ફિર દેખો યારોં : મૃત્યુ થકી જ જીવનનું મૂલ્ય સમજવાનું થાય ત્યારે…

બીરેન કોઠારી

જે થયું છે એ નવું નથી, અને જે થવાનું છે એ પણ ખાસ નવું નહીં હોય. આ માસના બીજા સપ્તાહમાં વડોદરા જિલ્લાની એક ઔદ્યોગિક કંપનીમાં ધડાકો થયો, જેમાં છ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા અને ચારેકને જીવલેણ ઈજા થઈ છે. મૃતકોનાં સગાવહાલાંએ કંપનીના સત્તાધીશો સમક્ષ મૃતકોના વળતરની માગણી કરી છે. પોલિસે ફરિયાદ નોંધી છે અને કેટલીક ધરપકડ કરી છે, જેમાં પ્લાન્‍‍ટ મેનેજર, કંપનીના ચેરમેન અને તેમના પુત્ર, તથા એક ડિરેક્ટરનો સમાવેશ થાય છે.

આ પ્રકારના અકસ્માત, તેમાં થતા મૃત્યુ અને તેને પગલે થતી કાર્યવાહી- આ બધું ચાલતું જ આવ્યું છે. મૃત્યુ પામેલાઓનો વાંક કાઢવાના પ્રયત્ન થશે અને કહેવામાં આવશે કે તેમણે સુરક્ષાનાં યોગ્ય પગલાં લીધાં નહીં. છેવટે થોડુંઘણું વળતર આપીને વાત પૂરી કરવામાં આવશે. એવું નથી હોતું કે મૃતકનાં સગાંઓને નાણાંની લાલસા હોય છે, પણ પોતાનું સ્વજન ચાલ્યું જાય એ પછી તેમની પાસે બીજો કશો વિકલ્પ બાકી રહેતો નથી. કંપનીમાં સુરક્ષાની પૂરતી જોગવાઈ ન હોય, કે કર્મચારીઓ સુરક્ષાને અવગણતા હોય એ ઘટના કંઈ ઓચિંતી કે અજાણી હોતી નથી. દરેક ઉદ્યોગોનું નીરિક્ષણ નિર્ધારીત અધિકારી દ્વારા નિયમીતપણે થતું હોય છે. કર્મચારીઓ સુરક્ષાને અવગણે એ પણ સાવ સામાન્ય બાબત છે. એ માટેનાં બે-ત્રણ કારણો હોય છે. મુખ્ય કારણ એ કે સુરક્ષાના નિયમોનું વ્યવહારમાં પાલન ખર્ચાળ હોય છે. તેનાં ઉપકરણો વસાવવાનું કંપનીઓ ટાળે છે. બીજી બાબત એ કે રોજિંદો મામલો હોવાથી કર્મચારીઓ પોતાના કામને હળવાશથી લેતા થઈ જાય છે. કોઈ પણ સરકારી અધિકારી નીરિક્ષણ માટે આવે ત્યારે તેની સમક્ષ કેવું ચિત્ર રજૂ કરવું એ આપણને છેક શાળાકાળથી શિખવવામાં આવ્યું હોય છે. અને જે તે વિભાગીય અધિકારી પણ આ બાબત જાણતા હોય છે. આથી તેમનો મુખ્ય રસ નીરિક્ષણની ઔપચારિકતા ‘પોતાની રીતે’ પૂરી કરી દેવાનો હોય છે.

બીજી એક હકીકત એ પણ હોય છે કે આવા અકસ્માતોમાં ભોગ બનનાર કર્મચારી મોટા ભાગે હંગામી હોય છે. હંગામી કર્મચારી અન્ય કાયમી કર્મચારીની માફક પોતાના હકની માગણી કરી શકતો નથી. એમ કરવા જાય તો તેણે નોકરીથી હાથ ધોવાની તૈયારી રાખવી પડે છે. કંપની પણ આવા કિસ્સામાં સઘળી બેજવાબદારીનો ટોપલો જે તે કોન્‍ટ્રાક્ટરના માથે ઢોળી દઈને પોતાના હાથ ઊંચા કરી દઈ શકે છે. હવે ઘણા ઉદ્યોગો કાયમી, તાલિમબદ્ધ કર્મચારીઓ રાખવાની જગ્યાએ હંગામી અને શિખાઉ કામદારોને રાખીને કામ ચલાવી લે છે. કાનૂની દૃષ્ટિએ તેમની જવાબદારી કંપનીની રહેતી નથી, અને નૈતિક જવાબદારી તેણે શિખવાની જરૂર હોતી નથી.

અકસ્માતનો ભોગ બનનારનાં સ્વજનોને ભાગ્યે જ જાણ હોય છે કે પોતાની વ્યક્તિ કેવા જોખમી સંજોગોમાં ફરજ બજાવે છે. આવી દુર્ઘટના બને ત્યારે અચાનક તેની ગંભીરતા એકદમ વરવા સ્વરૂપે બહાર આવે છે. આ અકસ્માત પછી પોલિસે દાખલ કરેલા પ્રથમદર્શી અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે એક પણ મૃતકે પોતાના શરીર પર સુરક્ષાનું એકે ઉપકરણ પહેર્યું નહોતું. અત્યંત ઉચ્ચ દબાણવાળા વાયુઓની પ્રક્રિયા થતી હોય એવા ઔદ્યોગિક સંકુલમાં એકે સુરક્ષા ઉપકરણ જોવા નથી મળ્યું, કે નથી કોઈ ચેતવણીસૂચક પાટિયાં જોવા મળ્યાં. આ સંજોગોમાં પરિસ્થિતિ સુધારવા માટે ભાગ્યે જ કોઈ પગલાં લેવાતાં હોય છે. મૃતકનાં સગાંઓ જવાબદારો સમક્ષ આકરા પગલાં લેવાની કે યોગ્ય પાઠ ભણાવવાની માગણી કરે, પણ એ આકરા પગલાંનો અંજામ શો આવતો હોય છે એ હકીકત કોઈથી અજાણી નથી. થોડા દિવસ મામલો છાપે ચડે અને પછી વાત પૂરી. ફરી આવો અકસ્માત થાય ત્યારે ફરી પાછો આ જ ઘટનાક્રમ.

આનાથી સહેજ જુદી, પણ વ્યક્તિગત સુરક્ષા સાથે સંકળાયેલી હોવાથી એ વાત કરવી જરૂરી છે કે રોજબરોજના જીવનમાં સુરક્ષા પ્રત્યે આપણો અભિગમ કેવો છે. થોડા સમય અગાઉ દ્વિચક્રી વાહનના ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત બનાવવાનો કાયદો આવ્યો કે તેનો ઠેરઠેરથી વિરોધ કરવામાં આવ્યો. આ વિરોધ એવો પ્રચંડ હતો કે નાગરિકોના હિતમાં હોવા છતાં સરકારે તેનો અમલ મોકૂફ રાખવા જેવું લોકરંજક પગલું ભરવું પડ્યું. આ બાબતે સરકાર તો ઠીક, નાગરિકો વધુ હાસ્યાસ્પદ ઠર્યા. પોતાની વ્યક્તિગત સુરક્ષાની જવાબદારી સુવાંગ પોતાની જ ગણાય. તેને કાયદા થકી ફરજિયાત બનાવવામાં આવે તો પણ એ છેવટે વ્યક્તિગત ધોરણે ફાયદાકારક જ બની રહે છે. તેનો વિરોધ કરવો, અને પછી એ હદે કરવો કે કાયદો મુલતવી રાખવો પડે એ સ્થિતિ માટે કયા શબ્દો વાપરવા? તેના માટે અગવડ અને અસુવિધાનું ગમે એ કારણ રજૂ કરવામાં આવે, માનવની જિંદગીથી વધુ કિંમતી કશું નથી એ સમજવું રહ્યું. સરકાર કાયદો બનાવે કે ન બનાવે, પોતાની સલામતિ અને સુરક્ષા માટે હેલ્મેટ પહેરવી જ જોઈએ.

ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓએ પણ આ બાબત ધ્યાનમાં લેવા જેવી છે. છતે ઉપકરણે તેઓ સુરક્ષાને અવગણશે તો તેનાથી થતું નુકસાન તેમણે પોતે જ ભોગવવાનું આવશે. જો કે, હંગામી કર્મચારીઓનો પુરવઠો પૂરો પાડતા કોન્‍ટ્રાક્ટરો તેમને સુરક્ષા ઉપકરણો ખરેખર પૂરાં પાડે એ જોવાની નૈતિક જવાબદારી કંપનીની હોવી જોઈએ. નૈતિક જવાબદારી બજારમાં મળતી નથી કે નથી એને આયાત કરી શકાતી. કંપનીઓ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે સામાજિક પ્રવૃત્તિઓ કરે અને એની સામે વેરામાં રાહત મેળવે, તો પોતાને ત્યાં કામ કરતા હંગામી કર્મચારીઓને પણ સમાજના એક હિસ્સા તરીકે જ તેણે સ્વીકારવા રહ્યા. હરીફરીને એ જ હકીકત યાદ રાખવાની છે. વ્યક્તિગત સુરક્ષા માટે કોઈ કાયદો બને એની રાહ જોવાની જરૂર નથી. પોતાના જીવનનું મૂલ્ય પોતે જ સમજવાનું છે. આપણે પોતે જ એ નહીં સમજીએ તો બીજા કોઈ એ સમજે એ અપેક્ષા રાખવી વધુ પડતી છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૩-૧-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.