સાયન્સ ફેર : કોરોના વાઈરસથી ડરી ગયા છો? તો જરા આ વાંચી લો!

જ્વલંત નાયક

હાલમાં કોરોના વાઈરસના સમાચારથી આખી દુનિયાના સમાચાર પત્રો ભરાયેલા છે. થોડા સમયથી ચીનમાં આ વાઇરસે ઉપાડો લીધો ત્યાર બાદ આ લખાય છે ત્યાં સુધીમાં કોરોનાને કારણે ૪૨૭ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. સાડા સાત અબજ ઉપરાંતની વસ્તી ધરાવતી પૃથ્વી ઉપર રોજના હજારો લોકો જુદા જુદા કારણોસર મૃત્યુ પામે છે. એમાં સવા ચારસોનો આંકડો કંઈ બહુ નોંધપાત્ર ન ગણાય. તેમ છતાં આખું વિશ્વ સખત ડરેલું છે. અત્યારે આલમ એવો છે કે ભારતમાં ય જો કોઈ વ્યક્તિ જાહેર સ્થળે છીંક ખાય તો આજુબાજુના લોકો મોઢે રૂમાલ દાબીને દૂર ખસી જાય! આ ડર સ્વાભાવિક છે. નિષ્ણાંતો જાણે છે કે વાઈરસના ફેલાઈ જવાની ઝડપ અદભૂત હોય છે. એક હદ કરતાં વધારે પ્રસરી ગયેલા વાઈરસને નાથવો બહુ અઘરો હોય છે. કોરોના વાઈરસનો ખોફ એવો છે કે વૈશ્વિક કંપનીઓએ ચીન સાથેનો વેપાર લગભગ સ્થગિત કરી દીધો છે. ચીની શેરબજારમાં રેકોર્ડબ્રેક કડાકો નોંધાયો છે.

હવે જરા વિચારો કે માત્ર એક વાઈરસ ફેલાવાથી જો ચીન જેવો દેશ નિ:સહાય થઇ જતો હોય, તો ચાર-પાંચ વાઈરસ સાથે ત્રાટકવાથી શું થઇ શકે! અમુક નિષ્ણાંતો તો માની રહ્યા છે કે ભવિષ્યમાં દુશ્મનોનો ખાત્મો કરવા માટે ય વાઈરસનો ઉપયોગ થશે. બોમ્બ-ટોપ-દારુગોળાને બદલે જો ‘વાઈરલ વોર’ વાસ્તવિકતા બને તો ભવિષ્યની દુનિયા કેવી હશે? કલ્પના પણ અઘરી છે! ખેર, આ તબક્કે આપણે બીજું કશું ન કરી શકીએ તો ય કેટલાક વાઈરસ વિષે પ્રાથમિક માહિતી મેળવવી જોઈએ. હાલમાં કોરોના વાઈરસનો મૃત્યુદર છે ૯.૬%. અર્થાત કોરોના વાઈરસનો ભોગ બનનાર લોકો પૈકી આશરે સાડા નવ ટકા લોકો જીવ ગુમાવે છે. કોરોના તો હમણાં કુ-ખ્યાતિ પામ્યો, પણ એ સિવાય બીજા ય કેટલાક દુશ્મનો તાકમાં બેઠા છે, જેમનો મૃત્યુદર કોરોનાની સરખામણીએ ખાસ્સો ઉંચો રહ્યો છે.

મારબર્ગ (Marburg) વાઈરસ :

સૌથી પહેલા ઇસ ૧૯૬૭માં આ વાઈરસ વિષે જાણકારી મળી. જર્મનીની એક લેબોરેટરીમાં વિવિધ પ્રયોગો માટે યુગાન્ડાથી કેટલાક વાંદરા મંગાવાયેલા. આ વાંદરાઓ મારબર્ગ વાઈરસથી ગ્રસિત હતા. પરિણામે લેબમાં કામ કરતાં સંશોધકોમાં ય આ વાઈરસનો ચેપ ફેલાયો. આ વાઈરરનો ભોગ બનનાર વ્યક્તિને ભારે તાવ આવતો અને શરીરમાંથી વધુ પડતો રક્તસ્રાવ થતો. પરિણામે શરીરના આંતરિક અવયવોને નુકસાન પહોંચતું અને પેશન્ટનું મૃત્યુ થવાની ય શક્યતા રહેતી. કોરોના કરતા આ વાઈરસના રોગીઓનો મૃત્યુદર વધારે નોંધાયો છે! જર્મનીની લેબમાંથી આ વાઈરસ ફેલાયો ત્યારે માત્ર ૨૫% લોકો મૃત્યુ પામેલા. પણ ૧૯૯૮-૨૦૦૦ દરમિયાન કોન્ગો દેશમાં ૮૦% થી વધુ મૃત્યુદર નોંધાયેલો! ૨૦૦૫ માં અંગોલામાં પણ મારબર્ગ વાઈરસનો મૃત્યુદર ખાસ્સો ઉંચો હતો.

હેન્ટા (Hanta) વાઈરસ :

સૌપ્રથમ વાર ઇસ ૧૯૯૩માં યુએસમાં હેન્ટા પલ્મોનરી વાઈરસ (HPS) પ્રત્યે વિશ્વનું ધ્યાન ખેંચાયું. એક અતિધનાઢ્ય એવું અમેરિકન દંપત્તિ શ્વાસોચ્છવાસની તકલીફને કારણે મોતને ભેટ્યું. થોડા મહિનાઓની તપાસ પછી આ પ્રકારના બીજા કેસ પણ સામે આવ્યા. સંશોધકોએ શોધી કાઢ્યું કે જે લોકોને આવી બીમારીનો ચેપ લાગેલો, એ પૈકી એક વ્યક્તિએ હરણ પાળેલું, જેના મોઢામાંથી આ વાઈરસ જડી આવ્યો! આ હરણ એના પાલક સાથે એક જ મકાનમાં રહેતું હતું! અત્યાર સુધી હેન્ટા વાઈરસનો ચેપ લાગ્યો હોય એવા ૬૦૦ લોકો નોંધાયા છે, જે પૈકી ૩૬%નું મૃત્યુ થયું છે! અહીં જોવાની ખૂબી એ છે કે હરણમાંથી જડેલો આ વાઈરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પ્રસાર નથી પામ્યો, બલકે ઉંદરોએ એનો ચેપ ફેલાવ્યો છે!

આનાથી જરા જુદા પ્રકારનો વાઈરસ ઇસ ૧૯૫૦ની આજુબાજુ કોરીયન વોર વખતે દેખાયેલો. એ સમયે સૈનિકોની ત્રણેક હજાર ટુકડીઓમાં આ વાઈરસનો ચેપ જોવા મળેલો. લગભગ ૧૨% દર્દીઓએ એ સમયે જીવ ગુમાવેલો. અનેક સંશોધનો પછી નિષ્ણાંતો એવા તારણ પર આવ્યા છે કે હેન્ટા વાઈરસના ફેલાવામાં ઉંદર સૌથી મોટો ભાગ ભજવી જાય છે!

તમારા ઘરમાં ઉંદર છે કે? આ તો જસ્ટ પૂછ્યું!

રોટાવાઈરસ (Rotavirus) :

ઘણા લોકોનું માનવું છે કે આધુનિક માનવ સમાજ સુખ્વાસી થઇ ગયો છે. જીવનમાં જેમ સગવડો વધતી ગઈ, તેમ આપણી રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી ગઈ છે. બાકી પહેલા ખુલ્લામાં સુઈ રહેતા અને ફિલ્ટર કર્યા વિનાનો ખોરાક આરોગતા લોકોમાં આતાત્લા વાઈરલ ફીવર ક્યાં થતા હતા?! આ વાતમાં વજુદ તો છે જ. અને આનાથી વિપરીત પાસુ પણ એટલું જ સાચું છે. ઘણીવાર ગરીબીને કારણે અમુક વાઈરસ જીવલેણ બની જાય છે. કેમકે પૂરતા રિસોર્સને અભાવે અમુક સામાન્ય બીમારીનો ય ઈલાજ કરવો મુશ્કેલ બની જતો હોય છે. રોટા વાઈરસ આવું જ એક ઉદાહરણ છે, જે વિકસિત દેશોમાં ભાગ્યે જ દેખાય પણ ત્રીજા વિશ્વના દેશો એનું હોમગ્રાઉન્ડ ગણાય છે. કરુણતા એ છે કે આ વાઈરસ બાળકોને ઝપટમાં લે છે.

આ વાઈરસના ફેલાવામાં જાગૃતિનો અભાવ પણ બહુ મોટો ભાગ ભજવે છે. ગરીબ પ્રજા માટે મળત્યાગ અને મળના યોગ્ય નિકાલ માટે પૂરતી વ્યવસ્થા નથી હોતી. વળી એ લોકો સ્વચ્છતા પ્રત્યે દુર્લક્ષ સેવે છે. પરિણામે મળના સૂક્ષ્મ પાર્ટિકલ્સ ફરી પાછા કોઈક રીતે માનવ શરીરમાં દાખલ થાય છે. (આ બાબતે વધુ જાણકારી માટે ‘fecal-oral route’ લખી ગૂગલ કરી જુઓ.) વૈશ્વિક આરોગ્ય સંસ્થા WHOના આંકડાઓ મુજબ એકલા ઇસ ૨૦૦૮માં જ રોટા વાઈરસને કારણે સાડા ચાર લાખ કરતાં વધુ બાળકો મૃત્યુ પામેલા! ઇસ ૨૦૧૩માં આ આંકડો સવા બે લાખ ઉપર પહોંચ્યો. આ તમામ બાળકો પાંચ વર્ષ કરતાં ઓછી આયુના હતા !


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


સંપાદકીય નોંધ – અહીં લીધેલ તસ્વીરો અને વિડીયો ક્લિપ્સ નેટ પરથી લીધેલ છે. તેનો આશય લેખના સંદર્ભને સમજવામાં મદદરૂપ થવા માટેનો છે. તે દરેકના પ્રકાશાનાધિકાર જે તે વેબસાઈટ / મૂળ કર્તાના રહે છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.