પુસ્તક પરિચય : વહાલનું અક્ષયપાત્ર

પરિચયકર્તાઓઅશોક વૈષ્ણવ અને દીપક ધોળકીયા

સંકલન – બીરેન કોઠારી

(આ વિશિષ્ટ લેખના પ્રથમ ભાગમાં ‘વેબગુર્જરી’ના એક સંપાદક અશોક વૈષ્ણવ ‘વહાલનું અક્ષયપાત્ર’ પુસ્તકનો પરિચય કરાવે છે, તો બીજા ભાગમાં ‘વેબગુર્જરી’ના બીજા સંપાદક દીપક ધોળકીયા ‘વહાલનું અક્ષયપાત્ર’ વિશેષણ જેમના માટે વપરાયું છે એવા હરેશ ધોળકીયાનો પરિચય પોતાની આગવી શૈલીમાં કરાવે છે.)

પુસ્તકનાં શીર્ષક,’વહાલનું અક્ષયપાત્ર’, સાથે ઉપશીર્ષક તરીકે ‘એક શિક્ષક તથા સર્જક પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ’ દ્વારા એટલું સ્પષ્ટ થઈ જાય છે કે આ પુસ્તક જીવનકથા હોવું જોઇએ. એ રીતે આ પુસ્તક એક વ્યક્તિ – હરેશ ધોળકિયા- વિશે જરૂર છે, પરંતુ પુસ્તકની પ્રસ્તાવના વાંચતાંની સાથે જ સ્પષ્ટ થઈ જાય છે કે આ પુસ્તકનો મૂળ ઉદ્દેશ્ય હરેશ ધોળકિયાનાં વિદ્યાર્થીઓની તેમની શિક્ષક તરીકેની યાદો અને પોતાનાં જીવનમાં શિક્ષક તરીકેના તેમના યોગદાનને ગ્રંથસ્થ કરીને હરેશ ધોળકિયાના અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો છે.

શિક્ષક તરીકેની વ્યાવસાયિક કારકીર્દી હરેશ ધોળકિયા (જન્મ- ૩૦-૬-૧૯૪૬)ની સ્વૈચ્છિક પસંદગી હતી. તેમણે શ્રી સ્વામીનારાયણ વિદ્યાલય, ભૂજ (ક્ચ્છ)માં ૧૯૬૬થી ૧૯૮૬ સુધી ૨૦ વર્ષ સુધી પ્રત્યક્ષ શિક્ષક તરીકે કામ કર્યું. તે પછી શ્રી વી ડી હાઈસ્કૂલ, ભુજ (કચ્છ)માં ૫ વર્ષ આચાર્ય તરીકે શિક્ષણ સાથે ઘનિષ્ઠપણે સંકળાયેલા રહ્યા. ૩૧ જુલાઇ, ૧૯૯૧ના રોજ એ વ્યવસાયમાંથી નિવૃતિ પણ સ્વેચ્છાએ જ લીધી.

નિવૃત્તિ પછી હરેશભાઈનો ઈરાદો વાંચનનો અને નિજાનંદે અંગત જીવન જીવવાનો હતો. પરંતુ નિયતિએ તેમના માટે બીજી પણ ભુમિકા લખી રાખી હતી. ભૂજથી પ્રકાશિત થતાં, સૌરાષ્ટ્ર ટ્ર્સ્ટનાં વર્તમાનપત્ર ‘કચ્છમિત્ર’માં તેમના લેખનની શરૂઆત ૧૯૭૦થી થઈ હતી. આમ એક તરફ તેઓ પધ્ધતિસરના લેખન તરફ ઢળતા ગયા, તો બીજી તરફ શાળાઓ અને શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓના ઉપક્રમે શિક્ષકો અને વિદ્યાર્થીઓના શિક્ષણેતર વિકાસ માટે શિબિરો કરવાની તકો – આમંત્રણો મળતાં ગયાં. એ સંબંધોનાં મૂળમાંથી ધીમે ધીમે શિવામ્બુ ચિકિત્સા, કુદરતી ઉપચાર, માનસિક સ્વાસ્થ્ય, કચ્છના ઇતિહાસ અને સાહિત્યનાં સંશોધનાત્મક દસ્તાવેજીકરણ જેવી અનેક પ્રવૃત્તિઓની પ્રશાખાઓ વિકસતી તેમ જ વિસ્તરતી ગઈ.

પ્રસ્તુત પુસ્તકમાં તેમની સાથે સંપર્કમાં આવેલા, વિવિધ ક્ષેત્રોનાં, ૧૩૫ જેટલા લોકોના તેમની સાથેના અનુભવોની વાત વિષયને અનુરૂપ ૭ ખંડોમાં વહેંચી નાખવામાં આવી છે.

¾ ‘વિશેષ પ્રીતિ વિદ્યાર્થીઓનીમાં’ દેશવિદેશમાં, પોતપોતાની અલગ અલગ કારકીર્દીઓ વિકસાવી ચૂકેલી વિદ્યાર્થીઓની વાતમાં તેમના શિક્ષણ અંગેના અનોખા પ્રાયોગિક અભિગમ ઉપરાંત, માર્ગદર્શક, શુભચિંતક અને મૈત્રીપૂર્ણ અભિગમ વિશેની ઝલક અનુભવાય છે.

¾ ‘ઉર્મિઓ ઉત્તમ કેળવણીકારોની‘માં મોતીભાઈ પટેલ, પી.જી.પટેલ, રતીલાલ બોરીસાગર, રમેશ દવે, રણછોડભાઈ શાહ, રમેશ સંઘવી જેવા શિક્ષણ અને કેળવણીનાં ક્ષેત્રમાં પ્રત્યક્ષ રીતે સંકળાયેલા તેમના સમકાલીન વડીલો/સાથીઓ/ સહયોગીઓએ હરેશભાઈને ‘કરકસરથી જીવતા કંજૂસ’ પણ ‘લક્ષ્ય સમર્પિત’ કર્મયોગી, ‘હાડે’ શિક્ષક તરીકે જોયા છે. વર્ગશિક્ષક તરીકે સેક્સ એજ્યુકેશન, ફિલ્મો કેમ જોવી જેવા તેમના પ્રયોગોની ખાસ નોંધ પણ તેમણે લીધી છે.

¾ ‘સંભારણાં સ્વજનો‘માં હરેશભાઈનાં પરિવારનાં તેમનાં માસી જેવાં વડીલ, પીતરાઈ ભાઈઓ / બહેન જેવા સમકાલીન અને તેમનાંથી સોળ વર્ષ નાનાં બહેન તેમ જ તેમનાં ભત્રીજી જેવાં વિવિધ ઉંમર અને ક્ષેત્રનાં સ્વજનોની નજરે હરેશભાઈની વ્યક્તિગત લાક્ષણિકતાઓ આપણી સમક્ષ ખુલે છે. તેમાં ખ્યાલ આવે છે કે દેખીતી રીતે પોતાના શિક્ષણ અને લેખનના વ્યવસાયને જીવનની સાર્થકતા માટે અગ્રતાક્રમે મૂકવાની સાથે સાથે તેઓ અપ્રત્યક્ષ જણાય તેવી રીતે કુટુંબ ભાવનાને પણ ન્યાય આપતા રહ્યા છે.

¾ ‘મતવ્યો મિત્રોનાં‘માં તેમના બાળપણ, શાળાજીવન અને તે પછીના સમયકાળમાં વિકસેલા મૈત્રીસંબંધોમાં મિત્ર તરીકેનાં હરેશભાઇના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઝીલાયાં છે.

¾ તે ઉપરાંત પરિશિષ્ટમાં હરેશભાઈનાં શિક્ષણ અને સાહિત્યજીવન તેમજ શિવામ્બુ પદ્ધતિ, શ્રી વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (માંડવી -ક્ચ્છ), શ્રી વિજયરાજજી લાયબ્રેરી (ભૂજ -ક્ચ્છ) પુનઃનિર્માણ, ક્ચ્છ ડેવલપમેન્ટ કાઉન્સિલ જેવી સંસ્થાઓ સાથેની પ્રવૃત્તિઓ સહિત અન્ય પ્રવૃત્તિઓનો પરિચય મળી રહે તે મુજબના લેખો / વાર્તાલાપો અને તેમનાં પ્રકાશિત ૧૬૦ પુસ્તકોની સૂચિ જેવી સામગ્રી આવરી લેવાઈ છે.

કોઈ એક વ્યક્તિના જીવનના ખાસ પ્રસંગને અનુલક્ષીને જ્યારે આ પ્રકારની કોઈ પરિયોજના સાકાર થાય તેમાં કાંઇક અંશે એકતરફી ગુણગાનનું પ્રમાણ વધારે હોય તેવું જોવા મળતું હોય છે. પરંતુ,‘વહાલનું અક્ષયપાત્ર’માં વાંચવા મળતી રજૂઆત મોટા ભાગે જેમને પધ્ધતિસરનાં લેખન સાથે દૂર દૂરનો સંબંધ નથી એવી વ્યક્તિઓની અનુભવોક્તિઓ હોવાને કારણે બહુ સહજ અને આત્મીય બની રહી છે.

પુસ્તકનું સંકલન તેમના વિદ્યાર્થી વીરેન શેઠ અને વીરેનનાં પત્ની જીના શેઠે એટલી ચીવટ, મહેનત, લગન અને ભાવથી કર્યું છે કે પુસ્તકની કોઈ સ્થૂળ કિંમત જ નથી રખાઈ. આમ ખરા અર્થમાં આ પુસ્તક બન્ને સંપાદકોની તેમના ગુરુ-મિત્ર-વડીલ હરેશ ધોળકિયા પ્રત્યેનાં ઋણસ્વીકાર અને તેના કરતાં પણ વધારે તો જીવનમાં એક ‘અતિ ઉત્તમ વ્યક્તિ’ મળ્યાની “અમૂલ્ય” પ્રસન્નતાને વહેંચવાની ભાવનાને મૂર્ત કરે છે.

+ + + +

આ થયો પુસ્તકપરિચય. પણ આ પુસ્તક મળ્યા પછી પુસ્તકમાં નથી સમાવાયો એવો એક પ્રતિભાવ મળ્યો. એ પ્રતિભાવ પણ હરેશભાઈની આ પુસ્તક થકી ઉપસેલી ઓળખને સમર્થન આપે એવો છે. ‘વેબગુર્જરી’ના એક સંપાદક દીપક ધોળકીયાનો પ્રતિભાવ અહીં એમના જ શબ્દોમાં:

આમ તો હરેશ ધોળકિયા વિશેનું પુસ્તક હાથમાં આવ્યું તે જ રાતે બે વાગ્યા સુધીમાં મેં લગભગ, એટલે કે નેવું ટકા, વાંચી લીધું હતું પણ ચોવીસ કલાકથી પણ ઓછા સમયમાં આટલું દળદાર પુસ્તક વાંચી લીધું હોય એમ કોઈ માને નહીં. પુસ્તક વિશે લખવાનો વિચાર તો ત્યારે જ થયો, પણ બે દિવસ કાઢી નાખવામાં ડહાપણ દેખાયું.

ભાઈ હરેશને કંઈ નહીં તો પચાસ વર્ષથી જાણું છું. ‘જાણું છું’ એમ અધિકારપૂર્વક કહી શકાય એ ઉંમરથી પણ પહેલાં એમને જાણતો હતો પણ હું માત્ર જુવાની શરૂ થઈ ત્યારના દિવસોની વાત કરું છું. સાચું કહું તો, હું કે એ, અમે એકબીજાને જાણતા જ નહોતા. મારા કરતાં અઢી વર્ષ મોટા અને ધીરગંભીર એવા કે અઢી ગુણ્યા દસ વર્ષ મોટા લાગે. આંખ સામે તરવરે છે તે હરેશ પેંટ અને ટૂંકી બાંયના બુશ શર્ટવાળા (ચોકઠાંની ડિઝાઇનનું બ્લૂ બુશ શર્ટ), પગમાં હવાઈ ચંપલ અને આખો રસ્તો ખાલી હોય તેમ કોઈની સામે જોયા વિના જતા હરેશ છે. સાઇકલ પર પણ જોયા છે અને પછી બહેન દર્શનાને હંમેશાં સાથે ફરવા લઈ જતા હરેશ દેખાય છે. (દર્શનાને બગાડવામાં એમનો ફાળો બહુ મોટો છે). આમ પણ ભુજ કંઈ બહુ મોટું નહીં. એમાંય નાત પ્રમાણે રહેણાક. નાગર ચકલો, બ્રહ્મપુરી, વાણિયાનો વંડો, સલાટપાડો, સોનીવાડ, ખત્રીચકલો, સેજવાળા માતમ (સેજ એટલે તાજિયા અને માતમ એટલે ખરખરો. પણ અમે કચ્છીઓએ એને જ ફળિયાનું નામ બનાવી નાખ્યું). પણ હરેશભાઈ થોડા દૂર (દૂર એટલે દૂ…ર નહીં!) રહે – ઘોર નાગરોની પાસે નહીં પણ જરાક બે હાથના અંતરે. ન્યૂ મિંટરોડ પર વેજનાથ શેરીની સામે, બિસ્કિટિયા ગરબીના ચોક પાસે. આજે પણ ત્યાં જ રહે છે.

માફ કરજો. જરાય ઇમ્પ્રેસ ન થવાય. ક્યારેક બોલવાનું થયું હોય તો ભારેખમ અવાજમાં બોલે, ‘હસવું નહીં’ એવી પ્રતિજ્ઞા સાથે જન્મ્યા હોય એવું લાગે. આ માણસ? “આપણા જેવો” નહીં!! એમના મોટાભાઈ સુધાકરભાઈ જુદા. સાઇકલ તો એય ચલાવતા, સાદાં કપડાં તો એમનાં પણ હતાં. પણ બોલે ત્યારે ‘ન ગમતા’ માણસ સાથે બોલે છે, એવું તો ન લાગે!

પછી જ્યારે હરેશ સ્વામીનારાયણ હાઈસ્કૂલમાં જોડાયા એ સમાચાર મળ્યા ત્યારે પણ થયું કે ‘માસ્તરું’ તો એમના અંગેઅંગમાં ભર્યું છે તો બીજું કરે પણ શું! જો કે એમ નથી કે એમનાં અદ્‌ભુત વૈચારિક પરાક્રમોના કોઈ સમાચાર પહેલાં નહોતા મળતા, પણ એમ કે, “ઠી…ક છે…” પણ તે પછી સ્વામીનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ક્યારેક વાત થાય ત્યારે આઘાતજનક સમાચાર મળે કે સૌથી સારા ‘સાહેબ’ તો ધોળકિયા સાહેબ….! એ…મ? (કંઈ પણ લેવાદેવા વગર જ આપણો અહં ઘવાય તેને ઈર્ષ્યા કહેવાય, એ જ્ઞાન લાધતાં તો બીજાં ત્રીસ વર્ષ લાગી જાય).

સ્કૂલમાં પાણીથી ઠાંસીને ભરેલું વાદળું વરસે તેમ એ વિદ્યાર્થીઓ પર મન મૂકીને વરસ્યા. જાણે બારે મેઘ ખાંગા થયા. ધોળકિયા સાહેબે જેમને ભીંજવ્યા તે હજી પણ પલળેલા જ છે. એમના આ વિદ્યાર્થીઓને કહેશો કે ભાઈ, હવે ડીલ લૂછી નાખો, ટાઢ ચડી જશે, તો મારો ખ્યાલ છે કે એ બધા કોરસમાં કહી દેશે, “ હરિના જન તો માગે ન મુક્તિ, માગે જનમોજનમ અવતાર રે” આ પુસ્તકમાંથી એ સતત સંભળાયા કરે છે.

એટલે જ મેં પુસ્તકમાં સૌ પહેલાં ‘છોકરા-છોકરીઓ’નાં લખાણો વાંચ્યાં. એક્કેએક. સાચું કહું છું. બધાંને માથે વાળમાં હાથ ફેરવીને તપાસ્યું કે હજી હરેશના વરસવાથી ભીનાં છે કે નહીં. ખલાસ. બધાં જ ભીને શરીરે બેઠાં છે…! આટલાં વર્ષો પછી પણ એક શિક્ષકને આ રીતે (‘આ રીતે’ બોલ્ડ, ઇટૅલિકમાં અને અંડરલાઇન સાથે વાંચજો) યાદ કરવાનું સૌભાગ્ય આપણામાંથી કેટલાને મળ્યું હશે? આ પુસ્તક વાંચ્યા પછી મને આ વિદ્યાર્થીઓની અદેખાઈ થાય છે. કોઈ એક શિક્ષક, અને એક જ શિક્ષક, આટલો બધો પ્રભાવ પાડી શકે? આ તે શિક્ષક કે ‘અગનપંખ’? જ્યાં અડક્યો ત્યાં આગ લગાડી!

વિદ્યાર્થીઓ પરના એમના જાદુનું રહસ્ય એક વાર જાતે જ સમજાયું. એક વિદ્યાર્થીએ પોતાનો અનુભવ લખ્યો જ છે અને એનો હું સાક્ષી છું. એ વિદ્યાર્થીને નાણાકીય મદદ મળે અને ઍડમિશન માટે જાતે જ અમદાવાદ લઈ ગયા તેનો હું સાક્ષી છું. આ ઘટના સાથે જ હું એમની સમક્ષ નતમસ્તક થઈ ગયો. ગાંઠના ગોપીચંદન ખર્ચે એવો કોણ? ઘર બાળીને તીરથ કરનારા તો કદાચ દસ હજારમાં એક મળી જશે, પણ ઘર બાળીને તીરથ કરાવનારા કેટલા મળશે? એકાદ હરેશ ધોળકિયા જ હશે! એમના વિદ્યાર્થીઓ ક્યાં સુધી પહોંચ્યા છે તે જોઈને પ્રભાવિત થવાય એવું છે. કચ્છના નાના ગામથી માંડીને સિલિકૉન વૅલી સુધી હરેશે પોતાનો અડ્ડો જમાવ્યો છે. અરે, હૉસ્પિટલમાં જાઓ તો પણ એમનો શિષ્ય મળી જાય.

આ પુસ્તક વાંચો તો પરિવારજનોના લેખો જરૂર વાંચજો. તેમાં પણ કિશોરબાળાબેન વૈષ્ણવ (માસી)નો લેખ જરૂર ચૂકજો નહીં, એમાંથી શિક્ષક સિવાયના હરેશ મળશે.

હરેશ ધોળકિયા શિક્ષક શબ્દનો પર્યાય છે. મન, વચન અને કર્મથી રોમેરોમ શિક્ષક હોય તેવા વીરલા કોક.


વહાલનું અક્ષયપાત્ર – પૃષ્ઠ સંખ્યા ૧૬+૪૨૪

સંપાદકો – વીરેન શેઠ, જીના શેઠ

પ્રકાશકઃ સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવા – ફોન +૯૧ ૭૯ ૨૧૧૫૦૯૦૩

કિંમત – સંપાદકોના સૌજન્યથી, સહૃદયી સ્વજનોને સપ્રેમ

+ + + +

શ્રી વીરેન શેઠ / જીના શેઠનાં સંપર્કસૂત્રો

સેલ ફોન+ ૯૧૭૪૦૫૦૭૪૧૪૦ | ઈ-મેલઃvirenssheth@hotmail.com

શ્રી હરેશ ધોળકીયાનાં સંપર્ક સૂત્રો

નિવાસ સ્થાન – ન્યુ મિન્ટ રોડ, ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧

ફોન +૯૧૨૮૨ ૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.