“ એક દિવસ એવો આવશે જ્યારે ટેલીફોન પર વાત કરી રહેલો એક માણસ બીજા માણસથી કેટલો દૂર છે તેની પણ ખબર પડશે. વાતચીતની કિંમત પૂછવી એ જીવનની કિંમત પૂછવા બરાબર છે. શોધક એક એવો ઈન્સાન છે જે જગતને ચારે બાજુએથી જુએ છે. જે ચીજ જેવી દેખાય છે એવા સ્વરૂપથી તેને સંતોષ થતો નથી. તે મૂળ ચીજને વધુ સારી બનાવીને આપે છે.” આ શબ્દો છે ટેલીફોનના શોધક ગણાતા એલેકઝાન્ડર ગ્રેહામ બેલના. ગ્રેહામ બેલની આ શોધે વિશ્વ કલ્યાણની ક્ષિતિજો ખોલી નાખી છે. સ્થિતિ એ છે કે આજે ટેલીફોન નેટવર્ક ખોરવાઈ જાય તો શું થાય એ કલ્પના ધ્રુજાવી દે તેવી છે.
માવજી મહેશ્વરી
ઝડપ અને એકમેકથી હંમેશા જોડાયેલા રહેવાનું આદિમ તત્વ માનુષ્યના લોહીમાં છે. જે કામ કલાકમાં થાય તે મીનીટમાં થઈ જાય એની ખેવનાએ જ નવા નવા ઉપકરણો આપ્યાં છે. આમ તો કહેવાય છે કે વિરહ મનુષ્યની રસેષ્ણાને પોષે છે. આજના વિજાણૂ યુગમાં જેની કલ્પના પણ ન થાય એવો વિરહ મનુષ્યજાતે વેઠ્યો છે. પરંતુ આ વિરહની ખાઈ તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય તો તે છે ટેલીફોન. માણસની હયાતિનો પુરાવો તેનો અવાજ છે. અવાજને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની ઈચ્છાએ જ ટેલીફોનની શોધ થઈ. ટેલીફોનની શોધના દોઢસો વર્ષને અંતે સ્થિતિ એવી છે કે ટેલીફોન ક્રાંતિનો આધુનિક ઊપકરણ એવો સેલફોન માનવીને એકબીજાની નજીક તો લાવ્યો સાથે સાથે એવી માયાજાળ રચી કે પ્રત્યક્ષ અવાજો અને સ્પર્શથી મનુષ્ય દૂર જઈ રહ્યો છે. જોકે એ એક નકારાત્મક અને ટૂંકા ગાળાનું પાસું છે. વાસ્તવમાં ટેલીફોનની શોધ એક એવી મહાન શોધ છે જેનાથી માનવીય જીવનના અર્થ અને માણસના હોવાનું સાફલ્ય સમજાયું છે.

જગતમાં ટેલીફોનના શોધક તરીકે ગ્રેહામ બેલનું નામ અમર છે. પરંતુ ટેલીફોનની શોધ પાછળ એક એવું નામ પણ છે જેનો ઉલ્લેખ બહુ જોવા મળતો નથી. એ છે જર્મન વૈજ્ઞાનિક યોહાન ફિલીપ. ફિલીપે પહેલીવાર સાબિત કર્યું હતું કે માણસનો અવાજ ધાતુના તાર મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે. ૧૮૬૦માં તેમણે તારથી જોડાયેલા એક લાકડીના ટુકડાને મોં પાસે રાખીને બોલ્યા હતા કે ‘ ઘોડા ખીરાનો સલાડ નથી ખાતા. ‘ કોઈને વિચિત્ર લાગે, પરંતુ આ હતા અવાજના સ્થળાંતર માટેના પહેલા શબ્દો. ત્યારે તેમને ખબર પણ ન હતી કે તેઓ જગતની ક્રાંતિકારી શોધ કરી રહ્યા છે. તેમણે પોતાની આ શોધનું ૨૬ ઓક્ટોબર ૧૮૬૧ના રોજ અવાજની પુનરોપ્તિ નામે શોધપત્ર પણ રજુ કર્યું હતું. પરંતુ તેમની શોધમાં અવાજને એક તરફ મોકલી શકાતો, સામેથી પ્રત્યુતર મેળવવાની કોઈ વ્યવસ્થા ન હતી. તેઓ લાંબુ જીવ્યા નહીં. ક્ષય રોગે માત્ર ચાલીસ વર્ષે તેમના જીવન ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું. પરંતુ ગ્રેહામ બેલ ટેલીફોનની શોધને સાર્વજનિક કરી શક્યા. એટલે જ ગ્રેહામ બેલ ટેલીફોનના શોધક કહેવાયા. જોકે ગ્રેહામ બેલ કોઈ સામાન્ય મનુષ્ય ન હતા. તેઓ દુનિયામાં માત્ર ટેલીફોનના શોધક તરીકે જાણીતા નથી. બાળપણથી જ તેમની જીજ્ઞાસાવૃતિ એટલી પ્રબળ હતી કે માત્ર બાર વર્ષની ઉમરે તેમણે કઠોર પથ્થરના બે પડને જોડીને અનાજ દળવાની ઘંટીનું પ્રાથમિક સ્વરૂપ બનાવ્યું હતું. જે વર્ષો સુધી પ્રચલિત રહ્યું હતું. સોળ વર્ષની ઉંમરે સ્કોટલેન્ડમાં વક્તૃત્વ કલા અને સંગીતના શિક્ષક પણ બન્યા હતા. મેટલ ડીટેક્ટર અને ઓડિયો મીટર ( સાંભળવાનું મશીન )ની શોધ પણ તેમણે કરેલી છે. એક રસપ્રદ વાત એ છે કે તેમના પિતાજી, દાદા અને ભાઈ ત્રણેય વક્તવ્ય અને ભાષણ સંબંધી કાર્યોમાં જોડાયેલા હતા અને ખુદ ગ્રેહામની મા બહેરી હતી. આ એક વિચિત્ર સ્થિતિ હતી. સતત વાત કરવાના ઊપકરણોની શોધમાં રહેતા ગ્રેહામ બેલે બે વર્ષની મહેનતની અંતે ૧૮૭૬માં બે તરફી વાત થઈ શકે તેવું ટેલીફોન મૂક્યું. તે સાથે જ જગતમાં અવાજની પરિભાષા બદલાઈ ગઈ. જોકે તે પછી વિવિધ ફેરફારો થયા. શરુઆતમાં ટેલીફોનને લોકો શંકાની નજરે પણ જોતા હતા. તો કેટલાક અમીરોના નખરા પણ કહેવા લાગ્યા. ૧૮૮૧માં બર્લીનમાં પહેલી ટેલીફોન ડીરેક્ટરી બની તો લોકોએ તેને મુર્ખાઓનું પુસ્તક કહીને હાંસી ઉડાવી હતી. પરંતુ ટેલીફોન જેમ જેમ સાર્વજનિક બનવા લાગ્યો તેમ તેમ લોકોને ગ્રેહામ મહાન લાગવા માંડ્યા. ટેલિફોનિક વાતચીતમાં Hello એક એવો શબ્દ છે, જે કોઈ ભાષાનો નથી તેમ છતાં દુનિયાની બધી જ પ્રજા બોલે છે. આ શબ્દની રસપ્રદ કહાની એ છે કે માર્ગારેટ હેલ્લો ગ્રેહામની સ્ત્રીમિત્રનું નામ હતું. ગ્રેહામ તેને હેલ્લો કહીને બોલાવતા અને એ શબ્દ આજે પણ બોલાય છે.
મનુષ્યજાત જે સાધનોની મજા લઈ રહી છે તેની શોધ પાછળ અનેક લોકોની મહેનત અને વિચારોનો પુરુષાર્થ સમાયેલો છે. ગ્રેહામ બેલની શોધ એટલી મહાન હતી કે ૨જી ઓગસ્ટ ૧૯૨૨ના રોજ ૭૫ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું ત્યારે તેમની સ્મશાનયાત્રાને માન આપવા માટે ઉતર અમેરિકી મહાદ્વીપના તમામ ફોન સાયલેન્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા હતા. એક તરફ જ્યારે યુરોપ અને પશ્ચિમના અન્ય દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ થઈ ગયા હતાં ત્યારે ભારત માટે નિર્ણયો લેનારી અન્ય પ્રજા હતી. ભારત ઉપર શાસન કરનાર અંગ્રેજોએ એક શાસક તરીકે ટેક્નોલોજીને આ દેશમાં લાવવામાં કોઈ ભેદભાવ રાખ્યો ન હતો એ પણ હકીકત છે. ૧૮૮૦માં ધ ઓરીયેન્ટલ ટેલીફોન કંપની અને એંગ્લોઈન્ડિયન ટેલીફોન કંપનીએ તત્કાલિન ભારત સરકાર પાસે ભારતમાં ટેલીફોન એક્સચેન્જ નાખવા માટે સંપર્ક કર્યો. પરંતુ તે વખતના અંગ્રેજ શાસકોએ ચોખ્ખુ સંભળાવી દીધું કે ભારતમાં ટેલીફોન વ્યવહાર સ્થાપવો એ સરકારનો એકધિકાર છે અને તે ખુદ સરકાર કરશે. તેમ છતાં કોઈ કારણસર ૧૮૮૧માં ઓરીએન્ટલ ટેલીફોન કંપનીને ભારતના મુંબઈ, મદ્રાસ, કલકતા અને અમદાવાદમાં એક્સચેન્જ નાખવાની પરવાનગી આપવામાં આવી. ૨૮ જાન્યુઆરી ૧૮૮૨ ભારતના ટેલીફોન ઈતિહાસમાં રેડ લેટર ડે તરીકે ઓળખાય છે. એ દિવસે ભારતમાં ટેલીફોન એક્સચેન્જ ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી.
ટેલીફોન સેવા અર્થાત દૂરવાણી સેવાના નાના મોટા એટલા પડાવો છે કે તેની બધી વિગતો નોંધવા જતાં મહાગ્રંથ બને. ટેલીફોનની શરુઆત તાર દ્વારા ધ્વનિ સંદેશના સિધ્ધાંત ઉપર થયેલી હતી. ભારતમાં ટેલીફોન સેવા એક્સચેન્જ સાથે જોડાયેલા તાર દ્વારા ચાલતી હતી. જે ૧૯૮૫ સુધી ઓપરેટર આધારિત હતી. જેમા એક શહેરથી બીજા શહેરમાં ફોન જોડવા માટે ઓપરેટર પાસે લાઈન માગવી પડતી હતી. અહીં આપણા ગુજરાતી શામ પિત્રોડાને પણ યાદ કરવા ઘટે જેમણે ભારતમાં ટેલીફોનિક ક્રાંતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે. દેશમાં ગ્રાહકની સીધી સેવા ( STD ) કાર્યરત થતાં પાંચ વર્ષ લાગી ગયા. ૧૯૯૦ની આસપાસ દેશભરમાં PCO અને STDના ખાનગી સેન્ટરોને મંજુરી આપવામાં આવી જેણે ભારતીય પ્રજાનો મિજાજ બદલી નાખ્યો. આ એક મોટો બદલાવ હતો. સામાન્ય માણસ માટે પોતાના દૂર વસતા સ્નેહીજન સાથે વાત કરવી એક અંગત સુખ હતું. ૧૯૯૦ પછી ભારતના ગામડાં પણ ટેલીફોનથી જોડાયા. ૧૯૯૫ પછી સેલફોન ( મોબાઈલ ફોન )ની શરુઆત થઈ. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે મોબાઈલ ફોન પહેલા પેજર નામનું એક સાધન આવ્યું હતું. એક તરફી સંદેશો વહેતું કરતા એ નાનકડા સાધનનું સેલફોન ક્રાંતિએ બાળમરણ કરી નાખ્યું. ભારતમાં દૂરવાણી સેવામાં બીએસએનએલ કંપનીનો મોટો ફાળો છે. આ કંપનીએ ભારતની ટેલીફોન સેવાના અનેક ચડાવ ઉતાર માત્ર જોયા નથી. ભારતીય સમાજને આંતરિક રીતે જોડવામાં પણ મહત્વનો ફાળો આપ્યો છે. સાથે સાથે લાખો માણસોને રોજી પણ આપી છે. આજે થોડી સેકન્ડોમાં હજારો માઈલ દૂર બેઠેલા સ્વજનોને હાલતા ચાલતા જોઈ શકાય છે. પરંતુ કચ્છથી મુંબઈ ફોન લગાવવા માટે ટ્રંકકોલ બુક કરાવ્યા પછી આઠ આઠ કલાકની રાહ જોનારી આગલી પેઢીને પોતાના સ્વજનો અવાજ સાંભળીને કેવો આનંદ થયો હશે ! એની કલ્પના થઈ શકે તેમ નથી.
શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com
સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે
ખૂબ સુંદર લેખ છે.
માનવી એ નિરંતર શોધ કરી છે અને પોતોનું જીવન વધુ આરામદાયક બનાવવા પ્રયનશીલ છે.
આજે એ મુકામ પર છીએ કે ગ્રેહામ બેલ ના સાદા ટેલિફોન કરી અને આજે અત્યંત આધુનિક મોબાઇલ/ સેટેલાઇટ ફોન સુધી પહોંચ્યો છે.
સ્માર્ટ ફોનથી સમય તો બચી ગયો પણ મોબાઈલ ના બીજા ફીચર થી એટલો ગળાડૂબ થઈ ગયો છે કે તેને તેના કુટુંબ કે સગા અને મિત્રો માટે સમય નથી. બીજા શબ્દો માં પોતાનો સમય મોબાઈલ પાછળ ઘણો બરબાદ કરી જાણે પ્રગતિ અટકાવવા પ્રયનશીલ ન હોય!
યોહાન ફિલીપ ની તો અહીં જ ખબર પડી. આભાર. હવે કોઈને હેલ્લો કહેતાં એ બાઈ યાદ આવશે !