પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર-૩૨

નયના પટેલ, લેસ્ટર, યુકે

પ્રિય દેવી,

તારો પત્ર આટલો જલ્દી મળ્યો એનો આનંદ થયો. આ દેશમાં એકલે હાથે બાળકો મોટા કર્યા અને હવે બાળકોના બાળકોને મોટા કરવામાં મદદરૂપ થઈએ કારણકે આપણે વેઠેલી મુશ્કેલી એ લોકોને ન પડે. પરંતુ સાથે સાથે આપણી ઉમર પણ તકાજો કરે ત્યારે કેવો અનુભવ થાય તે સ્થિતિમાંથી હમણા પસાર થાઉં છું એટલે તારા પત્ર આવે અને લખવા બેસું એ રણમાં મીઠી વીરડી જેવું લાગે.

તેં જે પત્ર માટેના વિષયોની વિવિધતા વિષે તારો અભિપ્રાય લખ્યો તે વાંચી મને મારા મોટીબા(મોટાકાકી) યાદ આવી ગયા. સાવ અભણ પરંતુ ખૂબ જ બુધ્ધિશાળી અને એકદમ નિખાલસ. અમે એકવાર ખાદીમેળામાં બારડોલી ગયા હતાં. હું ૧૦/૧૧ વર્ષની હોઈશ. મારા ઘરમાં અમને બધાને ડાન્સ પ્રત્યે ખૂબ લગાવ અને એ સાંજે હિંમતસિંહ ચૌહાણ(નામ જો ભૂલતી ન હોઉં તો!)નું નૃત્ય હતું અમે બધા એ જોવામાં મગ્ન હતાં, અમારા વ્હાલા મોટીબા પણ અમારી સાથે જ હતાં. એક તરફ હિંમતસિંહજી થાળીની ધાર પર નૃત્ય કરે અને એ જ વખતે મારા મોટીબા ત્યાં બેઠેલા માણસોને જોઈને અધ્યાત્મમાં લીન થઈ મોટેથી બોલ્યા, (સુરતી ભાષામાં ) ‘ જોની, આ કેટલા મનેખ ને પાછા બધ્ધાની પાહે આંખ, નાક, મોં પણ એ બધ્ધા જુદાં જુદાં! ભગવાનની લીલા તો જો!’ તે વખતે અમને હસવું કે રડવું તે સમજ ન પડી. એમને માટે નૃત્ય કરતાં ઈશ્વરની લીલા મહત્વની હતી. 

ચાલ હવે તારા બીજા ટોપિક પર આવું.

મારી દ્રષ્ટિએ સંસ્કૃતિ પર જે તે યુગની પરિસ્થિતિ મોટી અસર કરતી હોય છે. 

મેં આગળના એક પત્રમાં તને વિશ્વયુધ્ધ પછી બદલાયેલા પશ્ચિમના મૂલ્યો વિષે લખ્યું હતું. એ વખતે જે બદલાવ આવ્યો એ પછી દ્રઢ થઈ ગયો જેને આપણે અત્યારની પશ્ચિમી સંસ્કૃતિ કહીએ છીએ. હવે તને મારી સમજ પ્રમાણે આપણી સંસ્કૃતિના બદલાતાં મૂલ્યોની વાત કરું તો જ્યારે જ્યારે આવા ભયાનક યુધ્ધો થાય ત્યારે ત્યારે પુરુષોની સંખ્યા સામાન્ય રીતે ઓછી થઈ જાય ત્યારે પુરુષોને એકથી વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવાની છૂટ એટલા માટે આપવામાં આવતી હશે કે જે તે સમાજમાં વ્યભિચાર વધી ન જાય. કારણ સ્ત્રીની પણ કુદરતી જાતીય માંગ હોય અને જો તે પૂરી કરવા ગમે તે પુરુષ પાસે મેળવે તો તેના આવનારા બાળકો કોને બાપ કહેશે? એક સમતોલ સમાજ માટે કદાચ એ વખતે એ જરુરી હશે-દા.ત. દશરથને ૪ રાણીઓ હતી.

પછી બીજા યુગમાં જોઈયે તો દ્રૌપદીને પાંચ પતિઓ હતાં. સમાજમાં સ્ત્રી-પુરુષની સંખ્યા ૫૦%/૫૦% હોવી જોઈએ. તું જો આજે ભારતમાં નજર નાંખીશ તો છોકરાઓ વધુ કુંવારા મળશે. અમુક રાજ્યોમાં સ્ત્રીની સંખ્યામાં ઘટાડો થયો છે એ વખતે સાંસ્કૃતિક મૂલ્યો બદલાય તો નવાઈ નહીં.

હવે તું જે લખે છે કે, ‘ગમે તેટલું પશ્ચિમ દેશોનું અનુકરણ થતું હશે પણ ભારતિય યુવાનો આટલી હદે તો નહિ જ પહોંચતા હોય.’  એના જવાબમાં એજ લખવાનું કે મોટા શહેરોમાં લિવીંગ રીલેશનમાં રહેવાની ફેશન(પશ્ચિમી અનુકરણ) કૂદકેને ભૂસકે વધતી જાય છે. એટલે તેં જે લખ્યું તેવી પરિસ્થિતિ હમણા તો કદાચ ન આવે પરંતુ આવતી પેઢીએ આવે તો મને નવાઈ ન લાગે.

એક બીજું ઉદાહરણ એટલા માટે આપું છું કે જેથી બદલાતી પરિસ્થિતિનો ચિતાર જોઈ શકાય. આપણા જમાનામાં લગ્ન પહેલાં શારિરીક સંબંધ અવમૂલ્યન ગણાતું આજે એ સાવ સ્વાભાવિક થઈ ગયું છે. બદલાવ ક્યારેક અનુકારણિક હોઈ શકે અને ક્યારેક પરિસ્થિતિજન્ય હોઈ શકે. જ્યારે અનુકરણથી થતાં હોય તો તેના પરિણામો જેમ પશ્ચિમના દેશો હમણા ભોગવે છે તેમ ભોગવવા પડશે. યુ.કે.માં એક જ સ્ત્રીને જુદા જુદા પુરુષો થકી જુદા જુદા બાળકો થાય છે અને હવે અહીંની સરકાર ઈચ્છે છે કે બાળકના પિતાએ તેની જવાબદારી નિભાવવી જોઈએ. પરંતુ કોના પિતા કોણ તેની જ ખબર ન હોય અને વળી અમુક પુરુષો જવાબદારીથી ભાગવા માટે બીજા શહેરમાં જતાં રહે છે. અને એવું નથી કે આ માત્ર અંગ્રેજ લોકોમાં જ છે. ધીમે ધીમે આપણા સમાજમાં પણ એ વધતું જાય છે એની હું સાક્ષી છું.

ખેર, મૂલ્યોમાં ન માનનારા કહે છે કે મૂલ્યો નક્કી કરવાવાળા તમે કોણ જેને જેમ ફાવે તેમ રહે!!!!!

આ વાતના સંદર્ભમાં દીપક બારડોલીકરની ‘કૈં નથી કહેવું’ની એક પંક્તિ..

‘અનૈતિક કોઈ ક્યાંયે કરે, કોઈ નહી પૂછે,
છે ખુલ્લેખુલ્લો પરવાનો અમારે કૈ નથી કહેવું.’

નવીનભાઈ બેંકરની ‘મંદિરના પ્રાંગણમાં’ સાચે જ રમુજી છે છતાં ખૂબ જ વાસ્તવિક છે. મારો અનુભવ કહું તો જ્યારે જ્યારે યુ.કે.માં સ્વાધ્યાયના કાર્યક્રમો થતાં ત્યારે ઘણીવાર મને તેનો અહેવાલ લખવાનું કહેવામાં આવતું, ત્યારે અહેવાલમાં બીજું બધું યથાવત રહેતું. પરંતુ પ્રેક્ષકોનો આંકડો બદલાઈને મોટ્ટો થઈ જતો. એને રમુજમાં નહી લઈએ તો આપણો માનસિક બોજો વધી જાય એટલે બસ નવીનભાઈની જેમ હસી લેવાનું…

ચાલ વિરમું તે પહેલા મને કોઈએ હમણા પૂછ્યું કે ‘બધે કાગડાં કાળા’ કેમ કહીએ છીએ? આમ તો ચકલીઓ પણ સરખી હોય છે, હંસ પણ સરખા હોય છે…..વાત સાચી છે ને?

સુરેશભાઈની એક કવિતા લખી રજા લઉં.

સાવ બિડાયેલી સુગંધ જેવો તારી પાસે ખૂલી ગયો, હું ગીત લખવાનું ભૂલી ગયો.
ઝાકળ જેવા શબ્દો મારા, વરાળ થઈને ઊડ્યા,
આભ આખાને છોડી પંખી, નિજને માળે બૂડ્યાં.
હેત ભરેલો હાથ હવાનો ને ડાળની જેવું ઝૂલી ગયો, હું ગીત લખવાનું ભૂલી ગયો.

બંધ થયેલા રસ્તાઓ પણ, ખૂલે કમળની જેવી;
હોવું એટલું પૂરતું અમને નહીં લેવા કે દેવા,
મરજીવાની પાસે દરિયો ઝીણું કશુંક કબૂલી ગયો, હું ગીત લખવાનું ભૂલી ગયો.

અને અંતે..

મીઠાંમાં મીઠાશ શોધવાની દ્રષ્ટિ, ઝેરમાં અમૃત મેળવવાની પ્યાસ અને ક્ષણમાં રહીને ક્ષણને માણવાની હૈયાઉકલત ઈશ્વર પાસે માંગીએ.

નીનાની સ્નેહ યાદ.


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com


Author: admin

Leave a Reply

Your email address will not be published.