લ્યો, આ ચીંધી આંગળી : જાગા શરાબખાને મેં

જાગા શરાબખાને મેં

(સંગીતઉસ્તાદ દયાનંદ દેવગાંધર્વની એક ઝલક)

રજનીકુમાર પંડ્યા

વાળમાં કાંસકો ફેરવવા જાઓ તો કાંસકો બટકી જાય પણ વાળ સરખા ન થાય. માથામાં છેલ્લી વાર તેલ નાંખ્યાને પંદરેક વર્ષ થઈ ગયા હશે.ચહેરાને ઉપમા આપવી હોય તો સુકાઈ ગયેલી ખારેક સ્મરણે ચઢે. અઠવાડીયા પહેલાં દાઢી કરવાનો વખત મળ્યો હશે તો આજે શા માટે નહીં? ઘણાં માણસોની ઉંચાઈ વધી જ ન હોય એમ લાગે. પણ આ દયાનંદ દેવગાંધર્વના મામલામાં એમ લાગ્યું કે ઊંચાઈ વધ્યા પછી એકાએક ઘટી ગઈ હશે. કારણ કે ખભા ખળભળીને નમી ગયા હતા. કોટ ન પહેર્યો હોય તો આ માણસ ખભા વગરનો લાગે. ટૂંકા મેલખાઉ ઝભ્ભા ઉપર ચોળાઈ ગયેલો કોટ અને નીચે પલાંઠી વાળતાં લૂંગીની જેમ ઓટોગોટો વળી જાય તેવો લેંઘો પહેરવાનું માહાત્મ્ય એ ખુદ જ જાણે.

આ વર્ણનમાં મારા શબ્દો વડે એના ગળા અને આંખને એટલા માટે અડપલું નથી કર્યુ, કારણ કે જો એવું કરું તો દેવી સરસ્વતી મને માફ ન કરે. કારણ કે દયાનંદ દેવગાંધર્વના ગળામાં હજી એનો વાસ અને આંખોમાં હજી ઉજાસ છે. તિખારા ભલે બુઝાઈ ભલે આવેલા, પણ છે. જુનાગઢમાં વસતા સંગીતજ્ઞ બચુભાઈ રાજાને મેં લગભગ કરગરવા જેવા અવાજે કહ્યું : ‘બચુભાઈ મારે લખવું છે આ માણસ વિષે.પણ કોઈ કશું ખાસ એના વિષે જાણતું નથી. પણ તમે એક આલા દરજ્જાના રસજ્ઞ છો એટલે એવા પ્રખર ગાયક વિષે ન જાણતા હોય એવું ન બને. મને કહો,એના વિષે કહો.’

‘લખો કે..’ બચુભાઇ બોલ્યા: ‘1960ની અખીલ ભારતીય આકાશવાણીની શાસ્ત્રીય સંગીતની હરીફાઈમાં એને રાષ્ટ્રપતિનો એવોર્ડ મળેલો. આજના વિખ્યાત ગઝલગાયક જગજીતસીંગ એનાથી બીજા નંબરે આવેલા. એમ પણ લખો કે એ પંડિત શિવકુમાર શુક્લનો શિષ્ય અને આમ એની ગાયકી અમાનઅલી એટલે કે ભીંડીબજાર ઘરાનાની’.

‘બચુભાઈ’ મેં કહ્યું: ‘આટલું જ જો લખીશ તો સમજી લેજો કે વાચકો તો બહુ ઉદાર છે. વધુ કોઇ કલ્પના નહિં કરે. એ લોકો દયાનંદ દેવગાંધર્વની છબી એવી ચીતરશે કે જાણે ખભે ખેસ, લાંબા ઓળેલા ઓડિયાં, મળેલા સન્માનના તેજથી સાફ કરેલા અરીસા જેવો ચકચકિત ચહેરો, ખભે તાનપૂરો, અરે, એને મળવા માટે અગાઉથી પત્ર લખીને એપોઈન્ટમેન્ટ લેવી પડે. ઉપાડ્યો ઉપડે નહીં એવો કલાકાર….’ પણ .પણ મેં જરા સંકોચથી પૂછ્યું: ‘પણ શું આ ચિત્ર સાચું છે?’

બચુભાઇ નીચું જોઇ ગયા.બોલ્યા: ‘કલાકાર તરીકે તો એ ઉપાડ્યો ઉપડે નહીં તેવો જ છે. પણ મળવા માટે એપોઈન્ટમેન્ટની વાત કરતા હો તો…”એ હસ્યા.

‘આજે સવારે જ મારી પાસે આવેલા.’ મેં કહ્યું : ‘અને ફરી વાર આવીશ તેમ પણ કહેતા હતા.’

અમારી બંનેની વચ્ચે થોડું મૌન પથરાઈ રહ્યું. મેં કશું વધુ કહ્યું- પૂછ્યું નહી અને એ કશું બોલ્યા નહીં. અમસ્તાય એ કોઈના ભેદ ખોલે તેવા એ માણસ નથી. પણ એમની જગ્યાએ કોઈ બીજો માણસ હોય તો અમારી વચ્ચે નીચે મુજબની વાતચીત થઈ હોય ( એવી મારી માત્ર કલ્પના છે).

‘સવારે તમારી પાસે અમસ્તા જ આવ્યા હતા?’ એમણે પૂછ્યું હોત.

‘ના’, મેં કહ્યું હોત. ‘મારી પાસે પૈસા લેવા આવ્યા હતા.’

‘લઈ ગયા? કેટલા?’

‘એમણે વધારે માંગ્યા નહીં ‘ હું સંકોચ સાથે બોલ્યો હોત : ‘દસ માંગ્યા. રાજકોટ જવા માટે ટિકિટભાડાના આપો, એમ કહીને માંગ્યા.ને મેં આપ્યા’.

“થયું ત્યારે! ધુમાડો થઈ ગયો તમારા એ રુપિયાનો. ”

“એટલે?”

“ચરસ કે ગાંજો! ”

થયા નહોતા પણ થયા હોત એવા આટલા મૌન સંવાદ પછી હું મારા મિત્ર અનિરુધ્ધ જાનીના સંગીતરસીયા પિતા દયાશંકરભાઈ જાની પાસે આવ્યો. મેં સવાલ પૂછ્યો તો એમણે કેસેટ પ્લેયરમાંથી માથું ઉંચુ કર્યું. બોલ્યા, ‘અદભુત.’

‘શું અદભુત?’

‘સરગમ એની પાસે વિજળી બને છે. ’ ‘સંદેશ’ તા 13-1-1980ના અંકમાં પ્રગટ થયેલા બિલાવલના શબ્દો ટાંકીને એ બોલ્યા, ‘સંગીતની એની સૂઝ હેરત પમાડે તેવી છે. સ્વર અને લય વચ્ચે ચીજનો શબ્દ મૂકીને એ આપણને મોહક અચંબામાં ઝબકાવે છે. આ દયાનંદ દેવગાંધર્વમાં સંગીતની સિક્સ્થ સેન્સ છે’.

“બીજું કાંઈ?” મારે હજુ વધારે સાંભળવું હતું. મેં ફરી પૂછ્યું, ‘પણ બીજું કાંઈ?’

‘અનેક પ્રોગ્રામોમાં એમણે ગરુડવાણી નામનો અસામાન્ય રાગ, જે સાડા નવ લાટના તાલમાં ગવાય છે તે ગાઈ બતાવ્યો છે. સાત બીટના તાલમાં એણે મીનાક્ષી તોડી પણ રજૂ કર્યો.અને સંગીતની કલામાં મંદિર ચણી દીધું જોતજોતામાં. આજે પણ સંગીતના અખીલ ભારતીય રેડિયો કાર્યક્રમોમાં શ્રોતાઓ એને કાન દઈને સાંભળે છે.’

‘પણ જાનીકાકા…’ મેં કહ્યું :‘ગઈ કાલે રાતે એણે મારા એક મિત્રને ત્યા રાતે બે વાગ્યા સુધી ગાયું પણ સ્વર લથડી ગયો હતો.ચૂક થઈ જતી હતી. થાકી જતા હતા.એમ લાગતું હતું કે હવે એમની આંખો પ્યાસી થઈને ક્યાંક ભટકે છે. આમ શા માટે બનતું હશે? હજી એમની ઉંમર શી?વર્ષ તો બેતાલીસ જ ને?’

જવાબમાં જાનીકાકા કંઈ બોલ્યા નહીં. વ્યક્ત થયા વગરનો જવાબ ક્યારેક માણસને અંદરથી પીડે છે.એ અંદરથી પીડાતા હતા. કદાચ એમ લાગતું હતું કે દયાનંદ દેવગાંધર્વના મોંમાંથી નીકળેલો ચરસ અને ગાંજાનો ધુમાડો અમારી આસપાસ વીંટળાઈ રહ્યો હતો. મને તો રીતસર ઉધરસ આવવા જેવું થઈ ગયું.

દયાનંદ દેવગાંધર્વ આ લતે ક્યાંથી ચડ્યા?

જવાબ તો દયાનંદ ખુદની પાસેથી જ મળે. મળે, પણ એ આપે ?

જાનીકાકા પાસેથી ઉઠીને આવીને હું ગીરનારના રસ્તે આવેલી રામટેકરી ઉપર ગયો. દયાનંદ દેવગાંધર્વ ખુદ ત્યાં મને મળવાની સંભાવના હતી. પણ જઇને જોયું તો એ અંદરના રુમમાં સંધ્યાટાણે સુતા હતા. રામટેકરીના પૂજારી અને દયાનંદના પરમ પ્રશંસક મિત્ર અને આશ્રયદાતા રામનાથજી મળી ગયા. એમને મેં આ સવાલ કર્યો. ત્યારે ‘અગર ઉસી સવાલ કા જવાબ હમેં મીલ ગયા હો તો ઉન્હેં યે આદત છુડવા ન દેતે?’એમ બોલીને મને ચુપ કરી દીધો.

જવાબ તાર્કીક હતો.અને એમાં તર્ક ઉપરાંત એક મિત્રની વેદના પણ ગર્ભાયેલી હતી. સામેની ભીંતે ટીંગાડેલા કેસેટ પ્લેયરમાંથી મધ્ય લયમાં ત્રિતાલમાં દયાનંદનો સ્વર અભોગી વહાવતો હતો. અને એમાં સમ પર આવી જવાની એમની આવડત અને કલા અપૂર્વ રીતે એમના ઘરાણાનો પરિચય કરાવતી હતી.

એકાએક રામદાસજી ઊઠ્યા અને કેસેટપ્લેયરને ધીમું કરીને બોલ્યા : ‘દયાનંદ હમેશા જુનાગઢમેં કહાં રહેતા હે જો હમ ઉસકી આદત છુડવાયેં ? યહ તો આજ યહાં તો એક હપ્તે બાદ આસામમેં નજર આયેગા. ઈસકે બાદ દિલ્હી રેડિયો પરસે ઉસકી આવાઝ નેશનલ પ્રોગ્રામમે સુનાઈ પડેગી, તો હપ્તે બાદ વો કન્યાકુમારીમેં ધુએં નીકાલતે પડા હોગા. ઉસકા કહાં એક ઠીકાના?’

‘ઉનકા અપના સ્થાયી ઘર?’

‘કહીં નહીં ‘રામદાસજી બોલ્યા. ‘ઓર એક તરહ સે કહો તો સબ જગહ!’

આ વાત ચાલતી હતી ત્યાં દયાનંદ પોતે જ અંદરથી ઊઠીને બહાર આવ્યા. એમની આંખોમાં ઘેનના લાલ લાલ દોરા હતા.

‘ક્યું?’ મેં મશ્કરીના અંદાજમાં પૂંછ્યું: ‘રાજકોટ નહીં ગયે આપ ?’

જવાબમાં એ કબૂલાતનામા જેવું હસ્યા અને મારા પગ પાસે બેસી ગયા.

‘અરે અરે! યે ક્યા કર રહે હો ઈતને બડે કલાકાર હોકર…!’.

‘બૈઠને દિજીયે ‘ એકદમ ખરજતા સ્વરમાં એમણે કહ્યું : ‘આપસે દસ રુપિયે જો લીયે થે!.’

કોઈ અચાનક પડતા ઉઝરડાથી પણ કદાચ આવી વેદના ના થાય. સાંભળનાર ને થઈ(વાંચનારને પણ કદાચ થઈ હશે)તો બોલનારને કેટલી થઈ હશે ? દસ રુપિયાનો ડામ આવડો મોટો પડે? એમણે મારા પર કટાક્ષ કર્યો કે ખરેખર એ આટલી નીચી સપાટીએ ઊતરી ગયા?

‘દયાનંદજી. મેં આપકે બારે મેં મેરે કોલમ મેં લીખના ચાહતા હું’

‘ક્યા લીખના ચાહતે હો?’

પેલો સવાલ મારા મોંએ આવી ગયો કે એવી તે કઈ વેદનાએ તેમને આમ કીડાની જેમ કોરી ખાધા? પણ મે જોયું કે હજી દયાનંદ એ આલમમાં ન હતા. માથું હજી ડોલતું હતું. એટલે મેં એમને સાવ સ્થૂળ સવાલો પૂછવા માંડ્યા. તમારો જન્મ ક્યાં? કોને ઘેર? કેટલા ભાઈબહેન? સંગીતના સંસ્કાર કેવીરીતે?

‘સોલાહ માર્ચ બયાલીસમેં ઉદેપુર રાજસ્થાનમેં મૈં જન્મા. પિતાજી ઉદેપુર કે બહુત બડે રાજગાયક થે. સંગીત કા શૌક બચપન સે સાત વર્ષકી આયુમેં…. દેવદત નાદમૂર્તીને સંગીત કી વિશેષ તાલીમ દી. હમ દસ ભાઈ બહન થે. હમ સબસે છોટે, શાયદ પ્યાર ભી કિસ્મતમેં સબસે છોટા આયા…ફિર ભી.’ જબાન પર આવતા અચકાતા જવાબને એકદમ ધક્કા મારીને આગળ ધકેલતા હોય એમ એ બોલ્યા.

‘સોલાહ સાલકી ઉંમર મેં હી મેરે પિતાજી ગોપાલજી ગાંધર્વ હમેં બડૌદા લે ગયે. વહા પંડિત શિવકુમાર શુક્લા મેરે ગુરુજી બને. મ્યુઝિક કોલેજ મેં ડિપ્લોમા લિયા.’

એ વાત કરતાં કરતાં અંદર પડેલા એમના ભૂતકાળના ટુકડાઓને ઉપરતળે કરી રહ્યા. રાષ્ટ્રપતિ એવોર્ડ અને પછી આકાશવાણીમાં સિધ્ધિઓની પરંપરા.પણ પછી પેટનો તકાજો. બે ત્રણ સ્કૂલોમાં સંગીતશીક્ષક તરીકે, અતુલની કલ્યાણી સ્કૂલમાં નોકરી, મુંબઈમાં એસ.કે લાલભાઈ ગ્રુપમાં કામ કર્યું. મ્યુનિસીપલ સ્કુલમાં નોકરી કરી. કલ્યાણજીભાઈના પરિવારમાં પુત્રને અને હેમા માલિનીના કુટુંબમાં છોકરીઓને તાલીમ આપી. અરે..આવી તો છુટક છુટક અનેક નોકરીઓ કરી. વાદ્યવૃંદમાં તબલાં બજાવવાનું પણ કામ કર્યું.

દયાનંદ દેવગાંધર્વ વાત કરતાં કરતાં આમ ઉપરની સપાટી ઉપર વિચરતા હતા. પણ ત્યાં તો એકાએક રામમંદિરના ગર્ભાગારમાં ઘંટારવ થયો અને એમનો વાણીપ્રવાહ તૂટ્યો. એ ફરી ઊંડા ઉતરી ગયા. એમની અર્ધનિમિલિત આંખ સાવ ખુલી ગઈ. પણ ફરી થોડી સભાનતા જાગી. બોલ્યા: ‘ફિર સબ કુછ છોડ દિયા. અકેલે મેં રહ કે સાધના શુરુ કી.ચાણોદ કે નર્મદા કીનારે જા કે ત્રીકમજી મંદિરમેં રહા.પૂર્ણીમા મેં જલસા કીયા. સંગીત કી ઘોર સાધના કી. ફિર આસામ ચલા ગયા. તેજપુર ગોહાટી સાત આઠ માસ તક સીખતે હી રહા. ફિર કન્યાકુમારી, કેરાલા, પૂના, બોમ્બે, પરિભ્રમણ….પરિભ્રમણ…..પરિભ્રમણ……અતૃપ્ત આત્મા કા પરિભ્રમણ….’

મારે એમને ફરી જમીન પર ઉતારવા જ પડ્યા. વર્તમાનમાં ન લાવું તો એ ભૂતકાળના ધૂમાડાના ઘટાટોપમાં સંગોપાઇ જાત. એટલે પછી પૂછ્યું: “ખૈર, છોડીયે પુરાની કહાની.. યે બતાઇયે કી જુનાગઢ આના કેસે હુઆ, દેવગાંધર્વજી ?”.

‘બમ્બઈ મેં રહતા થા તબ વહાં એક સંગીતપ્રેમી ગૃહસ્થ રમણભાઈ મહેતા સે મુલાકાત હુઈ થી. વો રામટેકરી કી જગહ કે ભક્ત થે. વો મુઝે યહાં લે આયે…’

સંગીતમાં સિફતથી સમ પર આવી શકનાર દેવગાંધર્વ પોતાના જીવનમાં સમ પર આવી શકતા નહોતા. વારે વારે આંખો બીડી દેતા હતા. અંતે મેં પૂછ્યું, “શાદીબાદી હુઈ કી નહીં આપકી’?

ઘંટારવ બંધ થતાં જ પૂજામાં બેસેલો માણસ આંખો ખોલે એમ એમણે એમની લાલ આંખો ખોલી. પહેલી જ વાર મને એમ લાગ્યું કે એમની આંખોમાં એમનો પ્રાણ આવી ગયો છે. ઢોળાઈ ગયેલા ગ્લાસને કોઈ સમાલી લે એમ એમણે વાણીને સમાલી લીધી. બોલ્યા, ‘સન ઈકસઠ મેં માતાપિતા કે ઘોર( ઘોર શબ્દનો અર્થ અહીયાં કયો કરવો ?)આગ્રહ કે કારણ શાદી કી ! ઉસ વક્ત મેરી ઉન્નીસ સાલકી ઉંમર થી.શાદી કા બંધન જચા નહીં ઓર મન સંસારમેં લગા નહીં. ટ્યુનીંગ હુઈ નહીં. પરિસ્થીતી અનુકુલ હુઈ નહીં. ટુટ ગયા, સબ ટુટ ગયા, સબ ખત્મ હો ગયા. સબ તિતરબિતર હો ગયા.’

‘ફિર?’ મેં પૂછ્યું :“આપકા ઘર કહાં રહ ગયા ?”

‘ઘર નહીં,બચ્ચા નહીં,બીબી નહીં’ એમણે મારી સામે ડારી નાંખતી આંખે જોયું. જાણે કે આનાથી આગળ જવાની મને મનાઇ હોય.

‘ભક્તિ મેં મન લગ ગયા….હાં..નશા કીયા જરુર. મગર ઉસમેં ખોયા નહીં. અધ્યાત્મ કા સાગર અતી ગહેરા હૈ, ઉસમેં ખો જાના હી અચ્છા હૈ .”

“લેકીન આપ કી આજીવિકા કા સાધન ?’

‘છોટે-મોટે કાર્યક્રમ ઓર કુછ કદરદાન લોગ !.’

કદરદાન લોગ’ પણ ક્યાં સુધી ચાલે?બચુભાઈ રાજાએ ઓફર કરી હતી કે જુનાગઢમાં રહીને સંગીત શીખવો.જગ્યા હું આપું, નિભાવું પણ હું. પણ દયાનંદ દેવગાંધર્વના પગમાં પદ્મ છે. બાકી બધું છિન્નભિન્ન છે. કવિતા લખવાને રવાડે પણ ચઢ્યા. એની એક પંક્તિ જુઓ :

શરાબકી કશીશ મેરી રુહ કો તૌબા, હરમમેં સોયા તો જાગા શરાબખાને મેં.’

બીજુ કંઈ નહિં, ધુમાડાની આરપાર જોઈ શકો તો સંગીતનો દેવતા હજી ધખધખે છે.હું એ અનુભવતો હતો. ત્યાં પાછા ઘેઘુર આંખે મને અચાનક કહે, “એક ઓર દસ રુપિયા દે સકતે હૈ આપ?’

પછી અટકીને બોલ્યા: “પાંચ ભી ચલેંગે’.

પછી લથડીયાં ખાતાં ઉભા થયા, ભીંત પાસે ગયા. ત્યાં ટીંગાડેલા અને પોતાનો જ કંઠ વહાવતા કેસેટ પ્લેયરને બંધ કરીને પૂછ્યું: ‘દોગે ના?’

નોંધ: દયાનંદ દેવગાંધર્વની આ દુર્લભ તસવીર શ્રી કર્દમ આચાર્ય દ્વારા ઉપલબ્ધ બની શકી છે,. તેમનો વિશેષ આભાર. અન્ય એક તસવીર પ્રતિકાત્મક છે, જે ઈન્ટરનેટ પરથી લીધી છે.

ત્રણ સાડા ત્રણ દાયકા વીતી ગયા આ વાતને. દયાનંદ દેવગાંધર્વનો એ પછી પત્તો નથી. હવે તો તેઓ રહ્યા નથી.

——————————————————————————————————

-લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

Author: admin

2 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : જાગા શરાબખાને મેં

  1. પ્રેમ પૂર્વક શોધ્યા અને પ્રેમ પૂર્વક પિરસિયા

  2. Dayanand devgandhrv no prograam Anand ma 1995 raag Narayani saga harmonium Ishwarbhai PAREKH Tabla shashikant sant

Leave a Reply

Your email address will not be published.