હુસ્ન પહાડી કા – ૨૩ – ફરી એક વાર મદનમોહન અને એમનું પહાડી-વિશ્વ

– ભગવાન થાવરાણી

જો  પ્રવેશ્યા   કોક  દી’  પહાડી  જગતમાં  એક વાર

બહારનું  જગ  એ  પછી  સાવ  જ  કથોરું  લાગશે ..

આજે ફરી એક વાર મદનમોહન અને એમનું પહાડી-વિશ્વ. ગયા વખતે મણકા – ૫ તા. ૪.૫.૨૦૧૯માં એમના માત્ર એક જ પહાડી ગીત  ‘ લગ જા ગલે કે ફિર યે હંસી રાત હો ન હો ‘ને આપણે દરેક કોણથી નાણ્યો, માણ્યો, પિછાણ્યો. આપણા શિરસ્તા પ્રમાણે તો બે ગીતો હોય પણ એ દૈવી ગીત સાથે અન્ય કોઈ બંદિશ – ભલે મદનમોહનની હોય તો પણ – સાંકળવાનું મન નહોતું થતું. એ રચના એકમેવ છે અને ભલે એમ જ રહે એ આશયથી. મારા એ આરાધ્ય સંગીતકારની કેટલીક કૃતિઓ એવી છે જેને બને તેટલી યથાતથ રજુ કરવા માટે પણ સ્વરપેટીને અનેક વાંકાચુંકા રસ્તે પસાર થવું પડે ! પ્રયોગ ખાતર  ‘ ચાચા ઝિંદાબાદ ‘ ના લતા-ગીત  (રાગ કાફી)  ‘ બૈરન નીંદ ન આએ ‘નું કેવળ મુખડું- સાખી તરીકે આવે છે એ ગાવાનો પ્રયત્ન કરી જોવો ! ખરો સાંગિતિક પડકાર છે એ ! ભાવકો એ પણ સુપેરે જાણે છે કે એમના આ સિવાયના અનેક સર્જનોમાં કેવું બારીક નકશીકામ પંક્તિએ-પંક્તિએ હોય છે કે એને ન્યાય આપવા કોઈક લતા, કોઈક રફી, કોઈક તલત જેવા અવતારી ગાયક જ ખપે ! ઉતરતી કક્ષાના નશ્વર ગાયકની એ હેસિયત નથી ! એમની રચનાઓમાં બે શબ્દો વચ્ચેની નાનકડી રિક્ત જગ્યામાં પણ દર્દની ગૂંથણી હોય !

એમની આજની પહાડી રચનાઓમાંની પ્રથમ ૧૯૫૨ની ફિલ્મ  ‘ આશિયાના ‘ માંથી. કુલ ૯૫ પ્રદર્શિત થયેલી મદન મોહનની ફિલ્મોમાંથી આ છઠ્ઠી. ૧૨ ફિલ્મો અપ્રદર્શિત રહી. ગીતો એમના પ્રિય ગીતકાર કવિઓમાંના એક એવા રાજેન્દ્ર કૃષ્ણનાં હતા. બી. ત્રિલોચન નામના નિર્દેશકની આ પહેલી અને આખરી ફિલ્મ. દરેક દ્રષ્ટિકોણથી સાવ સામાન્ય ફિલ્મ, સંગીત સિવાય. ફિલ્મના સંવાદો અલબત ઉત્તમ અને ભાવવાહી, પરંતુ એ ભાષા સાહિત્યિક છે, બોલચાલની નહીં ! ૧૯૫૧ની રાજ-નરગીસની  ‘આવારા’ ની ધૂમ સફળતાથી લલચાઈને આ વર્ષે એ જોડીની  ‘આશિયાના’ ઉપરાંત  ‘અંબર’, ‘બેવફા’ અને  ‘અનહોની’ આવી પણ ભાગ્યે જ કોઈ ખાસ ચાલી. જન્મજન્માંતરના પ્રેમની કહાણીમાં પકડનો અભાવ હતો. બન્ને માતબર કલાકારો વેડફાઈ ગયા હોય એવું લાગ્યા કરે, પણ આપણી નિસબત ગીતો-પહાડી ગીતો અને એમની ગુણવત્તા સાથે છે. ફિલ્મનું મુખ્ય અને લગભગ થીમ સમાન અને ફિલ્મમાં અવારનવાર નેપથ્યે ગુંજતું રહેતું ફિલ્મનું સહુથી જાણીતું અને લોકપ્રિય  ‘ મેરા કરાર લે જા મુજે બેકરાર કર જા ‘ પણ પહાડીમાં જ છે જે લતા – તલત દ્વારા અલગ-અલગ ગવાયેલી એક ઉત્તમ બંદિશ છે પરંતુ પરંપરાનુસાર આજે આપણે એક અલગ અને કોરાણે મુકાઈ ગયેલા ગીતની વાત કરીશું. રાજેન્દ્ર કૃષ્ણ રચિત એ લતા – ગીત :

तुम  चाँद  के  साथ  चले  आओ
ये   रात   सुहानी     हो     जाए
कुछ तुम कह दो कुछ हम कह दें
और   एक   कहानी   हो   जाए

ख़ामोश     किनारे     सोए   हैं
चुपचाप   हैं  नदिया  की  लहरें
इठलाते   हुए  तुम   आ  जाओ
लहरों   में   रवानी   हो   जाए

बीती   हुई   घड़ियों   की यादें
ऐसे   में   अगर   हम  दोहराएँ
मासूम     मुहब्बत    मुस्काए
बेदार    जवानी    हो   जाए …

મદન મોહનની અન્ય અનેક રચનાઓની જેમ અહીં આ પહાડી ઇંતઝાર-ગીતમાં પણ એક અજબ ઉદાસી અને કસક છે. ફિલ્મમાં આવતું આ પહેલું જ ગીત. નાયિકા નરગીસ, નાયક રાજ માટે પ્રતીક્ષા-રત છે. વાંસળી-સમ ભાસતા પણ વાંસળી નહીં એવા વાધ્યથી શરુ થઈ વાયલીન્સ અને લતાનો પ્રવેશ. ઝૂમતા ફૂલોની ડાળીઓ વચ્ચે પહાડી પરિધાનમાં નરગીસ. એની પુકાર સુણી દેખા દેતો રાજ. ‘ ચંદ્રની જેમ તું પણ ઉગી આવે તો આ રાત ઓર ખુશનુમા બની જાય અને આપણી આપસી વાતો એક દાસ્તાન બની જાય.’ અંતરાલના વાયલીન્સ એવો માહોલ સર્જે છે જાણે દરિયાની ઉછળતી લહેરો કિનારે અથવા આપણી છાતીની ભીતર પછડાતી હોય ! બાંસુરી પણ જોડાય છે અને અંતરો. ‘ કિનારાઓ મૌન છે, મોજાંઓ ખામોશ. તું આવે તો આ સન્નાટો થોડોક બોલકો બને ‘ લતા કિનારાની વાત કરીને જે હળવું ગુનગુનાવે છે એ એના જ બલબૂતાની વાત !

બીજા અંતરા પહેલાં એ જ વાયલીન્સના મોજાની પછડાટ અને  ‘ વીતેલી ક્ષણો જો તને યાદ દેવડાવું તો બિચારો પ્રેમ હસી પડે અને યુવાન અરમાનો આળસ મરડીને જાગી ઊઠે ‘  ( बेदार એટલે જાગૃત )

આટલા ખૂબસૂરત ગીતનું ફિલ્માંકન એટલું સપાટ અને સામાન્ય છે કે આપણને થાય કે કાશ ! એ કોઈ મહારથી ફિલ્માંકનકારે ફિલ્માવ્યું હોત ! માત્ર બે અંતરાનું ગીત જલદી પુરુ થાય છે અને મન ચાહે કે હજુ આ પહાડી ધૂણી ધખતી રહે !

ફિલ્મમાં અન્ય ચાર લતાના એકલ-ગીતો છે અને તલતનું જાણીતું  ‘ મૈં પાગલ મેરા મનવા પાગલ ‘ પણ. ઉપર ચર્ચેલા ગીત પછી તુરંત, કિશોર-શમશાદનું અને રણધીર-મોહના પર ફિલ્માવાયેલું એક રમતિયાળ યુગલ-ગીત  ‘ ઓ મેડમ ‘ આવે છે એ પણ પહાડી-આધારિત છે. નાયિકાના મૃત્યુ, એના નાયક સાથેના રુહાની મિલન અને છેવટે બન્નેના શાશ્વત મિલાપ સાથે ફિલ્મ પૂરી થાય છે. ફિલ્મમાં મદન મોહનના સહાયક છે બિપિન દત્તા, જેમણે પછીથી સંગીતકાર બાબૂલ સાથે જોડી બનાવી, બિપિન-બાબૂલ નામે કેટલીક ફિલ્મોમાં ઉત્તમ મદન મોહન બ્રાંડનું સંગીત આપ્યું ( ચાલીસ દિન, નકલી નવાબ )

ચાર વર્ષ વટાવીને આવીએ મદન મોહનની ૧૯૫૬ની ફિલ્મ  ‘એક શોલા’ પર. નાયક પ્રદીપ કુમારની પોતાની નિર્માણ સંસ્થા દીપ-પ્રદીપ પ્રોડક્શન હેઠળ, ચંદર સહગલના નિર્દેશનવાળી આ ફિલ્મ પણ સાવ સામાન્ય પણ પ્રદીપ કુમાર – માલા સિંહા અને વાર્તાના લાગણીવેડા અને વિશેષ તો સંગીતના કારણે ઠીક-ઠીક ચાલેલી. આજના મજરુહ લિખિત ગીત વિષે વિગતે વાત કરીએ એ પહેલાં ગીતના શબ્દો. યુટ્યૂબ પર ઉપલબ્ધ ફિલ્મ અને ગીતનું દ્રષ્ય સંસ્કરણ નબળું હોઈ, શ્રાવ્ય સંસ્કરણ પણ સાથે મૂક્યું છે :

कहीं चल न दे  रात का क्या ठिकाना
इधर आओ ज़ुल्फ़ों में तुमको छुपा लें
कहीं देख ले  फिर  न हमको ज़माना
कहो तो  सितारों के  दीपक बुझा दें

ये रात आई है मिल भी लो चुपके-चुपके
गुज़र जाए कब ये न जाने
नज़र  आज  हम  तुम  मिलाएँ कुछ ऐसे
ठहर जाएँ  जाते  ज़माने
नसीबों से मिलता है ये समा ..

तेरी  झुल्फ  छू ली  तो आवारा बादल
महकने बहकने लगा है
झुका चाँद का सर घटाओं का आँचल
सरकने ढलकने लगा है
तो फिर छेड़ दो दिल की दास्ताँ …

મદન મોહનની બહુ ઓછી ચર્ચાયેલી આ પહાડી બંદિશ વોલ્ટ્ઝ લયમાં એવી ભાસે જાણે ઓ. પી. નૈયરની લાક્ષણિક ધુન હોય ! આપણને અનાયાસ એમની બે વર્ષ પછીની ફિલ્મ  ‘ અદાલત ‘ ના રફી-આશાના જ ગીત  ‘ ઝમીં સે હમેં આસમાં પર બિઠાકે ગિરા તો ન દોગે ‘ ની યાદ અપાવે ! શબ્દો પણ રાજેન્દ્ર કૃષ્ણના અને પહાડી પણ !  એ ગીત તો હજી અન્ય કલાકારો દ્વારા સ્ટેજ પર રજુ થતું સાંભળ્યું છે પણ આ આજનું ગીત ક્યારેય નહીં ! એ રજુ કરવું હોય તો બેલાશક કેળવાયેલુ ગળું અને વારંવાર રિયાઝની જરુર પડે !

એ જમાનાના ફિલ્મી ગીતોની એક ખાસિયત એ પણ હતી કે કોઈ ધુન કે રાગમાં ગીત શરુ થવાનું હોય એની બે-ત્રણ મિનિટ પહેલાં જ એ રાગના વાધ્ય-સંગીતથી માહોલ ખડો થવાની શરુઆત થઈ જાય અને ગીત પત્યા પછી પણ એ મદહોશીનો આલમ થોડોક સમય ચાલુ રહે ! મદન મોહન ૧૯૪૮ની  ‘ દો ભાઈ ‘ માં બર્મનના અને શ્યામ સુંદરની  ‘ એક્ટ્રેસ ‘ અને  ‘ નિર્દોશ ‘ માં એમના સહાયક હતા એટલે એમના સર્જનમાં ક્યારેક એમના આ ગુરુઓની લોકભોગ્યતા દેખાય તો બીજી બાજુ શાસ્ત્રીય સંગીતના મોટા ઉસ્તાદોના સંસર્ગના કારણે રાગની પાકી સમજ અને ઊંડાણ પણ દ્રષ્ટિગોચર થાય ! હા, પોતે સૈન્યમાં પણ થોડાક વર્ષો હતા એટલે શાસ્ત્રીય રાગની સુરાવલિઓની શિસ્ત તો ખરી જ.

પ્રસ્તૂત ગીતના ચિત્રીકરણ પર આવીએ. શરૂઆતની નોંકઝોંક અને મીઠા ઝઘડાઓ પછી એકબીજાની પડખેના ફ્લેટમાં રહેતા પ્રદીપ કુમાર અને માલા સિંહા પ્રેમનો એકરાર કરે છે અને એક દિવસ –

વોલ્ટ્ઝ ઢબના વાયલીન્સ અને મેંડોલીનના ઉપાડ પછી (એટલે કે દાદરા તાલ) સરોવરના સાન્નિધ્યે મહાલતા પ્રેમીઓ. શરુઆત આશા એના લાક્ષણિક લહેકામાં કરે છે અને તુરંત રફી મુખડાના ઉત્તરાર્ધ સાથે જોડાય છે. ‘ રાતનો શું ભરોસો ! અચાનક સરકી જાય ! આવ તને મારા કેશમાં છુપાવી લઉં. ‘ અંતરાલમાં બન્ને દિગ્ગજ ગાયકોનો આલાપ અને આકાશમાં દેખાતો ચંદ્ર. (માત્ર રાત્રિનો આભાસ કરાવવા, બાકી દિવસ જ છે !) નાયિકા નેણ અને શબ્દો દ્વારા નાયકને, રાત નિરર્થક વીતી રહી છે એવો મોઘમ ઇશારો કરે છે અને ઉમેરે છે કે નસીબદારોને જ આ સમય (અને મોકો !) પ્રાપ્ત થાય છે ! માલા અભિનેત્રી તરીકે સરેરાશ હતી પણ દેહયષ્ટિ અને સૌંદર્યની રૂએ દિલકશ. એની ભંગિમાઓમાં સામે પ્રદીપ કુમાર બાઘો ભાસે છે.

બીજા અંતરાલમાં એ જ વાદ્ય-વિન્યાસ અને યુગલ આલાપ. પ્રેમીઓ હવે સરોવર મધ્યે સઢવાળી નૌકામાં. ‘ તને સ્પર્શીને ભટકતી વાદળી પણ જાણે મઘમઘવા લાગી ‘ નાયિકાનો પ્રત્યુત્તર નાયકની લાગણીઓનો પ્રતિબિંબ છે.

ગીતનો અંત આશા-રફીના સહિયારા અને પુનરાવર્તિત આલાપ સાથે. અહીં પણ એ જ વસવસો રહે કે કોઈક કાબેલ નિર્દેશકે આ ઉત્તમ ગીતનું એવું જ ફિલ્માંકન કરી ચાર ચાંદ લગાવ્યા હોત !

ફિલ્મ અનેક મેલોડ્રામિક ઉતાર-ચડાવ પછી સુખદ અંત પામે છે. દિગ્દર્શક ચંદર સહગલની આ એકમાત્ર ફિલ્મ. ફિલ્મનું એક રફી – ગીત  ‘બતા મુજે ઐ જહાં કે માલિક‘ રફીના ચાહકો માટે અણમોલ છે (ભૈરવી) તો ફિલ્મમાં એક અનોખું યુગલ ગીત પણ છે આશા ભોંસલે અને ગીતા દત્તના કંઠે. ‘ચંદા સે ભી પ્યારા હૈ‘. એ હાલરડા અને ક્લબ ગીતનો સંગમ છે અને માલા સિંહા અને શુભા ખોટે પર ફિલ્માવાયું છે. આવું જ એક ગીત મદનમોહને  ‘અદાલત’ માં પણ આપ્યું. ‘ જા જા રે જા સાજના ‘. એમાં લતાના કંઠે મુજરાના વાતાવરણમાં નરગીસ ગંભીર ભાગ ગાય છે અને આશાના કંઠે ગીતનો નટખટ દ્રૂત હિસ્સો.

મદન મોહનનું એક વધુ ઉત્તમ પહાડી ગીત (એ જ લતા, એ જ રાજેન્દ્ર કૃષ્  ) ફિલ્મ  ‘મનમૌજી’ (૧૯૬૨) અહીં મૂકવાની લાલચ રોકી શકાતી નથી. જુઓ એ ગીત  ‘મૈં તો તુમ સંગ નૈન મિલાકે હાર ગઈ સજના

મદન મોહનના અન્ય બે પહાડી ગીતોના ઉલ્લેખ – માત્ર સાથે વિરમીએ.

૧. અશ્કોં સે તેરી હમને તસવીર બનાઈ હૈ આશા ભોંસલે દેખ કબીરા રોયા ( ૧૯૫૭)
૨. ઝુલ્ફ બિખરાતી ચલી આઈ હો રફી એક કલી મુસ્કાઈ (૧૯૬૮)

આવતો મણકો એ આ લેખમાળાનો અંતિમ મુકામ. એમાં અત્યાર સુધી આવરી ચુક્યા છીએ એ સિવાયના કેટલાક ગુણી સંગીતકારોની પહાડી કૃતિઓનો સંક્ષિપ્ત ઉલ્લેખ અને પછી સમયાંતરે નવા ગગન નીચે …


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

2 thoughts on “હુસ્ન પહાડી કા – ૨૩ – ફરી એક વાર મદનમોહન અને એમનું પહાડી-વિશ્વ

  1. વાહ! ફરી એક વાર મદન મોહન અને પહાડી વિશ્વ ના આ મણકા માં કયારેય ન સાંભળવા મળેલ બે ગીતો અને સાથે ” મૈ તો તુમ સંગ નૈન લગાકે” સાંભળવા ની ખુબ જ મજા આવી. સાથે ના આર્ટિકલ થી ઘણું જાણવા મળ્યું. ખુબ ખુબ અભિનંદન સાહેબ.

Leave a Reply

Your email address will not be published.