રાંડ્યા પહેલાનું ડહાપણ !

ચીમન પટેલ ‘ચમન’

રાંડ્યા પછી તો બધી જ બહેનોને આપો આપ ડહાપણ આવી જાય છે, પણ એ ડહાપણ આંખોના આંસુ ખૂટી જાય એવું રડાવનારું, અનેક વેદનાઓથી તનને તોડનારું, અને રાત-દિ મૂઝવણમાં મનને મારી નાખનારું નિવડે છે!

પરણેતર બધી બહેનોને એક દિવસ આ પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે એજાણીને પણ, પૂર્વતૈયારીરુપ, પોતાની જાતને તૈયાર કરવા કેટલીક વ્યહવારિક વાતો, પતિની હયાતિમાં શીખી લેવાની ઘણી બહેનોની તૈયારી નથી હોતી; પતિઓના પૂરા પ્રયત્નો પછી પણ! અચાનક, ‘હાર્ટએટેક’થી નજીકની કોઈ સખીણા પતુનું મૃત્યું થયું હોય, અને એ મૃતદેહને નજીકથી નિહાળ્યું હોય, અને એ સખીના દર્દ અને દુઃખનો અહેસાસ કર્યો હોય, અને હૂફ આપતાં આપતાં આંખોમાંથી ઘણા આંસુ સરી પડ્યા હોય, છતાં એમાંથી બહેનોની અંદરની આંખો ખૂલતી નથી! સ્મશાન વૈરાગ્યની જેમ બઘું થોડા સમય પછી સમી પણ જાય છે.

‘આપણને આવું ક્યાં થવાનું છે? હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું કે હે ભગવાન, તું મને એમની પહેલાં બોલાવી લેજે ! આવું વિચારતી બહેનોને આ ડહાપણ આવા લેખોથી પણ આવશે કે કેમ?

આ વ્યહવારિક વાતો એટલી અઘળી પણ નથી કે બહેનો એને શીખી ન શકે. દા.ત. પરદેશમાં ડ્રાઈવીંગ શીખવું કેટલું જરુરી છે એ સહુ સારી રીતે જાણે જ છે, પણ જે બહેનોને આજ સુધી ડ્રાઈવીંગ શીખવાનું વિચાર્યું પણ નથી, કે એકવાર પ્રયત્ન કરી પડતું મૂક્યું છે એમને મારે જગાડવા છે. ઘારાકે ભગવાને તમારી પ્રાર્થના ન સાંભળી અને એમને વહેલા બોલાવી લે તો…તમારી પાસે સારામાંની ગાડીતો હશે, પણ ચલાવશે કોણ? કોણ કેટલા દિવસ ‘ગ્રોસરી’ લાવી આપશે કે તમને તમારી ગ્રોસરી લેવા લઈ જશે? ગાડી શિખવાનો વિચાર ત્યારે જરુર આવશે, પણ પરાયા પુરુષને પાસે બેસાડીને ડ્રાઈવીંગ શિખતાં મિત્રો કેવી કેવી વાતો કરશે એનો વિચાર પણ કરવો પડ્શે. જેમ મરનારનો આત્મા આપણી આજુબાજુ દસ દિવસ રહે છે તેમ આપણા સગા-વહાલા અને મિત્રો પણ દસ જ દિવસ આપણી પાસે રહી મદદ રુપ થશે. બહાર ગામના અને ગામના સગા-સબંધી અને મિત્રો તમને વધારે મદદરૂપ થવા તૈયાર હશે, પણ એ બધા ઘર લઈને બેઠેલા છે એનો વિચાર અત્યારથી કરી, પગભેળ થવાની તાકાત ભેગી કરવામાંજ ડહાપણ છે.

એવી રીતે મ જે બહેનો નોકરી કરતી નથી અને એમના એ નોકરી કરે છે એ બહેનોએ પતિના કામમાં હાથ લંબાવીને એમનો ‘સ્ટ્રેસ’ ઓછો કરાવી, એમના હાર્ટને નબળું પડતું અટકાવવું એ પણ એમના જ હિતની વાત છે. ‘એ છેને’ કરીને ઘણી બહેનો નાના નાના કામ પણ કરતી નથી કે કરવા તૈયાર નથી! પતિ સામેથી શીખવવા તૈયાર હોય ત્યારે, ‘ તમે છોને પછી મારે શીખવાની શી જરુર છે ?! કહી, નવા કામને આઘું ઠેલતી હોય છે. પૂર્વ તૈયારીરૂપ જો પતિ એમ કહે, ‘હું નહિ હોવ ત્યારે….’ ત્યારે, બહેનો એમના મૌંપર હાથ મૂકી કહેવાની, ‘એવું ના બોલતા હોય તો…!’ બહેનોની આ પ્રકારની વર્તણૂકને આપણે એમની નબળાઈ સમજવી કે એમને ઘરકામમાંથી નવરાશ મળતી નથી એટલે એમને સમયનો સવાલ મૂઝવે છે? કદાચ, એમને થત્તું હશે કે એ મગજ્મારી કોણ કરે! એ કરતાં, ટેલિફોન પર બહેન્પણીઓ સાથે ગામ-ગપાટા ના મારે! એ બહેનોને ખબર નહિ હોય કે, ગામ-ગપાટા મારવામાં આપણી આ જીભ ક્યારે એવીતો હાલી જાય છે, એ ફાયદા કરવાને બદલે નુકશાન કરાવી જાય છે! એ કરતાં, પતિપાસેથી ધીરે ધીરે પોતાને લાભદાયક થઈ પડે એવું શીખી લઈ, ભાવિના ભાથાના ડબ્બા અત્યારથી ભરવા ઘણા સારા નથી લાગતા?

શરુઆત કરવા માટે ચેક લખવાનું કામ સૌથી સરળ છે. એ પણ એટલા રાજી થઈ જશે કે એ ખુશાલીની ખુશ્બું તમે એકલા જ માણી શકશો! મહિનાની અંતે ’સ્ટેટમેન્ટ’ આવે ત્યારે એને ‘બેલેન્સ’ કરતાં પહેલી વાર માથું જરુર દુખશે, પણ પતિના પડખે એને સહી લેવાશે અને શીખી પણ લેવાશે. પતિના ગયા પછી, જો આ કામ શિખવાનું આવશે તો માથું લાંબા સમય સુધી દુખવાનું અને એની ઉપર ‘’એસ્પ્રીન’ કે ‘બફરીન’ની અસર નથી થવાની! ચેક્બુકનું કામ શીખવાથી એ પણ જાણવા મળશે કે એક્ની આવકમાંથી ખર્ચાના ખાડા કેટલા ઊંડા ખોદાઈ જાય છે! સાથે સાથે,પતિરાજો પૈસાની બાબતમાં તમને કેમ ટાઈટ લાગે છે એની જાણકારી આપોઆપ થઈ જશે. એક્વાર આમાં રસ કેળવાશે પછી તમને આપોઆપ એમની પાસેથી નવું નવું જાણવાનું મન થશે. વીમાની

પોલીસીઓ, બેન્કના ખાતાઓ, પરસેવાના પૈસાનું રોકાણ, અંદર અંદરની લેવલ-દેવડ, કોઈ સંસ્થા કે મંદિરોમાં કરેલા ‘કમીટમેન્ટસ’, એમણે ‘વીલ’ કર્યું છે કે નહિ, જો કર્યું હોય તો એ ક્યાં મૂક્યું છે એ, અને એને એક્વાર વાંચીને અંદરની હકિકતોથી અત્યારેજ, એમની હાજરીમાં વાકેફ થવું, એ ધર્મપત્નીઓના હિતની વાત છે. મંદિરો માટે અને મોરારીબાપુ માટે જો બહેનોને સમય મળતો હોય તો ઘરમંદિર માટે અને ઘરના મુખિયા માટે વખત કાઢી, આ બધું શીખી લઈ, પાણી પહેલાં પાળ તમારે જ બાંધવી પડશે. પગ તળે રેલો આવ્યા પછી તો આખી જિંદગી પસ્તાવવાનું છે, શેકાવવાનું છે, અને આંસુ ખૂટી જાય એટલું રડવાનું છે!!

આ બધુ જો ન કરી શકાય તો એમને ‘સ્ટ્રેસ’ પહોચે એવું કામ, જાણ્યે અજાણ્યે પણ ન કરો તો એ ડહાપણની વાત થઈ ગણાશે. એમાંયે જો તમારા પતિને વંશીય હ્રુદયની બિમારી હોય તો, તમારે એમને ‘સ્ટ્રેસ’ પહોચે નહિ એ માટે વધારે ધ્યાન આપીને, એમની જિંદગીનો દોર લંબાવીને, મગજમારી વાળા કામો વહેલા ન પડી જાય એ માટે તમારે જ સજાગ બનવું પડશે.

આ અંગે, સુમન અને સપનાની વાત જરા સાંભળી લઈએ, કોઈને કામ આવશે.

સુમનને અડધા લાખ ડોલરના ‘લેક’પરના ઘરમાં રહેવા જવામાં હજુ બેએક વર્ષ પણ પૂરા થયા ન હતા, અને એને એકે દિવસ ઊંધમાં જબરદસ્ત ‘હાર્ટેએટેક આવતાં, એનું પ્રાણપંખેરુ, આ મોઘેરું મકાન અને સુંદર સોસાયટીનું સુખ માણવા ન રોકાણું!!

સુમનના મૃત્યંના દુઃખદ સમાચારની સાથે સાથે એના અચાનક મૃત્યુંના કારણો તપાસતાં મિત્રો અંદરો અંદર વાતો કરવા લગ્યા; ‘એમના કુટુંબના ઘણા આ રીતે ‘હાર્ટએટેકથી ગુજરી ગયા છે.’..’એને નોકરીમાં કામકાજનો ‘સ્ટ્ર્સ’ પડતો હતો’… બાયપાસની સર્જરી પછી આવું મોધું ઘર એને ના લેવું જોઈએ!’ વગેરે વગેરે. ગામના મોંએ ગરણૂં ઓછું બંધાય છે!

સુમનની પત્ની સપનાને હવે સમજાઈ રહ્યું હતું કે સુમનનો ‘સ્ટ્રેસ’ વધારવામાં એણે જાણે-અજાણે કેવો ભાગ ભજવ્યો હતો!

સુમનના નજીકના મિત્રો, જૂના ઘરો વેચીને, નવી નવી ડીઝાઈનના ઘરોમાં રહેવા ગયા ત્યારથી, સપનાને પણ નવા ઘરના વસવાટની વાચા સુમન આગળ ફૂટવા લાગી. આ અંગે બંનેની વચમાં ચર્ચાઓ થતી, સંવાદો થતા અને ‘કૂતરો તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી’ની જેમ એમની વચ્ચે ખેચા ખેચી પણ થતી. સુમન રીટાયર્ડ થવાના દિવસો ગણતો’તો એટલે એને નવા ખર્ચાના ખાડા ખોદવા નો’તા! બચતમાંથી બાકીની જિંદગી ‘સ્ટ્રેસ’ વગર એને ગુજારાવી’તી સપનાને આ બધુ શંતિથી સમજાયા પછી એ થોડા સમય માટે શાંત તો થઈ, પણ જ્યારે જ્યારે એના મિત્રોના નવા ઘેર જવાનું થાય ત્યારે ત્યારે, મિત્ર-પત્નીઓ પાસેથી નવા ઘરના વસવાટ માટેનું પ્રેરણાનું પાણી વણ માગ્યું પિવા મળતું અને એનું મન-પંખી પાછું નવા ઘરના વસવાટ માટે પાંખો ફફડાવવા લાગતું!

હારેલો જુગારી બમણું રમે એમ, સપનાએ રમત શરું કરી. એક દિવસ, સુમનની સોડમાં સરી, ખભાપર હાથ મૂકતાં એ બોલી; ‘નવા ઘરનો વિચાર મેં હવે માંડી વાળ્યો છે.’ સુમન તો આ સાંભળી ચકિત જ થઈ ગયો! એ આનંદમાં, સપનાને નજીક ખેચી સુમને પૂછ્યું;’સાચે જ…! સુમનની આંખોમાં આંખો મીલાવી સપના બોલી; ‘હા, સાચે જ’! એ આનંદનો લ્હાવો લેવા, બંનેના ઓષ્ઠ આગળ વાત કરવા ઘડીભર માટે અટકી ગયા!

ઓષ્ઠાસ્વાદ કરાવી સપનાએ વાચા ખોલી. ત્રીસ વર્ષ જુના રસોડાના કેબીનેટને કલર કરી

રસોડામાં ઉજાસ ઊભો કરવાની, જૂન કાઉન્ટરને કાઢીને ગ્રેનાઈટના કાઉન્ટર નંખાવવાની, બેઠકરૂમની લાકડાની પેનલની દિવાલ તોડીને આઘુનિક ‘શીટરોક’ની દિવાલ ઊભી કરી એને આંખને ગમે એવા રંગથી રંગવાની, જૂની કારપેટને કાઢીને, આરસપાણના આધુનિક ટાઈલ્સ નંખાવવાની, ડાઈનીંગરૂમમાં ‘વુડ ફ્લોર’ કરવાની વગેરે વગેરે હૈયા વરાળ, તક ઝડપી, સપનાએ સુમન આગળ કાઢી. આ રીતે પણ જો નવા ઘરની ઉપાધી ટાળી શકાતી હોય તો, જૂના ઘરમાં થોડા પૈસા નાખી, સપનાની સાથે સંમત થવાનું સુમનને પણ વ્યવહારિક લાગ્યું. સુમને સંમતિ આપતાં કહ્યું; ‘ આ બધુ કરાવી આપવા હું તૈયાર છું ‘ એ સાંભળી સપના સુમનને વળગી જ પડી!

બીજા અઠવાડીયે, સુમને કોન્ટ્રાકટરોને ફોન કરી ખર્ચનો અંદાજ કઢાવ્યો’તો એ આંકડો ત્રીસ હજાર પર આવી ઊભો રહી ગયો! સુમન મનોમન વિચારવા લાગ્યોઃ ‘આટલા બધા પૈસા જૂના ઘરમાં નાખીને ઘરની કિંમત એ પ્રમાણે વધવાની તો નથી, એ કરતાં એ પૈસા નવા ઘરમાં રોકવા વધારે સારા ! આમેય, આ સોસાયટી અને ઘરો જૂના થઈ ગયા છે. અને સોસાયટીની આજુબાજુની આજસુધી ખુલ્લી પડી રહેલી જમીન પર ‘એપાર્ટ્મેન્ટ’ અને ‘કોમર્શીઅલ’ ઈમારતો ઉભી થઈ ગઈ છે, જેને કારણે આ ઘરોની કિંમત ભવિષ્યમાં વધે એમ લાગતું નથી! જૂના રહેવાસીઓ ઘરો વેચી વેચી નવા ઘરોમાં દૂર દૂર કેમ રહેવા ગયા હશે એ એને હવે સમજાવવા લાગ્યું હતું. સપનાને તો નવા ઘરમાં જ મુવ થવું હતું, પણ એ જ અંદરથી તૈયાર નો’તો! નવા ઘરમાં મુવ થતાં સપના પણ ખુશ થશે અને એ ખુશીમાં નવા ઘરમાં રીટાયર્ડ થઈને રહેવાની પણ મજા પડશે. સુમને સપનાને આ વાત કરી. સપનાતો ખુશી ખુશી થઈ ગઈ !!

પાંચેક મહિનામાં,અડધા લાખના ‘વોટર ફ્રન્ટવાળા, આઘિનિક ઘરમાં, જૂના મિત્રોની નજીક રહેવા પણ આવી ગયા!

નવા ઘરમાં પેલું જૂનું ફરનીચર, સોનાની થાળીમાં લોઢાના મેખની જેમ , સપનાને ખૂચવા લાગ્યું. ઘરે આવતી જતી બહેનપણીઓ પણ આ અગે ટકોર કરતાં કે’તી; અલી, તારું આ જુનું ફરનિચર નવા ઘર સાથે નથી જતું! દર્દીને ભાવતું’તું ને વૈદે કહ્યું! જૂનું ફરનીચર બદલવાના સપનાના વિચારોને પ્રોત્સાહન મળતાં એનો પણ અમલ થઈ ગયો. બાવાની લંગોટીની જેમ, નવા ઘરને વઘારે શોભાવવા માટે સપનાની ખરીદી જેમ વધતી ગઈ એમ, સપનાની ખરીદીના બિલો જોઈ સુમનના હૃદયના ધબકારા પણ વધતા ગયા!

નવા ઘરના ખર્ચા જોઈ રીટાયર્ડ થવાના સુમનના સ્વપ્નો હવે આઘા ને આઘા ઠેલાતા ગયા! ઓફિસના કામના સ્ટ્રેસની સાથે સાથે નવા ઘરના ખર્ચાનો સ્ટ્રેસ ઉમેરાતાં, સુમન અંદર અંદર શેકાઈ રહ્યો હતો. સુમન પાછો ઓછું બોલો હતો. એટલે એના મનની વરાળ ન તો સપના આગળ નિકળતી કે કોઈ ખાસ એક-બે મિત્રો આગળ! પરિણામે, એક રાતે,અંદરના એ દબાણમાં એનું દિલ સદાને માટે દવાઈ ગયું!! સગા-સબંધી અને મિત્રવૃન્દમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું! સપનપર તો જાણે આકાશ તૂટી પડ્યું નાહોય એવું લાગતું હતું!! અઠવાડીઆમાં જ

એની ઉમ્મર વધી ગઈ હોય એમ જોનારને લાગતું!

સગા-સ્બંધી વિખરાયા પછી, ઘરની નાની મોટી જવાબદારી સપના પર એકદમ આવી પડી! મોટા ઘરમાં એકલી એકલી મૂઝાવવા લાગી. સુમનના ફોટા પર નજર પડતાં, એ ગહન વિચારોમાં ઘક્કેલાઈ જતી, અને વિચારોના વંટોળમાં સપડાઈ, ગુંગરાઈ, એ વિચારતી… ‘ એમના વિના આ અડધા લાખના ઘરને મારે શું કરવાનું?! નવું ઘર લેવા માટે હું જ આદુ ખાઈ એમની પાછળ પડી હતી!.. એમનો આગ્રહ હોવા છતાં પણ હું એમની પાસેથી શિખવા જેવું ન શિખી! અત્યારે, બધુ મારા માથે આવી પડ્યું છે, પૈસાની બાબતમાં શિખવા, જાણવા મારે એમનાજ મિત્રો પાસે દોડવું પડે છે! આ બધુ, જો મેં એમની પાસેથી શિખ્યું હોત તો, અત્યારે મને કેટલું કામ આવત. એમનું કામ ઓછું કરાવીને એમનો સ્ટ્રેસ પણ હું ઓછો કરાવી શકી હોત. હું મુર્ખી, એકલી એકલી, મારા જ સ્વપ્નોના મહેલ ચણતી રહી! સપનાને આ ડહાપણ સુમનની હયાતીમાં જો આવ્યું હોતતો?!

સંધ્યા અને રવિના જીવનમાં પણ જરા ડોકિયું કરી લઈએ……એ પણ કોઈને કામ આવશે?

સવાર પડ્યું નથી ને સંધ્યા રવિ સાથે ઝગડી ન હોય એવું આજ સુધી બન્યું નથી! ઝગડા થાય ત્યારે

રવિ સંધ્યાને કાયમ કહેતો હોય; તારે મારી સાથે ઝગડવું હોય તો કોઈ મોટો મુદ્દો પકડ. નાની નાની બાબતોમાં શું કામ ઝગડે છે? ઘરકામમાં હું તને મદદા ન કરતો હોઉ, છોકરાઓના ‘હોમવર્ક’માં મદદરૂપ ન થતો હોઉ, પાન પરાગ ખાતો હોઉ, ખૂબ ‘ડ્રીન્ક’ કરતો હોઉ, યાર્ડનું કામ બહાર કરાવી લેતો હોઉ, ચારિત્ર બાબતમાં મારો પગ લપસ્યો હોય વગેરે વગેરે માટે તું ઝગડતી હોય તો લેખે ગણાય!

ઉનાળામાં ગામમાં જેટલા સાઘુ-સંતો આવે એને સાંભળવા સંધ્યાને જવું હોય અને રવિને ન જવું હોય એમાં એમની વચ્ચે તકરાર ઊભી થઈ જાય! રવિ સંધ્યાને કહેતો હોય; ‘ તને સાધુ-સંતોને સાંભળવા ગમે છે ને જો હું તને રોકતો હોઉ તો તું મને કહી શકે છે. તું ગાડી તો ચલાવે છે પછી મને સાથે લઈ જવાનો શા માટે આગ્રહ રાખે છે?’ જવાબ આપતાં સંઘ્યા કે’તી હોય; મને એકલીને જવું નથી ગમતું..બધા પછી પૂછવા લાગે છે કે તમે મારી સાથે કેમ નથી!’

‘…એટલે લોકોની ચિંતા કરી, મારી ચિંતાઓમાં તું વધારો કરે છે એ તને દેખાય છે?’

ગામના પાંચ સાત મંદિરોના અને હોલમાંના અન્નકૂટમાં સંધ્યાને જવા જોઈએ. ત્યારે, રવિથી કહેવાઈ જવાય; ‘એક જ મંદિરમાં જઈને ભગવાનના દર્શન અને અન્નકૂટનો લાભ ન લેવાય તે તું બધા મંદિરોમાં જઈને મોઘા ભાવનો ગાડીનો ગેસ બાળે છે !મંદિરની મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી પ્રાણ મૂકવામાં આવે છે ત્યાં, અન્ન્કૂટના દર્શન બરોબર છે, પણ હોલમાં ભગવાનના ફોટાઓ ભેગા કરીને અન્ન્કૂટ ભરવા પાછળનો મહિમા મને સમજાતો નથી ને તું ત્યાં પણ દોડી જાય છે!’

‘તું આવો નાસ્તિક ઘરમાં ક્યાંથી પાક્યો! બધાની ટિકા કરવામાં તને બહું આનંદ આવતો લાગે છે!’

પછી, અરસપરસ વાક્બાણો જોરથી છૂટે અને બંને ઘવાતા જાય !!

એકવાર સંધ્યા મોરારીબાપુની કથા સાંભળવા અઠવાડિયું ગઈ હશે અને એક દિવસ રવિએ એને પૂછ્યું; ‘આજની કથામાંથી નવું શું જાણવાનું મળ્યું એ તું મને એક-બે વાક્યોમાં કહીશ? જવાબમાં સંધ્યાએ કહ્યું; ‘એવું બધુ યાદ ન રહે મને, પણ બાપુએ બધાને આજ બહું હસાવ્યા એ વાત સાંભળવી હોય તો કહું.’ રવિ ત્યારે કહેતો; ‘આમ એની એ કથા સાંભળીને કશું યાદ તો રહેતું નથી એ કરતાં એટલો વખત ઘેર રહી કે મંદિરે જઈ ભગવાનની માળા કરો તો વધારે પૂણ્ય ભેગું કરી શકાય.’ આમ, બંનેના વિચાર ભેદનો ભડકો ઘરમાં થાય અને બંનેના દિલ દાઝી પણ જાય!

મિત્રપત્નીઓ ‘વેકેશન’ પર જઈ આવી વેકેશનની જે વાતો કહે એ સાંભળી, મનમાં સંઘરી સંધ્યા તક ઝડપી રવિને કહેતી; ‘તારા બધા મિત્રો દર વર્ષે વેકેશન લઈ ઘરના બધાને ફરવા લઈ જાય છે અને તું એકલો વેકેશન ભેગું કરીને એના પૈસા બનાવી બેન્કમાં મૂકે છે !…નથી તું ક્યાંય ફરવા જતો કે નથી છોકરાઓને અને મને ક્યાંય ફરવા મોકલતો !! રવિ આ સાંભળી અંદરથી ખૂબ ઉકળાતો, અને આજ સુધી ‘વીઝીટ’ કરેલા સ્થળોને યાદ કરાવવા સંધ્યાની સ્મૃતિને ખોતરવાનું મન થઈ જતું, પણ ગુસ્સામાં સંધ્યાની સ્મૃતિને વધારે ખોતરી જવાય એ ભયે પોતાની જાતને સંભાળી લઈ, ‘વીઝીટ’ કરેલા સ્થળોને યાદ કરતો કરતો એજ એમાં ખોવાઈ જતો.

સંઘ્યાને બહાર ફરવા લઈ જવામાં એ ક્યાં કયાં ફર્યો છે એને યાદ કરતો; કેલેફોરનીઆમાં ‘ડીઝ્નીલેન્ડ’, ફલોરીડામાં ‘ડીઝનીવર્લ્ડ ‘સેન્ડીઆગોમાં ‘સફારી’ લાસવેગાસની લાઈટો, ‘ગ્રાન્ડકેન્યોન’ નો ‘ગ્રાઉન્ડ વિસ્તાર, ‘સેન્ટલુઈસની ‘આર્ચ’, ટેક્સાસના ‘સીક્સ ફ્લેગ’ ની રાઈડો. ‘સેન્ટ એન્ટોનીઓ’ની નદી વિહાર, ‘સેન મારકસ’ની ગુફાઓની ગુપ્તાઓ, ‘હવાઈ’ની હવા, અને વોશીંગટન’માં કેપીટલ, ‘મોન્યુમેન્ટ’ વગેરે વગેરે અમેરિકાના જોવા લાયક સ્થળોમાં મેં કશું બાકી રાખ્યું છે!

અમેરિકાની બહાર, નાયગરા ધોધ, ‘ટોરોન્ટો’નો ટાવર, બેન્કકૉગમાં બુધ્ધના સોનાના બાવલા, હોન્કોંગ અને સીન્ગાપુરનું શોપીંગ, ઈન્ડોનેશીઆના ‘બાલી’ ટાપુની મુલાકાત, અલાસ્કાની અગિયાર દિવસની આગબોટ મુસાફરી, મેક્સીકોના ‘કોઝુમલ’ ટાપુનો નાનો નૌકા વિહાર પણ કરાવ્યો છતાંયે સંધ્યાને એમજ છે કે હું એને ક્યાંય ફરવા લઈ જતો નથી!! એની સખીઓ પણ આટલું ફરી નહિ હોય !” આ બધુ એને સંધ્યાને જ્યાર જ્યારે યાદ કરાવ્યું છે ત્યારે ત્યારે ઘરમાં ઝગડા જ થયા છે. વાક્બાણો જ્યારે એકજ જગ્યાપર વાગ્યા કરે ત્યારે એ વદનાના ઘા ઊંડા ઉતરતા જાય છે!

સંધ્યાના ઘણા સગાઓ આ શહેરમાં રહે છે અને સંધ્યા એ સગાઓના કામોમાં ઘરનું કામ પડતું મૂકી મદદે દોડી જાય છે, પણ જ્યારે સંધ્યા સાજી-માંદી હોય ત્યારે એ સગાઓ ડોકાતા પણ નથી! ફોન ઉપર જ સંધ્યાની ખબર અંતર પૂછી લે છે! રવિ, સંધ્યાની આંખ ખોલવા આ અંગે કંઈક ટકોર કરે ત્યારે બંને વચ્ચે તણખા ખરે છે. અને બંને ઉદાસ થઈ ઘરમાં બોલ્યા વગર ક્યાંય સુધી બેસી રહે છે.

શોપીંગ કરતાં રવિ સંધ્યા સાથે વાત કરવાની શરુઆત કરે કે સંધ્યા એને ટકોર કરતી કહેતી હોય;

‘જરા ધીરેતી બોલતા હોય તો…કોઈ સાંભળે તો કેવું લાગે..’

રવિ ખીજાતાં કહેતો હોય; ‘અહિ તારા કોઈ સગાઓ છે કે એ સાંભળી જશે એની ચિંતા તારે કરવી પડે છે……તું કાયમ લોકોની ચિંતા કરે છે, પણ મને ટોકીને, અટકાવીને, મને કેવું લાગશે એની ચિંતા તું કોઈ દિ કરે છે?’ એ વિવાદ પછી બંને મોં ચડાવી શોપીંગ કરી લે અને ધેર આવી થોડું ઝગડી પણ લે !

રવિ ફોનપર મિત્રો સાથે મજાક કરતો હોય ત્યારે પણ સંઘ્યા વચમાં કૂદી પડતી હોય; એ ને એ વાતો કરીને સામાવાળાનું માથું શું કામ તમે દૂખાડો છો? રવિ ફોન મૂકતાં સંધ્યાને કહેતો હોય; ‘સામાવાળા મારા કોઈ સગા નથી કે મારે કેટલી અને કેવી વાતો કરવી જોઈએ. તારી સાથે તો મારે સાવધાની રાખી બોલવું પડે છે અને ગમ્મતમાં પણ તને કંઈ કહેવાતું નથી! મિત્રો સાથે થોડી મજાક કરું છું એ પણ તારી આંખમાં ખૂચે છે ૧”

મિત્રોને ઘેર જમવા બોલાવ્યા હોય ત્યારે રવિ ગમ્મત કરી એમને હસાવતો હોય; ‘રવિ તું શું બોલે છે એની ખબર પડે છે? રવિની ત્યાંજ બ્રેક વાગી જતી અને મિત્રોને ખબર પડી જતી કે રવિ કેમ ચૂપ થઈ ગયો! રવિ મનોમન બળતો રહેતો, સળગતો રહેતો!

એમના ચાલીસ વર્ષના દાપંત્ય જીવનમાં લોકો શું કહેશે એની ચિંતા સંધ્યાએ ખૂબ કરી છે અને રવિ પાસે પણ કરાવી છે. પરિણામે, એને પણ એક દિવસ ઊંઘમાં ભારે હાર્ટેએટેક આવ્યો અને ચિંરંજીવ શાંતિની ચાદર એણે પણ ઓઢી લીધી!

એકાદ વર્ષમાં સંધ્યાને સમજાઈ ગયું કે લોકોની ચિંતા કરી કરી એ રવિ સાથે આટલા વર્ષો ઝગડી, પણ લોકો એના કામમાં આવ્યા નહિ! રવિની વાતો એણે એક કાનથી સાંભળીને બીજા કાનેથી બહાર કાઢી પણ અંદર ઊતારી નહિ એનું દુઃખ, રવિને યાદ યાદ કરી કરીને આંસુઓ વાટે એકલી એકલી આજે એ વહાવે છે! રવિ હતો ત્યારે સખીઓના વરો સાથે સરખામણી કરતાં એને થતું; ‘આની સાથે મારા ક્યાં પનારા પડ્યા? રવિ નથી ત્યારે સંધ્યાને સમજાય છે કે સખીઓના વરો કરતાં રવિ કેટલો સારો હતો.

સંધ્યાનું આ ડહાપણ રવિની હયાતિમાં આવ્યું હોત તો એ બંને માટે કેટલું સુખાકારી નિવડત.

જે બહેનો આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છે એને મળો અને એમને શાંતિથી સાંભળૉ અને સમજો તો ઘણું મળી આવશે.

ઘેર ઘેર માટીના(ગેસના, ઈલેક્ટ્રિક) ચુલા છે એટલે એ સળગવાના તો છે, પણ એ આપણને બાળી ન જાય એ જોવામાં જ ડહાપણ છૂપાયેલું છે !

************************************

સંપર્કસૂત્રો :

બ્લોગ – chimanpatel.gujaratisahityasarita.org
ઈ મેઈલ –chiman_patel@hotmail.com
મોબાઈલ – 1- 832-372-3536

Author: admin

1 thought on “રાંડ્યા પહેલાનું ડહાપણ !

  1. This is the KEY to the married life (to make it or break it):
    કૂતરો તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી

Leave a Reply

Your email address will not be published.