વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : આઇ.એલ.ઓ.નો ઠરાવ નં.૧૫૫ સ્વીકારો

જગદીશ પટેલ

તમામ આર્થિક પ્રવૃત્તિના કામદારોના કામને સ્થળે સલામતી અને આરોગ્યનું રક્ષણ કરો.

આઇ.એલ.ઓ. એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આંતર્રાષ્ટ્રીય મજુર સંગઠન)ની સ્થાપના ૧૯૧૯માં થઇ. યુનોના તત્વાધાનમાં અને તેની પહેલથી પહેલી બેઠક મળી એટલે તે યુનોની જ એક સંસ્થા બની. આ ત્રિપક્ષી સંસ્થા છે જેમાં સરકાર, ઉદ્યોગ અને કામદારોના પ્રતિનિધિઓ હોય છે. દર બે વર્ષે તેની પરિષદ મળે છે જેમાં ચર્ચા કરી ઠરાવો પસાર કરવામાં આવે છે. તે ઠરાવને કન્વેન્શન કહેવાય છે. આ ઉપરાંત જે તે ઠરાવના સંદર્ભે તેની ભલામણો –રેકમેન્ડેશન-  પણ હોય છે જે તે ઠરાવને પુરક બનતી માર્ગદર્શિકા હોય છે. ઠરાવ પસાર થયા બાદ ૧૫ દેશો તેને સ્વીકૃતિ ન આપે ત્યાં સુધી તે અમલમાં આવતો નથી. ગયા વર્ષે તેની શતાબ્દી ઉજવાઇ.

ઠરાવ પસાર થયા બાદ વ્યક્તિગત સભ્ય દેશ તેને સ્વીકૃતિ આપે (રેટીફીકેશન) તો તે દેશ માટે તે ઠરાવ બંધનકર્તા બને. તે ઠરાવ મુજબ જે તે દેશે પોતાના દેશના કાયદામાં સુધારા કરવા પડે. સ્વીકૃતિ આપ્યા બાદ નિયમિત સમયાંતરે તે દેશની સરકારે તે ઠરાવ સંદર્ભે દેશના કાયદા બદલવાની દિશામાં થયેલ પ્રગતિનો અહેવાલ આઇ.એલ.ઓમાં રજુ કરવો પડે છે. ઠરાવોના અમલના અહેવાલ કામદાર સંગઠનો અને માલિકોના સંગઠનો પણ મોકલી શકે છે. આવેલા અહેવાલોને આઇ.એલ.ઓ.ની નિષ્ણાત સમિતિ જુએ છે અને તેના તારણોની ચર્ચા પરિષદમાં કરવામાં આવે છે.

આઇ.એલ.ઓ. દ્વારા જે વિષયો પર ઠરાવો કરવામાં આવે છે તે વિષયોમાં 
૧. કામદારોને સંગઠીત થવાનું સ્વાતંત્ર્ય.

૨. વેઠીયા મજુરી પર પ્રતિબંધ

૩. તકોની સમાનતા અને સમાન વ્યવહાર.

૪. મજુર કાયદાઓના પાલન માટેનું વહીવટીતંત્ર

૫. ઔદ્યોગિક સંબંધો

૬. વેતન

૭. ભરપગારે રજાઓ અને અઠવાડીક આરામ

૮. કામને સ્થળે વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

૯. સામાજીક સુરક્ષા

૧૦. મહિલાઓની રોજગારી

૧૧. બાળકો અને કિશોરોને કામે રાખવા બાબત

૧૨. સ્થળાંતરીત મજૂરો

૧૩. આદીવાસી

૧૪. કામના કલાક

૧૫. માનવ સંશાધન અને રોજગારી

— નો સમાવેશ થાય છે.

તેની સ્થાપના થઇ ત્યારથી જ ભારત તેનું સભ્ય છે. આઝાદી મળતાં પહેલાં અંગ્રેજોએ આઇ.એલ.ઓ.ના ૧૪ ઠરાવો સ્વીકારી લીધા હતા. આઝાદી પછીના પહેલા ૪ વર્ષમાં બીજા ૪ ઠરાવ સ્વીકારી લીધા. ત્યાં સુધીમાં આઇ.એલ.ઓ.એ ૧૦૭ ઠરાવ પસાર કર્યા હતા જેમાંથી આપણે ૧૮ સ્વીકાર્યા. ૧૯૫૪માં ભારત સરકારે આઇ.એલ.ઓ.ના ઠરાવો બાબતે તપાસ કરી ઠરાવો સ્વીકારવા માટે ભલામણૌ કરવા એક સમિતિની રચના કરી. સમિતિની ભલામણો મુજબ બીજા ૫ ઠરાવ સ્વીકારાયા તેથી આંકડો ૨૩ પર પહોંચ્યો. જો કે તે સમિતિએ કરેલ ભલામણ મુજબ ઠરાવ નં. ૬૩ અને ૯૯ તો હજી સરકારે સ્વીકાર્યા નથી. ૧૯૫૮ પછીના દાયકામાં ઠરાવો સ્વીકારવાનો ઉત્સાહ મોળો પડયો. ૧૯૫૮થી ૧૯૬૮ દરમિયાન બીજા પાંચ ઠરાવ સ્વીકારાયા, તે પછીના બીજા દસ વર્ષ દરમિયાન ૪ ઠરાવ સ્વીકારાતાં કુલ આંક ૩૨ થયો. તે પછી ૧૨ વર્ષ સુધી એક પણ ઠરાવ સ્વીકારાયો નહી. ૯૦થી ૯૮ દરમીયાન બીજા ૪ ઠરાવ સ્વીકારાયા. વેઠીયા મજુરી નાબુદી અંગેનો આઇ.એલ.ઓ.નો ૧૯૫૭નો ઠરાવ ભારતે ૪૩ વર્ષ બાદ સન ૨૦૦૦માં સ્વીકાર્યો. જો કે તે અંગેનો બીજો એક ઠરાવ નં.૨૯ ભારતે ૧૯૫૪માં સ્વીકારી લીધો હતો. હાલ ભારતે ૬ મૂળભૂત વહીવટના ૩ અને ૩૮ ટેકનીકલ થઇ કુલ ૪૭ ઠરાવો સ્વીકાર્યા છે.

ઉપર જે ૧૫ વિષયોના ઠરાવોની વાત કરી તેમાં કયા વિષયના કેટલા અગત્યના ઠરાવ ભારતે સ્વીકાર્યા છે તે જોઇએ. સંગઠીત થવાના સ્વાતંત્ર્ય અંગેના અગત્યના ૫ પૈકી માત્ર ઠરાવ નં.૧૪૧ (ગ્રામીણ કામદારોના સંગઠન) સ્વીકાર્યો છે અને તેમ છતાં આપણા ગ્રામીણ મજૂરો સંગઠીત થઇ શકયા નથી. વેઠીયા મજુરો અંગેના મહત્વના બંને ઠરાવ સ્વીકાર્યા છે. તકોની સમાનતા અને સમાન વ્યવહાર અંગેના અગત્યના ૩માંથી ૨ સ્વીકાર્યા છે. રોજગારી અંગેના ૫માંથી ૨, વહીવટી તંત્ર અંગેના ૭માંથી ૩, અઠવાડીક આરામ અને ભરપગારે રજાઓ અંગેના ૪માંથી ૧, વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી અંગેના ૧૫માંથી ૪, સામાજીક સુરક્ષા અંગેના ૩માંથી ૧, મહિલાઓની રોજગારી અંગેના ૪માંથી ૨, બાળમજૂરી અંગેના ૬માંથી ૧ ઠરાવ સ્વીકાર્યા છે. ઔદ્યોગિક સંબંધો, વેતન, સ્થળાંતરીત મજૂરો અને આદીવાસી અંગેના એક પણ ઠરાવ ભારતે સ્વીકાર્યા નથી.

આઠ ઠરાવ મૂળભૂત  ફન્ડામેન્ટલ — ગણાય છે અને તમામ સભ્ય દેશો આ ૮ ઠરાવો તો સ્વીકારે જ તેવો આગ્રહ આઇ.એલ.ઓ. રાખે છે. આ મહત્વના ૮ ઠરાવ આ મુજબ છેઃ

અનુક્રમ ઠરાવ નંબર ઠરાવનું નામ અને ભારતે સ્વીકાર્યા તે વર્ષ
૧ ૨૯ વેઠીયા મજૂરી, ૧૯૩૦, ૧૯૫૪

૨ ૧૦૫ વેઠીયા મજૂરી નાબુદી, ૧૯૫૭, ૨૦૦૦

૩ ૮૭ સંગઠીત થવાની સ્વતંત્રતા અને સંગઠીત થવાના અધિકારનું સંરક્ષણ, ૧૯૪૮ —

૪ ૯૮ સંગઠીત થવાનો અધિકાર અને સામુહિક સોદાબાજી, ૧૯૪૯ —

૫ ૧૦૦ સમાન વેતન,૧૯૫૧, ૧૯૫૮

૬ ૧૧૧ ભેદભાવ (વ્યવસાય અને રોજગારી), ૧૯૫૮, ૧૯૬૦

૭ ૧૩૮ લઘુત્તમ ઉંમર,૧૯૭૩, ૨૦૧૭

૮ ૧૮૨ બાળમજૂરીના અત્યંત વરવા સ્વરૂપો, ૧૯૯૯, ૨૦૧૭

ભારતે આ ૮ મૂળભૂત ઠરાવો પૈકી માત્ર ૬ ઠરાવ સ્વીકાર્યા છે. આ ૮ મૂળભૂત ઠરાવો પૈકી ભારતના પાડોશી દેશો પાકીસ્તાને ૭, બાંગ્લાદેશે ૭, શ્રીલંકાએ ૮, ચીને ૪, નેપાળે ૭ અને મ્યાનમારે ૩ ઠરાવ સ્વીકાર્યા છે.

હાલ ૧૮૭ દેશ આઇ.એલ.ઓ.ના સભ્ય છે. તે પૈકી ૧૪૬ દેશોએ તમામ ૮ ઠરાવો સ્વીકાર્યા છે. ૧૩ દેશો એ ૭ ઠરાવો સ્વીકાર્યા છે. ૧૨ દેશોએ ૬, ૫ દેશોએ ૫, ૪ દેશોએ ૩, ૫ દેશોએ ૨, ૩ દેશોએ ૧ ઠરાવો સ્વીકાર્યો છે. ટોંગા નામના દેશે આ પૈકી એક પણ ઠરાવ સ્વીકાર્યો નથી. તમામ ૮ ઠરાવ સ્વીકારનારા ૧૩૮ દેશોમાં આપણો પાડોશી માલદીવ પણ છે. માલદીવ ટાપુ છે અને તેની વસ્તી ૩.૯૪ લાખ છે છતાં તે આવી હિંમત બતાવે છે.

આઇ.એલ.ઓ.એ અત્યાર સુધીમાં ૧૯૦ ઠરાવો, ૬ પ્રોટોકોલ અને ૨૦૬ ભલામણો પસાર કર્યા છે. ૧૮૯મો ઠરાવ ૨૦૧૧માં પસાર કર્યો જે ઘરેલુ કામદારો માટેનો હતો અને તે પછી ૨૦૧૯માં કામને સ્થળે હિંસા અને હેરાનગતી અંગેનો ઠરાવ નં.૧૯૦ પસાર કર્યો છે.

ફ્રાન્સે ૧૨૭, ઇટાલીએ ૧૧૩,નોર્વેએ ૧૧૦, ઉરુગ્વેએ ૧૧૦, ફીનલેન્ડે ૧૦૨, પોલેન્ડ ૯૨, બ્રીટને ૮૮, રશિયાએ ૭૭, ચીને ૨૬ ઠરાવ, અમેરીકાએ ૧૪ ઠરાવો સ્વીકાર્યા છે. ફ્રાન્સ સૌથી મોખરે છે. ૧૯૯૧માં સભ્યપદ લેનાર નેપાળે ૧૧ ઠરાવ સ્વીકાર્યા છે.

આઇ.એલ.ઓ.ના ઠરાવોની સ્વીકૃતિ પરથી જે તે દેશના મજૂર પ્રત્યેના વલણ જણાઇ આવે છે. જો કે માત્ર એટલાથી જે તે દેશના મજૂરોની વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકાય નહી. આઇ.એલ.ઓ.ના ઠરાવ એક નૈતિક બંધન છે અને તે કારણે વાતાવરણ ઉભું થાય, જાગૃતિ આવે અને કયાંક દબાણ ઉભું થાય. અમુક ઠરાવ અમુક દેશ સ્વીકારે નહી તે કારણે તેનું મુલ્ય ઘટે નહી. આઇ.એલ.ઓ.માં ઠરાવ થાય એટલે તે વિષય અંગેની માહિતી પ્રસરે છે, લોકો વધુ માહિતગાર થાય છે અને જાગૃતિ આવે છે. આ જાગૃતિને પરીણામે ઠરાવ ન સ્વીકારાયો હોય તો પણ તેના અંશો કાયદામાં અથવા વ્યવહારમાં પ્રતિબિંબિત થવા માંડે છે. ભારતે ઘણા ઠરાવ સ્વીકાર્યા નથી  છતાં એવા ઠરાવોના અંશ આપણા કાયદામાં સમાવી લીધા હોય. દા.ત. કામને કારણે થતી ઇજાના વળતર અંગેનો ઠરાવ નં.૧૨૧ ભારતે સ્વીકાર્યો નથી તેમ છતાં તે ઠરાવના ઘણા અંશો ફેકટરી એકટ, કર્મચારી વળતર ધારો વગેરેમાં સમાવાયા છે. ઠરાવો ન સ્વીકારવાનું એક મોટું કારણ એ છે કે આઇ.એલ.ઓ.ના બંધારણ મુજબ ઠરાવ યથાતથ સ્વીકારવો પડે છે. ઠરાવની અમુક કલમ તમે સ્વીકારો અને અમુક ન સ્વીકારો તે ચાલે નહી. તે સંજોગોમાં પોતાને સ્વીકાર્ય બાબતો પોતાના કાયદામાં સમાવી લેવાય પણ ઠરાવ આખેઆખો સ્વીકારાય નહી. આપણે સૌ જાણીએ છીએ કે કાયદા બનાવવા માત્રથી મજૂરોની હાલતમાં સુધારો થતો નથી છતાં તે એક અગત્યનું સાધન છે.

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી અંગે ૪૦ જેટલા ઠરાવો પસાર કર્યા છે તેમાંથી ભારતે ઠરાવ નં. ૧૩૬ (બેન્ઝીન), ૧૧૫ (રેડીએશન), ૧૨૭ (વજન ઉંચકવા અંગે) અને ૧૭૪ (મોટા અકસ્માત અટકાવવા અંગેના) સ્વીકાર્યા છે.

અંગ્રજોના રાજ દરમિયાન એમણે કારખાનાઓના કામદારોના રક્ષણ માટે ફેકટરી એકટ (૧૮૮૧), ખાણના કામદારો માટે ખાણ કાયદો (૧૯૦૧) અને બંદરના કામદારો માટે ડોક વર્કર્સ એકટ (૧૯૩૪) બનાવ્યા પણ આઝાદ થયા બાદ બાંધકામ કામદારોના રક્ષણ માટે ૧૯૯૬માં બનાવાયેલા કાયદા સિવાય અન્ય કોઇ ક્ષેત્રના કામદારોના રક્ષણ માટે કોઇ કાયદો બનાવાયો નથી. આપણે આઝાદીની લડાઇ એટલા માટે લડયા હતા કે આપણે જ ચૂંટેલી સરકારો આપણા જ રક્ષણ માટે કાયદા ન બનાવે?

કહેવાતા સંગઠીત ક્ષેત્રના કામદારો જેમ કે આરોગ્ય સેવાઓ, શિક્ષણ, બેન્ક અને વીમા, પોસ્ટ અને ટેલીફોન જેવા ક્ષેત્રના કામદાર/કર્મચારી માટે પણ કામને સ્થળે સલામતી અને આરોગ્ય માટે કોઇ કાનૂની રક્ષણ હાલ ઉપલબ્ધ નથી. ગુમાસ્તા ધારો છે જે દુકાનો અને ઓફિસોમાં કામ કરતા કામદારોના કામના કલાકો વગેરે અંગેની જોગવાઇ ધરાવે છે પણ તેમાં કામને સ્થળે સલામતી અને આરોગ્ય માટે કોઇ જોગવાઇ નથી.

હવે જો સંગઠીત ક્ષેત્રની આ સ્થિતિ હોય તો અસંગઠીત ક્ષેત્રના કામદારો માટે શું હોય? ભારતમાં ૯૩% જેટલા કામદારો તો અસંગઠીત ક્ષેત્રમાં છે. તેમાંથી ૫૦% કરતાં વધુ તો ખેતમજૂરો અને નાના ખેડૂતો હશે. તે ઉપરાંત ઘરે બેસીને કામ કરતા કામદારો, ઘરકામ કરતા કામદારો, દસ કરતાં ઓછા કામદારો હોય તેવા કારખાના—ખાણો—દુકાનો—કાર્યાલયો અને બીજા એકમો પણ એમાં આવી જાય. સ્વરોજગાર કરતા નાના પાન—ચાના ગલ્લા, પ્લમ્બર કે ઇલેકટ્રીશીયન, રંગારા, કચરો વીણનારા અને અસંખ્ય ફેરિયા અથવા રસ્તા પર બેસી ધંધો કરનારા, માથે વજન ઉંચકનારા મજૂરો, વાહનચાલકો અને બીજા સેંકડો વ્યવસાયો. આ ઉપરાંત એવા પણ ઉદ્યોગો છે જે જાણીજોઇને કાયદા હેઠળ ન આવવા માટે કાગળ પર દસથી ઓછા કામદારો બતાવે છે અથવા કાગળ પર એક કારખાનાનું જુદા જુદા કારખનાઓમાં વિભાજન બતાવે છે. સુરતમાં ચાલતો પાવરલૂમનો ઉદ્યોગ આ પ્રકારનો છે જે કયારેય ફેકટરી એકટના દાયરામાં આવતો નથી. રાજકારણીઓ પર તેમનો દબદબો હોવાને કારણે કોઇ કશું કરતું નથી.

તમામ વ્યવસાયોમાં કોઇને કોઇ જોખમ હોય છે અને તમામ કામદારોનું તે જોખમોથી રક્ષણ કરવું જોઇએ. દર વર્ષે ૨૭ લાખ (રોજના ૭૫૦૦)કરતાં વધુ કામદારો કામને સ્થળે અકસ્માતો અને વ્યાવસાયિક રોગોને કારણે મરે છે તેમાથી ૨૩ લાખ કરતાં વધુ તો વ્યાવસાયિક રોગોને કારણે મરે છે અને ૪ લાખ જેટલા અકસ્માતોમાં મરે છે. બીજા ૩૭.૪ કરોડ કામદારો અકસ્માતોમાં ઇજા પામે છે અથવા કામને કારણે બીમાર પડે છે. મોટાભાગના અકસ્માતો અને રોગો અટકાવી શકાય તેવા હોય છે. ભારતમાં અકસ્માતો અને કામને કારણે થતા રોગોના વિશ્વાસપાત્ર આંકડાઓને અભાવે સાચી દિશામાં પગલાં ભરી શકાતા નથી. અકસ્માતો અને રોગોને કારણે પારાવાર આર્થિક નુકસાન થાય છે. તાજેતરના આઇ.એલ.ઓના એક અહેવાલ મુજબ સકલ ઘરેલુ ઉત્પાદ (જીડીપી)ના ૪%થી ૬% જેટલું નુકસાન અકસ્માતો અને વ્યાવસાયિક રોગોને કારણે થાય છે.

આ દિશામાં સુધારા કરવા માટે એક સર્વગ્રાહી કાયદો બનાવવો પડે અને આંતર્રાષ્ટ્રીય મજુર સંગઠન — આઇ.એલ.ઓ.— આપણે કઇ રીતે આગળ વધી શકીએ તેનું માર્ગદર્શન આપે છે. આઇ.એલ.ઓ.નો ઠરાવ નં. ૧૫૫ સ્વીકારીને આપણે આ કામ કરી શકીએ.એવું નથી કે આ ઠરાવનો સ્વીકાર કર્યા વગર આપણે કાયદો બનાવી શકીએ નહી; પણ જો ઠરાવ સ્વીકારીએ તો દેશ આંતર્રાષ્ટ્રીય બંધનનો અને એક જવાબદારીનો સ્વીકાર કરે છે તેમ કહી શકાય.

છે શું આ ઠરાવ? એનું નામ છે ઓકયુપેશનલ સેફટી એન્ડ હેલ્થ કન્વેન્શન. ૨૨ જુન ૧૯૮૧ને દિવસે આ ઠરાવ પસાર થયો અને તેના બે સભ્ય દેશો— નોર્વે અને સ્વીડને— તેને સ્વીકાર્યા બાદ ૧૧ ઓગસ્ટ ૧૯૮૩ને દિવસે તે અમલમાં આવ્યો. આ ઠરાવ સ્વીકાર્યા બાદ એક વર્ષમાં આપણે તેના અનુસંધાનમાં તમામ આર્થિક પ્રવૃતિઓના તમામ કામદારોને સમાવી લેતો સલામતી અને આરોગ્યાના રક્ષણ માટેનો સર્વગ્રાહી કાયદો ઘડી અમલમાં મુકવો પડે. પછી દર વર્ષે તેના અમલ અંગે આઇ.એલ.ઓ.માં અહેવાલ રજુ કરવો પડે. આ ઠરાવમાં એક રાષ્ટ્રીય નીતિ ઘડવાની વાત કરવામાં આવી છે. ૨૦૦૯માં ભારત સરકારે સલામતી, આરોગ્ય અને કામને સ્થળે પર્યાવરણ માટે એક રાષ્ટ્રીય નીતિ ઘડીને જાહેર કરી છે. એટલે આપણે આ ઠરાવની એક અગત્યની જોગવાઇનો અમલ તો કરી ચુકયા છીએ. હવે તેથી એક ડગલું આગળ વધવાનું છે.

આપણા રાજકીય નેતાઓ વારંવાર જાહેરાત કરે છે કે હવે ભારત એક શક્તિશાળી દેશ બની ચૂકયો છે પણ આપણે આપણા કામદારોને રક્ષણ આપી, કામને સ્થળે થતા અકસ્માતો અને રોગોને કારણે થતા આર્થિક નુકસાનને અટકાવી શકીએ નહી ત્યાં સુધી આપણે શક્તિશાળી બની શકીએ નહી. આજ સુધીમાં ૬૯ દેશોએ આ ઠરાવ સ્વીકાર્યો છે. બ્રીકસ દેશો પૈકી ભારત એક માત્ર દેશ છે જેણે આ ઠરાવ સ્વીકાર્યો નથી. બ્રીકસ દેશો પૈકી બ્રાઝીલે ૧૯૯૨માં, રશીયાએ ૧૯૯૮માં, ચીને ૨૦૦૭માં અને દક્ષિણ આફ્રિકાએ ૨૦૦૩માં આ ઠરાવ સ્વીકાર્યો છે. આપણા કરતાં ઘણા નાના દેશોએ પણ આ ઠરાવ સ્વીકાર્યો છે. ફીજી (૨૦૦૮), કયુબા (૧૯૮૨), ગેબન (૨૦૧૫), માલી (૨૦૧૬), વિયેટનામ (૧૯૯૪), ટર્કી (૨૦૦૫) તો પછી ભારત કેમ નહીં? મધ્ય આફ્રિકામાં આવેલા ગેબનની વસ્તી છે માત્ર ૨૦ લાખ, માલીની ૧.૮૫ કરોડ, ફીજીની ૯ લાખ, કયુબાની ૧.૧૪ કરોડ, વિયેટનામની ૯.૬ કરોડ અને ટર્કીની ૮.૨૯ કરોડ છે. ભારત ૧૧૦ કરોડની વસ્તીવાળો વિશાળ દેશ છે. એ કેમ ન કરી શકે?

આ ઠરાવ સાથે ૨૦૦૨નો પ્રોટોકોલ સ્વીકારવાની પણ અમે દરખાસ્ત કરીએ છીએ. આ પ્રોટોકોલ અંગેનો ઠરાવ ૨૦૦૨માં પસાર થયો હતો અને ૨૦૦૫માં અમલમાં આવ્યો હતો. આ પ્રોટોકોલ કામને સ્થળે થતા અકસ્માતો અને કામને કારણે થતા રોગોની નોંધણી માટેની વ્યવસ્થા ઉભી કરવા અંગે છે. આવી વ્યવસ્થા પાછળનો હેતુ વિશ્વાસપાત્ર આંકડા એકઠા કરવા, અકસ્માતો અને રોગોના કારણો શોધવા અને તેને અટકાવવા માટે યોગ્ય પગલાં લેવાનો છે.

તાજેતરમાં ભારત સરકારે મજૂર કાયદાઓનું સરળીકરણ કરવાને નામે જુદા જુદા મજુર કાયદાઓને ભેગા કરી ચાર લેબર કોડ લાવવાની દરખાસ્ત કરી છે. તેમાં કામદારોની સલામતી અને આરોગ્ય માટે પણ એક કોડની દરખાસ્ત કરી છે. આ કોડમાં એક કાયદાની કેટલીક જોગવાઇઓ કાપીને અહીં ચોંટાડી દેવાનું જ કામ કર્યું છે, નવું કશું નથી. જે કામદારોને માટે હાલ સલામતી અને આરોગ્યનું કાનૂની છત્ર છે તે કામદારો માટે જ નવો લેબર કોડ પણ હશે. જે ક્ષેત્રના કામદારોમાટે હાલ કાનૂની જોગવાઇ નથી તે તો નવા કોડ પછી પણ એવા જ રહેવાના છે. વાજપેયીની સરકારે રવીન્દ્ર વર્માના અધ્યક્ષપદે બીજું લેબર કમીશન નિમ્યું હતું અને કમીશને પોતાના અહેવાલમાં સલામતી અને આરોગ્ય માટે નોખો કાયદો ઘડવાની ભલામણ કરી હતી એટલું જ નહી અહેવાલમાં આ કાયદાનો મુસદ્દો પણ રજુ કર્યો હતો. એ પ્રકારનો કાયદો લવાય તો તે આ ઠરાવ નં.૧૫૫ની નજીક ગણાય.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: admin

2 thoughts on “વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : આઇ.એલ.ઓ.નો ઠરાવ નં.૧૫૫ સ્વીકારો

Leave a Reply

Your email address will not be published.