીધો હતો, જેનો પ્રભાવ આજે પણ લોકોમાં જોવા મળે છે. આ બધી યાદદાસ્તોને ફરી તાજી કરી લેવાનો આજની પ્રવર્તમાન પરિસ્થિતિમાં આ જ એવો યોગ્ય સમય છે, જ્યારે કે વિશ્વભરમાં એક યા બીજા સ્વરૂપે હિંસા પોતાનું માથું ઊંચકી રહી છે અને વિશ્વશાંતિ જોખમી તબક્કામાંથી પસાર થઈ રહી છે.

અગાઉ મારા એક મિત્ર ઉપરના વ્યક્તિલક્ષી આર્ટિકલ “A full circle swallowed 22 years” (એક પૂર્ણ વર્તુળ ૨૨ વર્ષ ઓહિયાં કરી ગયું)માં દર્શાવ્યા મુજબ ગામની નવીન પેઢી પોતાની આર્થિક જરૂરિયાતોને પોષવા માટે દુનિયાના લગભગ તમામ ખંડોમાં ફેલાવા માંડી છે. આપણે ઈશ્વરનો તેની દયા અને કરુણા બદલ આભાર માનવો જોઈએ કે જેણે લોકોમાં વૈશ્વિકરણ અને ઉદારીકરણ પરત્વેની ઉદારમતવાળી વિચારધારાને જગાડી છે અને જેણે લોકો માટે વિદેશોમાં સ્થાયી થવા માટેની બારીઓ ખોલી આપી છે. આના પરિણામે સેંકડો યુવકયુવતીઓએ પોતપોતાના જીવનસાથી કે સંતાનો સાથે વિદેશોમાં સ્થળાંતર કરી દીધું છે. આ બુઢ્ઢો માણસ અર્થાત્ ‘હું’ મારા દિલની લાગણીથી કહું છું કે આ બધાં યુવકયુવતીઓ આપણા બિનસાંપ્રદાયિક ગામ કાણોદર, ગાંધીજીના ગુજરાત અને આપણા મહાન દેશ ભારતના પ્રતિનિધિઓ તરીકે જે તે જગ્યાએ છે અને તેમણે વિશ્વબંધુત્વ અને શાંતિનો પ્રસાર કરવાની ગંભીર જવાબદારી નિભાવવાની છે.

હું કાણોદરના વતનીઓ કે જે બિનનિવાસી કે સ્થાયી નાગરિકત્વના દરજ્જે જ્યાં જ્યાં વસ્યા છે અને વિશાળ અર્થમાં કહું તો માત્ર તેઓ જ નહિ પણ દુનિયાભરના કોઈપણ માનવીઓ જે વિદેશે વસ્યા હોય તેઓ સઘળાને એક વાત કહેવા માગું છં. આ વાત છે અઢારમી સદીમાં ઈરાનથી ભારતના ગુજરાતના સંજાણા બંદરે હિજરત કરીને આવેલા પારસીઓની. તેમણે તે વખતના ગુજરાતના રાજ્યકર્તાને ખાત્રી આપી હતી કે તેઓ દૂધમાં જેમ સાકર ભળે તેવી રીતે લોકોમાં ઓતપ્રોત થઈ જશે. મારાં ભાઈબહેનો, આપણે એ પારસીબંધુઓએ આપણા દેશ માટે નમૂનારૂપ જે ભૂમિકાઓ ભજવી છે તે આપણે સૌ જાણીએ જ છીએ. એ બધાઓ પૈકીના મુખ્યત્વે જમશેદજી તાતા, ફિલ્ડ માર્શલ સામ માણેકશા અને હોમી જહાંગીર ભાભા જેવાઓએ દેશના વિકાસ માટે પોતાનાં શ્રેષ્ઠ યોગદાનો આપ્યાં છે. આ ઉદાહરણ વડે હું તમામ એ સૌને સંદેશો આપવા માગું છું કે તમારે પણ લોકોમાં આવી વસવાટના સ્થળ પરત્વેની વફાદારીને જગાડવાનું અને તે પ્રમાણે તેને કાર્યાન્વિત કરવાનું જીવંત ઉદાહરણ પુરું પાડવાનું છે. તમે જે તે દેશના મૂળ વતનીઓ સાથે પાડોશી તરીકે, નોકરી કે રોજગારમાં સહકાર્યકર્તા તરીકે, ધંધાર્થી તરીકે કે અન્ય કોઈ દરજ્જાના સંબંધે સંપર્કમાં આવો; ત્યારે તમારે તમારા વિચાર, વાણી અને વર્તન દ્વારા બિનસાંપ્રદાયિકતા, પરસ્પરના સહકાર અને સહઅસ્તિત્વની ભાવના અને વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણજીના સ્થાપેલા ‘સર્વોદયવાદ’ ના જીવનમંત્ર ‘જીવો અને જીવવા દો’ ના સંદેશાને તેમના સુધી પહોંચાડવાનું એક મિશનરી તરીકેનું કામ કરવાનું છે.

હું મારા લેખને સમાપ્ત કરવાની નજીક આવી પહોંચ્યો છું ત્યારે મને પ્રાપ્ત થએલા કોઈક અજાણ્યા સ્રોતમાંના કોઈકના જાતઅનુભવને અહીં ટાંકીશ, જેના શબ્દો આ પ્રમાણે છે : “જ્યારે વરસતા વરસાદમાં હું આકર્ષક સુટ પહેરીને છત્રી વગર એક મિટીંગમાં હાજરી આપવા મારા માર્ગે હતો, ત્યારે એક ભલી અને અજાણી સ્ત્રીએ મને તેનું સરનામું આપતાં પોતાની છત્રી આપી અને મારા ઉપર વિશ્વાસ મૂકી બતાવ્યો કે હું વરસાદ રહી જતાં એ છત્રી તેને પરત કરીશ જ.” આ એક સાવ ઓછા મહત્ત્વની વાત હોવા છતાં તેમાં ખૂબ જ ગંભીર અને છૂપો ભેદ છુપાએલો છે. અહીં પરસ્પરના વિશ્વાસનું મહત્ત્વ છે, નહિ કે છત્રીના મૂલ્યનું! દરેક જણે સહન કરી શકાય તેવાં આવાં જોખમો ઊઠાવીને પણ અન્યને મદદરૂપ થવાનો પ્રયોગ કરવો જોઈએ. આનાથી માનવીના માનવી સાથેના ભરોંસાનો પાયો મજબૂત બનશે અને મને મને ખાત્રી છે કે આવા પ્રયોગો સાવ એળે તો નહિ જ જાય.

સમાપને કહેવાનું કે આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે ધિક્કારથી ધિક્કાર ઉપર કાબૂ મેળવી શકાય નહિ. ચાલો, આપણે નવેસરથી વિચારીએ અને માનવતામાંની આપણી આશા અને આસ્થાને વિસ્તારીએ. જો આપણે ભૂલ કરવા જ માગતા હોઈએ તો ભલે ને ભૂલ કરીએ એ માટેની કે આપણે લાગણીઓ, ઉદારતા અને સહિષ્ણુતાના હકારાત્મક પાસાનો જ વિચાર કરીએ અને તેના ઉપર અમલ પણ કરીએ.

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977

નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

Author: admin

1 thought on “વલદાની વાસરિકા : (૭૯) માનવતાના મારગડે આશાનાં કિરણો

  1. આમાંની થોડીક વાત અંગત વાતચીતમાં ખબર હતી. પણ વિગતે અહીં વાંચી આનંદ આનંદ થઈ ગયો. આશા રાખીએ કે, આખો દેશ કાણોદર પાસેથી પ્રેરણા લે.

Leave a Reply

Your email address will not be published.