શબ્દસંગ : એક સર્જકની રણની તરસ અને ઊંટ

‘વેબ ગુર્જરી’ સહર્ષ શ્રી નિરૂપમ છાયાની નવી લેખમાળા ‘શબ્દ સંગ’ રજૂ કરી રહી છે. નિરૂપમ છાયાના આ પહેલાં વેબ ગુર્જરી પર શિક્ષણની વાટે અને શિક્ષણ ચેતના જેવા વિષયોને લગતા લેખો થકી આપણને પરિચિત છે.

આ ‘શબ્દસંગ’ શ્રેણી શબ્દ એટલે કે સાહિત્ય અને તેના આરાધકો, સાહિત્યકારો, ઘટનાઓ, વગેરે માટેની વ્યાપકપણે સંવાદભૂમિ બની રહે એવો નિરૂપમભાઈનો આશય છે. મૂળે તો દિવ્યભાસ્કરની કચ્છની આવૃત્તિ કચ્છના વાચકોને વધુ પોતીકી લાગે અને કચ્છની સુગંધ પણ એમાં વરતાય એટલે પીઢ પત્રકાર કીર્તિભાઈ ખત્રીનાં માર્ગદર્શન હેઠળ દરરોજ વિશેષ ચાર પાનાંની પૂર્તિ ‘કચ્છભાસ્કર’ શરૂ કરવામાં આવી. એને આવકાર મળતાં જ બુધવારની ‘કળશ’ પૂર્તિમાં એક પાનું કચ્છ માટે જ વિશેષપણે ફાળવવામાં આવ્યું. કીર્તિભાઈના પ્રયત્નોથી એમાં વિવિધ વિષયની નિયમિત કોલમનો આરંભ કરવામાં આવ્યો એમાં ‘સાહિત્ય’ એ શીર્ષક હેઠળની એક કોલમ લખવાનું નિરૂપમભાઈને ફાળવવામાં આવ્યું. આમ તો એમાં સ્વાભાવિક છે કે કચ્છનો જ સંદર્ભ હોય. પણ વેબગુર્જરી માટે કચ્છ બહારના લોકોને પણ રસ પડે એ હેતુસર એ કોલમના કેટલાક અન્ય લેખો સાથે ‘શબ્દસંગ’ શ્રેણીનું ફલક વિશાળ રહેશે.

‘શબ્દસંગ’ લેખમાળા માટે શ્રી નિરૂપમ છાયાનાં આ યોગદાનને વેબ ગુર્જરી સાભાર આવકારે છે.

‘શબ્દસંગ’ લેખમાળા દર મહિનાના પહેલા અને ત્રીજા બુધવારે પ્રકાશિત થશે.

– સંપાદક મંડળ – વેબ ગુર્જરી


એક સર્જકની રણની તરસ અને ઊંટ

નિરુપમ છાયા

કચ્છનું ભૌગોલિક, પ્રાદેશિક, સાંસ્કૃતિક, સામાજિક એમ અનેક રીતનું વૈવિધ્ય રહેલું છે. આ વૈવિધ્ય, આ પ્રદેશના લોકોના જીવનનાં દરેક પાસામાં વરતાય છે અને ઉપર તરી આવે છે. તો સાહિત્ય પણ આમાં કેમ બાકાત રહી જાય? અહીંના સર્જકોની રચનાઓમાં આ બાબત સ્પષ્ટ દેખાય છે. આપણા આવા જ , ગુજરાતી સાહિત્યના ગણમાન્ય સર્જક વીનેશ અંતાણી પણ અળગા ન જ રહે ને? કચ્છ વિષયક વાર્તાઓ અને નિબંધો, ગદ્યખંડોનાં સંકલન “ધીણોધર સંભરન” નામથી વિવેક્ગ્રામ દ્વારા પ્રકાશિત પુસ્તક દ્વારા એનો આપણને ખ્યાલ મળે છે.

પુસ્તકના આમુખમાં વિનેશભાઈ કહે છે કે, “ કચ્છ મારી ભીતર ઠર્યું છે.મારા વ્યક્તિ તરીકેના વિકાસ અને સાહિત્ય સર્જક તરીકેની સમજનાં મૂળ મારાં વતન કચ્છની ભૂમિમાં છે.” આકાશવાણીમાં કાર્યરત હતા ત્યારે કેન્દ્ર નિયામક તરીકે ચંડીગઢ બદલી થઇ. તે પહેલાંના કેન્દ્રનિયામકને આતંકવાદીઓએ ગોળીથી વીંધી નાખ્યા હતા. કોઈ પોસ્ટીંગ લેવા તૈયાર નહીં. એ ગયા ત્યારે એક સહયોગી કર્મચારીએ પૂછ્યું પણ ખરું કે, “તમે આટલે દૂરથી, આવી પરિસ્થિતિમાં, અહીં આવવા તૈયાર કેમ થયા? ત્યારે તેમને જવાબ સૂઝ્યો, હું કચ્છનો છું એટલે. કચ્છના, કચ્છી માડુનાં લોહીમાં જ એવું કશુંક હોય છે કે ગમે તેવા પડકાર સામે લડવાની હિંમત આપે છે. આ હિંમત ક્યાંથી મળે છે? અહીંના વતનીને ‘કચ્છી માડુ’ની વિશિષ્ટ ઓળખ કેવી રીતે મળે છે? આનો ઉત્તર પુસ્તકની પ્રસ્તાવનામાં વરિષ્ઠ પત્રકાર અને તંત્રીપદે રહી ચુકેલા “કચ્છીયત” માટે ઝઝુમતા (સમયે સમયે અસલ કચ્છી માડુનું ખમીર દર્શાવતા) કીર્તિભાઈ ખત્રીએ લખેલી પુસ્તકની પ્રસ્તાવનાના આ શબ્દોમાંથી મળી રહે છે,” ગુજરાતી સાહિત્યમાં કચ્છના સર્જકોએ આગવી પહેચાન મેળવી છે તેમાં મુખ્ય મુદ્દો કચ્છના વિશિષ્ટ પરિવેશનો પણ છે. ….આ પરિવેશ એટલે અફાટ રણ, અગાધ દરિયો, અને સદીઓથી દુકાળ કે અપૂરતા વરસાદે સર્જેલી પાણી અછતને પગલે ઊભી થયેલી પરિસ્થિતિ. આ ત્રણેય પરિબળોએ કચ્છનું જનજીવન ઘડવામાં મુખ્ય ભાગ ભજવ્યો હોવાથી સાહિત્યમાં એનું પ્રતિબિંબ પડે એ સ્વાભાવિક છે.” આના પ્રભાવથી વિકસેલી અભાવની સંસ્કૃતિથી અહીંના લોકોનો એક સ્વભાવ ઘડાયો છે, જેમાં ખમીર છે જે કચ્છી માડુ તરીકેની આગવી ઓળખ પ્રસ્થાપિત કરે છે. આ અંગેની ચર્ચા કરતાં, આ અભાવથી આજીવિકા માટે સ્થાનાંતરિત (MIGRATED) થયેલા, લંડન, અમેરિકા, આફ્રિકા, ખાડીના દેશો જેવા દૂર દૂરના દેશો સહિતના, બન્ને મુલકમાં જીવતા લોકો કચ્છને ભૂલ્યા નહીં અને પરિણામે આરોગ્ય, શિક્ષણ, પશુરક્ષા જેવી પ્રવૃત્તિઓ થકી બીજે ક્યાંય ન હોય તેવી મહાજન પરંપરા ઊભી થઇ, તેનો ઉલ્લેખ કરી, તેઓ પરિવેશની વિશાળ દૃષ્ટિ આપતાં ઉમેરે છે,” કચ્છનું પશુપાલન, કચ્છની ખેતી, ખેડૂતની વાત, એની પીડા, નાના નાના કારીગરો, હુન્નરબાજો, છેવાડાના વિસ્તારોમાં ઘેટાંબકરાં ચારતા લોકો, પાકિસ્તાન સાથેની બેવતન આવન જાવન, કેટલું બધું છે કચ્છના પરિવેશમાં?…..” કિર્તીભાઈની આ વાત સાથે સહમત થતાં બીજું પણ ઉમેરી શકાય, દરેક કલાઓ, પરંપરા, રીતરિવાજ, ભાષા, ભૂષા, ભોજન, જીવનવ્યવસ્થા વગેરે જેવું કંઈ કેટલુંયે.

એક સર્જક તરીકે, વિનેશભાઈનાં સર્જનોમાં આ રીતે કચ્છનો પરિવેશ વર્તાય છે. વિનેશભાઈએ પોતાની સર્જનયાત્રા આરંભી એમાં પશ્ચિમના સર્જકોનું વાંચવા મળેલું સાહિત્ય અને એ વિશ્વપ્રવાહોની અસર હેઠળ, તે સમયના અગ્રણી પ્રયોગશીલ સર્જકો સુરેશ જોશી, ચંદ્રકાંત બક્ષી, લાભશંકર ઠાકર વગેરેના અનુવાદ, લેખન, નાટકો વગેરેનું વાચન કરતાં આ બધાંની અસરમાં, પ્રારંભમાં પ્રયોગશીલ , ABSORD પ્રકારની કૃતિઓ આપી, જેમાં નાટકો ‘હિંમતલાલ હિંમતલાલ, ‘હું, કૂવો અને રાંઢવું’ અને નવલકથા ‘નગરવાસી’નો મુખ્યત્વે ઉલ્લેખ થઇ શકે. નગરવાસી પશ્ચિમના સાહિત્યના પ્રવાહથી પ્રભાવિત, પણ એનું બીજ મળે છે તેમાં પણ કચ્છનો પરિવેશ પ્રવેશે છે. સ્મૃતિકથા ‘એક હતો વીનેશ’માં તેઓ કહે છે, ‘તાવ આવ્યો અને મહેરઅલી ચોકમાં આવેલા ડૉ. પંચોલીના દવાખાનામાં મારો વારો આવે એની રાહ જોતો બેઠો હતો. આજુબાજુ ચાલતી વાતોના અવાજોની વચ્ચે અચાનક કોઈનો ઘેરો અવાજ સંભળાયો,” ડાગધર સાએબ અંઈ?”દવાખાનાંનાં બારણાંની વચ્ચે એક માણસ ઊભો હતો. ઊંચો, પડછંદ. લાંબો, કાળો ખમીસ. ચાંદીની સેરવાળા બટન, લુંગી જેમ વીંટાળેલી અજરખ.માથા પર ફાળિયું બાંધ્યું હતું. લીંબુની ફાડ જેવી આંખો, બન્ની પ્રદેશનો જત શહેરમાં આગંતુક જેવો લાગ્યો. મેં વરસો પછી પોતાના નગરમાં આવેલા અને પોતાને અજાણ્યા, આગંતુક સમજતા એક માણસને જોયો,અને તત્ક્ષણ નવલકથાનું નામ ઝબકે છે, ‘નગરવાસી’. પાશ્ચિમાત્ય સાહિત્ય પ્રવાહમાં વહેતી કૃતિ પણ તેનું બીજ કચ્છના પરિવેશમાં!

પણ વીનેશભાઈને વ્યક્તિગત અને સાહિત્યિક સમજ પ્રૌઢ બનતાં, પોતાની અંદર ઉતરતાં આસપાસના લોકોને વધારે સ્પષ્ટતાથી સમજવા લાગ્યા. પશ્ચિમના સર્જકોનું સાહિત્ય તેમનામાં ધૂંધળું અને અવાસ્તવિક વાતાવરણ રચતું હતું. તેમને લાગ્યું કે આમાં મારું પોતાનું કંઈ નથી. આપણી જીવનશૈલી સાથે એનો કોઈ મેળ નથી. સામેની વ્યક્તિને પહોંચે નહીં, ઉછીના ભાવ હોય એવું નહીં પણ આપણા જીવનમાં આસપાસ દેખાતું હોય એવું હોવું જોઈએ. એમની આ મથામણ હતી, અને તેમને નવલકથાસર્જન માટે સ્વરૂપ અને વારતાવિષયની દૃષ્ટિએ એક વચલો માર્ગ મળ્યો -સ્થૂળ ઘટનાવાળી પરંપરાગત નવલક્થા અને ઘટનાવિહીન પ્રયોગખોર નવલકથા વચ્ચે આવેલી કેડી. અને આમાંથી આપણા પોતાના , કચ્છના પરિવેશને ઉજાગર કરતી કૃતિઓ મળતી રહી છે. જાણે પરિવેશ અને અંતરવેશ બંને પ્રગટ્યા છે.

તેર વાર્તાઓ, ચૌદ નિબંધો, અને આઠ ગદ્યખંડોનાં આ પુસ્તકનું ‘ધીણોધર સંભરન ‘ શીર્ષક પણ કેટલું સૂચક છે! ભક્તકવિ નીરંજનની જેમ ગમે ત્યાં હોય કચ્છ વેગળું થતું જ નથી એ આ પ્રતિનિધિ સંકલનમાં પણ જોઈ શકાય છે.

‘તરસના કૂવાનું પ્રતિબિંબ’ અને ‘કોરો સારંગ’ વાર્તા રોટલા ખાવા કાઢે ત્યારે ભેળી ચવાતી રેતી જેવા દુકાળ અને અનેક ઝંખનાઓની તરસને વ્યક્ત કરેછે. વાંઢ, ભૂંગા ખુયરા, મોરચંગ, બાવળ, ઉનાળાના ધખધખતા બપોર, અંધડ આ વાર્તાઓમાં જીવંત થઇ ઉઠે છે. દરિયો અને ખારવાને વ્યક્ત કરતી ‘ખેપ’, દાણચોરીનાં વિષયવસ્તુને લઇ ‘સાંઢણી’, સ્થળાંતરની વેદનાને વાચા આપતી ‘અહીં કોઈ રહેતું નથી’ તથા ‘જીર્ણોદ્ધાર’, જેમાં અને વેશ વાર્તામાં નવરાત્રીમાં ભજવાતાં નાટકો અને પ્રવાસી નાટ્ય કંપનીઓ દ્વારા ભજવાતાં નાટકોનું એ વાતાવરણ તાદૃશ થાય છે. ભૂકંપને કેન્દ્રમાં રાખીને સૂક્ષ્મ સંવેદનાઓની અનુભૂતિ કરાવતી ‘નીરુ તને ખબર નથી ‘ વાર્તા પણ એક નોખા વિષયને સ્પર્શે છે. અહીં ઊંડાણથી વાત કરવાનો નહીં પણ ફક્ત પરિચયનો જ ઉપક્રમ છે. આ વાર્તાઓ પાસે જઈએ, એને સંવેદીએ ત્યારે કચ્છ પ્રગટ થાય છે. એજ રીતે નિબંધો અને ગદ્યખંડોમાં પણ આવો જ સ્પર્શ થાય છે. શિમલાના પહાડો પરથી પણ ‘ઊંટ ગાંગરે છે ચારે તરફ’, તો વેરાન, પગદંડી વગરના રણમાં દોડતાં ઊંટનાં ડગલાંના અવાજને તાલ આપતાં ગવાતો મણિયારો, ભૂકંપ પછી અવશેષના ઢગલા પર, વિનાશની વચ્ચે ‘ત્યાં મારું ઘર હતું’ એમ કહેતા લેખકની સ્મરણભરી વેદના આપણને પણ છલકાવી દે છે. એની સાથે જ , ધૂળમાં ભળી જતી ધૂળની વાત કરતાં પણ આખરે તો અભાવની લીલપભરી કચ્છની સંસ્કૃતિ જીવંત થાય છે. સર્વગ્રાહી રીતે જોઈએ તો આ પુસ્તક એક કેડી કંડારે છે એમાં કોઈ શંકા જ ન હોય અને સર્જકનાં સમગ્ર સાહિત્યનું પાન કરવાની મીઠી તરસ પણ જગાવે છે.

સર્જકો અને સાહિત્ય થકી ચેતનામાં ભળી જતાં કચ્છને પામવાનો આ પુરુષાર્થ રહે એ જ અભિપ્રેત હોય.


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: admin

2 thoughts on “શબ્દસંગ : એક સર્જકની રણની તરસ અને ઊંટ

  1. તમારું ફરી થી સ્વાગત છે,નિરુપમ ભાઈ !
    વિનેશભાઈ ની કસાયલી કલમ વિષે લેખ વાંચી ને વિશેષ આનંદ થયો !

    1. સમીરભાઈ, આપના પ્રતિભાવ માટે આનંદ વ્યક્ત કરું છું. પ્રયત્ન રહે એવો કે સાહિત્ય એટલે લોકોનું નાકનું ટીચકું ન ચઢે પણ પ્રસન્નતાથી હોઠ મલકી રહે…હૃદય સંતોષ અનુભવે..

Leave a Reply

Your email address will not be published.