ટાઈટલ મ્યુઝીક : (૨૭) રફ્તાર (૧૯૭૫)

બીરેન કોઠારી

એવો પણ સમય હતો કે અખબારોમાં ફિલ્મની જાહેરખબર માટે આખેઆખું પાનું ફાળવવામાં આવતું. જો કે, તેમાં અમદાવાદનાં થિયેટરોમાં ચાલતી ફિલ્મો વિશે જ જાણવા મળતું. આ જાહેરખબરોના ત્યારે તો કદાચ બ્લૉક બનતા હશે અને એ રીતે તે છપાતી હશે, પણ હિન્દી, ગુજરાતી કે અંગ્રેજીની ટાઈપોગ્રાફીમાં લખાયેલાં ફિલ્મનાં નામ જોવાં મને બહુ ગમતાં. કદાચ પાંચમા કે છઠ્ઠા ધોરણમાં મારા સહાધ્યાયી સુનિલ જાદવાણી સાથે મળીને અમે એક નવી પ્રવૃત્તિ શરૂ કરેલી. ગણિતની (કોરી) નોટનું પાનું લેવાનું અને તેમાં આડું (આજની ભાષામાં કહીએ તો ‘લેન્ડસ્કેપ’માં) જે તે ફિલ્મનું નામ લખવાનું. પણ આ નામ અદ્દલ એ જ ટાઈપોગ્રાફીમાં લખવાનું, જે મૂળ ફિલ્મનું હોય. વચ્ચોવચ મોટા અક્ષરે ફિલ્મનું નામ હોય, અને તેની આસપાસ અન્ય વિગતો, જેમાં ગીતકાર-સંગીતકાર કે કલાકારોનાં નામ હોય. સાથે અખબારમાંથી કાપેલી એ ફિલ્મની જાહેરખબરમાંથી તેના કલાકારોની તસવીર પણ ચોંટાડતા. એક રીતે જોઈએ તો એ આખી ફિલ્મના પોસ્ટરનું મીનીએચર હોય એવું લાગતું. ગીત માટે ‘લીરીક્સ’ શબ્દ ત્યારે પહેલવહેલો જાણેલો. એ વખતે કોઈ ગીતના શબ્દો બહુ સારા હોય તો એમ કહેવાતું કે ‘એના વર્ડીંગ મસ્ત છે.’ આ રીતે અમે ઘણી ફિલ્મોનાં નામ લખેલાં. (સુનિલ જાદવાણીએ આગળ જતાં ‘એચ.એમ.વી.ની કેસેટ્સની એજન્સી લીધેલી, અને રિલીફ રોડ પર દુકાન પણ રાખેલી.)

ફિલ્મો જોવા માટે ભૌગોલિક રીતે અમને અમદાવાદ કરતાં નડીયાદ વધુ અનુકૂળ પડતું. ફિલ્મ જોવા અમદાવાદ જવાનું હોય તો લગભગ આખો દિવસ નીકળી જતો. સવારની 8.40 ની લોકલ મહેમદાવાદથી પકડીએ તો એ દસ-સવા દસની આસપાસ કાલુપુર ઉતારે. ત્યાંથી ચાલતા રિલીફ રોડ કે ઘીકાંટા વિસ્તારમાં જઈએ અને ફિલ્મની ટિકિટ લઈએ એ પછી બાર-સાડા બારના શોમાં ફિલ્મ જોઈએ. ત્રણ-સાડા ત્રણે ફિલ્મ પતે એટલે ચાલીને કાલુપુર સ્ટેશને આવવાનું, અને 4.40ની લોકલ પકડવાની, જે સાડા પાંચે મહેમદાવાદ ઉતારે.

મુંબઈ રહેતા મારા પિતરાઈ ભાઈઓ કિશનભાઈ અને મયુરભાઈ મહેમદાવાદ આવે ત્યારે સામાન્ય રીતે બે-ત્રણ અઠવાડિયા રોકાતા. એ વખતે એકાદ વખત અમે અચૂક અમદાવાદ જઈને ફિલ્મ જોવાનો કાર્યકમ બનાવતા. અમદાવાદ જવાનું હોય ત્યારે સાથે કોઈક પરિચીત હોય એ ઈચ્છનીય રહેતું. કઈ ફિલ્મો ચાલે છે અને એમાંથી કઈ જોવાલાયક છે તે નક્કી કરવાની કવાયત બે-ત્રણ દિવસ અગાઉ શરૂ થઈ જતી, જેમાં મારું પ્રદાન શૂન્યવત રહેતું. મને તો થિયેટરમાં ફિલ્મ જોવા મળે એ જ પૂરતું હતું. અમુકથી વધુ કલાકારોને હું જાણતો નહોતો. એ ક્રમમાં એક વાર અમે સૌએ અમદાવાદ જવાનું નક્કી કર્યું. આ વાત આશરે 1975-76ની હશે. ‘કઈ ફિલ્મ જોવી’ એની મથામણ ચાલી, પણ એવી કોઈ ફિલ્મ પર પસંદગી ન ઢળી. આમ છતાં, અમદાવાદ જવું અને ફિલ્મ જોવી એ નક્કી જ હતું. આખરે એક ઓછી જાણીતી, છતાં નવી ફિલ્મ પર પસંદગીનો કળશ ઢોળાયો. એ ફિલ્મ હતી ‘રફ્તાર’, જે ‘લાઈટહાઉસ’ સિનેમામાં ચાલતી હતી. ઉર્વીશ ત્યારે સાવ નાનો હતો, એટલે કિશનભાઈ, મયુરભાઈ અને મારે જવાનું નક્કી થયું. અમારા વાલી તરીકે અમારા કૌટુંબિક સભ્ય બની ગયેલા અમારા શિક્ષક પાઉલભાઈ સાહેબ આવે એમ ગોઠવાયું. પાઉલભાઈ ફિલ્મોના, ગીતોના જબરદસ્ત શોખીન હતા. તેમણે બહુ પ્રેમથી, હસતા મુખે આ જવાબદારી સ્વીકારી. (પાઉલભાઈની એ ખાસિયત હતી કે કોઈ પણ જવાબદારી તેઓ હસતા મુખે સ્વીકારી લેતા.)

નક્કી થયા મુજબ, અમે સૌ અમદાવાદ ઊપડ્યા. ‘લાઈટ હાઉસ’માં ટિકિટ તો ‘આરામથી’ (આ બમ્બૈયા શબ્દપ્રયોગ છે) મળી ગઈ, પણ થિયેટરમાં પ્રવેશ્યા પછી ફિલ્મ શરૂ થઈ ત્યારે ત્યાંના પંખાની વ્યવસ્થા જોઈને મારા મુંબઈગરા પિતરાઈઓ અકળાઈ ઊઠ્યા. ‘આવું તે કંઈ થિયેટર હોય?’ના ઉદગારો કાઢતા કાઢતા તેઓ ફિલ્મ જોવા લાગ્યા.

મને ફિલ્મની કથામાં ખાસ સમજણ નહોતી પડતી, પણ વિલન આવે અને હીરોને ફટકારે ત્યારે હું ધ્રુજી ઉઠતો. ફિલ્મમાં લાંબા વાળ અને દાઢીમૂછ ધરાવતા એક કાકા દેખાતા અને બેઠક પર લંબાઈને બેસીને વાયોલિન વગાડતા વગાડતા એક ગીત ગાતા. (પછી ખબર પડી કે એ મદન પુરી હતા) એ ગીત મને યાદ રહી ગયેલું. ફિલ્મમાં વિનોદ મહેરા અને મૌસમી ચેટરજી ઊપરાંત ડેની પણ હતા. ડેની આખી ફિલ્મમાં વિનોદ મહેરાની સામેની પાર્ટીમાં હોય છે, પણ છેલ્લે કોઈક એવો ટ્વીસ્ટ આવે છે કે બન્ને વચ્ચે કંઈક સગપણ નીકળે છે. ક્લાઈમેક્સના એક દૃશ્યમાં એક નાના બાળકને દોરડા વડે ઊંધું લટકાવવામાં આવ્યું હોય છે, અને નીચે તાપણી કરેલી હોય છે. આ જોઈને હું એટલો ગભરાઈ ગયો કે મને થયું આ છોકરું ગયું. એવામાં કાયમ સામસામા રહેતા ડેની અને વિનોદ મહેરાની એન્ટ્રી થાય છે, અને દોરડું તૂટતાં બાળક નીચે પડે એ સાથે જ બન્ને જણ તેને એ રીતે ઝીલી લે છે કે તે આગથી સહેજ જ ઉપર રહે. આ જોઈને મારા જીવમાં જીવ આવ્યો, પણ એ ન સમજાયું કે પેલા બન્ને એક કેમ થઈ ગયા. પાઉલભાઈએ કહ્યું: ‘હવે તેઓ સાળો-બનેવી થયા ને!’ જો કે, મને ‘સાળો’ એટલે શું અને ‘બનેવી’ એટલે શું એ ખબર ન પડી.

(મનોહરલાલ – ઓમપ્રકાશ સોનિક)

મહેમદાવાદ પાછા આવ્યા પછી ઘણા મિત્રો કે સ્નેહીઓ પૂછતા કે ‘કાલે કયું પિક્ચર જોઈ આવ્યા?’ અમને જવાબ આપતાં ભારે પડી જતું. કેમ કે, ‘રફ્તાર’નું નામ જ કોઈએ નહીં સાંભળેલું. કાળિયાકાકા (એ પણ એક ગજબ કેરેક્ટર છે, જેમની વાત ફરી ક્યારેક)ને ફિલ્મનું સાચું નામ સમજાવતાં મારે નાકે દમ આવી ગયેલો. ‘રસધાર’, ‘રસદાર’ વગેરે પરથી માંડ એમને ‘રફ્તાર’ બોલતા કર્યા, ત્યારે એમણે છેલ્લે કહ્યું, ‘એવું કેવું નામ?’

(

(‘રફ્તાર’ની એલ.પી.નું કવર)

1975માં રજૂઆત પામેલી એસ.આઈ.શિવદાસાની નિર્મીત, દીનેશ રમણેશ દિગ્દર્શીત ફિલ્મ ‘રફ્તાર’માં વિનોદ મહેરા, મૌસમી ચેટરજી, ડેની, મદન પુરી, રણજીત જેવા કલાકારો હતા. વર્મા મલિક, અભિલાષ અને ઓમકાર વર્માએ તેમાં ગીતો લખેલાં, જેની કુલ સંખ્યા પાંચ હતી. ‘મૈં તેરી હીર હૂં’ (રફી, આશા), ‘યે કૈસી લગી અગન’, ‘સંસાર હૈ એક નદીયા’ (મુકેશ, આશા), ‘નારી જીવન ભી ક્યા જીવન’ (આશા), અને ‘લૂટા હૈ તૂને મુઝે’ (આશા). સંગીતકાર હતા સોનિક-ઓમી.
આ જોડી વિશે અગાઉ વિગતે લખેલું છે, તેથી અહીં માત્ર એટલું જ જણાવવાનું કે મનોહરલાલ સોનિક અને ઓમપ્રકાશ સોનિક કાકા-ભત્રીજા હતા. મનોહરલાલ અંધ હતા. આ જોડીનાં ગીતો મને કંઈક જુદાં લાગ્યાં છે. કોણ જાણે કેમ, પણ તેમના સંગીતમાં રફીસાહેબનો અવાજ મને ખાસ પસંદ નથી આવતો. (‘રફ્તાર’નું ‘મૈં તેરી હીર હૂં’ ગીતમાં છે એ પ્રકારનો). તેમના ઘણા સંગીતબદ્ધ ગીતોમાં ‘સોણિયે’, ‘હીરયે’ જેવા શબ્દો આવતા રહે છે.

(ગીતકા અભિલાષ અને વર્મા મલિક)

‘રફ્તાર’નાં ગીતોમાં ‘સંસાર હૈ એક નદીયા’ એક આગવી છાપ છોડી જાય છે અને મુકેશના સ્વરની સાથે વાયોલિનનો સૂર ઘેરી કરુણતા ઊભી કરે છે. એ સિવાયનાં ગીતો સાવ સામાન્ય છે.
અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં ટાઈટલ મ્યુઝીક  0.12 થી શરૂ થાય છે. તંતુવાદ્યવિભાગથી ઉઘાડ થયા પછી 0.21 થી તાલ ઉમેરાય છે. 0.30 થી ગિટાર પ્રવેશે છે. તેજ લયમાં ધૂન આગળ વધે છે, જેમાં તંતુવાદ્યવિભાગ પણ સમયાંતરે સંભળાય છે. 0.53 થી ટ્રમ્પેટ પર ‘મૈં તેરા યાર હૂં’ની ધૂન શરૂ થાય છે, જે પછી તંતુવાદ્યો પર પુનરાવર્તિત થાય છે. 1.35 પર આખી ટ્રેકનું સમાપન થાય છે.

નવાઈ લાગે એવી વાત છે કે ટાઈટલ મ્યુઝીકમાં ‘સંસાર હૈ એક નદીયા’ જેવા દમદાર ગીતને બદલે આવા સામાન્ય ગીતની ધૂન શાથી લીધી હશે? કેમ કે, આજે કદાચ ફિલ્મનું એક માત્ર ગીત સંગીતરસિકોને ખ્યાલ હશે તો આ હશે.

અહીં 0.12 થી 1.35 સુધી આ ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.

(તમામ તસવીરો નેટ પરથી અને લીન્‍ક યૂ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

1 thought on “ટાઈટલ મ્યુઝીક : (૨૭) રફ્તાર (૧૯૭૫)

  1. સરસ લેખ અને રફતારના પોસ્ટર માટે આભાર.
    ફીલમી ગાયનો બાબતે તમે જે કઇ લખો છો તેમાં ખાસ ખબર નથી પડતી પણ… તમારા આ પ્રકારના લેખોની શરૂઆતના ફકરાઓમાં મારું બાળપણ દેખાય છે. શરૂઆતના ફકરાઓ માત્ર મારા માટે લખાયેલ હોય તેમ લાગે છે.
    વાંચીને આનંદ થાય છે.
    તમને શુભેચ્છાઓ…

Leave a Reply

Your email address will not be published.