વનસ્પતિની રહસ્યમયી જિંદગી

હીરજી ભીંગરાડિયા

ગીર ફાંઉડેશનના મદદનીશ નિયામક શ્રી ડૉ, ભાર્ગવ રાવલનું એક લખાણ “વનસ્પતિની રહસ્યમયી જીંદગી” મેં વાંચેલું. વનસ્પતિને ઓળખવાની મારી મથામણમાં એ લખાણે ઘણીબધી મોકળાશ કરી આપેલી.

આપણા બધાનો એવો દાવો છે કે “ આ છોડવા-ઝાડવાં અને વેલાની બધી જ ખબર અમ ખેડૂતોને છે ભૈ ! અને એટલે જ એની સાથે પનારો પાડી ધંધો કરીએ છીએને ! એના વિશેની કંઇએ ખબર જો ન હોય તો ખેતીનો ધંધો થોડો થઈ શકતો હશે ભલા ?” પણ મારે પૂછવું છે; રાત દિવસ હું અને તમે-આપણે સૌ જેની વચ્ચે વસીને આપણો રોટલો રળવાની મહેનત આદરી છે, તેને ક્યુ ખાતર કેટલા પ્રમાણમાં દેવું, પાણી ક્યારે અને કેટલા પ્રમાણમાં પાવું, અને છોડ માંદો પડે કે તેને કોઇ જીવડાં કનડે તો કઈ દવા છાંટવી ? આવી બે-ચાર વાતો સિવાયની – આ વનસ્પતિ એટલે એ છે કોણ ? તેની કેવી કેવી શક્તિ છે ? અને જરૂર ઊભી થાય ત્યારે કેવી કેવી વિશિષ્ટ શક્તિ દેખાડી શકે છે ? કપરા સંજોગોમાં પણ આપણા માટે થઈને કેવી રીતે ઝઝૂમતી રહે છે? અરે ! કહોને તેની કેવી રહસ્યમયી જિંદગી છે તેની ઊંડી ઓળખ, ખરો પરિચય પામવાની મહેનત લીધી છે ક્યારેય ?

ઍલોઈ પોલિફીલિઆ(Aloe polyphylla)ની ભમરિયા વળાંકવાળી અદ્‍ભૂત રચના

(Stan Shebs via Wikicommons under CC BY-SA 3.0)

એને વિશે ઊંડું વિચારવાનો અને જરા નિરાંતવા થઈ તેને નિરખવાનો સમય લીધો છે ક્યારેય ? અને છતાં સાવ એમ જ અભિપ્રાય તો બધા એવો જ આપીએ છીએ કે “ વનસ્પતિ છે જીવંત પણ તે બીજા જીવો-સજીવોની જેમ નથી હલન-ચલન કરતી કે નથી લાગણી પણ અનુભવતી !”

ખરી હકીકત જુદી છે : વનસ્પતિ વિજ્ઞાની “ફ્રાંસ” ના કહેવા મુજબ “ડાળીનું વળવું, પાંદનું ધ્રુજવું અને મૂળનું આગળ વધવું – જેવા અનેક પ્રકારના હલન-ચલનમાં છોડવાઓ સતત રોકાયેલા જ હોય છે. વેલાઓની આગળના ભાગે લાગેલા પાતળા તંતુઓના અભ્યાસ પરથી માલુમ પડ્યું છે કે તેની આસપાસની એક ફૂટની ત્રિજ્યાના વર્તુળમાં આધાર શોધવા કલાકભર ફરતા રહે છે. એમાં એને કોઇ આધાર મળી જાય તો ખુદ એને પોતાને પણ ખબર ન રહે એટલી જલ્દીથી ફટાફટ આધાર ફરતે ગોળ ગોળ રીતે વીંટળાઇ જાય છે. એકાદ કલાકમાં તો એવી સજ્જડ રીતે ચોટી જાય છે કે તેને અલગ કરવું હોય તોયે ના થાય ! વેલાની વધવાની દિશા જ જે બાજુ વધુ નજદીક અવલંબન મળવાનું હોય તે બાજુની જ સ્વયંસ્ફુરણાથી રહેતી હોય છે.” આપણને એવી ખબર છે કે વનસ્પતિને ભગવાને આંખો તો આપી નથી ! પણ મિત્રો ! આપણા મનુષ્ય જેવી – જે જોવાનું છે તે છોડીને ન જોવાનું હોય તે જોવાનું વધુ પસંદ કરનારી – બાહ્ય આંખોને બદલે જે જોવા જેવું છે, તેને બરાબર જોઇ લેવા અંત:ચક્ષુ કુદરતે તેને બક્ષેલાં છે. અખતરાઓ ઉપરથી સાબિત થયું છે કે આપણા કાન જે ન સાંભળી શકતા હોય તેવા અવાજ અને આપણી આંખ જે ન પારખી શકતી હોય તેવા રંગોને ઓળખી શકવા વનસ્પતિ શક્તિમાન છે.

એને કઈ બાજુથી લાભ મળવાનો છે અને કઈ બાજુથી નુકસાન થવાનું છે તેની અગમની એંધાણી એ મેળવી લેતી હોય છે. હા, એટલું ખરું કે આપણી જેમ આડેધડ “વગર કામે ઘાંઘળી” રખડ્યા કરવાની એને આદત નથી. તેને લાભ ભળાતો હોય ત્યાં તેની વિશિષ્ટ શક્તિ દ્વારા – ભલે ગતિ ધીરી હોય- પણ હલનચલન જરૂર કરી લે છે.

જે બાજુ ખોરાક અને ભેજ હોય તે બાજુ તેના એકદમ બારીક સફેદ વાળ જેવાં તંતુમૂળો આગળ વધી અંદર અને આસપાસ ઘૂસતાં જ રહે છે ને ? અને જુઓને ! જીવનને જરૂરી બધાં જ તત્વોને છેક ઊંચેરી ટોચની કૂણી કૂંપળ સુધી પાણીના માધ્યમ દ્વારા પહોંચતાં કરે છે. આપણો માનવસર્જિત સેંટ્રીફ્યુગલ પંપ 34 ફૂટ પછી પાણી ઊંચે ચડાવવામાં નાપાસ થઈ જાય, જ્યારે વનસ્પતિનાં મૂળિયાં ? મોટો પ્રાકૃતિક પંપ નહીં તો બીજું શું ભાઇ ! આપણે હજુ થોડું આગળ વિચારીએ કે એવી કઈ બાબત છે કે જેમાં વનસ્પતિએ એની અચંબો પમાડે એવી તાકાત દેખાડી હોય?

[અ]……માનવ અને પ્રાણીસૃષ્ટિને ઉપયોગી થવામાં : વૃક્ષોનો મહિમા આપણે ગાતાં હોઇએ છીએ એનું કારણ આપણે વૃક્ષોને આખાયે વનસ્પતિ જગતના પ્રતિનિધિ ગણ્યાં છે, તે છે. ખરેખર તો સારું યે વનસ્પતિ જગત અને એની અંદરની વગડામાં ઊભેલી પાતળી ખડમાંકડા જેવી લાંપડા [ઘાસ] ની સળીથી માંડી ઘેઘૂર વડલા સુધીની, પાણીમાં છેક તળિયે ઊગી નીકળતી પાન-બરૂથી શરૂ કરી પર્વતની ટોચે ઊભનાર ઊંચા સાગના સોટા સુધીનાં સૌ પરમાર્થ કાજે જ જાણે જીવી રહ્યાં છે ! કોઇનાં પાંદડાં મોટાં છે તોકોઇનાં ઝીણાં ઝીણાં છે. અરે ! કોઇ કેરડા જેવાને નેવકા ન હોય તેયે શું થઈ ગયું ? એ તો “જેવો દેશ એવો વેશ“ ! એની ઉપરની સપાટી માંહેના હરિતદ્રવ્યોના અટપટા ખેલ દ્વારા સૂર્યપ્રકાશને એવો ફસાવી પાડતા હોય છે કે નીચેનાં મૂળિયાં દ્વારા ચૂસાયેલ કાચા ખોરાકનું બરાબર રાંધણું કરી આપે પછી જ છૂટો કરે એવી ગજબની ત્રેવડ ! વાતાવરણ માંહેના અંગારવાયુને પકડી લઈ, બદલામાં પ્રાણવાયુને છૂટો કરી અન્ય જીવો માટે કેવું મોટું ભગીરથ કાર્ય કરી દેખાડે છે ?

આપણને જરૂરી આહારમાંથી મોટા ભાગનો આહાર પૂરો પાડવાનું કામ એ જ સંભાળે છે ને ? જો કે ઘડીભર એમ જ કહી બેસવાના કે કેટલોક ખોરાક તો આપણને પ્રાણીઓ દ્વારા [દૂધ-માંસ ] પણ મળે છે. હા, વાત સાચી છે, એની ના નથી. પણ જરા ઊંડાણથી વિચારીએ તો ખ્યાલ આવ્યા વિના નહીં રહે કે પ્રાણીઓ તો માત્ર “નિમિત્ત” બન્યાં છે, “માધ્યમ” બન્યાં છે. આખરે પ્રાણીઓ પણ ખોરાક તો વનસ્પતિમાંથી જ મેળવે છે ને ? તેના સ્વરૂપનો બદલાવ કરી આપે એટલા પૂરતી વાત સાચી !

જુઓને ચરબી, રેસા, સ્ટાર્ચ, પ્રોટિન્સ, વિટામિન્સથી ભરપૂર બધું જ પ્રકાશસંષ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થઈ, તમામ પ્રકારના આહાર, ઔષધો અને કેટ કેટલી આપણી જરૂરિયાતો પૂરી પાડવાનું વનસ્પતિ જ ગોઠવે છેને આપણાં માટે ! આપણાં અન્ન-વસ્ત્ર અને આવાસ ઉપરાંત બળતણ, ગુંદર, મીણ, મધ, કાગળ જેવી અનેક ચીજો પૂરી પાડવામાં વનસ્પતિનો ફાળો નાનોસૂનો નથી. ઘોડિયાથી માંડી ચિતા સુધીની ચિંતા એ જ સેવે છે.

[બ]………સંકટોમાં ઝઝૂમાવટ [દેશ તેવો વેશ] – જ્યાં પોતાને જરૂરી ભેજ મૂળિયાંને મળી રહેવાનો હોય ત્યાં તો ચિંતા છે જ નહીં ! પણ એને ખરી ઉપાધી સૂકા પ્રદેશમાં પડે ! કેટલોક વખત એવોયે આવતો હોય છે કે જ્યારે મૂળિયાં તો ભેજ ભાળે જ નહીં, ઊલટાનો આકાશેથી વરસતો સૂરજનો તાપ અને અને ગરમાગરમ લૂ છોડવામાં એની “મરણ મૂડી” જેવું થોડુંઘણું પાણી હોય તે પણ તફડાવી જવાની પેરવીમાં હોય ત્યારે પણ વનસ્પતિ મુંઝાઇ જતી નથી. તે વિસ્તારમાં ઊગી ને નભી શકે તેવા છોડવાઓની પણ વનસ્પતિજગતે ભેટ ધરી છે આપણા માટે ! છોડ ઉપર પાંદ હોય તો તાપ કે વરાળ પાણી ખેંચેને ? છોડ પર પાંદ જ ન હોય તો અંદરના પાણીને શી રીતે લૂંટી જાય ? કેરડાને પાણી ઉડાડે તેવાં પાંદડાં ભાળ્યાં છે ક્યારેય ? તેના શરીરની ચામડી [છાલ ] માં જ હરિતદ્રવ્યો હોય છે જેના થકી તે ખોરાક બનાવવાનું કામ કરે છે.

કુંવારપાઠું અને બીજી કેટલીય “દૂધ” જેવો જીવનરસ ધરાવતી થોર અને કેટલીય કેકટસ વર્ગની વનસ્પતિ છે કે જેને પાણીવાંકે લંઘાવાની બીક જ નહીં ! એને જો જરૂર લાગે તો મૂળને બદલે તેનાં જાડા દળવાળાં પાન દ્વારા હવામાંથી પાણી [ભેજ ] પકડી તરસ છીપાવી લે. સરગવા અને સાગ જેવાના છોડવા ઊગીને થોડોક સમય ટકી જાય એટલે પછી એ મુંઝાય જ નહીં બોલો ! આસપાસથી મળતા ખોરાકનું મૂળિયાંમાં પોટલું બાંધી લેવાનું કામ સૌથી પહેલું કરી લે. એવી ગાંઠ બાંધી લે કે પછી મળ્યું ન મળ્યું આ ભાથામાંથી ઘણો વખત નભ્યા કરે !

[ક]…..સમય વર્તે સાવધાન ” ! જેવી અનુકૂલન નીતિ : આપણા ખેડૂતોને બરાબરની ખબર છે કે જ્યારે વધુ પ્રમાણમાં ખાતર કે પાણી મોલાતને મળી જાય ત્યારે તે બહેકી જાય છે. ‘ફાલ’ ભૂલી ‘વધ’ પકડી લે છે. ક્યારેય વિચાર આવ્યો છે કે આમ કેમ થતું હશે ? વનસ્પતિને ખબર પડી ગઈ છે કે આપણને ખાવાપીવામાં તૂટો આ ખેડૂત પડવા દે એમ નથી ! માટે આપણે તો ભાઇ કરો મોજ અને મજા ! ખૂબ વધો-ખૂબ વિકસો, ને બનો તાજાં માજાં ને તગડા !

પણ તેને જો ખોરાક પાણીની ખૂબ ખેંચ પડી જાય અને એવી બીક લાગી જાય કે “હવે તો મરી જવા સિવાય આરોવારો નથી”, તો જે છોડવાઓ એકલું માત્ર વધવા અને જાડાપાડા થવાનું જ સમજતા હતા તે તરત ફાલ આપવાનું વિચારતા થઈ જશે. અને “ જો હવે ખાતર-પાણી મળી જાય અને આપણે બચી જવા પામીએ તો હવે તો પહેલામાં પહેલું કામ ‘બીજ’ બનાવી લેવાનું કરવું છે” તેવો પાકો નિર્ધાર કરી લે છે. અને જેવાં ખાતર-પાણી મળ્યાં કે તરત છોડવા ‘ફાલ’ દેખાડવો શરૂ કરે છે. હવે કહો જોઇએ, નથી ખબર પડતી વનસ્પતિને ? જો કશાયની ખબર ન પડતી હોય તો પરિસ્થિતિ બદલાતા નિર્ણય કેમ બદલી કાઢ્યો તેણે ?

મેં એવું વાંચ્યું છે કે ચોક્કસ પ્રકારના છોડવાઓને એવી પણ ખબર હોય છે કે અમૂક કીડીઓ થડ પર ચડી ઠેઠ ફૂલ સુધી અંદરથી રસ ચૂસી ન જાય માટે એ ત્યારે જ ફૂલો ખિલાવે જ્યારે થડ ઝાકળથી ભીનું ભીનું થઈ કીડીઓને ઝાડ પર ચડવામાં નાકામયાબ બનાવે. અને એવું યે વાંચ્યું છે કે એકેશિયા જેવા છોડવાઓ અમુક પ્રકારની કીડીઓને બીજાં કીટકો તરફથી થતી હેરાનગતિમાં રાહત રહે તે માટે તે વધુમાં વધુ આવે એવું આકર્ષણ ઊભું કરવા મધુર રસપાન કરાવે !

અકસ્માતે મકાનોની દીવાલે અદ્ધર ઊગી નીકળેલાં પીપળ, વડ, ઉમરો કે પીપેરને ત્યાં બીજી કશી જ સગવડ ન હોવા છતાં એ મુંઝાઇ રહેતાં નથી. ત્યાં નથી માટી કે નથી જરૂરી ભેજ, છતાં ચૂનો, સિનેન્ટ કે ઇંટ-પથ્થરના સાંધા સાથે એવા જડબેસલાક ચોટી પડેલાં હોય છે કે ગમેતેવું વાવાઝોડું પણ તેને મૂળથી ઉખાડવા સમર્થ નથી. મૂળના અગ્રભાગે પથ્થરોને પીગાળીને પી જાય તેવી તાકાત અંદરથી ધારણ કરી લેતાં ક્યાં નથી જોયાં આપણે ?

[ડ]…..વંશવૃદ્ધિ વધારવી : બધા જીવોની જેમ પોતાનો વંશ ટકવો જોઇએ તેવી “જિજીવિષા” થી વનસ્પતિ પણ બાકાત નથી. તેથી જ જ્યારે જ્યારે ખોરાક-ખેંચ, પાણી-તૂટ કે રોગ-જીવાતના હુમલા વખતે તેને જીંદગી જોખમમાં લાગતી જણાય એટલે બધાં કામો સંકેલી તે બીજ તૈયાર કરવા પાછળ ધ્યાન કેંદ્રિત કરી દેતી હોય છે.

એના ફૂલોની રચના જ મોટે ભાગે એવી હોય છે કે નર અને માદા અવયવો સાથે સાથે જ હોય ! અને નહીં તો પછી માદા અંગો નીચેના ભાગે અને નરનાં ઉપર, જેથી આપમેળે પણ નીચે પડતી પરાગ માદા ઝીલી શકે ! વળી નરના પરાગનો જથ્થોયે પેદા થાય પાર વિનાનો, ઠીક ઠીક નલ્લે જાય તો પણ જરૂર છે એટલાં તો માદા અંગો પ્રાપ્ત કરી જ શકે. અને એનું કામ ગોઠવાઇ જાય.

વનસ્પતિને પરાગનયન ક્રિયામાં ઉપયોગી એવા કીટકોને આકર્ષી વધુમાં વધુ અનુકૂળ બનવા અનેક જાતના રંગો, કેટલાય પ્રકારની સુગંધો અને ફૂલોને મોઢે ગળ્યો મધ જેવો રસ ધારણ કરે છે. અરે, કેટલીક વનસ્પતિ તો એવી ચતુર હોય છે કે ફૂલમાં પ્રવેશેલું પતંગિયું કે કીટક પરાગનયનની ક્રિયા પૂરી થયા પહેલાં તે બહાર જ ન નીકળી શકે તેવું ફૂલ-પાંખડીઓનું બિડાણ કરી વાળે છે. કામ પૂર્ણ થયા પછી જ રજા ! અને ત્યારે જ પાછું ઉઘડે ! અને ત્યારે જ અંદરથી મુક્ત થયેલું કીટક હાશકારો અનુભવે !

જુઓને, રાતના સમયે ખીલતાં મોટાભાગનાં ફૂલો સફેદ અને ખૂબ સુગંધદાઇ હોય છે, જે કીટકોને આકર્ષિત કરવા નહીં તો બીજું શું ગણાય ? કપાસ, જીવંતી અને આંકડા જેવી વનસ્પતિ તેનાં બીજનું વિસ્તરણ કરવા, પવનનો લઈ શકાય તેટલો લાભ લેવા બીજ ફરતે રેસા રેસા વળગાડી દઈ, હવાઇ પ્રવાસ કરાવી નવી પેઢી જાળવી રાખવાની સગવડ ગોઠવતા આપણી નજર સામે જ ભળાય છે ને ? અરે ! ખરાબામાં ઊગતા લાંપડા [ઘાસ] નું બીજ એવું કાંટાળું અને અણીદાર કે કપડાં, બુટ-ચપ્પલ જે મળ્યું તેમાં ધૂસીને વળગી જાય. એવું જ ગાડરડી નામની વનસ્પતિના બીજ એવા કાંટાવાળાં જાણે “શેળા” નું જ વામન રૂપ ! વગડે ચરતા-વિચરતાં બકરાં-ગાડરની ‘ઝાટ’ અને ‘ઊન’ માં ચોટી પડી વિસ્તરણનું કામ પાર પાડે !

સંતતિ-નિયમનની જરૂરિયાત તો બીજાનું હડપ કરી લેવાવાળા માટે છે. બીજા માટે જીવતર જીવનાર વનસ્પતિને નહીં ! બાજરાના એક ડૂંડામાં કે જુવાર-કાંગના કણસલામાં અસંખ્ય દાણા[બીજ] પેદા કરવાની વનસ્પતિની મહેનતનું કારણ પણ તે જ હોવું જોઇએ કે ખૂબ બધા કણ બીજાને ઉપયોગી થયા પછી પણ ચપટીક બચી જાય તો પણ પોતાનો વંશવેલો ચાલુ રહી શકે.

ખેડૂતને માથાના દુ:ખાવા સમાન લાગતાં કેટલાંક નિંભર નિંદામણના બીજની તાકાત એવી હોય છે કે ઉપરથી સાત સાત ચોમાસા પસાર થઈ જાય છતાં પણ જમીનમાંથી એનો સ્ટોક ખૂટે નહીં અને બિયારણ ઉગતું અટકે નહીં. જ્યારે જ્યારે ભેજ મળે ત્યારે ત્યારે સૌની પહેલાં થઈ જાય હાજર !

[ઈ]…..સ્વરક્ષણના પ્રયત્નો : લજામણીના છોડનો પરિચય પામ્યા છો ક્યારેય ? તે એવી યાંત્રિક સગવડ ધરાવે છે કે કોઇ પણ કીટક, કીડી, મકોડી તેના પર ચડે કે તરત જ તેનાં પાંદ બિડાઇ જાય છે અને ડાળી નમી જાય, જેથી હુમલાખોર ભડકીને ભાગી જાય. કેટલીક વનસ્પતિઓ પોતાના રક્ષણ કાજે ચીકણો સ્ત્રાવ કે કડવો સ્વાદ અને શરીરે કાંટા ધારણ કરે અને એવું પણ વાંચ્યું છે કે પોતાના રક્ષણ ઉપરાંત વિશિષ્ટ મહાભોજન માટે અને એ પણ માંસભક્ષણ કરવા માટે કેટલાક નાનામોટા કીટકોને પોતાનો શિકાર બનાવવા તંતુઓના બંધનથી બાંધી, ગળણી જેવો આકાર ધારણ કરી, શિકારને અંદર ફસાવી, ચૂસી જવા સુધીની શરીર રચનાઓ પ્રકૃતિએ એમને આપી છે.

વાવાઝોડા વખતે ભલભલી ઇમારતો અને ચારેબાજુથી મજબૂત તણિયાથી જકડી રાખેલા વીજળાના થાંભલાને ઊખડી જમીનદોસ્ત બની જતાં વાર લાગતી નથી. એવે વખતે નથી કોઇ દોરડાનું બંધન કે નથી ખીલા-પાટીના બંધ, નથી કોઇ સિમેન્ટ-ચૂનાથી પાયાનું કરેલું પુરાણ છતાં વૃક્ષો માત્ર તેનાં મૂળિયાંની પકડ અને પોતાના આત્મબળથી ઝંઝાવાતમાં ટકી રહેવા ડીસ્ટીંકશન માર્ક્સ મેળવી જતાં હોય છે.

એની તાકાત અને રહસ્યમયી જીંદગી વિષેનો પરિચય, એની સાથે કહોને એની વચ્ચે રહેનારા આપણે પૂરી રીતે પામશું ત્યારે તેને વધુમાં વધુ અનુકૂળ થાય તેવા ખેત-કાર્યક્રમો ગોઠવી શકીશું. અને પરિણામે તે પણ આપણી હજુ વધારે સેવાઓ કરવાનો આથી પણ ઉજળો પોરહ ચડાવવાનો મોકો પૂરો પાડનાર છે, તે જણાવવી પડે તેવી બાબત થોડી છે ?


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: admin

1 thought on “વનસ્પતિની રહસ્યમયી જિંદગી

Leave a Reply

Your email address will not be published.