ગઝલાવલોકન-૨૨, ગઝલમાં વ્યંગ

સુરેશ જાની

વ્યંગ એટલે શું? એ શું સમજાવવું પડે? સૌને એ ગમતો હોય છે. એની મજા અનેરી હોય છે. એ આપોઆપ પ્રગટ થઈ જતો હોય છે.

અહીં પ્રયત્ન છે – ગઝલો અને કવિતાઓમાં એ વપરાયો હોય તેવા શેર કે પદ નું સમ્મેલન!

આભાર વલીભાઈનો કે. એમની લેખશ્રેણી ‘વ્યગ કવન’ માંથી ઘણો બધો માલ(!) મળી ગયો!

૧) તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યાં હરિને શરણ
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન

                                             – અખો

૨) પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”

                                             – દલપતરામ

૩) સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને;
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!

                                          – નયન દેસાઈ

૪) ગર્વભેર વદતા આપણા ઘઇડિયાઓ,
તેઉની સોંઘવારીને બિરદાવતાં
અને અવ મોંઘવારીને ભાંડતાં,
તોલમોલ વગરનાં કટુ અને કચવાં વેણે!

                                        –વલીભાઈ મુસા

૫) ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય
ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા

                                      – કૃષ્ણલાલ શ્રીધરાણી

૬) પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકૂટની વેળા
ચાંદીની ચાખડીએ ચડીને ભક્ત થયા’તા ભેળા
શંખ ઘોરતા ઘંટ ગુંજતા ઝાલરું ઝણઝણતી
શતશગ કંચન આરતી હરિવર સન્મુખ નર્તન્તી
દરિદ્ર દુર્બળ દીન અછૂતો અન્ન વિના અડવડતા
દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટળવળતા

તે દિન આંસુ ભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં

                                     – કરસનદાસ માણેક

૭) હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!

                                     – રમેશ પારેખ

૮) મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે ?
ને મંદિરની બહાર ભભુક્યા કરતી,
આ જઠરોની જ્વાળા,
કોઇ ન ઠારે? કોઇ ન ઠારે ?

                                       – કૃષ્ણ દવે

૯) જિંદગીની સિરીયલમાં બ્રેક ના હોય.
મોતના લાસ્ટ સીનમાં રિટેક ના હોય.

                                       – ડો. દેવાંશ પંડિત (‘અધીર’ અમદાવાદી)

૧૦) પન્નીને પહટાય ટો કેટો ની,
ને વાહન અઠડાય ટો કેટો ની

પહેલા ટો કેટો છે, ટને પાપન પર ઊંચકી લૅઊ
પછી માથે ચડી જાય ટો કેટો ની

                                        – રઈશ મનીઆર


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: Web Gurjari

1 thought on “ગઝલાવલોકન-૨૨, ગઝલમાં વ્યંગ

 1. પ્રજ્ઞાબેન વ્યાસે ઉમેરી આપ્યું –
  \ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
  ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

  બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
  કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

  વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
  ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

  સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
  “અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

Leave a Reply

Your email address will not be published.