ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – ૧૯૧૬થી ૧૯૩૫ : પ્રકરણ : 33: ક્રાન્તિકારીઓ (૬)

દીપક ધોળકિયા

ઍસેમ્બ્લીમાં બોંબ કાંડ

હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશનનું નામ સૉંડર્સની હત્યા પછી લોકો બહુ માનભેર લેતા થઈ ગયા હતા. એના સભ્યોમાં પણ ઉત્સાહ વધ્યો હતો. એમણે સાઇમન કમિશનના સભ્યો પર જ હુમલો કરવાનો વિચાર કર્યો પણ કમિશન જલદી કામ આટોપીને પાછું ચાલ્યું ગયું હતું. આમ પણ એને ઠેર ઠેર વિરોધનો જ સામનો કરવો પડ્યો હતો. આથી HSRAના સભ્યો કંઈક એવું કરવા માગતા હતા કે લોકોમાં સનસનાટી ફેલાય, બ્રિટિશ સત્તાની નામોશી થાય અને લોકોમાં જોશ વધે.

એ અરસામાં અંગ્રેજ હકુમત બે કાયદા બનાવવા માગતી હતી. આનાં બે વિધેયક સેંટ્રલ ઍસેમ્બ્લીમાં આવવાનાં હતાં – એક તો પબ્લિક સેફ્ટી બિલ અને બીજું, ટ્રેડ ડિસ્પ્યૂટ બિલ. હાઉસમાં કોંગ્રેસના સભ્યો તો એનો વિરોધ કરવાના જ હતા. કોંગ્રેસની બહુમતી હોવાથી બિલો મંજૂર રહે તેમ તો હતું જ નહીં. છેવટે સરકાર વાઇસરૉયની સહીથી એના કાયદા જાહેર કરવાની જ હતી. આ બિલો સામે લોકોમાં ઊગ્ર વિરોધ હતો.

ક્રાન્તિકારીઓએ નક્કી કર્યું કે ગૃહમાં બન્ને બિલો ઊડી જાય તે પછી સરકાર વાઇસરૉયની સત્તા વાપરીને કાયદા બનાવવાની જાહેરાત કરે ત્યારે બોંબ ફેંકીને વિરોધ જાહેર કરવો. એમણે બોંબ ફેંકવાના બે ઉદ્દેશો નક્કી કર્યા – એક તો, સરકારને દેખાડવું કે લોકો આ બિલોનો સખત વિરોધ કરશે; બીજું કોંગ્રેસને પણ દેખાડવું કે ધારાસભા દ્વારા કંઈ મેળવવાની તમારી આશા ખોટી છે.

એમણે એમના એક ક્રાન્તિકારી સાથી જયદેવને ઍસેમ્બ્લીમાં જવાના પાસ મેળવી આપવાની જવાબદારી સોંપી. એણે ત્યાંના ઑફિસર સાથે દોસ્તી કરી લીધી અને ઘટનાના દિવસથી પહેલાં પણ બે-ત્રણ સાથીઓને જગ્યા જોવા લઈ ગયો. એક વાર ભગત સિંહ પણ જઈ આવ્યા. પાછા ભાગવા માટે કારની વ્યવસ્થા પણ થઈ ગઈ. પરંતુ ભગતસિંઘ અને વિજય કુમાર સિન્હાએ કહ્યું કે ભાગી જવાથી એ માત્ર અડપલું ગણાશે, લોકો સુધી ક્રાન્તિનો સંદેશ નહીં પહોંચે. એટલે એમ નક્કી થયું કે પકડાઈ જવું અને કેસ ચાલે ત્યારે કોર્ટમાં HSRAનો ક્રાન્તિકારી કાર્યક્રમ જાહેર કરવો કે જેથી લોકો સુધી વાત પહોંચે. પછી એમણે નક્કી કર્યું કે ભગત સિંઘ જાય અને એની સાથે કોઈ પણ હોય. એમાં ક્યારેક વિજય કુમાર સિન્હાનું નામ આવતું તો ક્યારેક સુખદેવ કે રાજગુરુનું. પરંતુ શિવા વર્મા વગેરે સાથીઓ આઝાદ કે ભગત સિંઘને મોકલવાની વિરુદ્ધ હતા. અંતે નક્કી થયું કે બટુકેશ્વર દત્ત અને વિજય કુમારને મોકલવા. દત્ત મૂળ તો યુક્ત પ્રાંતના જ પણ કંઈ થતું ન હોવાથી બિહાર ચાલ્યા ગયા હતા. એમની ફરિયાદ હતી કે આટલો લાંબો સમય એ ગ્રુપમાં રહ્યા તો પણ એમને કશામાં કેમ સામેલ નથી કરતા?

ભગત સિંઘે હવે જવાનું નહોતું પણ સુખદેવે ભગત સિંઘને કહ્યું કે તું કેમ નથી જતો? ભગત સિંઘે જવબ આપ્યો કે સેંટ્રલ કમિટીએ એવો નિર્ણય કર્યો છે. સુખદેવે એને ટોણો માર્યો કે તું એવું દેખાડવા માગે છે કે તું બલિદાન આપવાનું ગૌરવ છોડે છે! એણે કોઈ છોકરીનું નામ પણ આપ્યું. પંજાબના એક નેતાને સજા કરતી વખ્તે જજે ટકોર કરી હતી કે એ આખા કાવતરાના સૂત્રધાર છે, પણ પોતે કાયર છે અને બીજાને હોમે છે. સુખદેવે આનો ઉલ્લેખ કરીને કહ્યું કે તારા માટે પણ કોર્ટ આવું જ કહેશે. તે પછી ભગત સિંઘે સેંટ્રલ કમિટીમાં કહી દીધું કે એ પોતે જ જશે.

એ જ દિવસે સુખદેવે લાહોર જઈને બાબુજી (ભગવતી ચરણ વોહરા) અને દુર્ગાભાભીને સમાચાર આપ્યા કે ભગત સિંઘને છેલ્લી વાર મળવું હોય તો સાંજે જ દિલ્હી પહોંચો. ૧૯૨૯ની સાતમી ઍપ્રિલે એ બન્ને દીકરા સચીન સાથે દિલ્હી આવ્યાં. કુદ્સિયા બાગમાં ભગત સિંઘને મળ્યાં. દુર્ગાભાભી ભગત સિંઘને ભાવતાં રસગુલ્લાં લઈ આવ્યાં હતાં. બીજા દિવસે કદાચ ભગત સિંઘની લાશ જ જોવા મળે!

બીજા દિવસે આઠમી તારીખે ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત ઍસેમ્બ્લીમાં દર્શકોની ગેલેરીમાં બેઠા. ત્રીજો સાથી જયદેવ દૂર બેઠો અને કંઈ થાય તે પહેલાં બહાર નીકળી ગયો. ભગતસિંઘ અને બટુકેશ્વર દત્ત ક્યાં બોંબ ફેંકવો તે જોતા રહ્યા. સરકારી પક્ષનો નેતા સર જ્હોનશુસ્ટર જ્યાં બેઠો હતો એમની નજીક જ મોતીલાલ નહેરુ બેઠા હતા. જો શુસ્ટર પર બોંબ ફેંકે તો મોતીલાલ નહેરુને પણ ઈજા થાય તેમ હતું.

બન્ને બિલો નામંજૂર થવાનાં હતાં અને શુસ્ટરે ઊભા થઈને જાહેર કર્યું કે આ બિલોને વાઇસરૉયે કાયદા તરીકે મંજૂરી આપી દીધી છે; બરાબર તે જ વખતે ભગત સિંઘે એની પાછળ બોંબ ફેંક્યો. તરત બીજો બોંબ દત્તે ફેંક્યો. એક પછી એક બે મોટા ધડાકા થયા. નીચે બૂમરાણ મચી ગયું. માત્ર સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલ, મોતીલાલ નહેરુ અને મહંમદ અલી જિન્ના કંઇજ ન બન્યું હોય તેમ જ્યાં હતા ત્યાં જ બેઠા રહ્યા. તે પછી ભગત સિંઘે પોતાની પિસ્તોલમાંથી બે ગોળી શુસ્ટર પર છોડી પણ એ ટેબલ નીચે ઘૂસી ગયો. તે પછી ક્રાન્તિકારીઓએ HSRAનાં ચોપાનિયાં નીચે ફેંક્યાં અને ઈંક્લાબ ઝિંદાબાદ, ડાઉન વિથ ઇંપીરિયલિઝ્મ’નાં સૂત્રો પોકારવા લાગ્યા. આખી દર્શક ગૅલેરી ખાલી થઈ ગઈ. પણ એ બન્ને ત્યાં જ રહ્યા. સાર્જન્ટે આવીને પૂછ્યું કે આ તમે કર્યું? બન્ને પાસે હજી બાર કારતૂસ હતાં પણ એમણે એક પણ ગોળી ન છોડી અને આત્મસમર્પણ કરી દીધું.

પોલીસની વૅન એમને લઈને બજારમાંથી પસાર થતી હતી ત્યારે ભગવતીજી, પત્ની અને પુત્ર સાથે ટાંગામાં જતાં હતાં. નાનો સચીન તો ભગતસિંઘને ઓળખી ગયો અને “લંબે ચાચા..” બોલી નાખ્યું પણ ભગવતીચરણ કે દુર્ગાદેવીએ, અને સામી બાજુ ભગત સિંઘે પરસ્પર ઓળખાણનો કોઈ ભાવ ન દેખાડ્યો.

આ કેસમાં ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને આજીવન કારાવાસની સજા થઈ.

બહેરાઓને સંભળવવા માટે વિસ્ફોટ

“ “બહેરાઓને સંભળાવવા માટે બહુ મોટા વિસ્ફોટની જરૂર હોય છે.” ફ્રાન્સના પ્રસિદ્ધ અરાજકતાવાદી શહીદ વૅલિયોંના આ અમર શબ્દો અમારા કાર્યના ઓચિત્યના સાક્ષી છે…”

એમનું નિવેદન આ શબ્દો સાથે શરૂ થાય છે. તે પછી એમણે કહ્યું કે છેલ્લાં દસ વર્ષમાં બ્રિટિશ સરકારે દેશનાં અપમાનો કર્યાં છે. જનતા એવી આશામાં છે કે સાઇમન કમિશન કંઈક ટુકડા ફેંકશે. અને એમાં જે અંદરોઅંદર લડે છે ત્યારે સરકાર પબ્લિક સેફ્ટ ઍક્ટ, ટ્રેડ ડિસ્પ્યૂટ એક્ટ અને પ્રેસ સિડીશન ઍક્ટ લઈને આવે છે. આ સ્થિતિમાં HSRAએ આ પગલું લેવાનો પોતાની સેનાને હુકમ આપ્યો છે. બ્રિટિશ નોકરશાહી જે કરવા માગતી હોય તે કરે પણ આ હકુમત કાનૂની છે એવો દંભ ભેદવાની જરૂર છે. જનતાના પ્રતિનિધિઓને અમારી વિનંતિ છે કે તેઓ આ ઍસેમ્બ્લીનું પાખંડ છોડી દે, પોતાના મત વિસ્તારોમાં જાય અને લોકોને ક્રાન્તિ માટે તૈયાર કરે.

એમણે કહ્યું કે લાલા લાજપત રાયના ખૂનનો બદલો લેવા અમે આ કૃત્ય કર્યું છે. અમે મનુષ્ય જીવનને પવિત્ર માનીએ છીએ. અમને ઉજ્જ્વળ ભવિષ્યમાં વિશ્વાસ છે કે જ્યારે દરેક વ્યક્તિને શાંતિ અને સ્વતંત્રતાનો મોકો મળશે…

આઝાદ ભારતમાં બટુકેશ્વર દત્ત સિગારેટના એજન્ટ

બટુકેશ્વર દત્તને કાળા પાણીની સજા ભોગવવા માટે આંદામાનની જેલમાં મોકલી દેવાયા. ત્યાં એમણે ૧૯૩૩ અને ૧૯૩૭માં ઐતિહાસિક ભૂખ હડતાળ કરી. જેલમાં એક સખત બીમાર થઈ ગયા તે પછી એમને પટના ખસેડ્યા અને ૧૯૩૮માં છોડી મૂક્યા, પણ ફરી પકડી લીધા. છેક ૧૯૪૫માં એ જેલમાંથી છૂટ્યા. ૧૯૪૭માં એ પરણીને પટનામાંજ રહ્યા.

પરંતુ કામ ધંધો કંઈ ન મળે. પછી એક સિગારેટ કંપનીમાં એમને એજન્ટ તરીકે કામ મળ્યું. એ આખો દિવસ સાઇકલ પર બીડી-સિગારેટનાં પેકેટો લાદીને દુકાને દુકાને ફરતા અને ગુજરાન ચલાવતા. ૧૯૬૪માં એમની તબીયત લથડી ત્યારે પટનાની એક હૉસ્પિટલમાં એમને દાખલ કરવા પડ્યા. એમની ચાકરી માટે કોઈ નહોતું, એકલા પડ્યા રહેતા. એમના મિત્ર ચમનલાલે એક લેખ લખીને સવાલ ઊભો કર્યો કે આ વા વિરે ભારતમાં જન્મ લઈને ભૂલ તો નહોતી કરી ને? તે પછી સરકારને આંચકો લાગ્યો. એ જ વર્ષે ૨૨મી નવેમ્બરે એમને દિલ્હીમાં ‘એમ્સ’માં દાખલ કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે એમને કૅન્સર હતું. પંજાબના મુખ્ય મંત્રી એમને મળવા ગયા અને પૂછ્યું કે એમના માટે પોતે શું કરી શકે?

આ વીરનો જવાબ ટૂંકો હતો – મારા અંતિમ સંસ્કાર મારા મિત્ર ભગત સિંઘની સમાધિ પાસે કરજો.

૧૯૬૫ની ૧૭મી જુલાઈએ એ કોમામાં ચાલ્યા ગયા અને ૨૦મીએ એમણે શ્વાસ છોડ્યા. એમના અંતિમ સંસ્કાર હુસેનીવાલામાં ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવની સમાધિ પાસે કરવામાં આવ્યા.

૦૦૦

સંદર્ભઃ

सिंहावलोकन, यशपाल, 1951, विप्लव प्रकाशन, लखनऊ

https://www.patrika.com/kanpur-news/tribute-to-batukeshwar-dutt-who-exploded-bombs-with-bhagat-singh-in-central-legislative-assembly-1354108/


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.