સંસ્કૃતિની શોધમાં : ૨૬ : કિસા ખ્વાની બઝાર

પૂર્વી મોદી મલકાણ

કિસા ખ્વાની બઝાર એ જૂના પાકિસ્તાનની જૂની બજારમાંની એક બજાર ગણાય છે. કિસા ખ્વાનીનું મૂળ નામ છે “કિસ્સા (કહાની, વાર્તા, ઘટના, પ્રસંગો, સ્ટોરી) ખ્વાની (કહેવાની, કહેવું વગેરે) ” અર્થાત “સ્ટોરી ટેલર સ્ટ્રીટ” પણ સમયાંતરે અપભ્રંશ થઈ તેના મૂળ શબ્દો અહીંતહીં વેરાઈ નામ થયું કિસા ખ્વાની. -કદાચ આ ગલીમાં અનેક વાર્તાઓ કહેવાઈ હશે તેથી આ નામ પડ્યું હશે.

કિસા ખ્વાની બઝાર ( ૧૮૬૫ )

કિસા ખ્વાની બઝારની શરૂઆતના મૂળ મુઘલ બેગમ રૂકૈયા પાસે પહોંચે છે. એ સમયમાં નિયમ હતો કે, રૂકૈયા બેગમની જ બાંદીઓ અહીં વિવિધ વસ્તુઓની હાટડી લગાવી શકતી હતી અને ખાસિયત એ હતી કે અહીં જનાનીઓ અને મરદોને આવવા માટે પ્રતિબંધ હતો કારણ કે અહીં વેચવામાં આવતી વસ્તુઓ કેવળ કિન્નરો માટેની હતી. જ્યાં સુધી મુગલ સામ્રાજ્ય રહ્યું ત્યાં સુધી કિન્નરોનો આ સ્થળ પર દાબ રહ્યો.

મુઘલ સામ્રાજ્યમાંથી નીકળીને આ બઝારની બીજી વાર્તા એ સ્વતંત્ર્યતાના ઇતિહાસ તરફ લઈ જાય છે. બીજી રીતે એમ પણ કહી શકાય છે કે, આજે આપણે ત્યાં જે સ્થાન જલિયાવાલા બાગનું છે તેવું સ્થાન કિસા ખ્વાની બઝારનું પણ છે.” પણ આ સ્થળનો ઇતિહાસ શરૂ થાય છે ૧૮૪૯ થી. ૧૮૪૯માં બ્રિટીશરોના અહીં આવ્યાં બાદ ધીરે ધીરે આ સ્થળમાં બદલાવ આવ્યો. બ્રિટીશરોએ આ બઝારમાં પોતાની વસાહત વસાવેલી. ૧૯૩૦ એક એવો પ્રસંગ અહીં બન્યો કે જેનાથી બ્રિટિશ એમ્પાયરના પાયા હલી ગયાં.

બ્રિટિશ હકુમતના વિરોધ સામે આખું અખંડભારત એક થઈ ઊભું હતું. દરેક ભારતીયના મનમાં દેશભક્તિની જ્વાળાઓ દિનપ્રતિદિન તેજ થઈ રહી હતી. ૧૯૩૦માં અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવતાં એક બાજુએ ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ ચાલું કર્યો હતો, બીજી બાજુ પેશાવરમાં ગાંધીવાદી નેતા ખાન અબ્દુલ ગફાર ખાને અંગ્રેજોની તાનાશાહીનો વિરોધ શરૂ કરેલો. ખાન અબ્દુલ ગફાર ખાનની લીડરશીપ નીચે અનેક પઠાણોએ અંગ્રેજોને માત આપી પેશાવરમાંથી ભાગવા મજબૂર કર્યા. આ વિરોધથી ભાગીને અંગ્રેજો લાહોર ગયાં અને ત્યાં જઈ બ્રિટિશ કર્નલ પાસે મોટી ફોજની મદદ માંગી. ૨૩ એપ્રિલના પશ્તૂન પઠાણો કિસા બઝારમાંથી શાંતિપૂર્વક જુલૂસ કાઢી રહ્યાં હતાં તે વખતે અંગ્રેજો લાહોરથી મોટી પલટૂન સાથે આવી પહોંચ્યાં અને ફાયરિંગનો હુકમ આપી દીધો અને લગભગ ૬ કલાક સુધી નિરંતર ફાયરિંગ થતી રહી જેમાં બાળકો-સ્ત્રીઓ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યો. આ ઘટનાની બરાબર ૧૧ વર્ષ પૂર્વે ૧૩ એપ્રિલ ૧૯૧૯ માં આપણે ત્યાં આવો જ પ્રસંગ જલિયાવાલા બાગનો બનેલો. જોવાની વાત એ કે આ બંને ઐતિહાસિક પ્રસંગો એપ્રિલમાં થયેલા અને બંનેની તારીખમાં છેલ્લો આંકડો ૩ હતો. (૧૩-૨૩) તે સમયના ભારતીય આંકડા મુજબ લગભગ ૫૦૦ થી ૬૦૦ લોકો એ ઘટનામાં શહીદ થયાં. જ્યારે આ ઘટના પર એ સમયના બ્રિટિશ અખબારોએ લંડનમાં ખૂબ હોબાળો મચાવ્યો અને બ્રિટિશ સેનાને સવાલો કરવાં લાગ્યાં ત્યારે બ્રિટિશરોએ આ પ્રસંગને સામાન્ય ગણાવી અને મૃતકોની જૂજ સંખ્યા બતાવી કહ્યું કે આ પ્રસંગ કેવળ ભૂલને કારણે યોજાયો હતો. આ સાંભળી પેશાવરના પઠાણોએ ગુસ્સે થઈ બ્રિટિશ આર્મી પર પથ્થરમારો કર્યો. આથી અબ્દુલ ગફાર ખાને લોકોને હિંસક ન બનવા વિનંતી કરી અને આ ઘટનાનો કેસ બ્રિટિશ અદાલતમાં દાખલ કર્યો. આ સમયે બ્રિટિશ ગવર્મેન્ટે જસ્ટિસ નૈમતઉલ્લાહ ખાન ચૌધરી ને બ્રિટિશ કલમની તરફેણમાં નિર્ણય લેવા જણાવ્યું અને કહ્યું કે અગર આપ બ્રિટિશ કલમ તરફ આપનો નિર્ણય આપશો તો અમે આપને સર, નાઈટહૂડ, લોર્ડ વગેરે ઉપાધિઓ આપીશું. પણ ચૌધરી નૈમતઉલ્લાહજીએ આ ઉપાધિઓ પાછી વાળી પેશાવરની જનતાને નિર્દોષ અને બ્રિટિશ આર્મીને દોષિત જાહેર કરી સત્યની રાહને ઉજાગર કરી. આમ આપણા ઇતિહાસમાં જલિયાવાલા બાગ અને કિસા ખ્વાની બઝારનું એક સમાંતર સ્વરૂપ અસ્તિત્ત્વમાં આવ્યું, પણ પાકિસ્તાનનાં આજના ઇતિહાસમાં આ બઝારનું આજે કોઈ મહત્વ નથી તેથી જલિયાવાલા બાગ જેવી નિશાનીઓ આજે ખાસ ક્યાંય દેખાતી નથી તે એક અફસોસજનક બાબત છે. પણ આ બંને પ્રસંગોએ આપણી આઝાદીની ચળવળને વધારે મજબૂત કરી દીધી એ બાબતમાં કોઈ સંશય નથી.


©પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ |  purvimalkan@yahoo.com

Author: Web Gurjari

1 thought on “સંસ્કૃતિની શોધમાં : ૨૬ : કિસા ખ્વાની બઝાર

Leave a Reply to Bharti Cancel reply

Your email address will not be published.