સમયચક્ર : જીવનનો અર્થ સંધિકાળે જ સમજાય છે.

આમ તો ભારતીય બાળકને ઘર, શાળા અને જાહેર જીવનમાંથી તકનિકી અને વિજ્ઞાનના પદાર્થ પાઠ જેટલા નથી જાણવા મળતા એટલું તેને તત્વજ્ઞાન પીરસવામાં આવે છે. જે ઉમરે રમવાનું હોય, કુદરતને સમજવાની હોય, માણવાની હોય, નચિંત બનીને ઊંઘવાનું હોય એ ઉમરે તેને સંસ્કાર અને ધર્મના નામે જે શીખવાડાવામાં આવે. પરંતુ તેમ છતાં એક મનુષ્ય તરીકે ઉછરતું બાળક જીવનનો અર્થ તો પોતાની રીતે જ કાઢે છે. ધારી લીધેલા, માની લીધેલા સત્યોની પરખ તો અર્ધી ઊંમર પસાર થઈ જાય ત્યારે સમજાય છે. આની પાછળ કોઈ સમાજકારણ નથી. માત્ર અને માત્ર બદલાતા મુલ્યો અને ચિત્તમાં સ્થિર થયેલાં દશ્યો છે. જે ક્યારેક સંતોષ આપે છે તો ક્યારેક વિષાદ.

માવજી મહેશ્વરી

સમજાતું નથી કે કઈ ઋતુ ચાલી રહી છે. દિવસે ઉકળાટ અને રાતે ઠંડી. આવું સૌ કોઈ કહી રહ્યા છે. જોકે આ બે ઋતુઓનો સંધિકાળ છે. નથી શિયાળો કે નથી ઉનાળો. વાસ્તવમાં વસંતઋતુ ચાલે છે. વસંતઋતુને કવિઓએ ભલે વખાણી હોય. પણ એ અકળાવનારી ઋતુ છે. વૈદ્યો એવું કહે છે કે આ ઋતુમાં શરીર જલ્દી થાકી જતું હોય છે. શરીરમાં ભરાયેલો કફ બહાર આવવા માટે પ્રયત્ન કરતો હોવાથી આવું થાય છે. પરિણામે મનને હળવાશ લાગતી નથી. તે કંટાળે છે. મન હળવાશ ઝંખે છે. આવું મોટાભાગના મધ્યાયુએ પહોંચેલા વ્યક્તિઓને થાય છે. જોકે મારે અહીં સ્વાસ્થય વિજ્ઞાનની કોઈ ચર્ચા કરવી નથી. એવું કરવાનો કોઈ હેતુ પણ નથી. પરંતુ આ સંધિકાળ શબ્દ મને વિચારવા પ્રેરે છે. કોઈ પણ જાતનો સંધિકાળ અકળાવનારો જ હોય છે. કારણ કે એક સ્થિતિમાંથી નીકળી બીજી સ્થિતિમાં પ્રવેશવાનું હોય છે. પહેલી સ્થિતિ જેટલી છોડવી અઘરી હોય છે એટલું જ અઘરું બીજી સ્થિતિને સ્વીકારવાનું હોય છે. મન બેય તરફ ખેંચાતું હોય છે. જ્યાં સુધી બીજી સ્થિતિમાં સંપુર્ણ પ્રવેશ ન થાય ત્યાં સુધી પેલી બે ઋતુ જેવો અનુભવ થયા કરે છે. પરિણામે મન અકળાયા કરે છે.

અહીં વસંતઋતુ સંદર્ભે બીજો તંતુ પણ પકડવાનું મન થાય છે. વૈદ્યોના કહેવા અનુસાર જીવનના મધ્યકાળમાં પહોંચેલા વ્યક્તિઓને વસંતઋતુમાં વધારે અકળામણ થતી હોય છે. મધ્યકાળ પણ એક અર્થમાં સંધિકાળ જ ગણાય ને ! અરધો પંથ કપાયો હોય, અરધો બાકી હોય. વિતેલો સમય બાળપણની મસ્તી અને યુવાનીના જોશથી ભરેલો હોય. એના અનેક સ્મરણો ચિતપ્રદેશમાં છવાયેલા હોય. યુવાની નથી રહી તેવુ સ્વીકારવા મન તૈયાર ન હોય. તેમ છતાં હકીકત એ હોય છે કે જીવનનો ઢૉળાવ શરુ થઈ ગયો હોય છે. ટોચ પર પહોંચ્યાનો આનંદ પાછળ મૂકીને ઉતરવાનું હોય છે. એ કપરી સ્થિતિનો સ્વીકાર કરવાનો હોય છે. અને મન બહુ જલ્દી આ સ્થિતિનો સ્વીકાર કરવા તૈયાર હોતું નથી. આવા સમયે પોતાના મન સામે લડવાનું હોય છે. ત્યારે એવું લાગે જાણે પોતાની અંદર જ કોઈ બે જણ રહે છે. એક જણ બધું મૂકીને શાંતિ ઝંખે છે, જ્યારે બીજો જણ હજુ મેદાનમાંથી ખસવા તૈયાર નથી. આ દુવિધાનું દ્વંદ ચાલ્યા કરે છે. અને જ્યારે દિવસ ઢળે છે ત્યારે મન અકળ અજંપાથી ઘેરાઈ જાય છે.

સાંજ ન સમજાય તેવી અકળામણોના પોટલા લઈને રોજ હાજર થઈ જાય. ત્યારે એમ થાય કે રોજની આ જળોજથ્થા પડતી મૂકીને ચાલતા થઈ જવું. કશું ન કરવું. કશુંજોઈતું નથી. એવું ય થાય કે શું જરુર છે આ બધી પીડાઓની ? ક્યારેક તો સંબંધો નિરર્થક લાગે. છેતરાયાની ગ્લાનિથી પણ મન ભરાઈ જાય. એવા સમયે દૂર દૂર સીમ બોલાવતી હોય, કોઈ એકાંત ટેકરી બોલાવતી હોય, નદીની કોતરો બોલાવતી હોય, કે કોઈ સુનો સાગરકાંઠો હાકલ કરતો હોય એવું લાગે. હા કોઈ નશીબદાર હોય જેને એ મળે પણ ખરું. કોઈ એથીય નશીબદાર હોય જે બધુંય અવગણીને આવું કરી શકે. પરંતુ મોટાભાગે તો એવું બને કે મન મારીને બેસી રહેવું પડે. મંદિરમાં ઊભરાતી ભીડમાં સંતાઈ જવાનું, ભગવાન મારી સાથે છે એવું પોતાને આશ્વાસન આપવાનું. ક્યારેક બગીચામાં દોડતા યુવાનો કે રમતા બાળકોને જોઈ મનને શાંત કરવા સિવાય ઝાઝું કશું થઈ શકે નહીં. ફરી બીજા દિવસે મન સામે એજ ફરિયાદો ! કોઈ કશું મૂકી શકતું નથી. ફરિયાદ રોજની હોય છે. ક્યારેક પોતાની સામે તો ક્યારેક જગત સામે. ફરિયાદનું નિવારણ પણ પોતાના હાથમાં જ હોય છે. એ અર્થમાં ગુનેગાર પણ પોતે, ફરિયાદી પણ પોતે અને ન્યાયાધિશ પણ પોતે. એ આપણું પોતાનું છતાં આપણને ન ગાંઠતું મન !!

મન સામેની ફરિયાદોમા કેફિયત પણ જાતે આપવાની અને ચુકાદોય જાતે આપવાનો. આવી ફરિયાદોના ચુકાદા તો ગુનેગાર મન તરફી જ આવતા હોય છે. એ મન ફરી ગુનાઓ કરતું જ રહેશે. નાની નાની ઈચ્છાઓને અવગણવાના ગુના, નાના સુખો તરફ ન જોવાના ગુના, અંદર સળવળતી સંવેદનાને પોતાના અણિદાર બુટ ટળે કચડી નાખવાના ગુના. તેમ છતાં પેલું ફરિયાદી મન પણ થાકશે નહીં. એ મોડે મોડે પોતાની ફરિયાદ કરતું રહેશે કે મને આ ગમતું નથી, મને તે ગમતું નથી. એને વિશ્વાસ હોય છે કે ક્યારેક તો કોઈ સાંભળશે. અને ક્યારેક પેલું ફરિયાદી મન રાજી થઈ જાય તેવા ચુકાદાઓ પણ આવતા હોય છે. સંધીકાળમાં ઘેરાયેલી વ્યક્તિ બધું પરહરી શાંતિને પોતાનું લક્ષ્ય બનાવી લે છે.

સંધિકાળે પહોંચેલા વ્યક્તિઓ પોતાના રુટીનને જીવનનો એક ભાગ ગણી લેતા હોય છે. એ રુટીનથી બહાર નીકળવા માગતા જ નથી. જ્યારે શરીર બળવો કરે છે ત્યારે બહાર નીકળવું મુશ્કેલ બની જતું હોય છે. વાસ્તવમાં રુટીન ત્યારે જ થકવતું નથી જ્યારે રુટીન વચ્ચે રીચાર્જ થવાની પળોને ઓળખી લીધી હોય. રીચાર્જ થવા માટે દરેક પાસે પોતપોતાના રસ્તા હોય છે. એ રસ્તા ઉપર કાંટાળા વૃક્ષો હોય તોય મારગ કરવો પડે. એનીય પોત પોતાની આગવી રીતો હોય છે. વધુ કશું ન થાય ફક્ત એટલું જ વિચારીએ કે હું જે કંઈ કરું છું તે કાયમી નથી. મારું પણ નથી. માલિકીભાવ ન હોવો એ પણ તાણમાંથી મુક્ત થવાનો સરળ ઉપાય છે.

બાકી જ્યારે જીવનનો સંધિકાળ આવે ત્યારે તો સમજાવાનું જ છે કે હું જેને મારું ગણતો હતો, મેં જે મારું ગણીને કર્યું તે કશું જ મારું હતું જ નહીં. અને ત્યારે જો મનને સમજાવેલું નહીં હોય તો મન બહુ જ ઉધામા કરશે. બીજા વ્યક્તિને સમજાવવું સહેલ છે, પણ પોતાના મનને સમજાવવું અતિ અઘરું છે. આ પાછું સંધિકાળે જ સમજાય છે. તો બીજું તો શું થાય ?? પોતાના મનને સમજાવીએ બીજું શું.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.