પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર નં ૩૩

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ

પ્રિય નીના,

મારા પત્રને ‘રણમાં મીઠી વીરડી’ જેવી ઉપમા આપવા માટે શું કહું?  મારા જ ભાવો આ શબ્દોમાં પ્રતિબિંબિત થતા અનુભવાયા!  મહત્વની વાત તો એ છે કે, આપણે મુક્તપણે ભિતરને ઢંઢોળી શકીએ છીએ. જગતમાં કોઈ એક પોતાનું, પોતાના જેવું વિચારતું હોય એનો સંતોષ જીવનમાં કેટલી મોટી તાકાત બક્ષે છે !

તારા પત્રની વાતોમાંથી દીવે દીવો પ્રગ્ટે તેવું થયું!!!! મોટી બાની વાતમાંથી મને એવી બે ત્રણ વાતો યાદ આવી. માણસોની વિવિધતાની જેમ હું ભાષાની વિવિધતાની વાત કરું.

મારી મા ભણી’તી ઓછું પણ ગણી’તી ખૂબ જ. જો કે, પહેલાંના જમાનામાં બધી જ સ્ત્રીઓમાં ભણતર કરતાં ગણતર વધારે જ હતું ને ? તેથી તો જીવન સરસ ચલાવી શક્તા હતા બધા. મા અહીં અમેરિકામાં ક્યારેક જરૂરી અંગ્રેજી શબ્દો બોલવાનો પ્રયત્ન કરે. દા.ત. ગારબેજ અને કારપેટ. તો એનાથી મિક્ષ થઈ જાય અને કંઈક નવું જ બોલે. શું ખબર છે? ગારબેટ ! અને કારપેજ!! કોર્ડલેસ શબ્દ બોલવો ન ફાવે એટલે વળી ‘હેન્ડફોન, હાથનો ફોન’કહે અને સ્પ્રાઈટને ગ્રીન, લીલો કોક કહે!! ને પછી ઝીણું હસે.

તો વળી મારા ‘મધર ઈન લો’તો એકદમ હોંશિયાર. એમને અંગ્રેજી આવડે ખરું, બોલે પણ ખરા. પણ કામ પૂરતું. પણ એ કંઈ અમેરિકનોને ચપચપ બોલતા સાંભળીને અંજાઈ ન જાય.એકવાર એમને સીટીઝનશીપનો ઈન્ટર્વ્યુ આપવા જવાનું થયું. તૈયારી તો કરી હતી. પણ મૌખિક પરીક્ષામાં અહીંના ઉચ્ચારો સમજવામાં ભૂલ થઈ જાય એવી દહેશત મનમાં હતી. હવે એક્ઝામીનરે સવાલ પૂછ્યો. કંઈ બહુ સ્પષ્ટ સમજાયું નહિ. પણ હોંશિયાર અને ચપળ ઘણાં જ. કંઈ ગાંજ્યા ન જાય. તેથી એકદમ મક્કમ ચહેરો રાખી, સીધું પરીક્ષકની આંખમાં ધારદાર જોઈને કહ્યુઃ Look. I know English. Okay? But I don’t know your English. You write question on paper and I will reply on paper!

મને અંગ્રેજી આવડે છે. ઓકે? પણ તમારું બોલેલું અંગ્રેજી નહિ. તમે કાગળ પર લખીને સવાલ પૂછો અને હું પણ કાગળ પર જ જવાબ આપીશ.

નીના, પેલો અમેરિકન તો છક્કડ ખાઈ ગયો અને અને હસીને,ખુશ થઈને “પાસ” કરી દીધા.

આ વાતનો સાર એટલો કે માનવીઓની વિવિધતા અને ભાષાઓના ઉચ્ચારોની વિવિધતા એ એક રસપ્રદ અને વિસ્મયભર્યો વિષય છે.

હવે સંસ્કૃતિની વાત. કાળની સાથે યુગયુગાંતરે થતા પરિવર્તનો વિશે તેં સરસ સમજાવ્યું. સંસ્કૃતિ ઉપર જે તે યુગની પરિસ્થિતિની અસર થાય છે અને તે મુજબ મૂલ્યો પણ બદલાતા રહેતા હોય છે. વાત તો બરાબર. સંમત. પણ અહીં સવાલ એ ઉભો થાય છે કે, શું નૈતિક મૂલ્યોના પાયા એવા નબળા છે કે જે સંજોગો/પરિસ્થિતિઓના વાવાઝોડા સામે ટક્કર ન ઝીલી શકે? લીવીંગ રીલેશન કે લગ્ન પહેલાંના કે લગ્ન વગરના શારિરીક સંબંધોવાળી વાતો વિષે નવાઈ ભલે ન લાગે પણ આ સાંસ્કૃતિક કટોકટી, કોઈપણ જાગૃત ભાવક માટે ચિંતાનો વિષય બની જાય છે તે હકીકત છે. કંઈક આવા જ સંદર્ભમાં બે મુક્તક યાદ આવે છે.

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે.
હર ચીજમાં એ લાભની તક શોધે છે.
આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ.
આંસુમાં ગરીબોના નમક શોધે છે.
                                           – મરીઝ

એ જ પ્રશ્ન છે કોણ કોનું છે?
હું ય મારો નથી, પરાયો છું.
સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું.
                                    – અમૃત ઘાયલ

ચાલ, હવે આમાંથી બહાર નીકળીને એક સરસ વાત કરું. એક પુસ્તકના પાના ફેરવતા ફેરવતા ખલીલ જીબ્રાનનું વાક્ય નજરે ચઢ્યું. “પૃથ્વીમાં ગમે ત્યાં ખોદો ને? બધે જ ઝવેરાત ભરી છે. શરત માત્ર એટલી કે, ખોદતી વખતે તમારામાં શ્રધ્ધા ખેડૂતની હોવી જોઇએ.

આમ તો આ વાક્ય અગાઉ પણ વાંચ્યું હતું પણ જેટલી વાર વાંચું, ઝૂમી ઊઠું. પછી થોડીવાર રહીને નેટ્સર્ફીંગ ચાલુ કર્યુ ત્યાં એ જ વાતને સમર્થન આપતી એક સરસ વીડીયો જોવા મળી. સાર લખું છું તને ગમશે.

ગલ્ફ વોરમાં ઘાયલ થયેલ એક ૪૭ વર્ષનો માણસ (નામ ભૂલી ગઈ) ચાલવા માટે અશક્ત થઈ ગયો. વ્હીલચેરમાં બેઠા બેઠા તેનું વજન વધી ગયું. ખુરશીમાં માઈ ન શકાય એટલું બધું વધી ગયું. ડોક્ટરોએ પણ આ ડીસ-એબીલીટીના સુધારાની શક્યતાઓ ન જોઈ. પણ આ માણસે મનને મક્કમ કર્યું. તૈયાર થયો.ધીરે ધીરે એણે જાતે થોડી કસરત/યોગા વગેરે શરુ કર્યું. કેવી રીતે ખબર છે? કોઈની પણ મદદ વગર ખુરશીના સહારે ઊભા થવાના પ્રયત્નોથી માંડીને આખા ઉભા થવાનુ., ડગલા માંડવાનુ, થઈ શકે તેટલા હાથપગ હલાવવાનું વગેરે ચાલુ કર્યું. પડે,વારંવાર પડે,વાગે, ઘણું કષ્ટ પડે પણ હિંમત હાર્યો નહિ.એમ કરતા કરતાં કરોળિયાની જેમ લાંબા સમય સુધી અનેક વાર મથતો રહ્યો. એ રીતે ૧૦ મહિનામાં ૧૪૦ પાઉન્ડ વજન ઘટાડ્યું. ધીરે ધીરે ચાલતો થયો. એક જ ધ્યેયની પાછળ પડેલ આ માણસ હવે બરાબર નોર્મલ માણસની જેમ ચાલી શકે છે, અરે,દોડી પણ શકે છે. એણે ડોક્ટરોને ખોટા પાડ્યા. એ હંમેશા વિચારતો કે I can do it and he did it.  વીડિયોના અંતે એક સંદેશ લખ્યો છે કે “
Never underestimate what you can accomplish in life.

આવી જ એક વાત એક અંધ વ્યક્તિની પણ કરવી છે. આવતા પત્રમાં એ લખીશ. પણ મને આ આખી યે પ્રેરણાદાયી વાત ખૂબ ગમી. થયું કે તારી સાથે ગમતાનો ગુલાલ કરું.

ચાલ, આવજે. સંભાળજે.

દેવીની યાદ.


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. :ninapatel47@hotmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.