ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ ૩૮ :: કામદાર વર્ગનાં આંદોલનોનો ઉદય

દીપક ધોળકિયા

બારડોલી સત્યાગ્રહ સવિનય કાનૂન ભંગના આગમનની છડી પોકારતો હતો અને આપણે હવે સીધા જ એ દિશામાં આગળ વધવું જોઈએ પરંતુ દેશમાં બનતી મહત્ત્વની ઘટનાઓ વિશે જાણવા માટે વારંવાર પાછળ જવું પડશે. આમાં સૌથી વધારે મહત્ત્વની ઘટના દેશમાં કામદાર વર્ગનાં આંદોલનોની છે.

૧૮૫૩માં રેલવે શરૂ થયા પછી ઠેકઠેકાણે રેલવે નાખવામાં આવી હતી, પરિણામે કામદારોની સંખ્યામાં બહુ મોટો વધારો થતો જતો હતો. એ સાથે જ દેશનું ઔદ્યોગીકરણ થવા માંડ્યું હતું. જંગલોમાંથી ઝાડો કાપીને લાવવાનો પણ મોટો ઉદ્યોગ હતો. આપણે જોઈ લીધું છે કે ૧૭૫૭થી માંડીને ૧૮૫૭ સુધી આદિવાસીઓ પોતાનાં જંગલો બચાવવા માટે અંગ્રેજો સામે મેદાને પડ્યા જ હતા. આખા દેશમાં ઉદ્યોગોને પગલે શહેરીકરણ પણ મોટા પાયે થયું હતું. એમાં ૧૯૧૭ની રશિયાની ઑક્ટોબર ક્રાન્તિનો પણ જબરો પ્રભાવ પડ્યો. સમાનતા અને માનવીય અધિકારોના નવા વિચારોથી કામદારો આંદોલિત થઈ ઊઠ્યા હતા. ૧૯૨૫માં કમ્યૂનિસ્ટ પાર્ટીની સ્થાપના થઈ એટલે માર્ક્સવાદી વિચારસરણી ફેલાવા લાગી હતી અને શિક્ષિત યુવાનો એના તરફ આકર્ષાયા હતા. કોંગ્રેસમાં પણ સમાજવાદી વિચારોનો પ્રભાવ વધવા લાગ્યો હતો. જવાહરલાલ નહેરુ કોંગ્રેસમાં આર્થિક આઝાદીના વિચારો પણ લઈ આવ્યા. આ કારણે ૧૯૨૦ના દાયકામાં તો કામદાર વર્ગમાં નવી જાગૃતિ આવી હતી અને એ અસંતોષથી ઊકળવા લાગ્યો હતો.

ઇતિહાસમાં કાળખંડો આપણે આપણી સગવડ અને સમજણ મુજબ પાડતા હોઈએ છીએ પરંતુ ઇતિહાસ તો એક પછી એક બનતી જતી ઘટનાઓનું સર્વાંગી ચિત્ર છે, એટલે એવું નથી કે કામદાર વર્ગમાં પહેલાં ચેતના નહોતી. આંદોલનો તો બંગભંગના સમયથી થતાં હતાં, પણ કામદાર આંદોલનોનું સંગઠિત અને સભાન રૂપ તો ૧૯૨૦ના દાયકાથી મળવા લાગ્યું અને બારડોલીમાં ખેડૂતો મહેસૂલ માટે લડાઈ કરીને ઇતિહાસ બનાવતા હતા ત્યારે મોટાં ઔદ્યોગિક શહેરોમાં કામદારો અંગ્રેજી શાસન સામે કમર કસતા હતા.

કામદારોની જાગૃતિ

પરંતુ એમની સમજ માત્ર અંગ્રેજી શાસન પૂરતી મર્યાદિત નહોતી. કામદારો સ્વયં અંગ્રેજી રાજ્યને જ એનાથી પણ મોટી અને વિશ્વવ્યાપી મૂડીવાદી આર્થિક વ્યવસ્થાના ભાગ રૂપે જોતા હતા. શ્રમિકની મૂડી એના શરીરમાં શ્રમના રૂપે રહેલી છે. પરંતુ મૂડીવાદી પદ્ધતિમાં મૂડીપતિ શક્ય તેટલી ઓછામાં ઓછી કિંમત ચૂકવીને શ્રમ ખરીદે છે. એમાં પોતાની મૂડીને જોડે છે અને ઉત્પાદન કરે છે. આ ઉત્પાદન એટલું હોય છે કે બજારમાં માલ મૂકીને એ જે કમાય છે તે શ્રમના મૂલ્ય કરતાં અનેકગણું હોય છે. મૂડી પરનું વ્યાજ અને મૂડીદારની મહેનતની કિંમત બાદ કર્યા પછી પણ જે વધે છે તેમાં શ્રમિકનો પણ ભાગ હોવો જોઈએ પણ એને માત્ર જીવતા રહેવા અને મહેનત કરવા માટે યોગ્ય રહેવા જેટલું મહેનતાણું જ મળે છે, શ્રમિકને એના હકનો ભાગ નથી મળતો, એ મૂડીપતિ પોતાના ખિસ્સામાં મૂકે છે. આમ ધન એક સ્થાને એકઠું થતું જાય છે. શ્રમિક તો પોતાના કુટુંબના જીવનનિર્વાહ માટે સતત શ્રમ કરતા રહેવા લાચાર છે. એ આ ચક્રમાંથી બહાર જ આવી શકતો નથી અને એનું સતત શોષણ થતું રહે છે.

૧૯૨૦ના દાયકાથી પહેલાં

આમ તો ઉદ્યોગો શરૂ થયા એ જ વખતથી કામદારો સક્રિય થઈ ગયા હતા. મોટી હડતાળો પણ થઈ હતી. ૧૯૦૬માં સરકારી પ્રિંટિંગ પ્રેસમાં હડતાળ પડી, તે પછી એક ખાનગી પ્રેસમાં પણ હડતાળ થઈ. એ હડતાળમાં કામદારોને સંબોધતાં લોકમાન્ય તિલકે પોતાને ‘પ્રિંટર’ ગણાવ્યા અને યુનિયનોની જરૂરિયાત મુજબ જૂની જાતિ પ્રથા અને ધર્મના રીતરિવાજોનો ઉપયોગ કેમ કરી શકાય તે સમજાવ્યું. એ જ વર્ષે મુંબઈમાં પોસ્ટલ કર્મચારીઓ હડતાળ પર ગયા. તે પછી ઈસ્ટ ઇંડિયા રેલવેની હડતાલ ખાસ ઉલ્લેખ માગી લે છે. ૧૯૦૭માં ઈસ્ટ ઇંડિયા રેલવેના કામદારોની હડતાળ સૌથી મોટી હતી. એંજિન ડ્રાઇવરો અને ગાર્ડોની એ હડતાળ હતી, જો કે, એમાં ગોરા કામદારો જ હતા. હડતાળને કારણે ટ્રેનો ચાલતી બંધ થઈ ગઈ. ૧૯૦૭માં જ બેંગાલ રેલવેમાં કામદારોએ હડતાળ પાડી. એમની માગણી પગારધોરણ સુધારવાની, કામની સ્થિતિ સુધારવાની અને જાતિગત ભેદભાવ નાબૂદ કરવાની હતી.

૧૯૦૮માં મુંબઈના કામદારોએ હડતાળ પાડી તેનો રાજકીય ઉદ્દેશ હતો. એ વખતે પણ જુદા જુદા વ્યવસાયોના ત્રણ લાખ કામદારો મુંબઈમાં હતા. આ જાતની આ પહેલી હડતાળ હતી અને એમાં મુખ્યત્વે એ વખતના રાષ્ટ્રીય નેતા લોકમાન્ય તિલકની સક્રિય ભાગીદારી રહી. આ હડતાળમાં કામદારોનાં વેતન વગેરે મુદ્દા નહોતા, માત્ર સંસ્થાનવાદી નીતિઓના વિરોધમાં કામદારોએ હડતાળ પાડી હતી.

ઑલ ઇંડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC)ની સ્થાપના

૧૯૨૦માં AITUCની સ્થાપના થઈ અને એમાં ૬૪ યુનિયનો જોડાયાં. એમનું કુલ સંખ્યાબળ ૨ લાખ ૨૩ હજારનું હતું. તે ઉપરાંત બીજાં આઠ ફેડરેશનો પણ હતાં, જેમની કુલ સભ્ય સંખ્યા ૧ લાખ ૯૫ હજાર હતી. આમ ભારતમાં સંગઠિત કામદાર આંદોલનોનો પાયો નંખાયો અને તે પછી દેશમાં કામદાર આંદોલનો સતેજ બન્યાં. એક જ વર્ષમાં પચાસ હડતાળો થઈ, જેમાં કાનપુર, મુંબઈ અને કલકત્તાની આગળપડતી ભૂમિકા રહી. એનું પહેલું વાર્ષિક અધિવેશન લાલા લાજપત રાયના પ્રમુખપદે મળ્યું. ત્રીજા અધિવેશનના અધ્યક્ષ ચિત્તરંજન દાસ હતા.

અમદાવાદમાં મજૂર મહાજન

અમદાવાદમાં પ્લેગ ફેલાવાથી મજૂરોની ખેંચ ઊભી થઈ હતી. એટલે માલિકોએ ૧૯૧૭ સુધી મજુરોને ૭૦થી ૮૦ ટકા કેટલું બોનસ ચૂકવીને રોકી રાખ્યા પણ સ્થિતિ સુધરતાં એમણે વધારાની રક્મ બંધ કરી. મજૂરો એના માટે તૈયાર નહોતા., એમણે પચાસ ટકા વધારાની માગણી કરી. એ બાબતમાં ગાંધીજીને અનસૂયાબેને (શેઠ અંબાલાલ સારાભાઈનાં બહેન) પત્ર લખીને મજૂરોની સ્થિતિ સમજાવી કે એમના પગારો બહુ ટૂંકા છે અને જીવન બહુ કપરું છે. ગાંધીજીએ અમદાવાદ પહોંચીને જાતતપાસ કરી તો એમને લાગ્યું કે વાત સાચી છે. એટલે એમણે અંબાલાલ સારાભાઈ સાથે વાત કરી. શેઠ મિલમાલિકોના પ્રતિનિધિ હતા. ગાંધીજીએ માલિકો અને મજૂરો વચ્ચે સમાધાન કરાવવા માટે ત્રીજા પક્ષને વચ્ચે નાખવાનું સૂચન કર્યું તે અંબાલાલે નકારી કાઢ્યું એટલે ગાંધીજીએ મજૂરોને હડતાળ પર જવાની સલાહ આપી. એમણે ચાર પ્રતિજ્ઞાઓ લેવડાવી – એક તો, શાંતિનો ભંગ ન કરવો, કોઈ કામે જતો હોય તેને રોકવો નહીં, ભીખ માગીને ન ખાવું અને માલિકો માગણી માની ન લે ત્યાં સુધી અડગ રહેવું. હડતાળ ૨૧ દિવસ ચાલી. એ દરમિયાન ગાંધીજી માલિકોને સમજાવતા રહ્યા પણ એ તૈયાર જ ન થાય. માલિકો કહેતા કે અમારા અને મજૂરોના સંબંધ બાપદીકરા જેવા, તેમાં વળી પંચનું શું કામ? બે અઠવાડિયાં તો મજૂરોનું મનોબળ ટકી રહ્યું પણ પછી તૂટવા લાગ્યા. મજૂરો પ્રતિજ્ઞા તોડશે એમ લાગતાં ગાંધીજીએ ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી દીધી. આ સાંભળીને મજૂરો બહુ વીનવવા લાગ્યા કે ઉપવાસ અમે જ કરીશું, હડતાળ ચાલુ રહેશે વગેરે.

ગાંધીજીએ કહ્યું કે તમને પ્રતિજ્ઞા તોડીનેને ભીખ માગવી પડે તેવું ન થવું જોઈએ. એટલે એમણે મજૂરો માટે કામ શોધવાનું નક્કી કર્યું. એ વખતે વલ્લભભાઈઅમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. પણ કંઈ કામ હતું નહીં. પછી ગાંધીજીએ પોતાના આશ્રમમાં વણાટાશાળા બંધાતી હતી એમાં એમને કામે લગાડ્યા અને રોજી અપાવી. ભરણ પોષણનો સવાલ ઉકેલાઈ જતાં હડતાળ ચાલુ રહી.

આ બાજુ શેઠ અંબાલાલ જરાયે મચક આપવા તૈયાર નહોતા. એમને ગાંધીજી વચ્ચે પડ્યા તેની સામે જ વાંધો લીધો. અંતે આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પંચ બન્યા અને સમાધાન કરાવ્યું. ગાંધીજે મજુરોના પ્રતિનિધિ તરીકે કેસ રજૂ કર્યો પણ પછી પચાસ તકાને બદલે ૩૫ ટકા પર બન્ને પક્ષો વચ્ચે સમાધાન થયું.

એ સાથે મજૂર મહાજનની સ્થાપના થઈ. ગાંધીજી મજુરોને ઉદ્યોગનો ભાગ જ માનતા હતા અને માલિકોને ટ્રસ્ટ માનતા હતા. બન્ને વચ્ચે “બાપ દીકરા”નો સંબંધ હોય એમાં એમને વિશ્વાસ હતો. આમાંથી એમનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત વિકસ્યો..મધ્યસ્થીની પદ્ધતિ પણ એમણે જ વિકસાવી.

AITUC હોવા છતાં મજુર મહાજન બનાવીને ગાંધીજી પોતાની રીતે કામદાર આંદોલનને ચલાવવા માગતા હતા. કમ્યુનિસ્ટ નેતા એસ. એ. ડાંગે ટીકા કરે છે કે મજૂરો રાજકારણમાં ન જાય અને વર્ગ સંઘર્ષમાં ન જોતરાય તે માટે ગાંધીજી મજૂર મહાજનને AITUC દૂર રાખવા માગતા હતા. એક બાજુથી એ આખા દેશમાં હડતાળ પાડવાનું કહેતા પણ મજૂરોને હડતાળ પર જતાં રોકતા હતા, જો કે અંતે તો મજૂરો હડતાળના શસ્ત્રનો ઉપયોગ કરતા થઈ જ ગયા.

હવે પછી આપણે મેરઠ કાવતરા કેસ અને લાહોર કાવતરા કેસની વાત કરશું.

૦૦૦

સંદર્ભઃ

(૧) સત્યના પ્રયોગો – (ભાગ ૫, પ્રકરણ ૨૦ અને ૨૨).મો.ક. ગાંધી. નવજીવન પ્રકાશન

(૨) Working Class of India by Sukomal Sen. K. P. Bagchi &Co. Kolkata. First Edition 1977.

(૩) Mahatma Gandhi (Vol. VI) Salt Satyagraha: Watershed by Sushila Nayar (available on gandhiheritageportal.org પર ઑનલાઇન વાંચવા માટે ઉપલબ્ધ. મુખ્ય પેજ પર છેક ઉપરના બારમાં ‘other books’પર ક્લિક કરો, તે પછી પેજ ખુલતાં અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે લેખકના નામ સામે pyarelal’ ટાઇપ કરો).


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: admin

Leave a Reply

Your email address will not be published.