લ્યો, આ ચીંધી આંગળી : ઉપેન્દ્ર ત્રિવેદી અને હું…(૨)

રજનીકુમાર પંડ્યા

(ગતાંકથી ચાલુ)

સપ્ટેમ્બર, 2004માં મોરારીબાપુની રામકથા આફ્રિકાના કેન્યાના રમણીય પર્વતીય સ્થળ લેઈક નૈવાસા ખાતે યોજાઈ. મોરારીબાપુની પસંદગીના દોઢસોએક સાહિત્યકારો-કલાકારોના કાફલામાં મુંબઈથી જ એમને – બંને ભાઈઓને અમારી સાથે જોઈને મને અત્યંત આનંદ થયો. જતી વેળા પ્લેનમાં એમણે અમને બધાને સોબત આપીને મજા કરાવી અને કથાસ્થળે પણ બાર – ચૌદ દિવસ સવાર-સાંજ-બપોર અને રાત્રિબેઠકોમાં અમે એમનું સાન્નિધ્ય માણ્યું. ગુલાબી ઠંડીમાં રોજ યોજાતી કૅમ્પફાયર (સાયંબેઠક) માં એક દિવસ એમનું પણ ટૂંકુ વક્તવ્ય હતું, જેમાં એમણે નાટ્યશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની અને એના વ્યવહારમાં ઉપયોગની અને તે ઉપરાંત કલાકારના ટ્રાન્સફૉર્મેશનની વાતો કરીને અમને સૌને મંત્રમુગ્ધ કરી દીધા.

વળતાં નૈરોબીના એરપૉર્ટ પર એમણે અમારા અને થોડા કવિમિત્રોના ફોટા જાતે પાડ્યા અને પંદરેક દિવસ પછી યાદ કરીને અમને મોકલાવ્યા પણ ખરા. જીવનનું એક અતિ યાદગાર સંભારણું એ તસવીરો બની રહી છે, એમાં એક તસવીરમાં એર ક્રાફ્ટમાં જ હું ઉપેન્દ્રભાઈ, માધવ રામાનુજ અને રમેશ પારેખ એકબીજાના ખબે હાથ મૂકીને ઉભા છીએ. એ તસ્વીર તેમણે બીજા કોઇ પાસે લેવડાવી હતી.

**** *** ****

2008ના મધ્યમાં એક સાંજે એક જાણીતા પુસ્તક-પ્રકાશકનો ફોન આવ્યો કે ઉપેન્દ્રભાઈ આત્મકથા લખી રહ્યા છે ને તે સંદર્ભે તેમની સાથે ચર્ચામાં સંપાદનકાર્યનો કળશ મારા ઉપર ઢોળવામાં આવ્યો છે. બીજી સાંજે ઉપેન્દ્રભાઇને ત્યાં જ અમારી ત્રણેની મીટિંગ યોજાઈ. ઉપેન્દ્રભાઈની ઈચ્છા માત્ર એક યાદગીરીરૂપે 1978ની આસપાસ પ્રગટ થયેલા તેમના અભિનંદનગ્રંથ ‘અભિનયસમ્રાટ’નું પુનર્મુદ્રણ કરાવીને સંતોષ લેવાની હતી, જેમાં મારે થોડું લખી આપવાનું હતું. આ ‘થોડું’ મારા અને પ્રકાશકને મન એક અપૂરતી ચેષ્ટા હતી. સિત્તેરના દાયકામાં ‘જેસલતોરલ’થી તેમની જિંદગીના નવા ફિલ્મી અધ્યાયનો આરંભ થયો હતો ને તેનો મધ્યાહ્ય તો 1985માં આવ્યો હતો. અને એ પછી પણ લાંબા સમયગાળા સુધી એમનો સુવર્ણકાળ વિસ્તર્યો હતો. અને 1989માં તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ મળ્યો હતો. 1992માં સ્વ પન્નાલાલ પટેલની કાલજયી નવલકથા ‘માનવીની ભવાઇ’ પરથી એમના દ્વારા નિર્મિત, દિગ્દર્શિત અને અભિનિત એ જ નામની ફિલ્મને નેશનલ એવૉર્ડ પ્રાપ્ત થયો હતો. આમ તેમના લાંબા ચાલવા સર્જાયેલા મધ્યાહ્નનો અલગ રંગનો તબક્કો વધુ અગત્યનો હતો. એ પછી પણ ફિલ્મો, રાજકારણ, લોકસેવા, નાટક અને બીજી અનેક પ્રવૃતિઓ વડે તેમનો આજ સુધીનો ગાળો ભાતીગળ અને ભર્યોભર્યો બની રહ્યો છે. એટલે પ્રસિદ્ધિથી વિરક્ત એવા ઉપેન્દ્રભાઈ વિષેનું 1978નું જૂનું પુસ્તક તો એમની સમગ્ર જીવનકથાનો માત્ર પાયો નાખી આપે. ત્યાર પછીનું આલેખન વધુ સઘન, વધુ પ્રેરક અને વધુ દસ્તાવેજી બને અને એમાં માત્ર એમના પોતાના જીવનની જ નહીં, પણ તેમના ઉદગમકાળથી માંડીને આજ સુધીની ગુજરાતના સમગ્ર કલાજગત અને સમાજજીવનની સુરેખ અધિકૃત છબી મળે, કારણ કે આ કોટિના કલાકારો કદી ‘એકલા’ જીવ્યા હોતા નથી એ અનેક પરંપરાઓને પચાવીને નવા આવિષ્કારો સંસ્કારજગતને અર્પણ કરતાં-કરતાં જીવ્યા હોય છે. તેમના નિમિત્તે અને તેમના લીધે જ ગુજરાતની અસ્મિતા વધુ સમૃદ્ધ બની હોય છે.

તે બધાને આવરી લેતું પુસ્તક થવું જોઇએ એમ અમને લાગતું હતું. એટલે મેં અને બીરેન કોઠારીએ તેમને તેમની આજ સુધીની જીવનયાત્રાનો સંસ્મરણાત્મક આલેખ આપવાનો આગ્રહ કર્યો. કદાચ આપણે તેને સાહિત્યિક પરિભાષામાં આત્મકથાનું લેબલ ના મારી શકીએ, પણ જીવનયાત્રાનો સંસ્મરણાત્મક આલેખ તો જરૂર ગણી શકીએ, જેમાં સમગ્ર ઈતિહાસ પણ ઘોળાયેલો હોય.

ખંડ 1માં તેમની જ કથા છે, પણ તે આત્મકથનના સ્વરૂપે નથી, પણ તે જૂના પુસ્તકનાં લખાણોનું આકલન કરીને ભાઈ બીરેન કોઠારીએ કરેલા દોહન-સ્વરૂપે છે. એમાં જેમનાં મંતવ્યોનો ઉલ્લેખ છે એમાંના કેટલાક આજે હયાત નથી, પણ તેમના ઉપેન્દ્ર વિષેના ઉદ્દગારો અમે સાચવી લીધા.

ઉપેન્દ્રભાઈએ સંખ્યાબંધ ઑડીયો કૅસેટ દ્ધારા પોતાને યાદ આવ્યાં તે સંસ્મરણો અને બીજી રસપ્રદ વાતો સ્વૈરવિહારની લઢણમાં ઠાલવી. તે બધાનું ટ્રાન્સ્ક્રીપ્શન (અનુલેખન) ભાઈ બીરેને કર્યું ત્યારે સાનંદ આશ્વર્ય થયું કે તે બધી વાતો મોટે ભાગે લેખનની પ્રવાહી અને પ્રાસાદિક ભાષામાં જ બોલાઈ હતી. એટલે માત્ર થોડા મામૂલી ‘ટચિંગ’ સિવાય તેનું પુનર્લેખન કરવાની મારે જરૂર જ ઊભી ના થઈ. ઉપેન્દ્રભાઈની સ્મૃતિ સતેજ હતી અને વાક્છટા આગવી હતી, ને છતાં તેમાં વાગ્મિતા નહોતી. કઠિન શબ્દો અને અઘરી વાક્યરચનાનો આશરો તેમણે અભિવ્યક્તિ માટે લીધો નહોતો. કાળક્રમ ચૂકયા નહોતા. ઘટનાઓ – ઍનેક્ડોટ્સ પણ તેઓ વાર્તાકારની રસાળ શૈલીથી જ ટેપરેકૉર્ડરમાં બોલ્યા હતા. એટલે ઘટનાઓમાં દસ્તાવેજી તથ્યો હોવા ઉપરાંત અદભૂત વાચનક્ષમતા ધોળાઈ શકી. આ બધું ખંડ 2માં છે. ખંડ 3માં હયાત કે દિવંગત સ્વજનોના ઉદગારો છે અને ખંડ 4માં ઉપેન્દ્રભાઈના અભ્યાસના પરિપાક જેવાં અનેક લખાણોમાંથી નમૂના લેખે માત્ર એક લેખ ઉપરાંત તેમનું રચેલું વતનના ઝુરાપાનું એક ગીત લીધું, જ્યારે ખંડ 5માં થોડી નક્કર વિગતો લીધી.

પરફેક્શનના અમારા આગ્રહો અને તેમની તીવ્ર ચીવટને કારણે ટાઈપસેટિંગ થયા પછી પણ મારા અને બીરેન દ્ધારા અને વિશેષ તો તેમના દ્ધારા અનેકવાર સુધારાવધારા-બાદબાકીમાંથી મૂળ, પ્રથમ વારની ‘ટેક્સ્ટ’ પસાર થઈ. આથી ધાર્યા કરતાં વિલંબ ઘણો થયો, પણ અમને સંતોષ થાય તેવું અમે કરી શક્યા હતા.

ઉપેન્દ્રભાઈનું મિત્રવર્તુળ વિશાળ, સંબંધજગત અમાપ અને ચાહક-જગત તો બાથમાં ન સમાય તેવડું. એટલે બહુ થોડા મિત્રોના તેમના વિષેના લેખો આમાં લઈ શકાયા. પણ એનો અર્થ એમ નથી કે બીજા લખવા માટે આતુર નહોતા. નિકટનાં, એમનાં અનેક સ્વજનોને આ ગ્રંથ જોઈને માઠું લાગવા સંભવ હતો. જો તેમ થાય તો તે દોષ અમારો – સંપાદકોનો જ કહેવાય. કારણ કે અમારો ઉપક્રમ જ આ ગ્રંથને અભિપ્રાય-પોથી કે સ્તુતિગ્રંથ બનાવવાને બદલે ગુજરાતના કે જીનિયસ-મેજર- કલાકાર અંગેનો દસ્તાવેજી ગ્રંથ બનાવવાનો રહ્યો હતો. એટલે એમના રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના નામાંકિત મિત્રોથી માંડીને એમના ગામ-ગોઠિયાઓના લેખો માગવાનું અમે બંધ રાખ્યું હતું.

clip_image007

366 પેજીસ સાથેનું આ પુસ્તક પ્રગટ થયું જાન્યુઆરી 2009 માં અને તેને બીજી આવૃત્તિ પણ થઇ જુન 2011 માં , ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળ નાકા સામે.ગાંધી રોડ ,અમદાવાદ-380 001 (ફોન -079-2656 4279 અને 2214 466 – ઇ-મેલ goorjar@yahoo.com) પરથી રૂ 500 ની કિમતે. અલબત્ત થોડા ડિસ્કાઉંટ સાથે મળી શકે,

આ ગંથના અનેક સ્થળે વિમોચનો થયા, તેમાંથી મુંબઇમાં સુવિખ્યાત ફિલ્મ કલાકાર શત્રુઘ્ન સિંહાને હાથે અને ગાંધીનગરમાં પૂ મોરારી બાપુને હાથે થયું હતું.

**** *** ****

પણ એ પછી પણ એમની જીવનયાત્રા એકદમ તરવરાટ ભરેલી રહી.એમના મણિનગર નિવાસી કલાકાર મિત્ર બાબુભાઇ સોનીને ત્યાં અથવા મારે ત્યાં અને તેમણે ગાંધીનગર નિવાસ છોડીને અમદાવાદ લૉ ગાર્ડન પાસે ફ્લેટ લીધો ત્યાં અમારી બેઠકો થતી રહી.

અને એમ જ દિવસો વહેતા રહ્યા. જો કે વચ્ચે ઘણા દિવસનો ગાળો પણ પડી જતો.

પણ એક વાર ઑક્ટોબર 2014 ની દસમીની ઠંડી સાંજ હતી. હું મૂસાફરીમાં હતો. અચાનક મોબાઇલની રિંગ રણકી. અને જાતે ગાડી ચલાવતો હોવાથી મેં ગાડી રસ્તાની એક તરફ લીધી, મોબાઇલનો સ્ક્રીન જોયો તો એના પર નામ તો ઉપેન્દ્ર ત્રિવેદીનું હતું પણ અવાજ કેમ એમનો નહોતો લાગતો ? સ્વરનો ગોરંભ ગાયબ હતો, અને ગર્જના પણ ! જો કે એમણે મારું નામ ઉચ્ચાર્યું ત્યારે એ તો સમજાઇ જ ગયું હતું કે ઉપેન્દ્ર ત્રિવેદી જ હતા, એમને પણ ભગવતીકુમાર શર્માની જેમ મારા નામમાંથી ‘કુમાર’નો લોપ કર્યા વગર આખું નામ ‘રજનીકુમારભાઇ’બોલવાની આદત હતી,

આ સ્વરમાં હમેશની જેમ હાકલો નહોતો. થાકલો હતો. પૂછતા હતા “ ક્યારે આવો છો ?”

“પંદરમીએ પાછો ફરીશ “ મેં કહ્યું અત્યારે તો “સુરત જાઉં છું.” પછી પૂછ્યું : “કેમ અવાજમાં થાક લાગે છે ? બીમાર છો ?”

“હા.” એમણે કહ્યું ; “કરોડરજ્જુના મણકાનું ઓપરેશન કરાવ્યું છે. પણ,,,” જરા અટકીને કોઇ ખોટી બાતમી પોતાનાથી જાહેર થઇ ગઇ હોય એમ બોલ્યા: “એ તો ચાલ્યા કરે.”

“મને શું યાદ કર્યો ?”

“એક વાર આવો ને ?”

આમ તો આવું એ ઘણી વાર કહેતા, અમદાવાદમાં લૉ-ગાર્ડન પાસે એમણે મજાનો ફ્લેટ ખરીદ્યો હતો ત્યારથી મળવાનું વારંવાર બનતું, દર વખતે સાંજે જ જવાનું કારણ કે સાંજની ‘વિશેષ’ મહેફિલ જામતી, ક્યારેક કવિ ચીનુ મોદી હોય, ક્યારેક એ ના પણ હોય, પણ એમના કાયમી પ્રિય સાથી કલાકાર બાબુભાઇ સોની તો હોય જ કે જેમણે એમનું સુવિખ્યાત પેઈન્ટિંગ બનાવ્યું છે કે જે મેં અને બીરેન કોઠારીએ આલેખેલા એમના આત્મકથનાત્મક ગ્રંથના ટાઇટલ પર અમે લીધું છે. મહેફિલમાં શરૂઆતના દૌરમાં સામાન્ય વાતો થતી પણ પછીના દૌરમાં એમની ગાડી એકદમ લોકસાહિત્યની રસાળ વાતોને પાટે ચડી જતી. પછી અમારે મોટે ભાગે એમને નવી નવી વાતોનો પટારો ખોલવા માટે ઉશ્કેરનાર શ્રોતા જ બની રહેવાનું આવતું. અમે એ હકીકતથી હેરતઅંગેજ થઇ જતા કે એકને એક વાત કે કથા ફરીવાર એમની જીભે ના આવતી, અદભુત અને અણખુટ ખજાનો એમને હૈયાવગો રહેતો. અને જીભે તો સરસ્વતી સદા હાજરાહજુર રહેતી.

અમદાવાદ પાછા ફર્યા પછી જ્યારે હું એમને ત્યાં ગયો ત્યારે જોઇને હેબત ખાઇ ગયો ! એમને તીવ્ર ડાયાબિટીસ હતો અને મારે ત્યાં આવતા ત્યારે પોતાની જાતે ઇંસ્યુલીનનું ઇંજેક્શન લેતા એમને જોયા હતા અને ડાયાબીટીસને કારણે પગે વળગેલા ગેંગ્રીનને કારણે એમને લંગડાતા પણ જોયા હતા. પણ એ બધા દરમ્યાન ક્યારેય એમની સિકલ પર લાચારી જોઇ નહોતી. એમની પીડાની વાત સુધ્ધાં એ ના ઉખેળતા, અને ઉંમરનો હવાલો પણ ના આપતા. પણ આ સાંજે જિંદગીમાં પહેલી વાર મેં એમને લાચાર જોયા. બિછાનામાં જરી સંકોડાઇને સૂતેલા અને ડોકી જરી ઢળેલી, આંખો નિસ્તેજ અને હોઠ સહેજ આગળ આવી ગયેલા.

અમને (મારી સાથે મારાં મદનીશ હતાં) જોઇને એમણે અધુકડા બેઠા થવાનો પ્રયત્ન કર્યો, થોડી મહેનતે થઇ શક્યા, ચહેરા પર પ્રસન્નતા આવી પણ ફરી એની પર ફરી ફિક્કાશનો પીંછો ફરી વળ્યો. ક્ષીણ અવાજે એમણે આવકાર આપ્યો અને વાતચીત શરુ કરી. મને નવાઇ લાગી કે પાંચ-સાત મિનિટમાં જ દર્દી ઉપેન્દ્ર ત્રિવેદી ફરી અભિનયસમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી બનતા ચાલ્યા અને જોતજોતામાં તો તેમની શારીરિક શિથીલતાને બાદ કરતાં એમના પૂરા માનસિક પરિવેશમાં આવી ગયા. ચુડ-વિજોગણની લોક-વાર્તા સાથે તેનું નાટ્યરૂપાંતર શી રીતે કરી શકાય અને એના અસલી દૂહા કયા ભાવનિતાર સાથે ગાઇ શકાય તેની બહુ રસિક- લગભગ મોનોલૉગની કક્ષાની-રજૂઆત કરવા માંડ્યા. મને તેમના આ અવસ્થામાં ફોટાગ્રાક્ફ્સ લેવાની ઇચ્છા થઇ અને બે ચાર લીધા પણ ખરા પણ પછી એકાએક મને તેમની એ સ્થીતીમાં સાદા કેમેરાથી જેવી થાય તેવી વીડિયોગ્રાફી કરવાનું મન થયું. વિવેક ખાતર એ માટે મેં તેમની મંજુરી માગી, અને એ વખતે એ જે વાક્ય બોલ્યા તે મારા હૃદયમાં આજીવન કોતરાયેલું રહેશે. એ બહુ મીઠું હસીને બોલ્યા, ‘જરૂર કરી લો, ભાઇ! અભિનયસમ્રાટના અંતિમ દિવસો કેવા હતા તે દુનિયા પણ ભલે જુએ !” સાંભળીને મને કેમેરા પાછો મ્યાન કરી દેવાનું મન થઇ આવ્યું. હું એમ કરવા જતો હતો ત્યાં એમણે જ મને એમ કરતાં રોક્યો, બોલ્યા : “લઇ લો, લઇ લો, તમને અધિકાર છે, તમે મારી જીવનકથા લખી છે, એમાં અંતીમ અધ્યાયમાં આ પણ આવે !”

અને મેં એમની બે-ત્રણ મિનિટની એ વીડીયો પણ ઉતારી.

અમે ઉઠતા હતા ત્યાં એ બોલ્યા :” કાલે મને મુંબઇ મારે ઘેર લઇ જવાના છે.”

“ અમે છ થી નવ નવેમ્બર મુંબઇ છીએ.” મેં કહ્યું : “જરૂર મળવા આવીશું.”

“પ્રોમિસ ?”

“પ્રોમિસ” મેં કહ્યું,

અને મારી અને મારાં મદદનીશની 7 મી નવેમ્બરની તેમની સાથેની એ છેલ્લી મુલાકાત દિલમાં એક ચિરાડો પાડી દે તેવી બની રહી.

અમે જે ક્ષણે એમના મુંબઇના ફ્લેટમાં પગ મુક્યો તે જ ક્ષણથી મૃત્યુનો અહેસાસ અમને ઘેરી વળ્યો. ના, હજુ એ કેવળ અહેસાસ હતો, વાસ્તવ નહોતું, પણ એ વાસ્તવને દૂરથી આકાર લેતું જોઇ શકાતું હતું.

એમનો દિકરો હેમંત જ્યાં આજાર ‘અભિનયસમ્રાટ’નું બિછાનું હતું ત્યાં અમને દોરી ગયો.અમદાવાદમાં જે દૃશ્ય જોયું હતું એ વધુ ઘેરા રંગો સાથે અહિં દેખાઇ રહ્યું હતું. ઉપેન્દ્ર પેટે અને કાંડા પર લગાડેલી અનેક નળીઓ સાથે અને સુકાઇ ગયેલા ચહેરે અર્ધી મિંચેલી આંખે બિછાનામાં હતા. તેમની પીઠ પાછળ એક જુવાનીયો કરડા ભાવશુન્ય ચહેરે ખુરશીમાં અક્કડ થઇને બેઠો હતો.

ઉપેન્દ્ર એ રીતે પલંગમાં અર્ધા સૂતા હતા કે આવનારા સાથે વાત કરવી હોય તો એમણે ડોકને જરી ત્રાંસી કરવી પડે. અમે બેઠાં ત્યારે એમણે મીઠો આવકાર તો આપ્યો પણ એ રીતે ડોક વાળતા એમને કષ્ટ પડ્યું તે એમના ચહેરા પર પ્રસરી ગયું. છતાં એમણે અમારી સાથે થોડી વાત તો કરી. અમારા પરિવારના અને મારી લેખન પ્રવૃત્તી વિષે થોડી પૃચ્છા પણ કરી. પણ એમને બેસવાની આ રીતથી અસુખ થતું હતું. એમણે બે મિનિટ પછી એ જુવાનીયાને( કે જે દેખીતી રીતે જ મેલ-નર્સ હતો) વિનંતી કરી :” જરા આ તરફ ઓશીકું ગોઠવ ,ભાઇ “

“એમ નહિં થાય! ” જુવાનીયાએ બહુ કડકાઇથી કહ્યું,

“કેમ?” ઉપેન્દ્રભાઇએ બહુ નરમીથી પૂછ્યું,

“બસ, એમ !”: અતિશય કઠોર, કરડા, સત્તાવાહી સ્વરે એ જુવાનીયાએ જવાબ આપ્યો અને વળી ઉંચા સ્વરે બોલ્યો, “કહ્યું ને !”

અને ઉપેન્દ્ર ત્રિવેદી, જે હમણાં સુધી ફિલ્મો અને રંગમંચ પર તો ખરા જ, પણ બહારની દુનિયામાં પણ પોતાની એક હાકથી ભલભલાને થથરાવી દેતા હતા, તેમણે એક મામૂલી નોકરની સામે લાચાર થઇને નીચી નજર ઢાળી દીધી અને એક ક્ષણ પછી ભારે કષ્ટપૂર્વક પાંપણો ઉંચી કરી. મારી નજર સાથે પોતાની બૂઝાતી જ્યોત જેવી નજર મેળવી. અને ફરી નીચે ઢાળી દીધી.

લાગે છે કે એ એક નીચી નજરમાં છૂપી લીપીમાં મનુષ્યજીવનના અનેક અનેક સનાતન રહસ્યો સંગોપાયેલાં હતાં.

મારાથી એ બરાબર બે વર્ષ મોટા હતા. મેં એમના ચરણસ્પર્શ કર્યા અને પછી રજા લીધી.

1936ના જુલાઇની 14 મીએ આ દુનિયાના તખ્તા પર પ્રથમ એન્ટ્રી મારનાર એ અભિનયસમ્રાટે 2015ના જાન્યુઆરીની 4 થી એ 79 વર્ષની ઉમરે આ દુનિયાના તખ્તા પરથી કાયમી એક્ઝીટ લીધી.⓿


(સંપૂર્ણ)


લેખક સંપર્ક: ર

રજનીકુમાર પંડ્યા.,

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.+91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-+91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

5 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : ઉપેન્દ્ર ત્રિવેદી અને હું…(૨)

  1. અભિનય સમ્રાટ નું છેલ્લું દર્શન યાદગાર રહ્યું.ખુમારી અને લાચારી રજનીકુમાર ભાઈએ સુપેરે પ્રગટાવી છે.
    વાંચી ને મન વિચાર માં પડી ગયું .
    ખુબ આભાર રજનીકુમાર ભાઈ !

  2. “લાગે છે કે એ એક નીચી નજરમાં છૂપી લીપીમાં મનુષ્યજીવનના અનેક અનેક સનાતન રહસ્યો સંગોપાયેલાં હતાં.’

  3. આ કોડીનાર કલાકારો એકલા જીવ્યા નથી હોતા……વાળું વાક્ય ખાસ નોંધપાત્ર અને સમજવા લાયક છે

Leave a Reply

Your email address will not be published.