વલીભાઈ મુસા
આ લેખ મારા અગાઉના “Time-pass Crazy Q&A” (ટાઈમપાસ તરંગી પ્રશ્નોત્તરી)ના અનુસંધાને છે. અહીં તમને સંખ્યામાં નહિ, પણ ગુણવત્તામાં એવી વાંચનસમગ્રી મળશે, જે તમારી બુદ્ધિમત્તાને ધારદાર બનાવવા કદાચ સમર્થ પણ નીવડે! મારું આ ઉપાર્જન કે સર્જન મારાં કેટલીક મધ્યરાત્રિઓ સુધીનાં પળોથી માંડીને કલાકો સુધીનાં શયનખંડના ઝાંખા પ્રકાશમાં થએલાં ચિંતનના પરિપાકરૂપે છે. મારા મનમાં ઉપસ્થિત થએલા કેટલાક પ્રશ્નોના પ્રત્યુત્તર મારા ટૂંકા-મધ્યમ-દીર્ઘ ચિંતનમાંથી સ્વયંસ્ફૂરણા દ્વારા કે પછી મારા અભ્યાસ કે વાંચનના પરિણામે મને પ્રાપ્ત થયા છે. આ સામગ્રી વર્ષો સુધી મારી યાદદાસ્તમાં ધરબાએલી રહી હતી, જેને મારા માનવંતા વાચકો સમક્ષ આજે ખુલ્લી મૂકતાં હું આનંદ અનુભવું છું. મને ખાત્રી છે કે આ પાઠ્યવસ્તુ તમને જ્ઞાન સાથે આનંદ આપવા સક્ષમ સાબિત થશે જ.
(1) શા માટે સહાનુભૂતિ સોના કરતાં વધારે મુલ્યવાન છે?
# સોનું પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે, જ્યારે સહાનુભૂતિ ઈશ્વરની કૃપા વડે સ્વર્ગમાંથી અવતરણ પામે છે; એ દેખીતું જ છે કે સ્વર્ગ પૃથ્વીથી ઊંચા સ્થાને છે.
(2) મનુષ્ય સહિતનાં તમામ પ્રાણીઓ કેવી રીતે મૃત્યુ પામે છે?
# છેલ્લો શ્વાસ કાં તો લઈને અથવા છોડી દઈને!
(3) ઈશ્વર ન્યાયના દિવસે કઈ સજા નહિ કરે?
# પાપીઓને તેના બ્રહ્માંડમાંથી બહાર હાંકી કાઢવાની! કેમ કે દરેક ચીજ, બ્રહ્માંડની અંદરની કે બહારની હોય, તેના જ સર્જન કે માલિકીપણામાં છે.
(4) ચંદ્ર આધારિત કેલેન્ડરમાં માનનારા રાત્રિને પહેલી કેમ ગણે છે?
# તેઓ માને છે કે આદમ અને ઈવ (હવ્વા) ને જ્યારે પૃથ્વી ઉપર ઊતારી દેવામાં આવ્યાં, ત્યારે સર્વત્ર અંધકાર હતો. આદમે પ્રકાશ માટે પ્રાર્થના કરી અને દિવસ ઊગ્યો.
(5) લોકશાહી શાસનપ્રથાવાળાં કેટલાંક રાષ્ટ્રોમાં પ્રમુખની પત્નીને પોતાના દેશની પ્રથમ સ્ત્રી તરીકે કેમ ગણવામાં આવે છે?
# પ્રમુખ માટે તેમની મોજુદ પત્ની બીજી કે ત્રીજી પણ હોઈ શકે, પણ નાગરિકો માટે તો તે પ્રથમ જ ગણાય છે! ઉપરના પ્રશ્નમાં પેટાપ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કોઈએ કુંવારા પ્રમુખ, એક કરતાં વધારે પત્નીઓ ધરાવતા પ્રમુખ કે સ્ત્રીપ્રમુખ વિષેનો કોઈ વિચાર કર્યો છે ખરો?
(6) કોણ પહેલું મૃત્યુ પામે છે અને પછી જન્મ લે છે?
# કોઈપણ પ્રાણી જો માદા (માતા)ના ગર્ભમાં જ અવસાન પામ્યું હોય અને માદા કે માતા જીવિત રહીને તેને જન્મ આપવા સમર્થ બને તો ઉપરના પ્રશ્ન મુજબ બની શકે છે!
(7) કોઈપણ પાલતુ પ્રાણીને દોહી લીધા પછી તેના આંચળોમાં દૂધ પાછું દાખલ કરી શકાય?
# ના. સીધું તો નહિ જ! પણ હા, તેને પુન:ચક્રિત (Recycled) કરી દેવામાં આવે તો તેમ થઈ શકે ખરું, એટલે કે તેનું જ દૂધ તેને પાઈ દેવામાં આવે!
(8) તમે કદી સાંભળ્યું છે ખરું કે સારસયુગ્મ અન્યોન્યના બેહદ પ્રેમના કારણે હંમેશાં જોડામાં જ જોવા મળે છે અને કોઈ એક અવસાન પામે તો અન્ય જીવિત ઝૂરીઝૂરીને કાયમી વિયોગ સહન ન થતાં જાણે કે આત્મહત્યા કરતું હોય તેમ પાછળથી મૃત્યુ પામે છે?
# કદાચ એ સાચું હોઈ શકે, પણ પછી તો એ બંને મૃતદેહને સ્ટફ (Stuff) કરીને મ્યુઝિયમના શો-કેસમાં સજોડે રાખી શકાય!
(9) અઠવાડિયાના સાત દિવસ કેમ હોય છે.?
# બધાય માટે સાતની સંખ્યામાં જ મર્યાદિત હોય છે, પણ કોઈક વ્યક્તિગત કિસ્સાઓમાં Weak (ખરાબ) દિવસો ઓછા કે વધુમાં વધુ સાત સુધી પણ હોઈ શકે છે!
(10) અંગ્રેજી કેલેન્ડર મુજબ 400 વર્ષ (ચાર સદી)ના સમયગાળાના કુલ કેટલા દિવસો થાય?
# (365 X 400) + (100-3) = 146000 + 97 = 146097 (પહેલી ત્રણ પૂર્ણ સદીઓના વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોતા નથી, અર્થાત્ આવા દર ચોથા સદી વર્ષમાં જ 29 દિવસ ગણાય!)
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977
નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો
ક્યા બાત હૈ ?!