ગઝલાવલોકન – ૨૪: ઢોલ ધબૂક્યો આંગણિયે

સુરેશ જાની

જાન ઉઘલવાનું ગીત. ઉલ્લાસનું ગીત. પગ થનગનતા નાચી ઉઠવા લાગે, તેવા ઢોલ ધબૂકવાનું ગીત. નવા સંબંધની શરૂઆતનું ગીત.

ઢોલ ઢબુક્યો આંગણિયે ને, ગાજ્યું આખું ગામ;
પિત્તળિયા લોટા માંજીને ચળક્યું આખું ગામ.
ઢોલ ઢબુક્યો આંગણિયે….

બે હૈયાના દ્વાર ખુલ્યાની ચીસ હવામાં પ્રસરી;
ઘાસ ઢબૂરી ઓરડો સૂતો, જાગ્યું આખું ગામ.
ઢોલ ઢબુક્યો આંગણિયે….

કંકોતરીમાં અત્તર છાંટી ઘર-ઘર નોતરાં દીધાં;
ભેટ-સોગાદો થાળ ભરીને લાવ્યું આખું ગામ.
ઢોલ ઢબુક્યો આંગણિયે….


ભીનાં વાને જાતાં વાલમ, દેશ થયો પરદેશ;
ઘરનો ઊંબર તો શું છોડ્યો, છોડ્યું આખું ગામ.
ઢોલ ઢબુક્યો આંગણિયે….


એક-મેકના વિશ્વાસોને ઠેસ જરા-શી લાગી;
કાચનું વાસણ ફૂટે એવું ફૂટ્યું આખું ગામ.
ઢોલ ઢબુક્યો આંગણિયે….

                                                 – ખલિલ ધનતેજવી

પણ એ કરૂણાંતિકા છે!

        એક પણ શેર એવો નથી કે એનું રસદર્શન કરાવવું પડે. સીધી અંતરમાં ઉતરી જાય એવી કવિતા.    પણ ચીસ પડાવી દે, તેવો તેનો મક્તાનો શેર છે – કાચનૂ વાસણ ફૂટે અને હાયકારો થઈ જાય, તેવો કરૂણ અંત.

        આમ શા માટે? કેમ લગભગ હમ્મેશ એમ જ બનતું હોય છે? આપણા જીવનના રિયર વ્યૂ મિરરમાં જોઈશું તો જણાશે કે, આપણા દુશ્મનોમાં કોઈ સાવ અજાણ્યું જણ હોતું નથી. દરેક દુશ્મન કોઈને કોઈ કાળે આપણો મિત્ર રહી ચૂક્યો હોય છે.

       એવી તો મિત્રતા કેવી કે, જેને સહેજ ઠેસ લાગે અને નંદવાઈ જાય? જે પ્રિયતમાનો અવાજ મીઠી ઘંટડી જેવો લાગતો હતો, એ લગ્ન થયા પછી, બે ચાર વરસમાં જ કેમ માંગણીઓ કરતો, બેસૂરો લાગવા માંડે છે?

      આપણા સંબંધો મોટા ભાગે પ્રેમ સંબંધો હોતા જ નથી. મોટા ભાગે એ સ્વાર્થના/ સગવડના/ લેવડ દેવડના સમીકરણો જ હોય છે. સંબંધોના તાણા વાણામાં પણ મેનેજમેન્ટના સિદ્ધાંતો જડબેસલાક વણાયેલા હોય છે ! જ્યાં સુધી એ ગણિતના દાખલાની રકમો બરાબર સરખે સરખી હોય ત્યાં સુધી જ  ‘ = ’ ની સંજ્ઞા સાચી. નહીં તો તરત  જ…… ≠ ‘

     કહે છે કે, ભક્તિ એ પરમ તત્વની શરણાગતિનું સૌથી સરળ સાધન છે. પણ કેટલી ભક્તિ અવ્યભિચારિણી ભક્તિ હોય છે? નરસિંહ કે મીરાં જેવી ભક્તિ, એમના જેવી બિનશરતી શરણાગતિ કેમ વ્યવહારમાં , સમાજમાં, અંગત સંબંધોમાં ભાગ્યે જ જોવા મળે છે? એમ થાય કે, નિસ્વાર્થ પ્રેમ અને ભક્તિ દુન્યવી પણ હોતાં હશે?

બીજા વિચારે – ‘જેમ છે, તેમ છે જ.’ એમાં કોઈ અપેક્ષા શીદ રાખવી? જે છે, જ્યાં છે, જેમ છે – એને પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા આત્મસાત થાય તો – જીવન કેટલું તણાવ રહિત બની જાય? ઓશો યાદ આવી ગયા –

જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
તેને પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
હાંસલ કરવા જેટલો વિકાસ તમે કરી શકોતે

તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

                           ***
જીવનની પ્રત્યેક ઘડી પૂર્ણ ધ્યાન અને શક્તિ સાથે ગાળી
,
એક સાથે માત્ર એક ડગલું ભરવાની કળા

તમારા જીવનને નવી તાજગી,નવી તાકાત અને સર્જનાત્મકતાથી
સભર કરી દેશે.


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.