ફિર દેખો યારોં : સફાઈ કામદાર: જીવતો કોડીનો, મરે તો એટલો પણ નહીં

બીરેન કોઠારી

‘ગ્રામ્ય અને શહેરી વિભાગ વચ્ચે સાવ પાતળી ભેદરેખા રહે એ રીતે દેશના તમામ ભાગ વિકસીત બનશે.’ ‘ઊર્જા અને ગુણવત્તાયુક્ત પાણીની સમાન વહેંચણી અને પૂરતી સુલભતા હશે.’ ‘કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્ર હળીમળીને પરસ્પર સંવાદિતામાં કામ કરશે.’ ‘સામાજિક કે આર્થિક ભેદભાવને કારણે મૂલ્યપ્રણાલિવાળું શિક્ષણ તેજસ્વી વિદ્યાર્થીઓની પહોંચ બહાર ન હોવું જોઈએ.’ ‘વિશ્વભરના સૌથી પ્રતિભાવંત વિદ્વાનો, વિજ્ઞાનીઓ અને રોકાણકારો માટે આ રાષ્ટ્ર શ્રેષ્ઠ સ્થાન બની રહે.’ ‘દેશના તમામ નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી શ્રેષ્ઠ સેવાઓ ઉપલબ્ધ હોય.’ ‘રાષ્ટ્રનું શાસન પ્રતિભાવશીલ, પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત હોય.’ ‘એવું રાષ્ટ્ર કે જેમાં ગરીબી સાવ નેસ્તનાબૂદ થયેલી હોય, નિરક્ષરતા નાબૂદ થયેલી હોય, મહિલાઓ અને બાળકો સાથે થતા અપરાધ ગેરહાજર હોય, અને સમાજમાં કોઈ પણને અલગતા ન અનુભવાય.’ ‘એવું રાષ્ટ્ર કે જે સમૃદ્ધ, સ્વસ્થ, સલામત, ત્રાસવાદમુક્ત, શાંતિપૂર્ણ અને સુખી હોય તેમ જ સતત વિકાસના પથ પર ગતિશીલ હોય.’ ‘એવું રાષ્ટ્ર કે જે નિવાસ માટેનું શ્રેષ્ઠ સ્થાન હોય અને તેના નેતૃત્વ બાબતે ગર્વ અનુભવતું હોય.’

આવાં દસ ધ્યેયો એક સમયના વિદ્વાન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આઝાદે ‘વિઝન 2020’ અંતર્ગત આપણા દેશ માટે વહેતાં મૂકેલાં. વર્ષ હતું 2002નું. એ વાતને અઢાર વર્ષ વીત્યાં. એ સમયે જે નજીકનો ભવિષ્યકાળ લાગતો હતો એ હવે 2020નું વર્ષ શરૂ થતાં ચાલુ વર્તમાનકાળ બની ચૂક્યો છે. હવે આ ધ્યેયોથી આપણે કેટલાં નજીક પહોંચ્યા છીએ એ નક્કી કરવા માટે કોઈ સરકારી ઘોષણાની રાહ જોવી જરૂરી લાગે છે? ગાંધીજીએ સાવ છેવાડાના માણસના ઉદયનું લક્ષ્ય સેવેલું, જેમાં આપોઆપ સમાજના સર્વ લોકોનો વિકાસ આપોઆપ જ સમાવિષ્ટ હોય. એ રીતે વર્તમાન યુગમાં વિકાસની વ્યાખ્યાને કોઈ એક જ મુદ્દામાં આવરી લેવાની હોય તો કહી શકાય કે જ્યાં સુધી ગટરને સાફ કરવા માટે તેમાં સફાઈ કામદારને ઊતરવું પડશે ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્ર ગમે એટલું વિકસીત હોય, એ પછાત જ ગણાવું જોઈએ.

ગયે વર્ષના જૂનમાં વડોદરા પાસેના ડભોઈની એક હોટેલનો ખાળકૂવો સાફ કરવા માટે ઊતરેલા સાત લોકોનું ગૂંગળામણથી અપમૃત્યુ થયું હતું. આ મામલે પોલિસ દ્વારા એક અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો. ત્યાર પછી ‘રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ’ દ્વારા આ મામલો હાથ પર લેવાયો હતો. સાત મૃતક પૈકીના ચાર સફાઈ કામદારો હતા, જ્યારે ત્રણ જણ હોટેલના કર્મચારીઓ હતા. સાત મૃતકમાંથી છ અનુસૂચિત જાતિ/જનજાતિના હતા, જેમનાં પરિવારજનો યા વારસદારને સવા આઠ લાખ જેટલી રકમ મૃતક દીઠ વળતર પેટે ચૂકવવામાં આવી હતી. આમાંના ચાર ચાર લાખ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી અને બબ્બે લાખ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તરફથી ચૂકવવામાં આવ્યા હતા. પૂરતું નાણાકીય વળતર મળી ગયું હોવાથી હવે પંચની દરમિયાનગીરીની જરૂર રહેતી ન હોવાથી આ કેસને હવે બંધ થયેલો જાહેર કરવામાં આવ્યો છે.

દરમિયાન જાહેર હિતની અરજીની એક અરજીની સુનવણીના સંદર્ભે ગુજરાત રાજ્યની વડી અદાલતે માનવમળના વહન પર પ્રતિબંધ મૂકતા 2013ના કાયદાના અમલ બાબતે રાજ્યે કરેલી પ્રગતિ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

ડભોઈની હોટેલમાં થયેલા મૃત્યુ માટે સરકારને જવાબદાર ગણવી કે નહીં એ અલગ વાત છે, પણ આ પ્રથા હજી પણ અમલમાં છે એ બાબતે ઈન્કાર થઈ શકે એમ નથી. સરકારી એકમોમાં પણ આ પ્રથા પ્રત્યક્ષ નહીં, તો પરોક્ષ રીતે અસ્તિત્ત્વ ધરાવે છે એ હકીકત છે. મહાનગરપાલિકાઓમાં સફાઈના તંત્ર સાથે મોટે ભાગે હંગામી કર્મચારીઓ સંકળાયેલા હોય છે, જેથી તંત્રની સીધી જવાબદારી તેમાં બનતી નથી, બલ્કે તેના કંત્રાટી પર એ જવાબદારી નાખવામાં આવે છે. ચાહે સરકારી કે ખાનગી, પણ એક જીવતાજાગતા માણસને ગટરમાં ઊતરવું પડે એ બાબત જ કેટલી ઘૃણાસ્પદ છે! જીવન ટકાવી રાખવાની મજબૂરી કઈ હદે હોય ત્યારે આ કામ કોઈ પણ સ્વીકારે! અલબત્ત, આમાં કેવળ જીવન ટકાવવાની મજબૂરી ઉપરાંત ચોક્કસ જાતિસમૂહના લોકોના માથે આ કામ મારવામાં આવ્યું હોવાની હકીકત સૌથી ગંભીર છે. આ હકીકત સાથે ટકરાવાથી કલામસાહેબે સેવેલાં વાસ્તવદર્શી સપનાંઓનો ભૂક્કો બોલી જાય છે.

માત્ર કડક કાયદા ઘડી કાઢવાથી કશું થતું નથી. તેનો ચુસ્ત અમલ ન થાય કે તેની યોગ્ય ધાક ન બેસે તો ઉપરથી તે ભ્રષ્ટાચાર માટેની વધુ એક બારી ખોલી આપે છે. બુલેટ ટ્રેન આવે કે મેટ્રો રેલ, માનવગરિમાનું હનન કરતી આ પ્રથા સદંતર નાબૂદ ન કરી શકે એ ટેક્નોલોજી વ્યર્થ છે. કેવળ રાષ્ટ્ર નહીં, રાષ્ટ્રના નાગરિકો પણ એટલા જ પછાત ગણાય, કેમ કે, આ મુદ્દો કેવળ રોજગારલક્ષી નથી, બલ્કે ચોક્કસ જાતિસમૂહને કરવા પડતા આવા કામ અંગે છે. જેટલી જવાબદારી શાસકોની છે એટલી જ જવાબદારી આમાં નાગરિકોની પણ છે. મૃતકને વળતર ચૂકવાઈ જાય એટલે કેસ કદાચ પૂરો થઈ જતો હશે, પણ મુદ્દો અને માનસિકતા ઊભાં જ રહે છે.

સામાજિક ન્યાય અને સશક્તીકરણના રાજ્ય કક્ષાના મંત્રી રામદાસ આઠવલે દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર 1993 અને 2019 વચ્ચે ગુજરાતમાં થયેલા સફાઈ કામદારોના મૃત્યુના 130 કિસ્સાઓમાંથી માત્ર 50 કિસ્સાઓમાં બધું મળીને દસ લાખનું ફરજિયાત વળતર ચૂકવાયું છે, અને 15 કિસ્સાઓમાં અંશત: વળતર ચૂકવાયું છે. 44 કિસ્સાઓમાં કોઈ વળતર ચૂકવાયું નથી. આપણી શાસનપદ્ધતિની શૈલી અનુસાર સમજી શકાય એમ છે કે મૃત્યુના કિસ્સા 130 કરતાં વધુ હશે. પણ આ આંકડાને સાચો માનીએ તોય પરિસ્થિતિની ગંભીરતા સમજી શકાશે. કલામસાહેબનું ‘વિઝન 2020’ ક્યારે સાકાર થાય છે એ જોવાનું રહે છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૪-૨-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ: અહીં લીધેલ સાંકેતિક તસ્વીર નેટ પરથી સાભાર લીધેલ છે.

Author: admin

Leave a Reply

Your email address will not be published.