મોજ કર મનવા : પ્રચ્છન્ન પ્રશસ્તિ

કિશોરચંદ્ર ઠાકર

એક દિવસ સવારે મારા પર એક પછી એક એમ બે મિત્રોના ફોન આવ્યા. પહેલા મિત્રે પોતે નવી લીધેલી મોંઘી કારના, તો બીજાએ તેનો દીકરો બારમા ધોરણમાં સારા ગુણ મેળવીને ઉતિર્ણ થયાના સમાચાર આપ્યા. બન્નેને આ આનંદના સમાચાર માટે અભિનંદન આપીને હું ઓફિસે પહોંચ્યો.

કોણ જાણે પણ તે દિવસે કામમાં ચિત્ત લાગતું ન હતું. કોઈ વિચિત્ર પ્રકારની બેચેની લાગતી હતી. બેત્રણ દિવસ આ સ્થિતિ રહેવાથી એક ડોક્ટર મિત્રનો સંપર્ક સાધ્યો. કોઈ શારીરિક તકલીફ ના લાગતા તેમણે મને માનસિક રોગના ડોક્ટરને બતાવવાની સલાહ આપી. માનસિક રોગના ડોક્ટરે જુદા જુદા સવાલો પૂછ્યા જેવા કે, ઘરમાં કે બહાર કોઇની સાથે અણબનાવ થયો છે? કોઈ દેવામાં ફસાઈ ગયો છુ?, કોઈ સ્વજનની મોટી બિમારી ચાલે છે કે તેમની સાથે કોઈ દુર્ઘટના ઘટી છે? વગેરે વગેરે. મેં આવુ કશું જ નથી બન્યું એમ જણાવ્યું. છેવટે આજકાલ ડોક્ટરો તાવ શેનો છે તે ના સમજાતા વાયરલ છે એમ કહીને દવા આપી દે છે તેમ આ ડોકટરે મારી તકલીફ્નું કારણ ખોટા વિચારો છે એમ ચૂકાદો આપીને રાત્રે ઉંઘ સારી આવે તે માટેની દવા આપીને મને વિદાય કર્યો.

થોડા દિવસ દવા લીધાં પછી પણ કાંઈ ફરક પડ્યો નહિ. પછી એક રાત્રે દવા લેવા જતો હતો એવામાં જ એક અન્ય મિત્રનો ફોન આવ્યો અને જાણવા મળ્યું કે પેલા મિત્રની કારને અકસ્માત થયો છે અને જે મિત્રના દીકરાના સારા માર્ક આવ્યા હતા તે માર્ક તેને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે પૂરતા ન હતા. “ઈશ્વર કોઈનું સારું જોઈ જ શકતો નથી” એવા પ્રકારની ડાહી ડાહી વાતો કરીને મેં દુ:ખ વ્યક્ત કર્યું. તે રાત્રે હું દવા લેવાનું ભૂલી ગયો, તો પણ ઊંઘ સરસ આવી!

ડોક્ટર ભલે કાંઇ નિદાન ન કરી શક્યા હોય, પરંતુ વાચક મિત્રો તો મારી બિમારીને જાણી ગયા હશે. જો કે ઉપદેશકો તેને બિમારી નહિ ગણતા ઈર્ષ્યા નામની માનવીય નબળાઈ કે દુર્ગુણ માને છે અને તેના અનેક ગેરલાભો બતાવી ઈર્ષ્યાને છોડી દેવા માટેના ઉપદેશો આપે છે.

ખરી વાત એ છે કે આપણે કાંઇ આમંત્રણ આપીને ઈર્ષ્યાને બોલાવતા નથી. આપણા કાબૂ બહારના પરંતુ તેને અનુકૂળ સંજોગો ઊભા થતા ઈર્ષ્યા બિન બુલાયે મહેમાનની જેમ આપણામાં પ્રવેશ કરી લે છે. પ્રવેશ કર્યા પછી તેને અનુકૂળ લાગે તેટલો સમય રોકાય છે અને આપણને ખ્યાલ ન આવે તે રીતે વિદાય થઈ જાય છે. આથી ઈર્ષ્યા એ કોઈ દુર્ગુણ તો નથી જ ઉપરાંત ઉપર કહ્યા પ્રમાણે કોઈ બિમારી પણ નથી. ખરેખર તો એ આપણા સૌમાં છેક બાલ્યકાળથી પ્રવર્તતી કેટલીક બદનામ લાગણીઓ જેવી એક પ્રકારની લાગણી જ છે.

સામાન્ય રીતે એવી સમજ પ્રવર્તે છે કે કોઈ અન્ય વ્યક્તિની આપણા કરતા વધારે લાગતી પ્રગતિ, ખુશી, સુખશાંતિ વગેરે આપણામાં ઈર્ષ્યાનો પાદુર્ભાવ કરાવે છે. પરંતુ ‘મિયાની દોડ મસ્જિદ સુધી’ ની જેમ ઈર્ષ્યા પણ આપણા સગાસબંધી કે મિત્રો કરતા વધારે દૂરનો પંથ કાપી શકતી નથી. મારા કરતા વધારે શારીરિક ક્ષમતા ધરાવતા મિત્રની ઈર્ષ્યા મને હંમેશા થાય છે, પરંતુ દારાસીંગ કે એવા જાણીતા પહેલવાનની મને કદી ઈર્ષ્યા નથી થઈ. એ જ પ્રમાણે અમિતાભ બચ્ચન જેવા મોટા ફિલ્મી કલાકારો, જાણીતા રમતવીરો, મહાન સાહિત્યકારો કે તત્વચિંતકોની કદી ઈર્ષ્યા નથી થતી. આથી એમ લાગે છે કે સબંધની નિશ્ચિત ત્રિજ્યા ધરાવતા વર્તુળની અંદર રહેલા લોકોની જ ઈર્ષ્યા થાય છે, અને આ વર્તુળના પરિઘની બહાર રહેતા લોકોની ઈર્ષ્યા કદી થતી નથી.

કોઈપણ નિયમની સાર્થકતા તેમાં રહેલા અપવાદથી જ છે! એથી ઉપરોક્ત નિયમમાં પણ અપવાદ છે જ. અગાઉ જણાવ્યા પ્રમાણે આપણા નજીક્ના સંબંધીઓની આપણને ઈર્ષ્યા થાય છે. પરંતુ તદ્દન નજીકના સબંધીઓ જેવા કે આપણા સંતાનો સહિતનાં પરિવારજનો કે આપણા પ્રિય શિષ્યો આ બાબતે અપવાદ છે. ઉલ્ટાનું “પુત્રાત્ ઇચ્છેત પરાજયમ્, શિષ્યાત્ ઈચ્છેત્ પરાજયમ્” એ ન્યાયે આપણા સંતાનો કે આપણા પ્રિય શિષ્યો આપણા કરતા વધારે પ્રગતિ કરે એમ ઈચ્છવા ઉપરાંત એ માટે પ્રયત્નશીલ રહીએ છીએ!

વિજ્ઞાનમાં આપણે ભણી ગયા છીએ એ પ્રમાણે કોઇપણ પદાર્થ કે ઉર્જા તદ્દન નાશ પામતાં નથી પરંતુ તેનું સ્વરૂપ બદલાઈ જાય છે. જેમ કે ધ્વનિનું કે પ્રકાશનું વીજળીમાં રૂપાંતર થઇ જાય છે. આપણે તેનું પુન: ધ્વનિ અને પ્રકાશમાં રૂપાંતર કરીને રેડિયો અને ટિવિ બનાવ્યા. આ નિયમ તો ઈર્ષ્યાને પણ લાગુ પડતો જોયો. ઈર્ષ્યા જ્યારે આપણા સબંધોનાં વર્તુળની બહાર નીકળી જાય છે ત્યારે પ્રેરણામાં પરિવર્તિત થઈ જાય છે. આનો લાભ લઈને આપણે મહાપુરુષોનાં જીવનચરિત્રોમાંથી પ્રેરણા મેળવીએ છીએ.

ઈર્ષ્યાને પોતાને કોઈ જ્ઞાતિનો કે સ્ત્રીપુરૂષનો ભેદ હોતો નથી. પરંતુ આપણે તો “તારા સંગનો રંગ ના લાગે ત્યાં લગી તું કાચો” એવા ભક્તકવિ દયારામના ઉપદેશથી પ્રેરાઈને ઈર્ષ્યાને પણ જ્ઞાતિ અને જાતિના રંગે રંગવા પ્રયાસો કરીએ છીએ. એથી તો “સ્ત્રીઓ વધારે ઈર્ષાળુઓ હોય છે” તથા “બામણની આંખમાં ઝેર હોય છે” જેવી ઉક્તિઓ વહેતી કરીએ છીએ.

એમ કહેવાય છે કે ઈર્ષ્યાની અસરમાં કેટલાક લોકો સળગી જાય છે. આમ ઈર્ષ્યામાં પવિત્ર અગ્નિનો વાસ હશે. અગ્નિનાં દૂરથી દર્શન કરીને પવિત્ર થઈ શકાય છે પરંતુ તેમાં ઝંપલાવવાથી તો બળી જ મરીએ, એ પ્રમાણે નૈસર્ગિક એવી ઈર્ષ્યાની લાગણીના અગ્નિ તત્વનું સાક્ષી ભાવે એક વખત દર્શન કરવું. દર્શન કર્યા પછી જેમ યજ્ઞની સમાપ્તિ પછી દેવોને પ્રાર્થના કરીને “ગચ્છ ગચ્છ સ્વસ્થાને” કહીને વિદાય કરીએ છીએ તેમ ઈર્ષ્યાના અગ્નિ તત્વને પણ વિદાય આપવી રહી. અગ્નિની વિદાય પછી બાકી રહેતી યજ્ઞફળ જેવી પવિત્ર ભસ્મનું આપણી શ્રદ્ધા પ્રમાણે તિલક કરી શકાય કે આખા શરીરે ચોળી શકાય. આ પવિત્ર ભભૂત આપણને પ્રશંસા સ્વરૂપે મળે છે. આથી તો અનુભવીઓએ ઈર્ષ્યાને છુપા વખાણ તરીકે ઓળખાવી છે!

આ તો થઈ ઈર્ષ્યા આપણને વળગ્યા પછી તેનાથી છૂટકારો મેળવવાની વાત. પરંતુ આપણામાં તે પ્રવેશે જ નહિ તે માટે મનુષ્ય માત્રને આપણા તદ્દન નજીકના પરિવારજનો તરીકે સ્વીકારવા. “વસુધેવ કુટુમ્બક્મ્” એ મંત્ર આપણને ઈર્ષ્યામુક્ત પણ રાખી શકે છે!

માત્ર ઇર્ષ્યા જ શા માટે? આપણી દરેક હીન લાગણીને દૂર રાખવાના કે દૂર કરવાના રાજમાર્ગ આ પ્રકારના જ હોઈ શકે, ઇતિ મે મતિ.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: Web Gurjari

3 thoughts on “મોજ કર મનવા : પ્રચ્છન્ન પ્રશસ્તિ

  1. કિશોરભાઇ , આપના હળવા લેખો વાંચવા હંમેશા ગમે છે આજનો હળવો લેખ “ પ્રચ્છન્ન પ્રશસ્તિ “ પણ બહુ ગમ્યો ઈર્ષ્યા નો માનવજાત સાથેનો સીધો અને આડકતરો સંબંધ સરસ રીતે વર્ણવ્યો છે આભાર

    1. સુરેશભાઈ, સુરતના રેલ્વે સ્ટેશનનો પેલો બાકડો હજું જળવાયો છે?

Leave a Reply

Your email address will not be published.