
નયના પટેલ, લેસ્ટર, યુકે
પ્રિય દેવી,
આ વખતનો તારો પત્ર વાંચીને થયું કે સાચે જ આપણને વિષયોની ખોટ ક્યારે ય પડશે નહીં.
તેં રમત જેવા વિષયને સ-રસ રીતે રજૂ કરી અને અંતે જીવન સાથે સાંકળી, અધ્યાત્મ તરફની બારી ઉઘાડી નાંખી. તને યાદ છે, આપણને કોલેજના છેલ્લા દિવસે આદરણીય યશવંતભાઈ શુકલએ ખૂબ જ હૃદયસ્પર્શી પ્રવચન આપ્યું હતું. તેમાં જે મને યાદ રહી ગયું છે તે એ છે કે, ‘અત્યાર સુધી તમે માત્ર થીયરી જ ભણ્યા છો, હવે જીવનની પ્રયોગશાળામાં એ થીયરીને સફળ અને સચોટ રીતે વાપરો છો કે નહી તેની કસોટી દુનિયા કરશે. અહીં ભણતર સમાપ્ત થાય છે અને હવે ગણતર શરુ થાય છે…..વિગેરે.’
મારા અંતરમનમાં એ સજ્જડ રીતે બેસી ગયું છે. અને આજે તેં એ જ વાત થોડા જુદા સંદર્ભમાં ઢંઢોળી છે. મને રમતમાં સારો એવો રસ હતો અને થોડે અંશે હજુ પણ સચવાયેલો રહ્યો છે ખરો.
‘Wii’ નામની વિડીયો ગેઈમમાં ગોલ્ફ હું ખૂબ રમતી અને સારા એવા લેવલ પણ પાસ કર્યા હતાં. એ એટલા માટે રમવાની બંધ કરી કે હું પછી બીજું કાંઈ રચનાત્મક કામ કરી જ નહોતી શકતી! એટલે એને સંલગ્ન શબ્દાવલીથી સારી એવી પરિચિત છું. મન અને શરીર બન્નેની એકાગ્રતા સાથે ધીરજપૂર્વક રમાતી આ રમત મને ખૂબ પ્રિય છે. અધૂરામાં પૂરું અહીં યુકે.ના આ પહેલાના ઘરમાં રહેતાં હતાં તે વિસ્તારની બધી જ શેરીઓનાં નામ ગોલ્ફરો ઉપરથી છે. જેમકે જેકલીન ડ્રાઈવ, ટ્રીવીનો ડ્રાઈવ, નિકલસ રોડ..વગેરે અને એટલે જ ગોલ્ફરોનાં નામની પણ ત્યારે જ ખબર પડી હતી. અને છેલ્લે ટાયગર વુડને તો રમતાં ઘણીવાર જોયો છે. મને તો ગોલ્ફના બોલને મારવાની અદા જ ખૂબ ગમે છે!
ચાલ મૂળ વાત પર આવું. તેં માંડેલી બે વાત ખાસ મારે વિકસાવવી છે. એક તો તેં કહ્યું તેમ પ્રતિકૂળ સંજોગોમાં તારી અને તારા ભાઈ-બહેનોની રચનાત્મક શક્તિને ઘાટ મળ્યો અને તક મળતાં તે પ્રત્યક્ષ રીતે આકાર પામી. પરંતુ કેટલાય એવાં લોકો હશે કે જે ભૂતકાળનાં પ્રતિકૂળ સંજોગોના રોદણાં રડી રડીને વર્તમાનના અનુકૂળ સંજોગોને પણ માણી શકતા નથી કે જેમ તમે લોકોએ એને ખીલવવા માટેની તક ઝડપી લીધી તેમ તકને ઝ્ડપી નથી શકતાં. તેં લખ્યું તેમ, ‘ઘણીવાર બોલ,રેતીવાળા, ઘાસ વગરના ખરબચડા ખાડામાં પડે, કોઈવાર આજુબાજુના કોઈ ઝાડની આસપાસ પડે, તો વળી કોઈવાર પાણીના ખાબોચિયામાં પણ પડે!. એવી કોઈપણ પરિસ્થિતિમાંથી કુનેહપૂર્વક, કુશળતાથી બોલને બહાર કાઢીને ખરા લક્ષ્ય સુધી લઈ જવો પડે.’ બસ તમે ભાઈઓ-બહેનોએ તમારી કુશળતા, કુનેહ અને ધીરજ રાખીને કુદરતે આપેલી બક્ષિસને સંજોગોના ખાબોચિયામાંથી બહાર કાઢી અને લક્ષ સુધી લઈ ગયાં.
હું જ્યારે સ્વાધ્યાયમાં જતી હતી ત્યારે, શ્રી પાંડુરંગ શાસ્ત્રીજીએ કરેલી વાત યાદ આવી. શિબિરોમાં બાળકોને રમાડતાં હોઈએ ત્યારે તેઓ કહેતાં કે જ્યારે રમત ચરમ સીમાએ પહોંચી હોય ત્યારે જ બંધ કરાવો. બાળકોને જીવનનો એ પાઠ શીખવાની પણ જરૂર છે કે જ્યારે સફળતાની ટોચ પર પહોંચ્યા હોઈએ અને અચાનક સંજોગો ખીણને તળિયે ફગાવી દે ત્યારે કઈ રીતે તેનો સામનો કરવો. એ ખૂબ મુશ્કેલ છે પરંતુ એટલી જ સાચી વાત છે.
બીજી તેં ‘ખેલદિલી’ની વાત કરી તે પણ ખૂબ ગમી. જીતને પચાવતાં આવડવી જોઈએ અને હારને સ્વીકરતાં આવડવી જોઈએ. કહેવાનું સહેલું છે પરંતુ વાસ્તવિકતામાં હારેલી વ્યક્તિએ જીતેલી વ્યક્તિનો ખભો થાબડવાનો હોય અને તે પણ દંભ વગર. એ અશક્ય નહી તો પણ મુશ્કેલ તો છે જ; અને તે પાઠ રમતમાં જ શીખી શકાય ને?
હવે વાત કરું ટેકનોલોજીનો ઉપયોગ અને તેનો ગેરઉપયોગ. તેં તારા પત્રમાં એક જગ્યાએ જે શબ્દ વાપર્યો છે. ‘સમતુલન’. ખૂબ નાનો છતાં દરેક નાના-મોટાં ક્ષેત્રમાં, જીવનમાં, નોકરી-ધંધામાં જીવનનાં બધાં જ પહેલુમાં સમતુલન જળવાવું ખૂબ જ જરૂરી છે. આઈફોન-પૅડ, સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ટેબલેટ બધાંનો હદ બહાર રીતે દૂરઉપયોગ થાય છે. ‘સેલ્ફી’ શબ્દમાં જ ‘સેલ્ફીશ’ શબ્દનો સમાવેશ થાય છે. જીંદગીનાં વર્તુળના મધ્યમાં પહેલાં ‘અમે’ હતાં અને હવે ‘હું-સેલ્ફ’ થવા માંડ્યા છીએ.
પરંતુ દેવી, જે કાંઈ કરીશું તેનું પરિણામ ભોગવવું જ રહ્યું. કેવું, ક્યારે, કેમ અને કેવી રીતે તે માત્ર ઈશ્વર જ જાણે! અથવા તો સમય જ જણાવે!
બીજુ જવા દે ને, આ ટી.વી. પર આવતી મોટાભાગની સિરિયલો ને ફિલ્મો જ લે ને. પ્રેક્ષકોએ બુધ્ધિનું દેવાળુ કાઢ્યું હોય તેવું બતાવી અને જોવાવાળા જોઈને સાબિત કરી આપે છે કે એ લોકોએ સાચે જ બુધ્ધિનું દેવાળુ કાઢ્યું છે તેમ તને નથી લાગતું? મનોરંજન માટે જે હોય તેને ઘડી-બે ઘડી માણવાની હોય પરંતુ આજે આ સિરિયલોની અને ફિલ્મોની માઠી અસર યુવાનો પર બિભત્સ કહેવાય એટલી હદે અસર કરી છે. માતા-પિતા જ્યારે દીકરી ‘ચોલીકે પીછે ક્યા હૈ’ કે પછી ‘બીડી જલૈલે પિયા’-જેવા ડાન્સ પર થરકતી હોય ત્યારે ‘શું ડાન્સ કરે છે!’ કહી પોરસાતાં હોય તેને શું કહેવું??
અમુક એક્ટરો બાથ ટાઉલ લઈને જે બિભત્સતાથી નાચતા હોય તેવું પોતાના બાળકો પાસે કરાવીને રાજી થતાં મા-બાપ પાસે શાની અપેક્ષા રાખી શકાય?
આવા દ્રષ્યો જોયા પછી ઉશ્કેરાયેલા યુવાનો ‘ગ્રુપ રીપીંગ’ કરે અને એવું તો કાંઈ કેટલું હજુ તો જોવાનું આપણા નસીબમાં હશે કોને ખબર?
ચાલ, હવે બહુ થયું આ બધું નહી?
પન્નાબેન નાયકની બે પંક્તિ અને એને વિષે સુરેશ દલાલે કરેલી એક કોમેન્ટ કહી વિરમું,
‘કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટહૂક્યા કરવાનું મને મંજૂર નથી’-પન્નાબેન નાયક
‘શઠપૂતળા પુરુષો અને કઠપૂતળી સ્ત્રી!’-સુરેશ દલાલ
આવજે..
નીનાની સ્નેહ યાદ
ક્રમશ:
દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન :: ddhruva1948@yahoo.com || નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com