સાયન્સ ફેર : આવનારા સમયમાં બુલેટપ્રૂફિંગ ટેકનોલોજી ‘હળવી’ બની રહી છે.

જ્વલંત નાયક

વીતેલા અઠવાડિયામાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપ ભારતની મુલાકાતે આવી ગયા. આ મુલાકાતની પહેલા અને પછી જાતજાતની ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે ચાલતી રહી. પણ એ બધા વચ્ચે એક ચીજ સૌની ધ્યાન ખેંચી ગઈ. એ હતી અમેરિકન પ્રેસિડેન્ટની ખાસ રીતે તૈયાર કરાયેલી સ્પેશિયલ લક્ઝરી કાર, જે ‘બીસ્ટ’ તરીકે ઓળખાય છે. બીસ્ટનો અર્થ થાય ખૂંખાર જાનવર. પ્રેસિડેન્ટની આ કાર દ્વારા સુરક્ષા અંગેના એટલા ઊંચા ધારાધોરણો સ્થાપિત કરવામાં આવ્યા છે, જાણે નિર્જીવ કાર નહિ પણ કોઈ જીવતું જાગતું સ્માર્ટ-ખૂંખાર જાનવર પ્રેસિડેન્ટની રક્ષા કરી રહ્યું હોય! સુરક્ષા માટેની અનેક ટેકનોલોજીથી સજ્જ એવી બીસ્ટ વિષે થોડી વાતો જાણી લો.

બીસ્ટ કારને ખરેખર તો ‘ટેકનોલોજીકલ બીસ્ટ’ કહેવી જોઈએ. આશરે આઠ ટનનું વજન ધરાવતી આ કાર સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે. બુલેટ તો છોડો, બહાર ગમે એટલો ઘોંઘાટ હોય તો ય કારની અંદર બેઠેલા પ્રેસિડેન્ટ ‘સાઉન્ડપ્રૂફ’ વાતાવરણ એન્જોય કરી શકે છે. એ સિવાય જાત જાતની ડિફેન્સ સિસ્ટમ કારમાં મોજૂદ છે. કારના બમ્પરમાં ખાસ પ્રકારના ગેસ કેનન્સ બેસાડવામાં આવ્યા છે. જો કોઈ પ્રેસિડેન્ટની કારનો પીછો કરે તો આ કેનનમાંથી ટિઅર ગેસનો મારો ચલાવીને પીછો કરનારને રોકી શકાય છે. પ્રેસિડેન્ટનું જે બ્લડ ગ્રુપ હોય, એ મુજબના લોહીની કેટલીક બોટલ્સ પણ કાયમ બીસ્ટ કારમાં મોજૂદ રાખવામાં આવે છે. આ લોહીના નિયત તાપમાને સ્ટોરેજ માટે સ્પેશિયલ વ્યવસ્થા કરાઈ છે. આવી તો અનેક ટેકનોલોજી બીસ્ટમાં હશે, અને સ્વાભાવિક રીતે જ સામાન્ય લોકો સુધી એની ગુપ્ત માહિતી ન જ પહોંચતી હોય. પણ આ બધું વાંચીને પ્રશ્ન જરૂર થાય, કે એવી તે કઈ ટેકનોલોજી હશે, જેનાથી કારને આટલી હદે સુરક્ષિત કરી શકાય! તો ચાલો એ વિષે થોડી વાત કરીએ.

કોઈ પણ ગાડીને બુલેટપ્રૂફ બનાવવા માટે સૌથી પહેલા તો એમાંથી સીટ્સ, કાર્પેટ, હેડ લાઇનર્સ જેવી ચીજો-એસેસરીઝ કાઢી લેવામાં આવે છે. એટલું જ નહિ પણ ડોર પેનલ્સ પણ કાઢી નખાય છે. (ડોર પેનલ શા માટે બદલવી પડે, એનું કારણ આગળ ખબર પડશે) ત્યાર બાદ ખાસ પ્રકારનું હાઈ હાર્ડનેસ બેલેસ્ટિક સ્ટીલનું પતરું કારની બાહ્ય સપાટી ઉપર જિગ્સો પઝલને જેમ લગાડવામાં આવે છે. આવું કોટિંગ કારના તળિયે પણ કરવામાં આવે છે. જે રીતે રેશમનો કીડો કોશેટામાં સુરક્ષિત રીતે વીંટળાયેલો હોય છે, એ જ રીતે આખી કાર સંપૂર્ણપણે બેલેસ્ટિક સ્ટીલથી કવર થઇ જાય છે. માનવામાં નહિ આવે એવી વાત તો એ છે કે કારની બેટરી ઉપર સુધ્ધાં આ પ્રકારનું બખ્તર ચડાવવામાં આવે છે. અહીં પ્રશ્ન એ થાય કે બાકીની ગાડી તો સમજ્યા, પણ બારી અને આગળ-પાછળના ગ્લાસ ઉપર બખ્તર થોડું ચડાવાય?! આ માટે ગાડીમાં મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા લાગતો સામાન્ય કાચ કાઢી નાખવામાં આવે છે. એના બદલે ખાસ પ્રકારનો કાચ લગાડવામાં આવે છે. આ કાચની જાડાઈ હોય છે ૧ ઈંચથી માંડીને ૩ ઈંચ જેટલી! હવે ખ્યાલ આવ્યો, શા માટે ડોર પેનલ્સ દૂર કરવામાં આવે છે? બારીના સામાન્ય જાડાઈ ધરાવતા કાચને બદલે એક ઈંચ જાડો ગ્લાસ નાખવાનો હોય તો સામાન્ય ડોર પેનલ્સ ક્યાંથી ચાલે! આ રીતનું સ્ટીલ કોટિંગ થઇ ગયા બાદ જે એસેસરીઝ, સીટ્સ વગેરે કાઢી નાખવામાં આવેલા, એ ફરીથી કારમાં ફીટ કરી દેવાય છે. આ આખો પ્રોસેસ અમુક અઠવાડિયા જેટલો લાંબો ચાલે છે. જો વધારે જાડું પતરું લગાડવાનું હોય, તો અમુક મહિનાઓ નીકળી જાય છે! બુલેટપ્રૂફિંગ માટે લગાવેલા પતરાની જાડાઈ ઉપરથી નક્કી થાય કે એ કાર માત્ર હેન્ડ ગનની ગોળીઓ સામે રક્ષણ આપશે કે પછી હાઈ-એન્ડ સ્નાઇપર રાઈફલ સામે રક્ષણ આપશે!

બુલેટપ્રૂફિંગ માટે બેલેસ્ટિક સ્ટીલ કોટિંગ કર્યા બાદ વાહનના કુલ વજનમાં હજારો પાઉન્ડનો વધારો થાય છે! પરિણામે બ્રેકિંગ સિસ્ટમ અને એન્જીનને નવા વજન મુજબ મોડીફાય કરવા પડે છે. ઘણીવાર કારની એરબેગ્સ પણ કાઢી નાખવી પડે છે. વધારે પડતા વજનને કારણે માઈલેજમાં થતા ઘટાડા વિષે તો વાત કરીને જીવ બાળવા જેવું જ નથી! જો કે આ બધી બાબતો વિષે આવનારા વર્ષોમાં બહુ ચિંતા નહિ કરવી પડે. કેમકે વૈજ્ઞાનિકો કારના બુલેટપ્રૂફિંગ માટેની લાઈટ વેઈટ ટેકનોલોજી વિષે સંશોધનો કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકો સ્ટીલના જાડા પતરાને બદલે બુલેટ પ્રતિરોધક કમ્પોઝીટ ફાઈબરનો ઉપયોગ કરવા ઉપર બહાર મૂકી રહ્યા છે. હાલમાં ઉચ્ચ કક્ષાના બુલેટપ્રૂફ જેકેટ્સમાં આ પ્રકારનું મટીરિયલ વપરાય છે. હજારો રેષાઓને ભારે દબાણ હેઠળ કમ્પ્રેસ કરીને આ પ્રકારનું ફાઈબર ફેબ્રિક તૈયાર કરવામાં આવે છે. આ ફેબ્રિક ‘ડાયનીમા’ તરીકે ઓળખાય છે. સ્ટીલની સરખામણીએ ડાયનીમા અનેક ગણુ લાઈટ વેઈટ છે. ઓછા વજનને કારણે ડાયનીમા આસાનીથી વાપરી શકાય છે. સ્ટીલ દ્વારા થતા બુલેટપ્રૂફિંગની સરખામણીએ ડાયનીમા દ્વારા થતું બુલેટપ્રૂફિંગ ખાસ્સુ ઝડપી છે. ઉપરાંત, ડાયનીમાનું પ્રોટેક્શન લેવલ પણ ઉંચી કક્ષાનું છે. બીજો મોટો ફાયદો એ છે કે જો કારના બુલેટપ્રૂફિંગ માટે સ્ટીલને બદલે ફાઈબરનો ઉપયોગ કરાય તો એન્જીનમાં કે કારના કોમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારના મોડીફિકેશન કરવાની જરૂર રહેતી નથી. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે સ્ટીલની સરખામણીએ ફાઈબર કોટિંગ અતિશય ખર્ચાળ નીવડે છે. આથી લશ્કર કે ચુનંદા રાજદ્વારીઓ સિવાય ભાગ્યે જ કોઈને આ પ્રકારનું બુલેટપ્રૂફિંગ પરવડે!

જો કે સંશોધકોને આશા છે કે નજીકના ભવિષ્યમાં એવું ફાઈબર વિકસાવી લેવાશે જે સ્ટીલની સરખામણીએ લાઈટ વેઈટ તો હોય જ, પણ સ્ટીલ કરતા સસ્તું ય હોય. ખેર, આપણે તો એવી જ આશા રાખીએ કે કોઈ કોઈના ઉપર હુમલો જ ન કરે. લોકોના મગજ ઉપર નકારાત્મક વિચારો સામે રક્ષણ આપે એવું ફાઈબર કોટિંગ ક્યારે શોધાશે?


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


સંપાદકીય નોંધ – અહીં લીધેલ તસ્વીરક્લિપ્સ નેટ પરથી લીધેલ છે. તેનો આશય લેખના સંદર્ભને સમજવામાં મદદરૂપ થવા માટેનો છે. તે દરેકના પ્રકાશાનાધિકાર જે તે વેબસાઈટ / મૂળ કર્તાના રહે છે.

Author: admin

1 thought on “સાયન્સ ફેર : આવનારા સમયમાં બુલેટપ્રૂફિંગ ટેકનોલોજી ‘હળવી’ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published.