દેખા હૈ ઝિંદગી કો, કુછ ઇતના કરીબ સે… કિશોર કુમારે ગાયેલાં રવિનાં ગીતો :: ૧ ::

મૌલિકા દેરાસરીની કિશોર કુમારે ગાયેલાં ગીતોની શ્રેણીમાં આપણે એસ ડી બર્મન, કિશોર કુમાર, મદન મોહન અને ચિત્રગુપ્ત દ્વારા રચાયેલાં ગીતો માણી ચુક્યાં છીએ. વેબ ગુર્જરી પર  માર્ચ, ૨૦૧૯માં આ શ્રેણીનો છેલ્લો મણકો પ્રકાશિત થયો હતો.તે પછીથી, ‘ફિલ્મ સંગીતની સફર’માં બે દીર્ઘ શ્રેણીઓ શરૂ થઈ, જેને પરિણામે મૌલિકાબહેનની શ્રેણીને આપણે થોડો સમય વિરામ આપ્યો હતો.


હવેથી દર મહિનાના પહેલા શનિવારે મૌલિકાબહેન આપણને કિશોર કુમારે  ગાયેલાં ગીતોની સફર પર લઈ જશે


સંપાદકો, વેબ ગુર્જરી.

મૌલિકા દેરાસરી

મસ્ત મૌલા કિશોર કુમારના અલગ અલગ સંગીતકારો સાથેનાં ગીતોની સફર કરી રહ્યા છીએ આપણે.

કિશોરદા એક ગાયક, અભિનેતા, સંગીતકાર, નિર્માતા, નિર્દેશક…. તરીકે તો આપણે કદાચ બખૂબી જાણતાં હોઈશું, પણ કિશોરકુમાર નામનું વ્યક્તિત્વ એથી ય વધુ રસપ્રદ છે.

તેમના ઘણા બધા કિસ્સાઓ આપણે આ સફરમાં જાણ્યા અને માણ્યા. તેનો એક કિસ્સો મહાન નિર્દેશક સત્યજીત રાય સાથેનો છે. કામ કરાવીને પૈસા ના આપવાના અનુભવ બાદ કિશોરકુમાર એટલું તો જાણી ગયા હતા કે પૈસા એડવાન્સમાં કેમ અને કઈ રીતે લેવા! પણ, સત્યજિત રાય સાથેનો કિસ્સો સાવ અલગ છે. તેઓની વર્ષ 1964ની ચારુલતા ફિલ્મમાં ગાયક હતા, કિશોરકુમાર.

એક તરફ સત્યજીત રાયને ડર હતો કિશોરકુમાર બહુ ઊંચી ફી માંગશે પણ બીજી તરફ કિશોરકુમારને ખબર હતી કે સત્યજિત રાય પાસે આ ફિલ્મનું બજેટ બહુ ઓછું છે. જ્યારે સત્યજીત રાયે એમને ફી વિશે પૂછ્યું ક્યારે કિશોરકુમાર ખુરશી પરથી ઉભા થયા, તેમની પાસે નમ્યા અને ફી લેવાની જ ચોખ્ખી ના પાડી દીધી. આ ઉપરાંત સત્યજીત રાય પથેર પાંચાલીના નિર્માણ દરમ્યાન આર્થિક મુશ્કેલીમાં હતા, ત્યારે પણ કિશોરકુમાર તેમને ઘણી આર્થિક મદદ કરી હતી.

તો, આપણી હવેની સફરમાં માણીશું સંગીતકાર રવિ અને ગાયક, અભિનેતા કિશોરદાની જુગલબંદીને.

પ્રથમ એવી ફિલ્મોને યાદ કરીશું જેમાં કિશોરકુમાર પ્લેબેક સિંગરની સાથે અભિનેતા તરીકે પણ હતાં.

સંગીતકાર રવિ શંકર શર્મા, જેમને આપણે રવિ નામથી જ ઓળખીએ છીએ, તેમની કિશોરકુમાર સાથેની પ્રથમ ફિલ્મ હતી ૧૯૫૮ ની દિલ્લી કા ઠગ. કિશોરકુમાર અને નૂતન અભિનીત હતી આ ફિલ્મ, જેમાં કિશોરકુમાર છવાયેલા રહ્યા હતા. એમને ભારોભાર ઊર્જાથી થનગનતા જોવા હોય તો આ ફિલ્મ અચૂક જોવી. લહેરાતા, હસતા, રમતા ફરી વળ્યા છે તેઓ ચારે તરફ. ત્યાં સુધી કે લડાઈના દૃશ્યોમાં પણ આપણને હસાવી દે છે.

આ ફિલ્મ સાથે આપણને કેટલાંક અવિસ્મરણીય ગીતો પણ મળ્યાં, જે ત્રણ અલગ અલગ ગીતકારો દ્વારા રચિત હતાં.

મજરૂહ સુલતાનપુરીની એક મોહબ્બતભરી રચના એટલે હમ તો મોહબ્બત કરેગા…

કિશોરદાએ આ ગીતમાં શરારતી અંદાજમાં કંઠના કામણ પાથર્યા છે. કંઠ જ શા માટે, અભિનય પણ એવો જ શરારતી છે! કિશોરકુમાર અને નૂતન પર ફિલ્માવાયેલ આ ગીત પણ જોવા જેવું છે.

અને આનાથી પણ વધુ શરારતી અંદાજ જોવા માંગતા હો આ ગીત ફક્ત સંભાળવાનું જ નહિ, જોવાનું પણ ચૂકાય એમ નથી. આ ગીતમાં રચનાકાર છે, એસ.એચ.બિહારી.

સાંભળ્યા પછી પૂછીશ: મતલબ ઇસકા તુમ કહો તો ક્યાં હુઆ!

હવેની રચના શૈલેન્દ્રની: કિશોરકુમાર અને આશા ભોંસલેના અવાજમાં આ ગીત સાંભળતા સાંભળતા એક વાર તો એવું ચોક્કસ થઈ આવે કે: લો, આને લગા અબ ઝિંદગી કા મઝા….

આજે પણ રાતની ખામોશીમાં પ્રિયજન સાથે નદી કિનારે બેસીને હવાની લહેરખીઓ સાથે ગુનગુનાવવાનું મન થાય એવું છે આ ગીત –

યે રાતે યે મૌસમ નદી કા કિનારા, યે ચંચલ હવા…

હવે જો આપણે ‘દિલ્હી કા ઠગ’ની વાત કરી તો પછી ‘બોમ્બે કા ચોર’ કેમ બાકી રહી જાય!

૧૯૬૨ ના વર્ષમાં આવી હતી આ ફિલ્મ, જેમાં ગીતકાર હતા રાજીંદર કૃષ્ણ. કલાકારોમાં કિશોરકુમારની સાથે હતાં, માલા સિન્હા અને સંગીત રવિનું. આ ફિલ્મે પણ કેટલાંક યાદગાર ગીતો આપ્યાં.

દિલનું નગર કોઈ ગુલઝાર કરે એવાં પ્રેમની ખ્વાહિશમાં ગવાયેલું આ દર્દભર્યું ગીત છે, પણ એનું ફિલ્માંકન જોઈએ ત્યારે કિશોરદાના અવાજની સાથે અભિનયનો પણ એક અલગ રંગ ઉજાગર કરે છે. ગીતમાં દર્દ છે છતાં કિશોરકુમાર હોઠો પર એક હલકી મુસ્કાન સાથે ગાઈ રહ્યા છે, એ જોઈને સહજ વિચાર આવે કે જીંદગીના દર્દને હસતાં હસતાં આ રીતે સહી શકાય!

હસરત હી રહી, હમ સે ભી કભી કોઈ પ્યાર કરતા…

હલકી હલકી સર્દ હવા, દિલ મતવાલા ઝૂમ ઉઠા..

આ ગીતમાં ગાયક તરીકે આશા ભોંસલેની સાથે કિશોરકુમારનું નામ તો બોલાય છે, પણ ગીત સાંભળવા દરમ્યાન કિશોરદા સાંભળવા નથી મળતા. છતાં આ ગીતમાં સંગીતના દરેક બીટ્સ સાથે ઝૂમી ઉઠિયે એવી કોરીયોગ્રાફી માણવાનું ચૂકવા જેવું નથી.

https://youtu.be/F64Bge7MFIA

આશાજીની સાથે કિશોરદાની સરસ જુગલબંદી જોવા મળે છે. ફિલ્મના બે એક ગીતોમાં

જ્યારે સવાલ મુહબ્બતભરી નજરનો હોય ત્યારે એટલું તો કહેવાનું મન થાય, કે જવાબ દે યા ના દે, સલામ તો લે…

https://youtu.be/_z6afZc_Cck

જ્યારે ટેલીફોન ભયંકર મોંઘા હતા અને ભાગ્યે જ કોઈ ઘરમાં મળતા જોવા મળતા, એવા સમયમાં કલ્પના કરો કે ફોનની ઘંટી વાગે, અને સામેથી કોઈ પ્રેમની એબીસી સંભળાવે ત્યારે કેવી લાગણી થાય!!

યુ ટ્યુબ પર આ ગીતનો ફક્ત ઓડિયો છે પણ વીડિયો સોંગમાં કિશોરદા અને માલા સિંહાની કેમેસ્ટ્રી જોવી હોય તો આ રહ્યો:

રાજીંદર કૃષ્ણ, જેમણે ઘણા પ્રતિષ્ઠિત ગીતો આપ્યાં છે. સી રામચંદ્ર રચિત અન્ય એક ટેલિફોન ગીત મેરે પિયા ગયે રંગૂન પણ તેમની કલમનો કમાલ છે. અને સંગીતકાર રવિ, જેમણે ઘણાં યાદગાર ગીતોની ધૂનોનું સર્જન કર્યું છે. આવામાં અવાજ કિશોરકુમારનો હોય ત્યારે કંઈક કમાલ તો થવાની જ છે!

દિલ ચોરીને કોઈ જતું હોય, ને એમાંય સાવ બેરૂખી બતાવીને નજર ચોરીને, રિસાઈને જાય ત્યારે રોકવાની કોઈ ચાવી ખરી?

કદાચ કિશોરદાએ ગાયેલાં આ ગીતમાં મળી જાય!

હુશ્ન કી દેખીયે બહાર અને દેખા કિસીને કુછ ઐસે… આ બે ગીત પણ એવા છે જેમાં કિશોરકુમારનું નામ મળે છે પણ ગાયા છે આશાજીએ.

છતાં, કિશોરકુમાર અને માલા સિન્હા પર જે ગીતનું ફિલ્માંકન થયું છે તે અને હેલનનું નૃત્ય જોવા માટે:

આ સફરમાં આપણે અભિનેતા કિશોરકુમારની ગાયકીને માણી, જેને સંગીતથી સજાવી હતી રવિએ.

હવે કરીશું એવી ફિલ્મોનાં ગીતોની સફર, જેમાં કિશોરકુમાર અને રવિની જુગલબંદી તો છે જ, પણ કિશોર કુમાર અભિનેતા તરીકે નહિ, ફક્ત પ્લેબેક સિંગર તરીકે છે.

તો, એ માટે બસ થોડો ઇન્તજાર… મિલતે રહેંગે બાર બાર…


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર :

· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી

Author: admin

1 thought on “દેખા હૈ ઝિંદગી કો, કુછ ઇતના કરીબ સે… કિશોર કુમારે ગાયેલાં રવિનાં ગીતો :: ૧ ::

Leave a Reply

Your email address will not be published.