સાલ ૨૦૧૯ માં ન્યુઝીલેન્ડ ની ફિલ્મ “જોજો રેબિટ” અને ૧૯૫૧ માં ભજવાયેલ ગુજરાતી એકાંકી “દિવાસ્વપ્ન”

નીતિન વ્યાસ

અહીં કોઈ સરખામણી નથી, કારણ કે તે શક્ય જ નથી . વાત છે એક માત્ર 40 સેકંડ માટે પાર્શ્વ સંગીત માં વાગતી ધુન ની.

સંવત ૨૦૧૯માં રજુથયેલી ફિલ્મો માટે તાજેતરમાં યોજાયેલ ઓસ્કાર એવોર્ડ માં ફિલ્મ “જોજો રેબિટ” શ્રેષ્ઠ ફિલ્મ સાથે છ જુદીજુદી શ્રેણી માં નામાંકિત કરવામાં આવેલી.

આ ફિલ્મ બીજા વિશ્વયુધ્ધ પહેલાંના જર્મન સમાજની વાત લઈને આવેલી છે. ફિલ્મની કથા જોજો નામના કિશોરની જીંદગી સાથે ગૂંથાયેલી છે.

જોજો તેની મા સાથે રહેછે, તેનો એક કાલ્પનિક મિત્ર છે – એડોલ્ફ હિટલર !

એડોલ્ફ ની વાતો સાંભળી ને જોજો જર્મન રાષ્ટ્રવાદ માં વિશ્વાસ કરતો થઈ જાય છે, મીલીટરી દ્વારા ચલાવતા કિશોરો માટે કેમ્પમાં નિયમિત જાય છે, હાથ ઊંચો કરી “હેઈલ હિટલર” બોલવાની તાલીમ લે છે.

એક દિવસ નાનકડા જોજોની દુનિયા ઉંધી-ચત્તી થઈ જાય છે, જ્યારે અનાયાસે તેને ખબર પડેછે કે એની માએ એક યહૂદી છોકરી ને ઘરમાં સંતાડી રાખી છે.

ન્યુઝીલેન્ડ નિવાસી દિગ્દર્શક શ્રી ટાઇકા વાયટીટીની આ ફિલ્મ એક વ્યંગ કથા છે.

ક્રિસ્ટિન લ્યૂનનની નવલકથા Caging Skies પર આધારિત આ ફિલ્મની પટકથા પણ શ્રી વાયટીંટીએ લખી છે, જેને માટે તેમને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.

આ ફિલ્મનું ટ્રેલર જોઈએ:

આ વર્ષ ની પાંચ શ્રેષ્ઠ ફિલ્મ ‘જોજો રેબિટ” ની ગણના થઇ છે. ફિલ્મ માં હિટલર નો રોલ પણ ટાઇકા એ પોતે સરસ અદા કર્યો છે.

આ ફિલ્મ એક સબળ પાસું સંગીતનું છે, ૧૯૪૦નો દાયકો, તે સમય ની ત્યારબાદની પ્રખ્યાત સિમ્ફની અને રોક સંગીતનો ફિલ્મનાં પાર્શ્વ સંગીતમાં નિર્દેશકે બખૂબી ઉપયોગ કર્યો છે.

બીટલ્સ, રોય ઓરબિસોન, ડેવિડ બ્રાઉવી સાયમોન અને ગરફન્કન, ક્યુબન બેન્ડ વગેરેની બંદિશો ફિલ્મનાં પાશ્વ સંગીતમાં સાંભળવા મળેછે ।

હવે આ ફિલ્મ ને અને ૧૯૫૧ની સાલ માં ભાવનગરમાં ભજવાયેલા એક ગુજરાતી એકાંકી નાટકને શું લાગે વળગે?

જવાબ માટે આગળ વાંચો:

હું આ ફિલ્મ જોવા અહીં થીએટરમાં ગયો.સંગીતમય અને થોડી રમુજી વાર્તા હોવાથી જોવાની મજા પડતી હતી, પણ એક દૃશ્ય – 10 વર્ષ નો કિશોર,જોજો તેની મા સાથે પેલી સંતાડેલી છોકરી ની વાત કરેછે અને એ માર્મિક ક્ષણોમાં પા ર્શ્વમાં એક ધૂન ધીરે ધીરે શરુ થાય છે……..અને તે કાને પડતાં જ…….ભાઈ, હું તો લાગણી સભર…. ભાવનગર, એ.વી.સ્કુલ ના હૉલમાં, ૧૯૫૧ ની સાલ, નવેમ્બર મહિનાની તે રાત્રે પહોંચી ગયો…..પણ જરા થોભો, પહેલાં એ સંગીત સાંભળીયે અને ત્યાર પછી આગળની વાત.

રેકર્ડ પર નામ છે: “Tabou” The Music Of Cuba 1909-1951 by Lecuona Cuban Boys

ફિલ્મ જોતાં એક સીનના બેકગ્રાઉન્ડમાં વાગતી એક તરજ કાને પડી, અને યાદ આવ્યું એક નાટક “દિવા સ્વપ્ન”. સાલ ૧૯૫૧ અને એ.વી.સ્કુલ ના મધ્યસ્થ ખંડનું સ્ટેજ. જેમ્સ થરબરની વાર્તા The Secret life of Walter Mitty ની વાત ઉપરથી શ્રી બાબુભાઇ વ્યાસે લખેલું એકાંકી। હા, પહેલાં જોઈએ આ ફિલ્મમાં આ ધુનનો ઉપયોગ :

થરબરે સામાન્ય વ્યક્તિની આશા, મહત્વાકાંક્ષા અને પોતાની કલ્પનાના હીરોની દુનિયામાં રાચતા એક યુવાનની વાત લખી છે. જેનું હિન્દીકરણ “મુંગેરીલાલ કે હસીન સપને” નામક ટીવી સિરિયલ માં જોવા મળેલું, નાટયાંકન મનોહરશ્યામ જોશીનું તથા દિગ્દર્શન પ્રકાશ ઝાનું હતું, દૂરદર્શન પરથી આ સીરીઅલ ૧૯૮૦માં પ્રસારિત થયેલી.

ફરી આવીયે 1951 માં યંગક્લબ, ભાવનગર દ્વારા ભજવાયેલા નાટક “દિવાસ્વપ્ન” ની વાત ઉપર,

બાબુભાઈ વ્યાસે લખેલા નાટકમાં નાયક છે એક સામાન્ય માનવી, કોઈ શેઠ ની પેઢીમાં કારકુની કરતો પગારદાર, જે એક આશાવાદી લેખક પણ છે, અને તેની પહેલી નવલકથા તાજેતરમાં પ્રકાશિત થઈ છે, જેને ઘણો સરસ આવકાર સાંપડ્યો છે,

નાટકની શરૂઆત દિવસના પહેલા પહોરથી થાય છે, લેખક ધનંજય અને તેની બહેન સાથે બેસીને આવેલી ટપાલો વાંચતાં નજરે પડે છે, તેમાનો એક પત્ર જે કોઈ શ્રીમંત ગૃહસ્થ તરફ્થીછે, જેમણે આ પુસ્તક વાંચી, ખુશ થઈ ને, લેખકને રૃપિયા એક લાખનું ઇનામ આપવાની ઘોષણા કરી છે, બે દિવસ પછી તેમનો સેક્રેટરી ચેક આપી જશે તેમ લખ્યું છે.

અહીંથી તે મુફલીસીમાં જીવન ગુજારતા લેખકનાં સપનાં શરુ થાય છે.

ચલચિત્ર જોજો રેબિટ જે “Tabou” નો ટ્યૂન બેકગ્રાઉન્ડ માં વાગેછે, તે જ રેકર્ડનો આ ભાવનગરમાં ૭૦ વર્ષ પહેલાં ભજવ્યેલા નાટકમાં બહુ સુંદર અને અસરકારક રીતે ઉપયોગ થયેલો.

એક લાખ આવવાનાછે તેની આશા સાથે લેખક આરામ ખુરશીમાં બેઠો છે …અને આવી મોટી રકમ મળ્યા સાથે તે શું કરી શકે ? આવા વિચારો માં .તેનું દિવાસ્વપ્ન શરૂ થાય છે, અને પાર્શ્વ માં “Tabou” ની ધુન ધીમા અવાજે શરુ થાય છેઃ…તેનો ધ્વનિ વધતો જાયછે અને મંચની બીજી બાજુ તેના સ્વપ્નની વાત ભજવાય છે. અહીં આ “Tabou”નો ટ્યૂન નો ઉપયોગ પાર્શ્વ સંગીત તરીકે ઘણો અસરકારક અને પ્રેક્ષકોના મન પર છવાઈ જતો જણાતો હતો, 78 rpm ની ત્રણ મિનિટ ની રેકર્ડમાં થી શરૂઆત થી ૪૦ સેકંડ વાગતા વાદ્ય સંગીત નો ઉપયોગ નાટકનાં આ દ્દશ્યમાં થયેલો.

નાટકનો અંત તો થોડો આંચકો આપી જાય તેવો રહ્યો છે. પણ સરસ વાર્તા સંગીત અને આગવી ટેકનિકથી મંચસ્થ થયેલું આ નાટક અનેક રીતે યાદગાર બની ગયું.

અહીં લેખક અને દિગ્દર્શક તરીકે ની બાબુભાઇ ની આગવી સૂઝ અને તૈયારી દાદ માંગીલે છે, આ ૭૦ વરસ પહેલાં આ “Tabou” ની રેકર્ડ ક્યાંથી મેળવી હશે અને આ ધુન વગાડવાનો વિચાર તેમને કેમ આવ્યો હશે? અહીં એ રેકર્ડ પ્રસ્તુત છે::

સાત દાયકા પહેલાં આવા સરસ અને સફળ નાટ્ય પ્રયોગ થયા તેનો મોટો ફાળો એ સમયની યંગકલબ ની ટીમ અને તત્કાલિન ભાવનગરના પ્રેક્ષકગણને જાય છે,

તે ટીમ અને કદરદાન પ્રેક્ષકો ને મારા પ્રણામ.


શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com  સરનામે કરી શકાશે.

Author: admin

4 thoughts on “સાલ ૨૦૧૯ માં ન્યુઝીલેન્ડ ની ફિલ્મ “જોજો રેબિટ” અને ૧૯૫૧ માં ભજવાયેલ ગુજરાતી એકાંકી “દિવાસ્વપ્ન”

  1. Superbly narrated the real connection between two classics. Enjoyed thoroughly whole write up.. Young club was far ahead of time and was second to none in making drama more exciting by using original ideas.. Hats off.. ?

  2. નીતિનભાઈ,
    ખૂબ જ સુંદર અને યાદગાર રીતે આપે બન્ને પ્રસંગોને સાંકળી રજૂઆત કરી છે. આબેહુબ દ્રશ્ય વાંચનારની નજર સામે ઉપસી આવે છે. ક્યાં ૧૯૫૧ અને ક્યાં ૨૦૧૯. એક ધુન અને બે જુદા માહોલમાં એનો ઉપયોગ અને અસર.
    આપની જહેમતને સો સો સલામ!!!

  3. વાહ! ભાવનગરની યાદ. એ વખતે હું પાંચ વર્ષની તેથી નાટક વિષે કશી ખબર નથી. દિલીપને કદાચ યાદ હશે.
    તમને તો અલગ લાગણી જ થતી હશે તે સમજી શકાય. સરયૂ મહેતા-પરીખ

  4. વાહ,નિતીનભાઈ, ખૂબ સુંદર યાદગાર રજુઆત વાંચવાની મઝા આવી.

Leave a Reply

Your email address will not be published.