શબ્દસંગ : શિક્ષણ ચરિત્રકિર્તનનો અવસર

નિરુપમ છાયા

શિક્ષણ સમાજનો આધારસ્તંભ છે. આ વાત સમજી, હૃદયથી સ્વીકારી, પૂરી નિષ્ઠા અને નિસ્બતપૂર્વક ઘણા વિરલાઓ આ આધારસ્તંભને કાટ ન લાગે એ માટે મથે છે અને સફળ પણ થાય છે. આવા વિરલાઓને શોધીને સમાજમાં એમનાં કાર્યને ચીંધનારા , પ્રતિષ્ઠિત કરનારા અને એમને અભિવંદતા લોકો પણ છે. એક ત્રિવેણી સંગમ જાણે રચાય છે અને એક ઉજળા , સાત્વિકતા સભર શિક્ષણ પંથ પર સમાજ અગ્રેસર થાય છે.

કચ્છમાં ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટીચર્સ ટ્ર્સ્ટ પણ યથાશક્તિ શિક્ષણ વિરલાઓને વધાવવાનું કાર્ય કરી રહેલ છે. છેલ્લાં બે વર્ષ માટે જાહેર થયેલા એવોર્ડની અર્પણ વિધિ થોડા દિવસો પહેલાં જ ભુજના રોટરી હોલ ખાતે યોજાઈ ગઈ.

કાર્યક્રમ અંગે વાત કરીએ તે પહેલાં ટ્રસ્ટની, અવોર્ડ જાહેર કરવાની પ્રક્રિયા પણ જાણી લઈએ કારણકે એ ચીલાચાલુ પદ્ધતિથી સદંતર અલગ છે. આ એવોર્ડ માટે અરજી કરવી,, ફોર્મ ભરવાં કે એવી કોઈ જ ક્રિયાત્મકતા નથી. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા , નિષ્ઠાપૂર્વક એમાં ખૂંપી ગયેલા શિક્ષણ કર્મયોગીઓ, શિક્ષણ ચિંતકો, માર્ગદર્શકો એમના કાર્યના ભાગરૂપે જ પ્રવાસ કરતા હોય છે, અનેક પરિસંવાદો, કાર્યક્રમોમાં તેઓ નિયમિત જતા રહેતા હોય છે. એને કારણે તેઓ એવા શિક્ષકો, શિક્ષણ સંસ્થાઓ અને કદાચ શિક્ષણનું પ્રત્યક્ષ કાર્ય ન કરતા હોય પણ શિક્ષણયોગી બનીને ઉત્તમ વિચારને મૂર્તરુપ આપનારા , ઉત્તમ કાર્ય કરતા શિક્ષકો અને એવી સંસ્થાઓ તરફ ટ્રસ્ટીઓનું ધ્યાન દોરે છે. પછી ટ્રસ્ટીઓ તેમને પ્રત્યક્ષ મળે છે, તેમનું કામ જુએ છે , ભવિષ્યના રેકોર્ડ માટે એમની વિગતો મેળવે છે અને એ રીતે એમને એવોર્ડ આપવામાં આવે છે. એ સિવાય પણ કોઈપણ વ્યક્તિ સારું કાર્ય, સંસ્થા કે વ્યક્તિ ધ્યાનમાં આવે તો એનું સૂચન પણ કરી શકે છે. પસંદગીની આ પ્રક્રિયાને કારણે ટ્રસ્ટની એ વિશેષતા રહી છે કે દૂરના વિસ્તારમાં છેવાડે બેસીને ઝીણું કાંતતા, ભલે નાનું, પણ પાયાનું કામ કરતા શિક્ષકોને પણ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. વળી, ટ્રસ્ટ ભલે કચ્છનું છે અને કચ્છના એક આદર્શ શિક્ષકની સ્મૃતિમાં આ કાર્ય થઇ રહ્યું છે પણ, આરંભથી જે એવોર્ડ અપાયા છે એની સૂચિ પર દૃષ્ટિપાત કરતાં ખ્યાલ આવશે કે એવોર્ડ માટે કાર્યક્ષેત્ર બહુ વ્યાપક રાખવામાં આવ્યું છે જે એની ત્રીજી વિશેષતા છે.

ટ્રસ્ટના ૧૯૮૧ના પ્રારંભ વર્ષથી જ એવોર્ડ આપવાનું શરુ થયું. સંજોગો અને અનૂકુળતાઓ અનુસાર વિવિધ સમયે કાર્યક્રમો યોજાયા અને ક્ય્રારેક થોડાંક વર્ષોના સાથે ભલે પણ ચૂક્યા વગર, ૨૦૦૦નાં વર્ષ સુધી દર વર્ષે એક અને તે પછી દર બે વર્ષે એક એમ ૨૦૧૬ સુધીમાં ૨૮ એવોર્ડ કાર્યક્રમ યોજીને અપાયા છે .

તસ્વીર સૌજન્ય – કચ્છાનિત્ર, ભૂજ કચ્છ, ૧૬-૨-૨૦૨૦

હમણાં જ, ૨૦૧૭ -૧૮નાં વર્ષ માટે સાયલા(જી. સુરેન્દ્રનગર)ના શિક્ષક શ્રી ચંદ્રકાંત વ્યાસને અને ૨૦૧૯-૨૦ માટે વિચારતા સમુદાય સમર્થન મંચનાં અને પરોક્ષ રીતે શિક્ષણનાં કાર્ય સાથે સંકળાયેલાં મિત્તલ પટેલને આ એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ ભુજ ખાતે ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ યોજાઈ ગયો. આ બન્ને પ્રતિભાઓએ પોતાનાં વકતવ્યમાં કાર્ય વિષે વાત કરતાં, એક દર્શન , પ્રેરક ચિંતન પણ પ્રસ્તુત કર્યું.

શ્રી ચંદ્રકાંત વ્યાસ સાયલા પાસેનાં ધજાળા સ્થાને લોકશાળામાં આચાર્ય હતા અને શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ સાથે જોડાઈને વિવિધ પ્રવૃત્તિઓમાં સહયોગી રહેતા. ધીરે ધીરે તેમણે શિક્ષણના ક્ષેત્રે કાર્ય કરવા ત્યાં સૂચન કર્યું એને વધાવી લેવામાં પણ આવ્યું , કારણ કે શ્રી ચંદ્રકાંતભાઇના શિક્ષણ પ્રયોગોથી સૌ પ્રભાવિત હતા. “પ્રેમની પરબ શૈક્ષણિક અભિયાન” નો આ રીતે આરંભ થયો અને પછી તો ૫૧ વર્ષની ઉંમરે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ, તેમણે આ કાર્ય માટે જાણે ભેખ જ ધર્યો. આશ્રમના આદ્ય સ્થાપક શ્રી લાલચંદ માણેકલાલ વોરાના આદર્શોના વાહક શ્રી નલીનભાઈ કોઠારીએ ધરતીકંપ બાદ ધ્વસ્ત થયેલી સુરેન્દ્રનગરની શાળાઓનું પુન:નિર્માણ હાથ ધર્યું. આ શાળાઓમાં શિક્ષણ જીવંત બને એ માટે કંઇક નક્કર આયોજનનો સંકલ્પ કર્યો , જેનાં ફળસ્વરૂપે દિવ્યભાવના સભર પ્રેમની પરબ પ્રકલ્પ આકારિત થયો. નિર્દેશક (director) તરીકે શ્રી ચંદ્રકાન્તભાઈએ જવાબદારી સંભાળી. તેમણે વિદ્યાર્થીમાં જીજ્ઞાસા પ્રગટાવવા પ્રવૃત્તિઓ દ્વારા પ્રત્યક્ષીકરણ , શિક્ષક અનુભૂતિ નો આનંદ મેળવે અને તેની ઉત્તમ સજ્જતા ખીલે, શાળાનાં વાતાવરણમાં સુંદરતાનું સર્જન હોય, વાલીની જાગૃતિ અને તેમની સહભાગીદારીતા દ્વારા સિદ્ધિ મળે એવા , સમાજના આધારસ્તંભ શિક્ષણના ચાર આયામો પર ધ્યાન કેન્દ્રિત કરી , વિદ્યાર્થીઓ માટે બાલસભા, શાળાઅંક, પ્રકલ્પો અને પ્રયોગો દ્વારા શિક્ષણ , પ્રવાસો, સાહિત્યિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પાયાનાં કૌશલ્યોના વિકાસ માટે ખાસ કાર્યક્રમ, એ જ રીતે શિક્ષકો માટે શૈક્ષણિક સંશોધન , પ્રેરણા પ્રવાસો, કાર્યશાળાઓ, પરિસંવાદો, વિષય સજ્જતા અને નેતૃત્વ પ્રશિક્ષણ શાળા જૂથસભા અને શાળાના વાતાવરણ માટે,સ્વચ્છતા, આરોગ્યપ્રદ ટેવો, જળ વ્યવસ્થા, સૂત્રલેખન , સુશોભન, બાગાયત પ્રવૃત્તિઓ, વળી વાલીઓ માટે સંમેલનો, અભણ વાલીની સાક્ષરતા, જવાબદાર ઘટક તરીકે સામેલગીરી, સ્પર્ધાઓ જેવા કાર્યક્રમો તૈયાર કરી નક્કર પરિણામો લાવવા પુરુષાર્થ આદર્યો. ૨૯ જાન્યુઆરી ૨૦૦૪ના રોજ પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ આ દિવ્યતાની જ્યોત પ્રગટાવી. એક સ્વપ્ન જાણે કે આકાર ધરવા લાગ્યું. ૨૦૦૯નાં વર્ષ સુધીમાં એ જીલ્લાની ૧૩૦ શાળાઓના ૮૫૦ શિક્ષકોને સાથે લઈને ૩૦૦૦૦ વિદ્યાર્થીઓનું એક સાત્વિક સાયુજ્ય રચાયું. કલ્પના ન થાય તેવું પરિણામ મળ્યું.

સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા ‘મિશન વિદ્યા’ કાર્યક્રમને પણ અપનાવ્યો. દરેક શાળામાં ૫૦ પ્રશિક્ષિત બાલમિત્રોની નિમણુંક કરી અને ચારછ માસ માટે ધોરણ 3 થી ૭ માં પાછળ રહી ગયેલ ૫૦૦૦ જેટલાં બાળકોમાંથી ૪૬૦૦ જેટલાં બાળકોને વાંચતાં લખતાં શીખવ્યું.

આ પ્રકારની , સાયલામાં થતાં કાર્યની વિગતવાર વાતો કરી, શ્રી ચંદ્રકાન્તભાઈએ કહ્યું કે આ શાળાઓમાં બાળકો જ નથી ભણતાં, આખુંયે ગામ ભણે છે. આત્મજાગૃતિ અને સ્વનાં પ્રાગટ્ય માટેનો આ પુરુષાર્થ છે અને એમાં થાક લાગતો નથી, આનંદ મળે છે. પ્રસન્નતા પ્રાપ્ત કરવા ઉત્તમ રીતે કાર્ય કરવું એ જાત અનુભવને વ્યક્ત કરતાં રાષ્ટ્રભક્તિની વ્યાખ્યા પણ આપી કે વ્યક્તિ ઉત્તમ રીતે કામ કરે એ રાષ્ટ્રભક્તિ છે. આપણા દેશનાં ૬૫ વર્ષનાં સરેરાશ આયુષ્યમાં પણ શિક્ષકનું આયુષ્ય સૌથી વધારે હોય કારણ કે જીવતા બગીચા સાથે એ કામ કરે છે. શિક્ષકને તેમણે ફૂલ સાથે સરખાવ્યો હતો જેમાં રંગ અને સુગંધ બંને હોય.

વક્તવ્યમાં તેમણે પોતાના અનુભવોને વિસ્તારથી વણી લીધા હતા. વર્ષો વર્ષ યોજાતા ‘બાળ અમૃત પર્વ’ ની વાતથી સહુ અભિભૂત થયા હતા. જેમાં આખો એક દિવસ વિવિધ પ્રકારની સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજનથી બાળકોનું સર્વાંગી ઘડતર થાય છે. પ્રેમની પરબ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ વિદ્યાર્થી ની પસંદગી, એમના શિબિર વગેરે દ્વારા થતા ગુણાત્મક વિકાસનાં સુંદર પરિણામોની પણ વાત કરી હતી.

૨૦૧૮-૧૯ માટે જેમને એવોર્ડ એનાયત થયો એ મિત્તલબહેન પટેલ તો સાવ નોખા પ્રકારનાં કાર્ય સાથે સંકળાયેલાં છે. હવે તો તેઓ ગુજરાતમાં જ નહિ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જાણીતાં થયાં છે. પત્રકારત્વનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમની આંખોમાં ઘણા સપનાં હતાં, પણ માતા પિતાએ મનને ગમે તેવું કાર્ય કરવું એવી વાત કરતાં મંથન શરુ થયું, અને દક્ષિણ ગુજરાતમાં શેરડી કામદારોનો અભ્યાસ હાથ ધર્યો. પુસ્તકાલયમાં બેસીને નોંધ તૈયાર કરીને નહીં પણ રૂબરૂ જઈ તેમની સાથે રહી તેમની જીવનપદ્ધતિ સમજવી, જાણવી એવું નક્કી કર્યું. એ અંતરિયાળ વિસ્તારમાં રહેવામાં અનેક કષ્ટો પડ્યાં. ક્લાસીસ વચ્ચે માણસ બનાવતો આ ક્લાસ હતો. દિવસો સુધી ભૂખ્યા રહેવું પડ્યું અને એટલે સુધી કે એ વિસ્તારનાં પાણીને કારણે ત્વચાનો રંગ સુદ્ધાં બદલાઈ ગયો. પણ તક વંચિત હોવું એટલે શું એ સમજાયું. એમ કરતાં પછી સરાણિયા, બજાણિયા, વાડી ,મદારી, રાવલ જેવા વીસ લાખ વિચરતા સમુદાયના લોકોની સ્થિતિ સામે આવી. એ વાત સાંભળતાં આપણે એક શ્વાસે થઇ જઈએ. રહેવાનું કોઈ નિશ્ચિત સ્થળ નહીં, જ્યાં રહેતા હોય ત્યાં નાહવા ધોવાની પણ અપૂરતી સગવડો. થાય કે એ લોકો કેમ રહેતાં હશે! એમને મળીને જ્યારે સગવડો આપવાની વાત કરી ત્યારે એમની એક માંગણી હતી કે અમને બીજું કંઈ જોઈતું નથી પણ ફક્ત ફોટાવાળું કાર્ડ અપાવી દ્યો. અમે પોલીસના ત્રાસ થી લઈને અનેક વિટંબણાઓથી બચી જઈશું . મતદાનનો એમને હક્ક નહોતો એટલે અવાજ નહોતો. લાંબા સંઘર્ષને અંતે એ પળ આવી. ૨૦૧૭માં ૨૫-૩૦ હજાર લોકોને એકઠા કર્યા ને એક સૂત્ર આપ્યું,”અમે પણ છીએ”. પછી તો કથા દ્વારા આદરણીય મોરારી બાપુ અને અને શ્રેષ્ઠીઓ આગળ આવ્યા. ઠેઠ વડાપ્રધાન સુધી વાત પહોંચી અને એક બોર્ડનું પણ ગઠન થયું જેમાં મિત્તલબહેન એક ડાયરેક્ટર છે. આવા સમુદાયના લોકોને ઓળખ કાર્ડ મળ્યાં , એક સરનામું મળ્યું ,થોડા પરિવારોને નાનાં પણ મર્યાદા સાચવે તેવા પેઢીઓથી ન જોયેલા નિવાસ મળ્યા.

આટલું સંઘર્ષપૂર્ણ કામ એમના માટે આદર જન્માવે પણ એથીયે વધુ રોમાંચ ખડાં કરી દે એવાં કામની વાત કરી ત્યારે તો જાણે વંદન થઇ જાય. સાબરકાંઠાનું વાડિયા ગામ. આખુયે ગામ દેહવ્યાપારના વ્યવસાય પર નભે. આ હું લખું છું ત્યારે પણ ધ્રુજારી થાય છે ત્યારે મિત્તલબહેનની વાત સાંભળી હશે અને એ કરતાંયે અધિક મીત્તલ બહેને ત્યાં પ્રત્યક્ષ જઈને કાર્ય કર્યું હશે ત્યારે શું થયું હશે એ કલ્પના આપણને ધ્રુજાવી દે. તેમને માટે આ વ્યવસાય તદ્દન સાહજિક બની ગયેલો. પુરુષો સામે ચાલીને સ્ત્રીઓને ગ્રાહકો પાસે મૂકવા જાય એવી કરુણ સ્થિતિ. આમાંથી એક એક મહિલાને બહાર કાઢવી, મહિલાઓની ઉગતી પેઢીને , કુમળી વયની દિકરીઓને એ વમળમાં જતી અટકાવવી અને પ્રૌઢ મહિલાઓની માનસિકતા બદલાવવી એ ત્રણ દુષ્કર મોરચે લડવાનું હતું. તેમાંયે દલાલોનો ભય વળી જુદો. પણ મિત્તલ બહેને એ માટે સંઘર્ષ કર્યો. તેમનાં શિક્ષણ માટે હોસ્ટેલ અને શાળામાં પ્રવેશ માટે રીતસર ઝઝૂમ્યા ૨૦૧૨ની સાલમાં અનેક શંકા આશંકા વચ્ચે છેવટે વાડિયા ગામમાં ઢોલ ઢબૂક્યા અને સમૂહ લગ્ન લેવાયાં ત્યારે જાણે એ ઊક્તિ સાચી લાગે કે ચમત્કારો આજે પણ બને છે ! આમ તેઓ પ્રત્યક્ષ શિક્ષક નથી પણ, બાળકોને માણસ બનાવવાનું શિક્ષણ એ એમનો ઉદ્દેશ્ય રહ્યો છે.તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું એમ કોઈનાં જીવનમાં હસ્તક્ષેપ નથી કર્યો. પણ એમને શું જોઈએ એની સમજ એમનામાં ઊગે એવું કર્યું છે.

કાર્યક્રમના પ્રમુખપદે સ્થાનિક દૈનિક કચ્છમિત્રના તંત્રી શ્રી દીપકભાઈ માંકડ ઉપસ્થિત હતા તેમણે, આ બન્નેને સાંભળી વ્યક્તિત્વ શું છે એ ખ્યાલ આવે છે, અલગ પડી કામ કરવા હિંમત સમય અને સમર્પણ થકી, મૂલ્યનિષ્ઠા ઓછી જોવા મળે છે એવા સમયમાં આવા કામ થકી સમાજમાં આશાનો સંચાર થાય છે એમ જણાવ્યું હતું.

જેમ ટ્રસ્ટનાં કાર્યની વિશેષતાઓ આપણે જોઈ, તેમ કાર્યક્રમની પણ વિશેષતાઓ અન્ય કાર્યક્રમો માટે દિશા દર્શાવનારી બની રહી. કોઈ જ ઔપચારિક વિધિમાં સમય ગુમાવ્યા વિના બહુ જ ઓછા સમયમાં પરિચય, સ્વાગત અને એવોર્ડ અર્પણની વિધિ પૂરી કરી, મૂળ વ્યક્તિઓને જ સંભાળવા,સમજવા, તેમના અનુભવોથી પ્રેરિત થવા મહત્તમ સમય ફાળવાયો. મંચ પર પણ ટ્રસ્ટીઓ પ્રારંભમાં રહ્યા પણ પછી તો માત્ર ત્રણ વ્યક્તિઓ જ હતી, જે પણ ચીલો ચાતરતી બાબત હતી.

આમ સાત્વિક રીતે હાર્દને જ પ્રગટાવતો આ કાર્યક્રમ અલગ જ છાપ સર્જતો બની રહ્યો.


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.