બાળવાર્તાઓ : ૧૪ – સંસ્કારનું સીંચન

પુષ્પા અંતાણી

શાળા ચાલુ થવાનો ઘંટ હજી વાગ્યો નહોતો. બેલા ક્લાસમાં આવી ગઈ હતી. અચાનક એને યાદ આવ્યું કે હોમવર્કમાં થોડું લખવાનું બાકી રહી ગયું હતું. એ નોટ કાઢીને લખવા માંડી. ત્યાં સલોની એની બે-ત્રણ બહેનપણી સાથે ક્લાસમાં આવી. બેલા સાંભળે એમ બહેનપણીઓને કહેવા લાગી: “પુસ્તકિયા કીડા બની ચોવીસે કલાક ભણ્યા કરીએ તો પછી પહેલો નંબર આવે જને!” એની બહેનપણીઓ મોટે મોટેથી હસતી એકબીજાને તાળી દેવા લાગી.

સલોની પૈસાદાર માબાપની ઉદ્ધત છોકરી અને બેલા ગરીબ માની સંસ્કારી અને ખૂબ હોશિયાર છોકરી. સલોની બેલાની ઠેકડી ઉડાવે, એની મજાક કરે, ગમે તેવું બોલી એને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે, પણ બેલા કશું સાંભળતી જ ન હોય એમ એના તરફ ધ્યાન આપતી નહીં. એથી સલોનીને મજા ન આવતી.

બેલાના પપ્પા બેન્કમાં નોકરી કરતા હતા. બેલા આઠ મહિનાની હતી ત્યારે એના પિતા કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. બેલાની મા પૂનમબહેન પોતે બહુ ભણેલાં નહોતાં, પણ દીકરીને ખૂબ ભણાવવા માગતાં હતાં. એ માટે એ ખૂબ મહેનત કરતાં. એ બીજા લોકોના ઘેર રસોઈ કરવા જતાં. સમય મળે ત્યારે ઘરમાં બેસીને બીજાં થોડાં કામો પણ કરતાં. એમણે બેલાના ઉછેરમાં કોઈ કમી રાખી નહોતી. બેલા પણ માની બધી વાત માનતી અને ખૂબ ધ્યાનથી ભણતી.

પૂનમબહેન બેલાને નવો ફ્રોક અપાવવાનાં હતાં. તેથી મા-દીકરી બજારમાં જવા નીકળી. પૂનમબહેન રસોઈ કરતાં હતાં એ સાવિત્રીબહેનનું ઘર રસ્તામાં આવ્યું. એમણે બેલાને કહ્યું: “મારે બે મિનિટનું કામ છે.” બંને સાવિત્રીબહેનના ઘરમાં ગઈ. સાવિત્રીબહેન પૂનમબહેનને આપવાના પૈસાનું કવર લેવા અંદર ગયાં. અંદરથી એમની દીકરીનો અવાજ સંભળાયો, “કોણ છે, મમ્મી?” એ બોલતી બોલતી બહાર આવી. બેલાએ જોયું, અરે, આ તો સલોની. એને ત્યારે જ ખબર પડી કે એની મા સલોનીને ઘેર રસોઈ કરે છે. સલોની પણ બેલાને જોઈને નવાઈ પામી. બેલા રસોયણ પૂનમબહેનની દીકરી છે એ જાણીને એ મનમાં ખુશ થઈ. બેલાને ઉતારી પાડવા માટે એક નવું કારણ મળ્યું. એ બેલા સામે મોં મચકોડીને અંદર ચાલી ગઈ.

સાવિત્રીબહેને પૂનમબહેનને કવર આપ્યું. બેલાને જોઈને પૂછ્યું, “પૂનમ, આ તારી દીકરી છે?” બેલા તરત સાવિત્રીબહેનને પગે લાગી. એ ખુશ થતાં બોલ્યાં, “પૂનમ, તારી દીકરી ખૂબ સુંદર અને સંસ્કારી છે.” પૂનમબહેને કહ્યું, “મારું તો સર્વસ્વ મારી આ દીકરી જ છે.”

બીજા દિવસે બેલા ક્લાસમાં પહોંચી ત્યારે સલોની એની બહેનપણીઓની સાથે એનું સ્વાગત કરવા તૈયાર હતી. એ બોલી: “આવો, આવો, બેલાબહેન, આવો! અરે, બધાં જુઓ તો ખરાં, મા બિચારી પારકા ઘેર રસોઈ કરવા જાય અને દીકરી બનીઠનીને સ્કૂલમાં આવે. એનાં નખરાં તો જુઓ!” સલોની અને એની બધી બહેનપણી તાળીઓ પાડીને હુરિયો બોલાવવા લાગી.

બેલાને બહુ જ ખરાબ લાગ્યું. એણે રડવું માંડ રોક્યું. એ ક્લાસની બહાર જતી હતી ત્યાં સલોની પાછળથી બોલી, “તારી મા અમારી નોકર, એટલે તું પણ અમારી નોકર! જા, મારા માટે પાણી લઈ આવ.” સલોનીની બહેનપણીઓનો હસવાનો અવાજ સંભળાયો. બેલા બહાર ભાગી ગઈ. બેલ વાગ્યો ત્યારે જ એ ક્લાસમાં પાછી આવી.

સ્કૂલ છૂટી ત્યારે બેલા સૌથી પહેલી બહાર નીકળવા જતી હતી. સલોની એની બાજુમાં આવીને બોલી: “લે, મારું દફતર ઉપાડ!” બેલાએ ગુસ્સાથી એની સામે જોયું અને બહાર નીકળી ગઈ. એને રસ્તામાં પણ રડવું આવતું હતું. ઘેર પહોંચતાં જ દફતર એક બાજુ ફેંકી એ ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રડી પડી. પૂનમબહેન દીકરીની હાલત જોઈને ગભરાઈ ગયાં. એને બાથમાં લીધી અને પૂછવા લાગ્યાં, “શું થયું, બેટા? આટલી રડે છે કેમ?” બેલાએ રડતાં રડતાં બધી વાત કરી. છેલ્લે એણે કહ્યું, “મા, હું કાલથી આ સ્કૂલમાં નહીં જાઉં. કાલ ને કાલ મારા માટે નવી શાળા શોધ.” પૂનમબહેને એને શાંત પાડી, વહાલ કરતાં કહ્યું, “બધી વાત પછી, પહેલાં હાથ-મોઢું ધોઈ નાસ્તો કરી લે.”

બેલાને બહુ અપમાન લાગ્યું હતું. નાસ્તો કરતાં કરતાં આંખમાં આંસુ આવી જતાં હતાં. પૂનમબહેન એની પીઠ પર હાથ ફેરવતાં બોલ્યાં, “બેટા, જરા પણ ચિંતા નહીં કર. તારે સ્કૂલ બદલવાની જરૂર નથી, હું જ આજથી સાવિત્રીબહેનની રસોઈ છોડું છું. પછી કોણ કોની નોકરાણી? હું કાલે જ તારાં પ્રિન્સિપાલ મેડમને મળી ફરિયાદ કરીશ.”

બેલાએ માને વાળતાં કહ્યું, “ના, મમ્મી, તું સ્કૂલમાં આવજે નહીં. તું આવશે તો શાળામાં બીજા બધાને પણ આ વાતની ખબર પડી જશે. મારે એવું નથી કરવું…” થોડી વાર પછી એ બોલી, “પણ મમ્મી, તું સાવિત્રીબહેનનું કામ છોડી દેશે તો પછી…” પૂનમબહેને એની વાત વચ્ચેથી કાપતાં કહ્યું, “દીકરી, તારી મા પાસે કામની કોઈ કમી નથી. કેટલાંય બહેનો મને રસોઈ કરવા બોલાવે છે. સાવિત્રીબહેન પોતે બહુ સારાં છે, એથી જ મેં એમની રસોઈ બાંધી હતી, પણ એમની દીકરીના આવા વર્તાવ પછી હું એમને ઘેર પગ પણ મૂકું નહીં.”

પૂનમબહેને રાતે જ સાવિત્રીબહેનને મોબાઈલથી જણાવી દીધું કે એ કાલથી એમને ત્યાં રસોઈ કરવા આવશે નહીં. સાવિત્રીબહેને કારણ જાણવાના ઘણા પ્રયત્ન કર્યાં, પણ પૂનમબહેને ગોળ ગોળ જવાબ આપી વાત ટાળી દીધી. સાવિત્રીબહેનને વહેમ તો ગયો કે કશુંક બન્યું છે. સલોનીને પણ જ્યારે એ વાતની ખબર પડી ત્યારે એ થોડી ગભરાઈ ગઈ. એણે આવું થશે એવું ધાર્યું નહોતું. એ વિચારવા લાગી, આ વાત એની મમ્મી અને પ્રિન્સિપાલ મેડમ સુધી પહોંચશે તો?

બીજા દિવસે સલોની ડરતી ડરતી શાળામાં પહોંચી. બેલા પણ આજે નવા જોશ સાથે આવી હતી. એણે નક્કી કર્યું હતું કે જો સલોની જરા પણ ખરાબ વર્તન કરશે તો એ હવે સાંખશે નહીં. પરંતુ એણે ક્લાસમાં આવીને જોયું તો સલોની સાવ ઢીલી થઈ ગઈ હતી અને નીચું જોઈને બેઠી હતી. બેલાને નવાઈ લાગી.

થોડા દિવસો પછી સાતમા ધોરણનાં વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની એક કસોટી યોજાઈ હતી. એમાં આખા જિલ્લામાં બેલાનો પ્રથમ નંબર આવ્યો. સલોની તો ક્યાંય પાછળ રહી ગઈ હતી. પરિણામ આવતાં સ્કૂલમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. બધાં બેલા પર અભિનંદન વરસાવતાં હતાં. ક્લાસ ટીચરે બેલાને અભિનંદન આપ્યા અને કહ્યું, “આ શનિવારે આપણી સ્કૂલના પ્રાંગણમાં તારો સન્માન-સમારંભ યોજાવાનો છે.”

પ્રિન્સિપાલ મેડમે પણ બેલાને બોલાવીને અભિનંદન આપ્યાં અને કહ્યું, “બેટા, મારે તને બીજી એક વાતની પણ શાબાશી આપવાની છે. તારા જ ક્લાસની એક વિદ્યાર્થીની તને આટલી બધી હેરાન કરતી હતી, છતાં તેં એના વિશે કોઈ ફરિયાદ કરી નહીં. ધન્ય છે તને અને તારી માના સંસ્કારને. મને આ વાતની ખબર તારા ક્લાસની બીજી વિદ્યાર્થીનીઓ પાસેથી પડી. મેં સલોનીની મા સાવિત્રીબહેનને બોલાવ્યાં. એમને બધી વાત કરી. આ વાત જાણીને એમને ખૂબ દુ:ખ થયું. એ બહુ શરમ અનુભવવા લાગ્યાં. એમણે કહ્યું, હવે આખી વાતનો દોર એ એમના હાથમાં લેવા માગે છે. એ કંઈક પ્લાન કરે છે.”

શનિવારે કાર્યક્રમ શરૂ થયો. સ્કૂલની બધી વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો હાજર હતાં. બેલા સ્ટેજ પર પ્રિન્સિપાલ મેડમની બાજુમાં બેઠી હતી. સલોની અને એની બહેનપણીઓ સૌથી છેલ્લે બેઠી હતી. કાર્યક્રમ શરૂ થતાં જ એક શિક્ષિકાએ આજના કાર્યક્રમનાં મુખ્ય મહેમાન સાવિત્રીબહેન પધારે એવી એનાઉન્સમેન્ટ કરી. સાવિત્રીબહેન પાછળના ભાગમાંથી સ્ટેજ પર આવ્યાં. સલોની તો થડકી ગઈ. એ વિચારવા લાગી, મમ્મી કાર્યક્રમની મુખ્ય મહેમાન છે એ વાત એણે મને કેમ જણાવી નહીં?

સાવિત્રીબહેને સ્ટેજ પર આવતાની સાથે કહ્યું, “આ આખા અવસર માટે સાચાં અભિનંદનને પાત્ર છે એ બહેન પણ અહીં પધારે.” એ સાથે પૂનમબહેન સ્ટેજ પર આવ્યાં. સલોનીને થયું, આ બધું શું છે? એને ઊભી થઈને નાસી જવાની ઇચ્છા થઈ. બધાએ એમનાં વક્તવ્યમાં બેલાનાં ખૂબ વખાણ કર્યાં. એની મમ્મી વિશે પણ બધા સારું બોલ્યા.

છેલ્લે સાવિત્રીબહેન બોલવા ઊભાં થયાં: “આટલું સુંદર પરિણામ લાવીને બેલાએ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. એ માટે એનું સન્માન કરવાનું છે. એના જ ક્લાસની વિદ્યાર્થીની એનું સન્માન કરશે. એ વિદ્યાર્થીની છે સલોની.” પોતાનું નામ સાંભળતાં જ સલોની હેબતાઈ ગઈ. એ માંડ ઊભી થઈ શકી. એના પગ ધ્રૂજતા હતા. શરમથી આંખો ઢળી ગઈ હતી. વિચારવા લાગી, મેં જે છોકરીની આટલી ઠેકડી ઉડાવી, જેને પજવી, જેને ઉતારી પાડવાની એક પણ તક છોડી નહીં, એને જ આજે મારા હાથે હાર પહેરાવવો પડશે. એ સમજી ગઈ કે એની માએ એક પણ અક્ષર બોલ્યા વિના એની શાન ઠેકાણે લાવી દીધી છે. મમ્મીએ એના ગાલ પર જોરદાર તમાચો માર્યો છે.

એ નીચી નજરે, ધીમા ડગ માંડતી, સ્ટેજ પર પહોંચી. સાવિત્રીબહેને એની સામે ધારદાર નજર ફેકીને એના હાથમાં કવર આપ્યું. સલોનીએ એ કવર બેલાને આપ્યું, પણ એની સાથે નજર મેળવી શકી નહીં. પછી સાવિત્રીબહેને સલોનીને હાર આપ્યો. હાર હાથમાં લેતાં જ સલોની સાવ ભાંગી પડી. એણે આંખમાં આંસુ સાથે બેલાને હાર પહેરાવ્યો અને એને ગળે લગાવીને રડી પડી. એ કહેવા લાગી, “મને માફ કરી દે, બેલા, મને માફ કરી દે. આજે મારી માએ મારી આંખ ઉઘાડી છે. તારી માએ તને જે સંસ્કાર આપ્યા એ તેં તારામાં સીંચ્યા, પણ મેં મારી માના સંસ્કાર મારા સુધી પહોંચવા ન દીધા. આજે મને એનો પસ્તાવો થાય છે. મને માફ કરી દેજે, બેલા!”

બેલા સલોનીને ભેટી પડી અને બોલી, “ભૂલ તો બધાથી થાય, તારે માફી માગવાની જરૂર નથી. જાગ્યા ત્યાંથી સવાર. બધું ભૂલી જઈને આજથી શુભ શરૂઆત કર.”

કાર્યક્રમ પૂરો થયો. સૌ આનંદ અને ઉલ્લાસ સાથે છૂટાં પડતાં હતાં. સલોનીએ કહ્યું, “બેલા, તું અને તારાં મમ્મી અમારી સાથે જ અમારા ઘેર ચાલો છો. અને પૂનમઆંટી, આજે તો તમારા હાથની જ ગરમ ગરમ રસોઈ જમીશું. હું અને બેલા તમને મદદ કરીશું. કેમ, બેલા, બરાબરને?”

સાવિત્રીબહેન અને પૂનમબહેન બંનેએ સલોનીના માથે હાથ મૂકીને એને આવકારી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.