પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૩૪

નયના પટેલ, લેસ્ટર, યુકે

પ્રિય દેવી,
કુશળ છે ને?
ખલીલ જીબ્રાનનું વાક્ય વાંચી એમાં જ એક પૂર્તી કરવાનું મન થયું. ધરતીમાં પડેલા ઝવેરાતને શોધવા ખેડૂતની શ્રધ્ધા હોવી જોઈએ અને જ્યારે પાક લહેરાતો હોય ત્યારે પણ ઇશ્વર જ તેને સંભાળે છે ને? સામાન્ય ઝવેરાત તો બેંકના લૉકરમાં મૂકી શકાય. પરંતુ ઊભો મોલ જેના કણસલામાં મોતી જેવા દાણા ભર્યા પડ્યા હોય  તેને ઈશ્વર ભરોસે જ ખેડૂત રાખે છે તે અખૂટ વિશ્વાસ –શ્રદ્ધા જે કહો તે જ ખેડૂતને નિશ્ચિંત બનાવે છે. ક્યારેક ઊભો મોલ ચોરાઈ પણ જતો હોય છે. છતાં બીજે જ વર્ષે થોડી કાળજી સાથે ફરી ઈશ્વર ભરોસે જ એણે તો જીવવાનું છે.

નાગરિક કહેવડાવતાં આપણને કેટલી શ્રદ્ધા છે ઈશ્વરમાં?

અમારા લેસ્ટરનાં ચંદુભાઈના સ્વરમાં એક ભજન છે, ‘મનનાં રે મેલાં, આપણે માનવી, મનનાં રે મેલાં’.

અખૂટ શ્રદ્ધાની વાતો કરવાવાળા આપણે માત્ર મોટી વાતો જ કરીએ છીએ.દા.ત. એક તરફ આપણે ઢોલ પીટીને કહીએ છીએ કે ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ….’માતા-પિતાને બાળકના ભલા-બૂરાની ખબર હોય એટલી બાળકને ન હોય એ સ્વભાવિક છે ને? છતાં દરેક જણ પોતાની સમજણ પ્રમાણે હાથ જોડીને સ્વગત કે સૌ સાંભળે એ રીતે આપણે કાંઈને કાંઈ ભગવાન પાસે માંગીએ છીએ. કાંઈ નહીં તો ‘સદ્‍બુધ્ધિ આપજે’-બરાબર?

પ્રશ્ન એ થાય કે ક્યારે માંગવું પડે? વગર માંગ્યે આટલું બધું આપનારમાં એટલી શ્રધ્ધા ન હોય ત્યારે જ કાંઈ માંગીએ ને? બાધા-માનતા એ ઈશ્વર તરફની ભારો ભાર અશ્રધ્ધા સિવાય શું છે?

ક્યારે ય પણ આપણે હાથ જોડીને એમ કહીએ છીએ ખરાં કે, ‘ઈશ્વર, હું સુખી છું. થેન્ક્સ.’

એટલે જ મને મૂળ રવિન્દ્રનાથ ટાગોરની અને પછી ગુજરાતીમાં અનુવાદિત પ્રાર્થના, ‘કરો રક્ષા વિપદ માંહે ન એવી પ્રાર્થના મારી, વિપદથી ના ડરું કો’દિ પ્રભુ એ પ્રાર્થના મારી….

“ત્રણ વાનાં મુજ ને મળ્યાં, હૈયુ,મસ્તક ,હાથ,
બહુ દઈ દીધું નાથ, જા…ચોથું નથી માંગવુ.”…….ઉમાશંકર જોશી

વાત ક્યાંથી ક્યાં હું લઈ ગઈ નહીં?

તેં લખ્યું કે, ‘માનવીઓની વિવિધતા અને ભાષાઓના ઉચ્ચારોની વિવિધતા એ એક રસપ્રદ અને વિસ્મયભર્યો વિષય છે.’ તે વાંચી મને મારી બા અહીં યુ.કે આવી હતી ત્યારની એક વાત યાદ આવી ગઈ. એને માટે ગુજરાતી સિવાયની બીજી ભાષા એટલે હિંદી એટલે જ્યારે પણ અહીંના કોઈ અંગ્રેજની હું ઓળખાણ કરાવું એટલે એ હિંદીમાં શરુ થઈ જાય!!

અને ઉચ્ચારો તો બાર ગાઉએ બોલી બદલાય અને તેમાંથી જે રમૂજ ઉપજે…તેની એક વાત લખું. અમારા એક ઓળખીતા ભાઈ ચરોતરનાં એટલે ‘ળ’ની જગ્યાએ ‘ર’ વાપરે. જ્યારે એ લગ્ન કરવા બેઠાં ત્યારે લગ્ન કરાવનાર મહારાજે ‘મને પગે લાગો’ એમ ન કહેતાં કહ્યું, ‘હવે ગોરને પગે લાગો.’ પેલા ભાઈ કહે હું તો બધે જોઈ વળ્યો પણ ક્યાંય પણ મને ‘ગોર(ખાવનો ગોળ)’ દેખાયો નહીં એટલે પુછ્યું, ક્યાંછે ગોર?’ ત્યારે ગોર મહારાજે ‘હસીને કહ્યું મને પગે લાગો’.

ચાલ, હવે  તેં જે પૂછ્યું કે’ નૈતિક મૂલ્યોના પાયા એટલા બધા નબળા છે કે તે વાવાઝોડા સામે ટકી ન શકે?

દેવી, નૈતિક મૂલ્યો કોણ નક્કી કરે છે? સમાજમાં રહેતાં માનવી જ ને?

થોડી એ વાતને ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ.

પુરાણમાં એક વાર્તા છે કે, શંકર ભગવાન તપશ્ચર્યા કરીને પાછા આવ્યા ત્યારે જોયું કે એક કિશોર બહાર ઉભો છે અને પાર્વતીજી અંદર સ્નાન કરતાં હોવાથી શંકર ભગવાનને રોકે છે. ત્યારે શંકર ભગવાન ગુસ્સે થઈ એનું માથું ધડથી જુદું કરી નાંખે છે. પછી ખબર પડી કે એ એમનો પુત્ર જ હતો એટલે એક હાથીનું માથું કાપીને એ પુત્રના ધડ પર લગાવી દે છે.- ભગવાન થઈને આટલી નાની વાતમાં કોઈનું માથું કાપી નાંખે?-એવો પ્રશ્ન મને એક બાળકે પૂછ્યો અને મારી આંખ ખોલી નાંખી. એકલા પુત્રનું જ નહીં હાથીની ય હત્યા કરી. અત્યારના યુગમાં આ વાર્તા સાંભળતો બુધ્ધિશાળી બાળક મને જેમ એકે કહ્યું હતું તેમ કહે કે ‘ગણપતીજીનું માથું તો તાજું જ ત્યાં પડ્યું હતું તે ન ચોંટાડતાં, એક હાથીની હત્યા કરવાની શી જરુર હતી?’

બોલ, હવે એક તરફ આપણા શાસ્ત્રોમાં અહિંસાને મહત્વ આપ્યું છે અને બીજી તરફ ઘણા પુરાણમાં હિંસા અને ક્રોધથી ભરપૂર વાતો છે! કઈ વાત સાચી માનવી? કઈ વાતને નૈતિકતામાં ખપાવવી?

રામ એક તરફ ‘સત્ય’ને મહત્વ આપે અને કૃષ્ણ ‘નરો વા કુંજરો વા’ કહેવાનું કહે!

મારી દ્રષ્ટિએ દરેક વાત સમય, સંજોગો, દેશ, કાળ વિગેરેને ધ્યાનમાં રાખીને અને સમજીને અમલમાં મૂકવી જોઈએ..

ટેકનોલોજીએ દુનિયાને નાની કરી નાંખી છે એટલે વિશ્વ એકબીજાને નજીકથી જોઈ શકે છે. હવે એક દેશના નૈતિકતા, એ બીજા દેશમાં અનૈતિક હોઈ શકે. જેમકે એક દેશમાં તેમના નેશનલ ધ્વજનું વસ્ત્ર પહેરવું સામાન્ય હોય અને બીજા દેશમાં એને ધ્વજનું ‘અપમાન’ ગણવામાં આવે!

આ બધી વાતમાં બે મુખ્ય પરિબળો કામ કરે છે,

અનુકરણ અને નાવિન્ય શોધતો માનવી. અને આગળ પહેલા મેં લખ્યું હતું તે મુજબ ઢોળાવ ઉતરવો સહેલો છે, ચઢવો અઘરો છે.

ચાલ હવે બહુ ભારેખમ ન બનતાં ‘I can do it’…. ‘“Never underestimate what you can accomplish in life’ – લખેલી તારી વાત મને ખૂબ જ ગમી. ફરી શ્રધ્ધા-વિશ્વાસની વાત આવી. આત્મશ્રધ્ધા કહો કે આત્મવિશ્વાસ અને ધ્યેય સુધી પહોંચવાની મક્કમતા જ સફળતાની ચાવી છે. મેં ઘણા વર્ષો પહેલા આ.દોલતભાઈ દેસાઈની ‘કસ્તુરીમૃગ આપણે સહુ’ યાદ આવી ગઈ. ‘નાભિમાં કસ્તુરી છે જ’ એવો ધરખમ  વિશ્વાસ અને ઈશ્વરે દરેકને એ શક્તિ આપી જ છે એ શ્રધ્ધા.

આ પત્રશ્રેણી જ મને લાગે છે ‘ગમતાનો ગુલાલ’ છે બાકી આપણે વર્ષોથી ‘ગુંજે’ તો ભરતાં જ રહ્યા હતાં ને?

સ્નેહયાદ સાથે,

નીના.


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.