પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર ૩૧

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ

પ્રિય નીના,

પત્ર મળતાની સાથે જ જવાબ લખવા બેસી ગઈ! વિષયોની ખોટ તો ક્યાંથી પડે? જો ને, કરોડો માનવી…દરેક માનવી ખુદ એક વિષય છે અને પ્રત્યેક જીંદગી એક નવલકથા છે. એવું ને એવું જ પ્રકૃતિ અને પશુ પંખી માટે પણ કહી શકાયને? ઈશ્વર નામના કોમ્પ્યુટરમાં કેટકેટલી ચીપ્સ હશે, કેટલાં સોફ્ટવેર્સ હશે અને કેટલાં બીબાની ડિઝાઈન હશે? લાંબુ વિચારવા બેસીએ તો મગજ કામ ન કરે !!!

તને રમતમાં રસ છે એ વાત આ પત્રવ્યવહાર દ્વારા જણીને આનંદ થયો. ‘રમત’ શબ્દ પર એક ‘ફની’ કહો કે વિચિત્ર કહો એવી એક વાત યાદ આવી ગઈ. સ્પોર્ટ્સની નહિ, પણ એકદમ આડા પાટાની આ વાત છે.

અમેરિકામાં જોબ પર એક આફ્રિકન અમેરિકન લેડી સાથે કામ કરવાનું થયું. લંચબ્રેક દરમ્યાન પરિચય વધ્યો અને થોડી દોસ્તી પણ થઈ. એની પાસેથી અહીંની ઘણી અવનવી વાતો જાણવા મળે. આ દેશમાં ત્યારે અમારી પણ શરુઆત હતી તેથી કુતુહલવશ હું એને સાંભળું. એક દિવસ એણે એક ફોટો બતાવ્યો અને કહે કે ‘આ મારું બેબી છે.’ એને બોય ફ્રેન્ડ હતો તે વાત તો પહેલાં કરી હતી. પણ છોકરું છે તે ખબર નહતી. હવે અમેરિકામાં કોઈને પગાર વિષે ન પૂછાય અને અંગત જાતિય સવાલો ન પૂછાય તેની જાણ હતી. તેથી કહે તે સાંભળવાનું અને મિતાક્ષરી, જરૂરી પ્રતિભાવ આપવાનો. પણ સાલુ મને તો પૂછવાનું એકદમ મન થઈ ગયું. તેથી કંઈક શબ્દો ગોઠવીને બોલવા જતી હતી ત્યાં તો તે બોલી ઊઠીઃ” અમે પરણ્યાં નથી.પણ હવે જો એનાથી બીજું બાળક થશે તો હું લગ્ન કરીશ !!”  માય ગોડ, નીના, હું તો ચક્કર ખાઈ ગઈ કે આ બાઈ શું બોલે છે? એને મન આ એક રમત હશે? ગમ્મત હશે? નૈતિક મૂલ્યોની આ કિંમત? મનોમન ભારતના સંસ્કારો વિશે વિચારીને આપણા દેશને વંદી રહી. હું કહેવા એ માંગુ છું કે, જેને આપણે સ્વચ્છંદતા કહીએ છીએ તે અહીની સ્વતંત્રતા છે. વ્યક્તિ સ્વાતંત્ર્યની આ વ્યાખ્યા કદી યે ગળે ઉતરી નથી. આ અંગે પાયાના આપણા શિક્ષણને સો સો સલામ. ગમે તેટલું પશ્ચિમ દેશોનું અનુકરણ થતું હશે પણ ભારતિય યુવાનો આટલી હદે તો નહિ જ પહોંચતા હોય.

‘રમત’ શબ્દની સાથે સાથે જુલાઈ-ઑગષ્ટ સ્વતંત્રતાના દિવસો મનાતા હોઈ આજે એ બંને શબ્દો પર મનમાં એક જાતનું સંધાન થયું.

આવી જ બીજી એક વાત કરું.

એક સમય હતો કે જ્યારે અમેરિકામાં ૧૯૬૦ થી ૧૯૮૦ના સમયમાં કોઈ જાણીતા કે અજાણ્યા સાહિત્યકારો વીઝીટર તરીકે અમેરિકા આવતાં. સાહિત્યપ્રેમી લોકો કોઈકના ઘરમાં ભેગા થઈ એમની વાતો સાંભળતા.મઝા આવતી. કોઈક વાર પુષ્પગુચ્છ કે કોઈકવાર શાલ અપાતી. એ રીતે તેમનું સન્માન થતું અને સંતોષ થતો. પણ હવે બોલીવુડના કલાકારોની જેમ આ પ્રવૃત્તિઓ જાણે એન્ટરટેઇનર બિઝનેસ થઈ ગઈ છે. હવે બધા ગુજરાતી સાહિત્ય મંડળો, સીનીયર ક્લબ, એરિયા પ્રમાણે જાત જાતના એસોસિયેશન્સ, વયસ્ક સંસ્થાઓ, શરૂ થઈ છે. સાહિત્ય કલા અને સાહિત્યકારોને યોગ્ય રીતે પુરસ્કૃત કરવા જ જોઈએ  તેની ના નહિ પણ ખરેખર એના નામે સાહિત્ય-સેવા થાય છે કે કેમ તે એક પ્રશ્ન છે! ખેર! એ વાત જવા દઈએ પણ હવે જ્યારે કવિઓ/સાહિત્યકારો અમેરિકામાં આવે છે ત્યારે કેટલીક વાસ્તવિકતાઓ સર્જાય છે.

આ વાસ્તવિક્તાનું એક સચોટ ચિત્ર નવીનભાઈ બેંકરે એક વાર્તાલાપ દ્વારા દોર્યું છે જે હાસ્યાસ્પદ તો છે જ પણ દુઃખદ પણ છે. ‘બેલેન્ડ પાર્કના બાંકડેથી’ એ શિર્ષક નીચે આ પ્રમાણે દોરી બતાવ્યું હતું”  

તેમની સંમતિથી અહીં લગભગ યથાવત ટાંકું છું.

               બેલેન્ડ પાર્કના બાંકડેથી  (મંદિરના પ્રાંગણમાં)

‘ચંદુભઈ, ચ્યમ બોંકડે બેઠોં ‘સો ? મીટીંગમાં નથી બેહવું ?’ –૯૦ વર્ષના જમનામાસીએ , બાંકડે બેઠેલા ચંદુ ડોહાને પુછ્યું.

‘ના. માસી, પેલા કવિના કાર્યક્રમની ટીકીટો આપવા કોઇ આવવાનું છે એની રાહ જોઉં છું’

‘તે કુનો પ્રોગ્રામ આવવાનો ‘સે ?’

‘કવિ અને ગઝલકાર છે તેનો.’

‘તે ભઈ, એ હું ગાવાનો ‘સે ?’

‘માસી, એ ગાવાનો નથી. કવિતા સંભળાવશે .’

‘તે કવિતા તો ઇસ્કુલમોં ભણાવે ને ? એ કોંઇ ગાવાની થોડી હોય ? અને…એ હોંભળવા લોકો ગોંડા ‘સે તે ટીકીટું લઈને આવે ? તે…હું ટીકીટું રાખી’સે ?’

‘છ ડોલર. -ભોજન સાથે .’

‘ખાવાનું હું ?’

‘પરોઠા…કઢી પકોડા…ગુલાબજાંબુ..પુલાવ  …અથાણું ને બીજું ઘણું બધું.’

‘તે…છ ડોલરમોં ?’

‘તો તો ભઈલા, મારી અને મારી દીકરીની એમ બે ટીકીટ આલજે.’! બળ્યું ઘરમાં રાંધવાની માથાકૂટ તો નહિ. નઈ ગમ તો ય બેહીસુ બે કલાક.

આ રીતે લગભગ એકસો સિત્તેર ટીકીટો વેચાઈ ગઈ. ભારતથી આવેલા આ કવિની સભામાં માંડ ત્રીસેક સાચા શ્રોતાઓ હતા, બાકીના તો છ ડોલરમાં સ્વાદિષ્ટ ભોજન ખાવાવાળા જ હતા જેમને કવિતા સાથે સ્નાન-સૂતકનો યે સંબંધ ન હતો! બીજા દિવસે લોકલ છાપામાં  ફોટાઓ સહિત લખાણ હતું- ‘ ગુજરાતી ભાષાના સંવર્ધન અને પ્રસાર માટે પ્રયત્નશીલ સંસ્થાના કાર્યકરોના અથાગ પરિશ્રમથી આવો મહાન કાર્યક્રમ સફળ થઈ શક્યો હતો. લગભગ બસ્સો જેટલા કાવ્ય-રસિકો ઉમટી પડયા હતા. અમેરિકાની આ ધરતી પર, આ સંસ્કારનગરીમાં પણ આટલા બધા સાહિત્યરસિકો વસે છે એ જોઇને ધન્ય ધન્ય થઈ જવાયુ.!!”

બોલ નીના, ક્યાં ક્યાં કેવું કેવું ચાલે છે? અનુભવે સમજાય છે કે દરેક ઠેકાણે કાગડા કાળા જ છે. બધે કઈ ને કંઈ આવું બધું ચાલ્યા જ કરતું હોય છે. એની વચ્ચે માનવીએ પોતાને ગમતું, પોતાની રીતે કરવાનુ અને શાંતિથી પ્રેમભર્યું જીવન જીવવાનુ. બરાબર ને? કેટલાંક સુવાક્યો યાદ આવ્યા. તને ગમશે. લખીને અટકુઃ

ખારાશમાં પણ મીઠાશ છે,નહિ તો ખારા એવા મીઠાનું નામ “મીઠું” ન પડ્યું હોત.

અમૃતપાન કરવા ઇચ્છનારે તો બધા યે પીણાં ચાખી જોવા પડે,એમાં વિષ પણ બાકી ન રહે.

ક્ષણમાં જીવે એ માનવી, ક્ષણને જીવાડે એ કવિ.

ચાલ, આવજે અને યુકેની રસપ્રદ વાતો લખજે.

દેવીની યાદ..


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. :ninapatel47@hotmail.com

Author: admin

1 thought on “પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ : પત્ર ૩૧

  1. જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે, ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી ૨૦૧૬-૨૦૧૭ ના બે વર્ષ દરમ્યાન પ્રકાશિત થયેલા પુસ્તકોમાંથી ‘પત્રાવળી’ રૂપે લખાયેલ પુસ્તક “આથમણી કોરનો ઉજાસ”ને, ‘ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક’ જાહેર કરવામાં આવ્યું છે.

    વેબ ગુર્જરી સહર્ષ બન્ને લેખિકાઓને હાર્દિક અબિનંદન પાઠવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *