સમયચક્ર : ભાંગ – અર્ધસત્ય વચ્ચે પીસાતો માદક પદાર્થ

જગતના મોટાભાગના મીઠાં ફળો અને ધાન્યોમાં આલ્કોહોલનું પ્રમાણ થોડા વધુ અંશે રહેલું છે. જેમાંથી આલ્કોહોલ છુટો પાડવા જટીલ પ્રક્રિયા કરવી પડે છે. પરંતુ કેટલીક વનસ્પતિઓ એવી છે જે સીધી રીતે નશાકારક છે. જેમાં ભાંગ મુખ્ય છે. નશાની અસર શરીર ઉપર ત્રણ રીતે દેખાય છે. સ્મૃતિલોપ, અસંતુલન અને તાજગી. ભાંગ સ્મૃતિલોપના ગુણો ધરાવતી વનસ્પતિ છે. અહીં એ પણ વાત મહત્વની છે કે ભાંગના નર અને માદા એવાં બે છોડ થાય છે. જેમાં નર છોડ એટલે ભાંગ અને માદા છોડ એટલે ગાંજો. દેખાવે બેય સરખાં જ લાગે છે. જોકે એ જાણી લેવું જરુરી છે કે ભારતમાં ભાંગની ખેતી કાયદાકીય રીતે ગુનો બને છે.

માવજી મહેશ્વરી

ગુજરાતમાં દારુબંધીને કારણે નશીલી ચીજોનું સેવન કે તેની હેરફેર એક પ્રકારનો ગુનો છે. બહુ લાંબા સમયથી આ કાયદો અમલમાં હોવાથી ગુજરાતીઓની માનસિકતા અને ખ્યાલો દારુ અને પ્રતિબંધિત નશીલા પદાર્થો તરફ જુદી જાતના રહ્યા છે. ગુજરાતીઓ દારુ કે દારુ પીનાર તરફ માનની નજરે જોતા નથી. પરંતુ એક દિવસ પુરતો મહા શિવરાત્રીના દિવસે શીવમંદિરોમાં પ્રસાદ રુપે ભાંગ પીવામાં ( વાસ્તવમાં ચાખવામાં ) કોઈ હરકત ગણતું નથી. એમાં કાયદો પણ વચ્ચે પડતો નથી. જોકે ભાંગના નામે શિવમંદિરોમાં જે દૂધ પ્રસાદ રુપે અપાય છે તેમાં ભાંગ હોય છે કે કેમ તે એક રહસ્ય છે. જેમ અન્ય વનસ્પતિઓના ગુણદોષ હોય છે તેમ ભાંગના પણ છે. તેમ છતાં ઉત્તર ભારતમાં તેનો ઉપયોગ જુદા અર્થમાં થાય છે. ભાંગને ભગવાન શિવ સાથે શા માટે જોડી દેવામાં આવી તેનું પ્રત્યક્ષ કોઈ કારણ જડતું નથી.

ભારતમાં ભાંગને શીવજીનો પ્રસાદ ગણવામાં આવે છે. પરંતુ આ વનસ્પતિ વિશે જાત જાતની ગેરમાન્યતાઓ પણ પ્રચલિત છે. ભાંગ કૈફિલ રસાયણો ધરાવતી એક વનસ્પતિ છે. તેનું વાનસ્પતિક નામ cannabis Indica છે. ભાંગના બે જાતના છોડ થાય છે, નર અને માદા. નર છોડ ( cannabis Indica ) એટલે ભાંગ. આ છોડના પાંદડાંમાં એક જાતના રસાયણો હોય છે જે પેટમાં જવાથી લોહી સાથે ભળે છે ત્યારે નશો ચડે છે. ભાંગના પાંદડાં વાટીને એક પદાર્થ તૈયાર કરાય છે. જેનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. ભાંગના માદા છોડનું વાનસ્પતિક નામ cannabis sativa છે. જેને ગાંજાનો છોડ કહેવાય છે. વાસ્તવમાં આ બેય વનસ્પતિ એક જ છે. દેખાવે તેનો ફરક પરખાતો નથી. જેમ પપૈયાના બે જાતના છોડ થાય છે. એક નર અને બીજો માદા. જેમાં નર ઉપર ફળ લાગતા નથી. પરંતુ બન્નેમાં ફૂલ લાગે છે. એવી જ રીતે ભાંગના બે છોડ થાય છે. નાના હોય છે ત્યારે જાણકાર સિવાય કોઈને ફરક દેખાતો નથી. ભાંગના નર છોડ ઉપર ફૂલ આવતાં નથી જ્યારે માદા છોડને ફૂલ આવે છે અને ફળ પણ લાગે છે. ભાંગના માદા છોડ પર લાગતા ફૂલને સુકવીને તેમાંથી ગાંજો તૈયાર કરાય છે. આ છોડ ઉપર જ ગુંદર જેવો ચીકણો પદાર્થ થાય છે તે ચરસ ! ગાંજાના છોડના બીમાંથી એક દ્રવ્ય મેળવાય છે. જે મેરીજુઆના ( marijuana ) નામે વધુ જાણીતો છે. એવું કહેવાય છે કે ભાંગના નર છોડની બાજુમાં માદા છોડ વાવવામાં આવે તો માદા છોડ પાંગરતા નથી.

ભાંગ આમ તો ભારતના મોટાભાગના વિસ્તારોમાં થાય છે. પરંતુ કુદરતી રીતે હિમાલયના તટીય વિસ્તારો, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાલમાં વિશેષ થાય છે. ગઢવાલનું ચાંદપુર ભાંગના છોડનું ઘર ગણાય છે. ભાંગનો છોડ ચારથી આઠ ફૂટ ઊંચો થાય છે. તેના પાન લીમડાના પાન જેવાં ખાંચાવાળા હોય છે. ભાંગનો છોડ જેમ જેમ ઊંચો વધે તેમ પાંદડાંની લંબાઈ ઘટતી જાય છે. પ્રાચીન સમયમાં ભાંગની ખેતી સાથે ‘પણી’ નામની જાતીના લોકો જોડાયેલા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કુમાઉ વિસ્તારમાં એનું શાસન સ્થાપાય તે પહેલા જ ભાંગનો વ્યવસાય પોતાના હાથમાં લઈ લીધો હતો. તેમણે કાશીપુરને ભાંગની ખેતીનું મહત્વનું મથક બનાવ્યું હતું. ભાંગના નર છોડના પાંદડાં વાટીને જે પદાર્થ તૈયાર કરાય છે તે ભાંગ કહેવાય છે. અંગ્રેજીમાં ભાંગને hemp કહેવામાં આવે છે. વાસ્તવમાં hemp નો અર્થ રેસા એવો થાય છે. ભાંગના છોડની છાલમાંથી રેસા મળે છે તેમાંથી ચટ્ટાઈ વગેરે બનાવાય છે. નેપાળના તળેટી વિસ્તારમાં ભાંગના રેસાના કપડાં પહેરવાનું ચલણ હતું. દાનપુર, દસોલી અને ગંગોલીની કેટલીક જાતિઓ ભાંગના રેશામાંથી ધાબળા અને ચટ્ટાઈઓ બનાવતી હતી. ભાંગના રેસામાંથી દોરડાં પણ બનતાં હતાં. ભાંગના મૂળ સાથે જોડાયેલા થડના નીચેના ભાગનો ઉપયોગ મશાલ બનાવવા માટે પણ થતો. હિમાલયના પહાડી વિસ્તારની લોકકલાઓમાં ભાંગના રેસાઓમાંથી બનાવેલા વસ્ત્રોનું એક ખાસ મહત્વ રહેતું. પરંતુ ભાંગની ખેતી ઉપર પ્રતિબંધ આવવાથી ભાંગના રેસાઓના ઉપયોગ અને તેને સંલગ્ન કલાઓ લુપ્ત થવાને આરે છે. ભાંગને સામાન્ય રીતે કેફીલ પદાર્થ તરીકે જોવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ કેટલીક દવાઓ બનાવવા માટે પણ થાય છે. ઉત્તર ભારતમાં હોળીના તહેવારમાં ભાંગ મિશ્રિત મીઠાઈ અને ઠંડાઈ બનાવવાનો રીવાજ પણ છે. તેમ છતાં વર્તમાન ભારતમાં ખાસ કિસ્સા સિવાય ભાંગનો ઉપયોગ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે.

ભારતીય શાસ્ત્રોમાં ‘સોમરસ’ નામના શબ્દનો ઉલ્લેખ છે. કેટલાક લોકો ભાંગ અથવા ગાંજો એ સોમરસ હોવાનું માને છે. પરંતુ સોમરસ એ સોમ અને રસ એવા શબ્દોથી બનેલો છે. સોમનો અર્થ ચંદ્ર અથવા ચંદ્ર જેવી શીતળતા ધરાવતો એવો થાય અને રસના અનેક અર્થો છે. જે બતાવે છે કે સોમરસ એ કોઈ કેફી પદાર્થ નહીં પરંતુ કોઈ જુદી જ બાબત છે. જોકે એની ચર્ચા અહીં અસ્થાને છે. ભાંગ માટે અજયા, વિજ્યા, ત્રિલોક્ય, માતુલિ, મોહીની, શિવપ્રિયા, ઉન્મતિની, કામાગ્નિ, શિવા જેવા શબ્દો વપરાય છે. બંગાળી ભાષામાં ભાંગને સિધ્ધિ કહે છે, અરબીમાં કિન્નિવ, તમિલમાં ભંગી, તેલુગુમાં વાંગેયાકુ ગંજ કેટુ, અને લેટીનમાં તેને કેનાબીસ સબોપા કહે છે.

સામાન્ય રીતે એવું કહેવાય છે કે નશો શરીર ઉપર ત્રણ રીતે અસર કરે છે. એક નશો જે સ્મૃતિલોપ કરી નાખે છે. જેમાં નશો કરનાર વ્યક્તિ વાસ્તવિક દુનિયાને ભુલી જાય છે. તે વિચિત્ર હરકતો કરે છે. ભાંગ સ્મૃતિલોપ પ્રકારનો નશો છે. જેની અસર બહુ લાંબો સમય રહેતી હોય છે. લોકો ભાંગને મોટાભાગે દૂધ કે દૂધની બનાવટ સાથે મોં દ્વારા લે છે. કેટલાક લોકો તમ્બાકુ સાથે ભેળવીને ધુમ્રપાન પણ કરે છે. જ્યારે ચરસ અને ગાંજાનો નશો ફેફસાંનો નશો છે એટલે તે ધુમાડા દ્વારા લેવાય છે. ભાંગ, ગાંજો ચરસ કે મેરીજુઆનાના નશાની અસર ૨૪ થી ૭૨ કલાક સુધી પણ રહે છે. આ ત્રણેય સ્મૃતિલોપ નશા છે. યુરોપમાં પ્રગટેલા હિપ્પીવાદ સાથે મેરીજુઆના, ચરસ અને ગાંજો વિવિધ દેશોની સરહદોને ઓળંગી ગયો હતો. આ નશાના ભયંકર પરિણામો દુનિયા જોઈ ચુકી છે. મેરીજુઆના ચરસ, હેરોઈન, કોકેન વગેરેના નશામાંથી છૂટવું અત્યંત અઘરું છે. કોઈ દેશ ન ઈચ્છે કે તેનું યુવાધન માદક પદાર્થોમાં વેડફાય. એટલે જ જગતના મોટાભાગના દેશોમાં નારકોટીઝમના કાયદાઓ અત્યંત કડક છે. ભારતમાં પણ નારકોટીક્સ એક્ટનું સખ્તાઈથી પાલન થાય છે. આવો ગુનો કરનાર વ્યક્તિઓને જામીન મળવા પણ મુશ્કેલ બને છે. કહેવાય છે કે કોઈ દેશને આંતરિક રીતે ખલાસ કરી નાખવો હોય તો તેની સાથે યુધ્ધ કરવાની જરુર નથી. ફક્ત તેના યુવાનોને નશાની લત લગાડો. આવા પ્રયોગો પ્રચ્છન રીતે થયા પણ કરતા હોય છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

Author: admin

4 thoughts on “સમયચક્ર : ભાંગ – અર્ધસત્ય વચ્ચે પીસાતો માદક પદાર્થ

  1. નમસ્તે માવજીભાઇ, આપનોલેખ માહીતીપ્રદ છે. આપણે ધર્મ ને ભગવાનના નામ પર ઘણા અનિષ્ટ ને આપણી નબળાઇને છારવી છે. ભગવાનને નામે ગોકુળઅષ્મીએ જુગાર રમવો, શિવજીને નામે ભાંગ પીવી વગેરે. આ વ્યસનો નવા નથી. પહેલા બહેનો ઓટલે ભેગી થઇને છીંકણી સુંઘતી ને ન સુંઘતી હોય એને ય તાણ કરીને સુંઘાડતી. આપણા કાઠીદરબારો ચોરે ડાયરા ભરીને કાવા કસુંબા લેતા. આપણા સાધુબાવા ને બાપુઓ તો ભાંગના નશામાં જ ભગવાન ભાળતા. અફીણના ડોડવા નાના છોકરાઓને ઝાડા થયા હોય તો દવા તરીકે અપાતા. નાના છોકરાઓને સુવરાવી દેવા બાળાગોળી રાત્રે પીવડાવી દેતા. એ પણ અફીણ જ હતું. એમેઝોનના જંગલોમાં આદિવાસીઓ એના પાંદડા ચાવે છે. ગમે તેમ હોય પણ આજે જેને ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે એ ચીજ વિનાશકારી છે ને એના પરિણામો જગજાહેર છે.એના કુદરતી સ્વરુપમાં કાઇક ફેરફાર કરવામાં આવતા હશે.કોણ જાણે.

  2. Vimla Ben apno tark pan samjava jevo rahyo..aa badhi vastu o sathe Khaskhas ane Jaifal ne kem bhooli shakay? Mane yaad che ke mara sasumummy mara dikra ne badam ane Jaifal nu chatan karavata. Ne Churma na ladva to Khaskhas vagar jane sav j Adhura che.

  3. મેરીજુઆના ચરસ, હેરોઈન, કોકેન વગેરેના નશામાંથી છૂટવું અત્યંત અઘરું છે. કોઈ દેશ ન ઈચ્છે કે તેનું યુવાધન માદક પદાર્થોમાં વેડફાય. એટલે જ જગતના મોટાભાગના દેશોમાં નારકોટીઝમના કાયદાઓ અત્યંત કડક છે. ભારતમાં પણ નારકોટીક્સ એક્ટનું સખ્તાઈથી પાલન થાય છે. આવો ગુનો કરનાર વ્યક્તિઓને જામીન મળવા પણ મુશ્કેલ બને છે. કહેવાય છે કે કોઈ દેશને આંતરિક રીતે ખલાસ કરી નાખવો હોય તો તેની સાથે યુધ્ધ કરવાની જરુર નથી. ફક્ત તેના યુવાનોને નશાની લત લગાડો. આવા પ્રયોગો પ્રચ્છન રીતે થયા પણ કરતા હોય છે.
    >> In Canada, some states of USA and some countries in Europe have legalized Marijuama. Just for Information.

  4. Where did pot come from?

    It is important to distinguish between the two familiar subspecies of the cannabis plant. Cannabis sativa, known as marijuana, has psychoactive properties. The other plant is Cannabis sativa L. (The L was included in the name in honor of the botanist Carl Linnaeus.) This subspecies is known as hemp; it is a non-psychoactive form of cannabis, and is used in manufacturing products such as oil, cloth and fuel.
    The correct pronunciation of the word Marijuana is “marivana” It is a Mexican word which came to English,

Leave a Reply

Your email address will not be published.