– બીરેન કોઠારી
પ્રામાણિકતા અને નૈતિકતા ગજબની ચીજો છે. તેની અપેક્ષા હંમેશાં સામાવાળા પાસે જ રાખવામાં આવે છે. ઘણા બધા કિસ્સામાં સૌથી અપ્રામાણિક અને અનૈતિક વ્યક્તિ જ આના વિશે ઉપદેશ આપતી જણાશે. કોઈક બસમાં કે રીક્ષામાં કોઈ મુસાફરનું નાણાં ભરેલું પાકિટ રહી જાય અને કંડક્ટર કે રીક્ષા ડ્રાઈવર તેને યોગ્ય ઠેકાણે જમા કરાવે ત્યારે આવી ઘટના ‘માનવતા મરી પરવારી નથી’ના શિર્ષકથી અખબારોમાં ચમકે છે. પ્રામાણિકતા સમાચાર બને એનો સીધો અર્થ એવો કરી શકાય કે એ દુર્લભ ચીજ છે. અલબત્ત, એ હકીકત છે કે પ્રામાણિકતા અને નૈતિકતા સાપેક્ષ ગુણો છે. વક્રતા એ પણ ખરી કે પ્રામાણિકતા અને ચારિત્ર્યની વ્યાખ્યાઓને આપણે અતિશય સ્થૂળ અને સાંકડી કરી મૂકી છે. પ્રામાણિકતાને આપણે કેવળ નાણાં સાથે અને ચારિત્ર્યને માત્ર જાતીયતા સાથે જોડી દીધું છે.
આપણા સાધુસંતો આપણી સંસ્કૃતિની દુહાઈઓ આપીને નિષ્કામ કર્મ, કર્મયોગ જેવા શબ્દો ઉછાળતા રહે છે, જેને લોકસમુદાય હોંશે હોંશે ઝીલી લે છે. આપણે બહુ સગવડપૂર્વક કાર્યસ્થળની નૈતિકતા અને પ્રામાણિકતાને આપણા કહેવાતા ધાર્મિક અને આધ્યાત્મિક અભિગમથી અલગ રાખી છે.
મુંબઈની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટનો એક કિસ્સો હમણાં પ્રકાશમાં આવ્યો છે. પહેલાં એ જોઈએ. હોસ્પિટલની એમ્બ્યુલન્સનો આ સાહેબે પોતાને ઘેરથી કાર્યસ્થળે જવા તેમ જ કામને લગતી મિટીંગના સ્થળે પહોંચવા માટે વારંવાર ઉપયોગ કર્યો છે. 240 વાર તેમણે અંગત કામ માટે અને 90 વાર ઑફિસના કામ માટે તેમાં મુસાફરી કરી છે. હૃદયરોગના દર્દીઓને આપવાની સારવારનાં સાધનોથી સજ્જ કાર્ડિયાક કેર એમ્બ્યુલન્સમાં તે 25 વાર ગયા છે. સામાન્ય રીતે આવી સંસ્થાઓનાં વાહનોના ડ્રાઈવર પાસે લૉગબુક હોય છે, જેમાં પ્રત્યેક મુસાફરીની વિગત અને કિ.મી. નોંધવામાં આવે છે. આ કિસ્સામાં પણ એ બરાબર નોંધવામાં આવી છે. જેમ કે, ‘અધિક્ષકસાહેબને ઘેર ઊતારવા ગયા’, ‘અધિક્ષકસાહેબને કોર્ટમાં લઈ ગયો અને લાવ્યો’, ‘અધિક્ષકસાહેબને જે.જે.હોસ્પિટલે મિટીંગમાં લઈ ગયો’ વગેરે…
વિખ્યાત સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાએ વરસો પહેલાં એક ટૂંકી વાર્તા લખેલી, જેનું નામ હતું ‘ભગવાનનાં ભજીયાં’. આખે રસ્તે ધસમસતી જતી એક એમ્બ્યુલન્સને તેની આગળ વાહન હંકારતો એક મુસાફર પોતાનો નાગરિકધર્મ ગણીને સાઈડ આપી દે છે. તેને મનમાં વિચાર આવે છે કે કોનું કયું સગું કેટલું બિમાર હશે! આગળ આવતી, ભજીયાં માટે જાણીતી એક હોટેલ પર રોકાવાનું તે વિચારે છે. હોટેલ પહોંચે છે ત્યારે પેલી એમ્બ્યુલન્સ ત્યાં પડેલી હોય છે. ભજીયાંની દુકાને વેળાસર પહોંચી જવાય અને ભજીયાંથી વંચિત ન રહી જવાય એ માટે ડ્રાઈવર આ નુસખો અજમાવતો બતાવાયો છે. આ વાર્તા હાસ્યપ્રેરક હતી, પણ આવી ઘટના વાસ્તવમાં બનવા લાગે ત્યારે એ સ્થિતિ કરુણતાજનક કહી શકાય! સૌથી વધુ કરુણતા એ કે તેનો દુરુપયોગ કરનારને કદી એમ લાગતું જ નથી, બલ્કે પોતે તેને વાજબી ઠેરવે છે.
જોવા જેવું એ છે કે સુપ્રિન્ટેન્ડેન્ટસાહેબને આમાં ખાસ કંઈ ખોટું થયું હોય એમ લાગતું નથી. ખુલાસામાં તેમણે કહ્યું છે, ‘મને સાવ ટૂંકા ગાળામાં મિટિંગમાં હાજર થવાનું જણાવવામાં આવે છે. હું એમ્બ્યુલન્સમાં જાઉં તો ટ્રાફિકમાંથી પસાર થવું સહેલું પડે છે. લોકો તરત રસ્તો આપી દે છે.’
આ હોસ્પિટલમાં કુલ ચાર એમ્બ્યુલન્સ છે અને એ તમામનો ઉપયોગ આ કામ માટે થયો છે. આમાંની બે એમ્બ્યુલન્સ માટે દાન મળેલું છે.
મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટને મુસાફરી ભથ્થું અલાયદું ચૂકવવામાં આવે છે. આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવાની સાથોસાથ તેમણે મુસાફરી ભથ્થા માટે દાવો કર્યો છે કે કેમ એની તપાસ પણ હવે કરવામાં આવશે.
જો કે, સુપ્રિન્ટેન્ડેન્ટસાહેબનું આ પગલું આઘાત પમાડનારું ન કહી શકાય. આવું કોણ નથી કરતું? પોતાને મળતી સવલતના દુરુપયોગ માટે આપણે સૌ પંકાયેલા છીએ. પ્રવાસે ગયા હોઈએ ત્યારે બનાવટી બીલ લેવાં અને પછી તેને રજૂ કરવાં, કોઈક સ્થળે પહોંચવા માટે મળતું ભાડું પૂરેપૂરું લેવું અને સસ્તા ભાડાવાળા વાહનમાં જઈને વચ્ચેનાં નાણાં સેરવવા, પોતાની કંપની કે સંસ્થા દ્વારા મળતી તબીબી સુવિધાનો દુરુપયોગ કરવો અને દવાઓનાં બનાવટી બીલ મેળવીને એ નાણામાંથી સાબુ, પ્રસાધન વગેરે ખરીદવાનું કામ ન કરતું હોય એવા ઓછા હશે! આ વ્યવહાર એટલી હદે સ્વીકૃત છે કે એમાં કશું ખોટું હોય એમ કોઈને લાગતું જ નથી, બલ્કે કોઈ એનો અમલ ન કરે તો એ વિચિત્ર જણાય છે.
સુપ્રિન્ટેન્ડેન્ટસાહેબે આટલી બધી વાર એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો એમાંથી એકે વાર કોઈ દર્દીને તેની જરૂર નહીં પડી હોય? હૃદયરોગના હુમલા સામે સજ્જ સાધનો ધરાવતી એમ્બ્યુલન્સનો આવો ઉપયોગ કરતાં તેમને એમ નહીં થયું હોય કે એ જ સમયે આ વાહનની કોઈને જરૂર પડી તો? મિટીંગમાં હાજરી આપવાનું મહત્ત્વ કોઈના જાન કરતાંય વધુ ગણાય?
એક વાર આ મામલો જાહેર થયો એટલે શાંત પાણીમાં થોડાં વમળો સર્જાશે, પણ શું આ વાત પ્રકાશમાં આવી ત્યારે જ સૌએ જાણી? હોસ્પિટલના તમામ કર્મચારીઓ આ નહીં જાણતા હોય? આમાં નૈતિક રીતે કશું ખોટું થયું છે એના અહેસાસને બદલે આ પગલાંને વાજબી ઠેરવતો ખુલાસો રજૂ કરવામાં આવે એ દર્શાવે છે કે નૈતિકતાની કે પ્રામાણિકતાની આપણી વ્યાખ્યાઓ કેટલી સાંકડી, સંકુચિત અને સગવડીયા છે. આવી બાબતનો અફસોસ શો! આપણે પણ કદી આપણને મળતા સંસાધનનો દુરુપયોગ આવા ‘નિર્દોષભાવે’ કર્યો જ હશે ને! આપણે પણ એમના જેવા જ છે કે તેઓ આપણા જેવા જ છે એ સંતોષ પણ કંઈ ઓછો નથી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૫-૩-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)