શબ્દસંગ : ભાષા પણ માતૃસ્વરુપા

નિરુપમ છાયા

૨૧મી ફેબ્રુઆરી ૧૯૫૨. પૂર્વ પાકિસ્તાનનનાં ઢાકા શહેરનાં મોટાં મેદાનમાં જંગી મેદની ઉમટી છે. ઢાકા યુની.ના વિદ્યાર્થીઓએ સભા અને સરઘસ માટે લોકોને આહવાન આપ્યું છે. લોકો પણ પૂરા જોશ અને આક્રોશથી એકત્ર થાય છે. ૧૯૪૭માં પાકિસ્તાનની રચના બાદ, ૧૯૪૮માં દેશની રાષ્ટ્રીય અને રાજભાષા તરીકે એકમાત્ર ઉર્દુ ભાષાને રાષ્ટ્રીય અને રાજભાષા તરીકે જાહેર કરવામાં આવી. પાકિસ્તાનના જ ભાગ અને પાકિસ્તાનમાં બહુમતી ધરાવતા પૂર્વ પાકિસ્તાન (હાલ બાંગ્લાદેશ) ના લોકોએ આની સામે ઉર્દુની સાથે બીજી ભાષા બંગલા કે બાંગ્લાને સ્થાન આપવા દરખાસ્ત કરી અને આંદોલનો શરુ થયાં. પાકિસ્તાનની ધારાસભામાં ધીરેન્દ્ર્નાથ દત્તે ૨૩મી ફેબ્રુઆરીના રોજ એક પ્રસ્તાવ પણ રજુ કર્યો. પણ, પાકિસ્તાનના શાસકોએ કોઈ જ પ્રતિભાવ ન આપ્યો. ઊલટું, આંદોલનને કચડી નાખવા દરેક સમયે દમનનો કોરડો વીંઝ્યો. પણ પોતાની માતૃભાષા માટે અત્યંત પ્રેમ ધરાવતા લોકો આ સહન નહોતા કરતા અને દમન છતાં અવારનવાર આંદોલનો થતાં રહ્યાં અને આ રીતે એ દિવસે પણ પોતાની માતૃભાષાને સન્માનજનક સ્થાન અપાવવા લોકો સભાસરઘસ દ્વારા પોતાની માંગણીને બુલંદ કરી રહ્યા હતા. દર વખતની જેમ આ વખતેય શાસકોએ દમનનો કોરડો વીંઝતાં વધારે ક્રૂર બની, એ નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવી અને સલામ બરકત, રફીક, જબ્બર અને શફીઉર નામના વિદ્યાર્થીઓ સમી છાતીએ ગોળીઓ ઝીલતાં લોહી નીંગળતી હાલતમાં ઢળી પડ્યા. તેમનું પ્રાણ પંખેરું ઊડી ગયું. અનેકો ઘાયલ થયા.

માતૃભાષા માટે લોકોએ બલિદાન આપ્યાં હોય એ વિશ્વના ઇતિહાસની એક વિરલ ઘટના હતી. એ દિવસને બાંગ્લાદેશમાં માતૃભાષાદિન તરીકે ઘોષિત કરાયો છે. રાષ્ટ્રીય અવકાશ (રજા) પણ રાખવામાં આવે છે. શહીદોની સ્મૃતિમાં રચાયેલ શહીદ મિનારની લોકો મુલાકાત લે છે અને પોતાનાં સંવેદના, આદર વ્યક્ત કરી, શહીદોનો ઋણસ્વીકાર કરે છે. પછી તો કેનેડાનાં વાનકુંવરમાં રહેતા બાંગ્લાદેશના નાગરિક રફીકુલ ઈસ્લામે, ૯મી જાન્યુઆરી ૧૯૯૮ના રોજ વિશ્વની વિલુપ્ત થતી જતી ભાષાઓને બચાવવા વિશ્વ માતૃભાષા દિન ઉજવી, લોકોનું ધ્યાન પોતાની માતૃભાષા તરફ આકર્ષિત કરવા યુનોના વડા કોફી અનાનને પત્ર લખ્યો અને એ માટે ૨૧મી ફેબ્રુઆરી પસંદ કરવા સૂચન પણ કર્યું. છેવટે, ૧૬મી મે ૨૦૦૭ના રોજ યુનોની સામાન્ય સભાએ માન્યતા આપી અને ૨૦૦૮ના વર્ષને વિશ્વ માતૃભાષા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું.

માતૃભાષા માટે શહીદી વહોરી લેવાય એટલી ઉગ્રતા સાથે એક પ્રદેશમાં આંદોલન થાય અને બીજી બાજુ આપણે ત્યાં શું સ્થિતિ છે? ગંભીર મંથન કરવા જેવું છે. પ્રારંભે આટલી લાંબી ભૂમિકા અને વિવરણ કરવાનું કારણ પણ એ જ છે કે આપણે આ ઘટનાને હૃદયમાં સ્થિર કરી, એમાંથી વ્યાવહારિક પ્રેરણા લઇ, માતૃભાષાને આપણા વ્યવહારમાં પ્રાધાન્ય આપીએ. વિશ્વ માતૃભાષા દિન ફકત એક યાંત્રિક રીતે કાર્યક્રમો કરી, એની મહત્તા વિષે વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનો કરી ઉજવ્યો એવા સંતોષ માટે નથી પણ વિતેલાં વર્ષમાં આપણે ક્યાંય પાછળ તો નથી રહ્યા ને, એ અંગે મંથન અને માતૃભાષા માટે વધુને વધુ ઊર્ધ્વ જવા, નક્કર માર્ગ પર ચાલવાનો દૃઢ નિશ્ચય કરવા માટેનો અવસર છે. કારણ કે આપણી માતૃભાષા ગુજરાતીની તો સ્થિતિ આજે પણ “શું શાં પૈસા”ચાર જેવી જ છે. કદાચ એથી પણ બદતર સ્થિતિ થતી જાય છે. એક નાનકડાં ઉદાહરણ પરથી આ વાત સ્પષ્ટ થઇ જશે. “ “જમ્મુથી બરોડા સુધીની લાંબી જર્ની દરમિયાન મારી લેફ્ટ સાઈડે અને સામેની બર્થ પર બેઠેલા એક ફેમિલીના ડાયલોગ , બીહેવીયર અને થીન્કીન્ગનું હું ઓબ્ઝર્વેશન કરી રહી છું. ફેમિલીમાં પાંચ મેમ્બર્સ છે. રાઉન્ડ એબાઉટ ફોર્ટીફાઈવથી ફિફ્ટીની મિડલની એજના ડેડી, ફોર્ટીફાઈવનાં મમ્મા અને ફીફટીન, થર્ટીન અને ટેનના ત્રણ બોઇઝ. વેલએજ્યુકેટેડ અને રીચ ફેમિલી હોય એવું એમના ઓવરઓલ અપીયરન્સ ઉપરથી લાગતું હતું. એમની મધરટંગ હતી કાશ્મીરી, પરંતુ છોકરાઓને એ આવડતી નહોતી. તેમની બધી ટોક હિન્દીમાં ચાલે. ડેડી અને મમ્મા એકબીજા સાથે કાશ્મીરીમાં વાત કરે. બધાં જ ઓફકોર્સ કોન્વેન્ટ એજ્યુકેટેડ એટલે એમની કોન્વર્સેશન હિન્દીમાં ચાલતી હોય ત્યારેય ઢગલાબંધ અંગ્રેજી વર્ડ્ઝ આવે.” શું કહીશું આને ? શિક્ષિત અને સમજદાર કહેવાતા, પોતાની જાતને પ્રગતિશીલ કહેવડાવતા લોકો આવી ભાષાનો ઉપયોગ કરે તો રગરગમાં વહેતાં માતાનાં દૂધ સાથે જ મળેલી છે એ ભાષા માટે કેટલા માતૃભાષાદિન ઉજવાય તો વાતચીતમાં વપરાતી આ ભાષાથી માતૃભાષા સુધી પહોંચાય?

આપણી સંસ્કૃતિમાં માતાનું મહત્વ સર્વોપરિ મનાયું છે એથી જ, જ્યાં જ્યાં માતા શબ્દ જોડાયેલો હોય એનું પણ એટલું જ મહત્વ હોય ને? માતા પ્રથમો ગુરુ એ સૂત્ર શું દર્શાવે છે? અને પેલી તો હવે સહુને ખ્યાલ છે એ પંક્તિ, “ઈશ્વર સતત આ પૃથ્વી પર ન આવી શકે એટલે એણે માતાને મોકલી છે..’’, માતાને ઈશ્વરની સીધી પ્રતિનિધિત્વ તરીકે સ્થાપિત કરે છે. તો માતૃભાષા પણ એ જ સ્વરૂપ જ ને ? ભૂલાવાનું કારણ, ગુલામી, આકર્ષણ અને મોહ. આપણે આઝાદ થયા પણ માનસ તો ગુલામ જ રહ્યું. પશ્ચિમના દેશોની ભૌતિક સગવડો, દમદાર જીવનશૈલીએ જેમ સ્વત્વને ઢાંકી દીધું તેમાં અંગ્રેજી ભાષાએ તો ભૂરકી છાંટી દીધી. અંગ્રેજી બોલીએ તો વટ પડે, હોશિયાર કહેવાઈએ, આવા બધા ભ્રમ ગેરમાર્ગે દોરે છે. અમારા એક સ્નેહી પોતાનાં કાર્ય અંગે ઈઝરાઈલ ગયેલા . એમણે કહ્યું કે ત્યાં કામ કરવું હોય , રહેવું હોય તો પહેલા ત્રણ માસ એક અભ્યાસક્રમમાં જોડાઈ, ભાષા શીખી લેવી પડે.એ દેશ અસ્તિત્વમાં આવતાં જ , ત્યાંની સરકારે વિજ્ઞાનના અંગ્રેજી ગ્રંથોને પોતાની ભાષામાં ઉતાર્યા. હવે નવો જ અસ્તિત્વમાં આવેલો દેશ પોતાની માતૃભાષા માટે આટલી ખેવના રાખે, ચાહના દર્શાવે તો આપણે ન કરી શકીએ? પણ આપણે તો વધુને વધુ અંગ્રેજી તરફ ઢળતા ગયા. બાળક અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પ્રાપ્ત કરે, ક, ખ, ગ શીખે એના કરતાં A, B ,C, D શીખે એમાં ગૌરવ લેવામાં આવે છે, પછી ભલે ને જે ભાષા એ શીખે એ વર્ણસંકર હોય? રામા, લક્ષ્મણા એવું શીખે ! એક વખત પિતા એના પુત્રને સમજાવી રહ્યા હતા, “કુરુક્ષેત્રમાં પાંડવાસ અને કૌરવાસ વચ્ચે વોર થયેલું. એટલું બ્લડશેડ કે ડસ્ટ બધી રેડ થઇ ગયેલી.” પછી એમાં ભીષ્મપિતામહનો ઉલ્લેખ આવ્યો એટલે પુત્રએ પોતે જાણતો હતો એ પ્રદર્શિત કર્યું, “ પેલા જેમણે મેરી નહીં કરવાનું વાઉ લીધું હતું તે ને?” અને આ જ પિતા પ્રાણીબાગમાં કે ક્યાંય પણ જાય, કંઈ પણ કહે ત્યારે શું કહેશે એ કલ્પના કરી શકાય છે.

યજ્ઞ પ્રકાશને વિનોબાજીના શિક્ષણ અંગેના વિચારો, ‘શિક્ષણ-વિચાર” પુસ્તકમાં સંકલિત કર્યા છે તેમાં શિક્ષણનું માધ્યમ વિદ્યાર્થીની માતૃભાષા જ હોઈ શકે એમ કહેતાં વિનોબાજી પ્રશ્ન કરે છે, ગધેડાનાં બચ્ચાંને પૂછવામાં આવે કે તને ગધેડાની ભાષામાં જ્ઞાન આપવું જોઈએ કે સિંહની ભાષામાં તો એ એમ જ કહેશે કે સિંહની ભાષા ગમે તેટલી સારી હોય તોયે મને તો ગધેડાની જ ભાષા સમજાશે. કૃષ્ણના જીવનનો એક પ્રસંગ તેઓ ટાંકીને કહે છે કે, “સાંદીપનિ ઋષિના આશ્રમમાંથી વિદ્યા પ્રાપ્ત કરી ઘરે પાછા ફરતા હતા ત્યારે ગુરુએ કહ્યું કે વાર માંગો ! કૃષ્ણે માંગ્યું- ‘માતૃહસ્તેન ભોજનમ”. એટલે કે મરતાં સુધી માતાના હસ્તે ભોજન મળે. એવી જ રીતે હું એવું માંગું કે ‘માતૃમુખેન શિક્ષણમ’. કારણ કે માં સાથે પ્રેમ જોડાયેલો હોય છે.”

પણ તો શું આપણે અન્ય ભાષાને દેશવટો દઈ દેવાનો? ના. એવું પણ નહીં. સર્વ ભાષાને સમાન સન્માન મળે એ જ તો માતૃભાષા દિન ઉજવવાનો ઉદ્દેશ છે. યુનોએ પસાર કરેલા ઠરાવમાં પણ આજ વાત કહી છે. એટલે જ , આપણા માતૃભાષા પ્રેમી ચિંતકો, વિદ્વાનો, સમર્થકોએ સૂત્ર આપ્યું, ‘માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી.’ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરવાનો પણ ત્યાં જ ઉત્તમ અંગ્રેજી શીખવાની વ્યવસ્થા હોય. અને કોઈપણ ભાષા શીખવા માટેનો ક્રમ છે, બોલવું, વાંચવું અને લખવું. પણ આપણે ત્યાં તો ઊંધું જ ચાલે. બાળકને લખવાથી જ શરુઆત કરાવીએ. આપણે એટલું પણ સમજતાં નથી કે નાનું બાળક ગુજરાતીમાં પ્રત્યાયન કેવી રીતે શીખ્યું? પહેલાં એણે આસપાસ ભાષા સાંભળી, એને ગ્રહણ કરી અને બોલતાં શીખ્યું પછી અક્ષરો, શબ્દો, વાક્યો જોઇને ઓળખતાં શીખે છે અને છેલ્લે એ ઓળખ લખાણને કેટલું સરળ બનાવી દે? પણ ના, આપણામાં તો ધૂન સવાર છે બાળકને હોશિયાર બનાવી પોતે ગૌરવ લેવાની કે ‘મારું બાળક કેટલું હોશિયાર છે?’ ભાષા શીખવાના આ પ્રાકૃતિક ક્રમને કોઈપણ ભાષા અને અંગ્રેજી માટે લાગુ પડી શકાય. અંગ્રેજી ભાષા સાંભળવી, ગ્રહણ કરવી, વાંચવી, અને બોલવાનો મહાવરો કરવો. કોઈપણ ક્રિયા કે પદાર્થ જોઈએ તો તરત એના માટે અંગ્રેજી શબ્દ કયો એ વિચારવું. પહેલાં એના માટે ગુજરાતી શબ્દ વિચારવો અને પછી એનો અંગ્રેજીમાં અનુવાદ કરવો એ તો ઉલટી ગંગા ! એમાં ઉત્તમ અંગ્રેજી કેમ કરીને શીખાય? પછી થાય એવું કે આજે વટ પડાવવા માટે યુવાનો ‘હાય’, ‘હેલ્લો’, ‘બાય’ એવું બોલીને અંગ્રેજીમાં બોલ્યાનો સંતોષ લે છે. હવે અંગ્રેજીનાં લઘુશબ્દરૂપો પ્રચલિત થતાં જાય છે અને વ્યવહારમાં પ્રચલિત થાય છે એ લાલબત્તી સમાન છે. ‘જય શ્રી કૃષ્ણ’ને બદલે JSK અને એવું બધું. હમણાં મન્નુ શેખચલ્લીએ એમના એક સ્તંભ (COLUMN)માં કટાક્ષ કરતાં લખેલું , આપણે હવે JSR (જય શ્રી રામ), BHMKJ (ભારત માતાકી જય) અને એવું બધું લખતા થઇ જઈએ તો નવાઈ નહીં ! કેમ MP (મઝા પડી?) કે MNP (મઝા ન પડી?) બોલો હું આવું લખું તો ચાલશે? મારી વાત તમારા સુધી પહોંચશે?

એટલે જ, બધું ખોઈ બેસવાનો વારો આવે તે પહેલાં નિશ્ચય કરીએ કે (હાલના) બાંગ્લાદેશમાં અપાયેલ બલિદાનોને યાદ કરી, દૂધભાષાનાં ઓવારણાં લઇ, હું પૂરી જાગૃતિ સાથે મારી માતૃભાષામાં જ વ્યવહાર કરીશ.


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

1 thought on “શબ્દસંગ : ભાષા પણ માતૃસ્વરુપા

  1. કુવામાં હોય તો હવાડામાં આવે.
    માતા પરમાત્માંનું નજીકમાં નજીકનું સ્વરૂપ છે. આજની મોટાભાગની માતાની દ્રષ્ટિ ભૌતિકતામાં પડી છે. જીવનમાં આધ્યાત્મિકતા હોય તો માતૃભાષા અને સાત્વિકતા મફતમાં જોડે આવે.

Leave a Reply

Your email address will not be published.