સમાજ દર્શનનો વિવેક : મુહમ્મદ યુનુસનું વાણોતરું – ૧

કિશોરચંદ્ર ઠાકર

(“ગરીબી એ આપણને દિગ્મુઢ કરવા માટેના આંકડા નથી, કે નથી નાઝીઓની શ્રમછાવણી જેમાં લોકોને તેઓ મૃત્યુ પામે ત્યાં સુધી સડવા દેવાય”

– મુહમ્મદ યુનુસ )

વર્ષો પહેલાં આપણા દેશના નાણા રાજ્યમંત્રી જનાર્દન પૂજારીએ ગરીબ જરૂરિયાતમંદોને રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ધીરાણ મળે એ હેતુથી લોનમેળા યોજેલા, જેની એટલી ટીકાઓ થયેલી કે આ લોનમેળાઓને લૂંટમેળાઓ તરીકે ઓળખાવાયેલા. આ કહેવાતા લૂંટમેળાઓથી રાષ્ટ્રીયકૃત બેંકો લૂંટાયાની જાણ નથી. પરંતુ તાજેતરના વર્ષોમાં બે‌ન્કોની જે હાલત થઈ તે માટે ઓછામાં ઓછું એટલું તો કહી શકાય કે ગરીબ લોકોને આપાયેલું ધીરાણ તેને માટે જવાબદાર નથી જ. સમાજનો કયો વર્ગ આને માટે જવાબદાર છે તે જણાવવાનો ઉપક્રમ પણ અહીં નથી.

ગરીબ જરૂરિયાતમંદોને ધીરાણ આપવા માટે જનાર્દન પૂજારી માટે કોઈ રાજકીય કારણ હોઈ શકે, પરંતુ જેને લઘુ ધીરાણ કહેવાય છે તેવું ધીરાણ આપવાની વાત ગુજરાત માટે નવી નથી. ઇલાબેન ભટ્ટે 1972માં સ્થાપેલી સંસ્થા સેવા (SEWA) તેનું જાણીતું ઉદાહરણ છે. આ કાર્ય માટે ઇલાબેનને મેગ્સેસે એવોર્ડ મળેલો તે પણ આપણે જાણીએ છીએ

પરંતુ આ માટેનો મોટા પાયા પર કરાયેલો પ્રયોગ એ બાંગ્લાદેશમાં ઢાકા યુનિવર્સિટિના અર્થશાસ્ત્ર વિભાગના વડા મુહમ્મદ યુનુસે સ્થાપેલી ગ્રામીણ બે‌ન્ક છે. તે માટેના પ્રેરક બળો દારૂણ ગરીબીનું પ્રત્યક્ષ દર્શન તથાં વિશ્વબેંકથી માંડીને દેશની બધી જ મોટી બે‌ન્કોની કાર્યપધ્ધતિ અને દાનતો છે. અહીં આપણે ગ્રામીણ બે‌ન્ક સ્થાપાવા માટે મુહમ્મદ યુનેસે કરેલા પ્રયાસો વિષે થોડી જાણકારી મેળવીશું.

પાકિસ્તાનમાંથી છૂટા પડ્યા પછી 1974માં બાંગ્લાદેશમાં પડેલા દુષ્કાળની ભયંકરતા વર્ણવતા તેઓ લખે છે કે “ભૂખમરાના કારણે ગામડેથી ઢાકા તરફ આવતા લોકોમાં કોણ જીવતું છે અને કોણ મરી ગયું છે તેની ખબર પડતી નહિ. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો, બધાં જ એકસરખાં લાગતાં હતાં, તેમની ઉંમર તમે કળી ના શકો , વૃદ્ધો બાળક જેવા લાગતા હતા અને બળકો વૃદ્ધો જેવા લાગતા હતા.”

ભૂખમરાનું કારણ ગરીબી છે એ તો સમજાયું પરંતુ ગરીબીનું કારણ શું છે તે ગરીબોને પ્રત્યક્ષ જોયા વિના નહિ સમજાય એમ લાગતાં યુનુસે આ પ્રકારના લોકોની વસ્તીમાં જઈને અભ્યાસ કરવાનું વિચાર્યુ. આ માટે તેઓ લતિફા નામની પોતાની સાથીદાર પ્રોફેસરને લઈને યુનિવર્સિટિના પ્રાંગણની નજીક જ આવેલા જોબરા નામના ગામે ગયા.

જોબરામાં ફરતાં ફરતાં તેમણે એક જર્જરિત મકાનની બહાર સુફિયા નામની એક સ્ત્રીને વાંસમાંથી સ્ટુલ બનાવતા જોઈ. લતિફાએ તે સ્ત્રીને હળવેથી પૂછ્યું “છે કોઈ ઘરમાં?”

સંભળીને ગભરાઈ ગયેલી એ સ્ત્રી તરત જ ઘરમાં જતી રહી.

લતિફાએ તેને કહ્યું “ ગભરાશો નહિ અમે બન્ને પાસેની યુનિવર્સિટિમાં ભણાવીએ છીએ અને એ રીતે તમારા પડોશી છીએ”

કાંઇક ભરોસો પડવાથી સોફિયાએ જવાબ આપ્યો “ઘરમાં કોઈ નથી” તેનો કહેવાનો અર્થ હતો કે ઘરમાં કોઈ પુરૂષ નથી. પરંતુ લતિફાએ તેની સાથે થોડી આમતેમ વાત કરીને સુફિયાનો વિશ્વાસ જીતી લીધો અને નીચે પ્રમાણેના જેવી પ્રશ્ન્નોત્તરી કરી.

“આ વાંસ તમારા છે?”

“હા”

“કેટલા રૂપિયામાં ખરીદો છો?”

“એક સ્ટુલ બનાવવા માટેનો વાંસ પાંચ રૂપિયામાં”

“વાંસ ક્યાંથી ખરીદો છો?”

“ વેપારી પાસેથી”

“વેપારી કેટલું વ્યાજ લે છે?”

“કાંઇ નહિ, ફક્ત મારે સ્ટુલ વેપારીને જ વેચવું એ શરતે જ તે પૈસા ધીરે છે”

“વેપારી તમને તેના કેટલા રૂપિયા આપે છે?

“પાંચ રૂપિયાને પચાસ પૈસા”

“તમે પાંચ રૂપિયા બજારમાંથી વ્યાજે કેમ લાવતા નથી?”

“કારણ કે બજારમાં ખૂબ જ ઊંચુ વ્યાજ લેવામાં આવે છે, જે મને આના કરતા પણ મોંઘુ પડે છે.”

યુનુસ કહે છે કે “આખા દિવસની કાળી મહેનતને અંતે સોફિયા માત્ર પચાસ પૈસા જેટલું કમાતી હતી, એ બોધિજ્ઞાન થતા હું આઘાતનો માર્યો ફફડી ઊઠ્યો. વર્ગમાં ભણાવતી વખતે તો હું અબજો રૂપિયાની વાત કરું છું, પરંતુ અહીં મારી સામે જીવન અને મોતનો પ્રશ્ન થોડા પૈસામાં ખડો થાય છે. મને લાગ્યું કે ક્યાંક કંઈક ખોટું છે. હું યુનિવર્સિટિમાં જે શીખવું છું તેનું એની જિંદગીની વાસ્તવિકતામાં શા માટે પ્રતિબિંબ પડતું નથી? હું મારી જાત તથા જેને આની કોઈ પડી જ નથી એવા જગત પર ગુસ્સે થયો”

યુનુસને લાગ્યું જેમને મદદની અત્યંત જરૂર છે તે ગરીબોને સમજવાના અને સહાય કરવાના પ્રયાસો યુનિવર્સિટિના અર્થશાસ્ત્રના વિભાગો અને હજારો બુદ્ધિશાળી અધ્યાપકો ન કરે તો તે યુનિવર્સિટિઓમાં શું પૂળો મૂકવો છે ?

સમાજમાં પ્રવર્તતી સામન્ય ધારણા વિરુદ્ધનું એ સત્ય તો તેમને સમાજાઇ જ ગયું હતું કે લોકો મૂરખ કે આળસુ હોવાના કારણે ગરીબ ન હતા. પરંતુ સાચું કારણ તો તેઓને મદદ કરવા માટેનું આર્થિક માળખું કે જેમાં તેઓ પોતાનો આર્થિક પાયો વિસ્તારી શકે એ અસ્તિત્વમાં ન હતું તે છે..

આથી બીજે જ દિવસે તેમણે માઇમુના નામની પોતાની એક વિદ્યાર્થીનીની મદદથી જોબરા ગામમાં વેપારીઓ પાસેથી ઉછીના નાણાં લેનારા ગરીબ મહેનતુ લોકોની યાદી તૈયાર કરવાનું નક્કી કર્યું. આ યાદીમાં 42 નામો થયા જેમને ધીરાણ કરાયેલી કુલ રકમ માત્ર રૂપિયા 856 જેટલી જ હતી!

યુનુસે માઇમાન દ્વારા આ 856 રૂપિયાની રકમ એ 42 લોકોમાં કોઈપણ પ્રકારનું વ્યાજ આપ્યા વિના તેમની અનુકૂળતાએ પરત કરવાનું આશ્વાસન અપીને વહેંચી આપી, આટલી નાની રકમથી 42 જેટલા લોકોનું કામ થ‌ઇ ગયું. પરંતુ બાંગ્લા દેશમાં ગરીબોની સંખ્યા તો કરોડોની હતી, આથી આ કાંઇ કાયમી ઉકેલ તો હતો નહિ, સાચો ઉપાય તો સંસ્થાગત જ હોઈ શકે. આ માટે તેમણે જનતા બે‌ન્કના નામે ઓળખાતી દેશની સરકારી બે‌ન્કમાંથી ગરીબ લોકોને ધીરાણ અપાવવા પ્રયાસો કર્યા. બે‌ન્કના સત્તાવાળાઓ તો આટલી નાની રકમના ધીરાણની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. એક જ ગ્રાહકને કરોડ રૂપિયાનું ધીરાણ આપીને ધંધો થ‌ઇ જતો હોય તો શા માટે આટલા નાના નાના હજારો ગ્રાહકોની પળોજણમાં પડવું? પરંતુ આ વાતનો સીધો જ નિચોડ એ આવતો હતો કે બે‌ન્કો ગરીબ લોકોને ધીરાણ આપવા માટે તો નથી જ, ભલે ને પછી ધનવાનોને આપવામાં આવતી લોન પરત આવવાનું પ્રમાણ ઘણું જ ઓછું હોય.

પરંતુ યુનુસે જનતા બે‌ન્ક પાસેથી ધીરાણ લેવાના પ્રયાસો ચાલુ રાખ્યા. બે‌ન્કની વડી ઓફિસે તેમને ગામનો કોઈ ધનવાન વ્યક્તિ આ ગરીબ લોકોનો જામીન થાય તો ધીરાણ આપવાની તૈયારી બતાવી. યુનુસે એનો સાફ ઇ‌ન્કાર કરી દીધો કારણ કે તેઓ જાણતા હતા કે આથી તો આ ગરીબો તે ધનવાનના ગુલામ જ બની જાય.

છેવટે યુસુફે રૂપિયા 10,000ના ધીરાણ માટે પોતે જ જામીન બનવાની તૈયારી બતાવી. બે‌ન્ક મેનેજર તેમાં સંમત થયા પરંતુ ત્યાર પછી યુનુસ અને બે‌ન્ક મેનેજર વચ્ચે નીચે પ્રમાણે પ્રકારનો વાર્તાલાપ થયો

“જામીન તો હું બનીશ, પણ જો કોઈ લોનધારક પૈસા પાછા આપવાની ના પાડે તો હું એ બાકી લોનના પૈસા નહીં આપું”

“જામીન તરીકે અમે તમને પૈસા ચૂકવવા ફરજ પાડી શકીએ”

“તમે શું કરશો?”

“અમે તમારી સામે કાનૂની કાર્યવાહી કરીશું”

“સરસ,એ મને ગમશે”

એક રીતે યુનુસની આ સવિનય કાનૂનભંગની ધમકી જ હતી. જેનો હેતું તેમનાં કહેવા મુજબ આ અન્યાયી પાગલ વ્યવસ્થામાં ગભરાટ ફેલાવવાનો હતો.

ધમકી કારગત નિવડી કે કેમ, પણ યુનુસ જનતા બે‌ન્ક પાસેથી રૂપિયા 10,000 જેટલી રકમની લોન મેળવવામાં સફળ થયા. આ રકમ તેમણે જોબરા ગામના ગરીબોમાં વહેંચી આપી.

પરંતુ જનતા બેન્ક પાસેથી હંમેશા આ રીતે ધીરાણ મેળવવું મુશ્કેલ હતું. ઉપરાંત સરકારી ઓફિસોમાં જેમ હંમેશા બને છે તેમ ગરીબ લોકોને તો આ બે‌ન્ક તરફથી અપમાનો જ સહન કરવા પડે. આથી યુનુસે નાણાં ધીરવા માટેની પોતાની આગવી સંસ્થા બનાવી. આ સંસ્થામાં પહેલા તો સ્ત્રીઓને જ નાણા ધીરવા એમ વિચાર્યું અને અનુભવે સમજાયું પણ ખરું કે પુરુષોને આપવામાં અવતાં ધીરાણ કરતા સ્ત્રીઓને આપવામાં આવતું ધીરાણ વધારે ઝડપથી પરિવર્તનો લાવે છે. છતાં બાંગ્લા દેશના રૂઢિચૂસ્ત મુસ્લિમ સમાજમાં કોઈ સ્ત્રીને ધીરાણ આપવું એ અત્યંત મુશ્કેલ હતું. પરંતુ યુનુસે તે કરી બતાવ્યું જેની વિગતો, ઉપરાંત ધીરાણ માટે બનેલી સંસ્થાની કાર્યપદ્ધતિ વિષે આપણે હવે પછીના પ્રકરણમાં જોઈશું.


(નોબેલ પારિતોષિક વિજેતા મુહમ્મદ યુનુસની આત્મકથા ‘Banker to the Poor’ ના ‘વંચિતોના વાણોતર’ નામે હેમંતકુમાર શાહે કરેલા ગુજરાતી અનુવાદને આધારે., અનુવાદમાં નાણાની રકમ બાંગ્લા દેશનાં ચલણને બદલે ભારતીય ચલણમાં બતાવવામાં આવી છે)


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: Web Gurjari

4 thoughts on “સમાજ દર્શનનો વિવેક : મુહમ્મદ યુનુસનું વાણોતરું – ૧

  1. આપણી હાલત પણ અંતરિયાળ ભારતમાં આનાથી બહુ ભિન્ન નથી.
    કમનસીબે આપણામાંના ઘણા એવું માને છે કે મારું શહેર, મારું રાજ્ય, મારી આસપાસની પરિસ્થિતિ એ જ દેશ છે !

Leave a Reply

Your email address will not be published.