“ભૂખલાડ” ઉત્પાદનમાં પડાવે “આડ” !

હીરજી ભીંગરાડિયા

મોટી ઉંમરે દીકરો થયો હોય એટલે મા-બાપે એનો- ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે – હથેળીમાં ઉછેર કર્યો હોય. “બાળક છે ને ! કાલ સવારે મોટો થઇ જશે, એટલે બધું આપમેળે સમજતો થઇ જશે” માની તેની જાતેજાતની માગણીઓ પૂરી કરવા ખડે પગે તૈયાર રહ્યા હોય, અરે ! ક્યારેક તો અજુગતી અને અવ્યવહારુ જીદ પૂરી કરવામાં પણ પાછુ વાળી જોયું ન હોય ! કહોને પાણી માગે ત્યાં દૂધ હાજર કર્યાં હોય, અને પરિણામે એ બાળક જેમ જેમ મોટું થતું જાય, તેમ તેમ તેના માનસનું ઘડતર જ બસ એવું થતું રહ્યું હોય, કે એનું ધાર્યું જ થવું જોઇએ ! ક્યાંક-“વિવેક”, ક્યાંક થોડી “સમાધાનવૃત્તિ”, ક્યાંક “ચલાવી લેવું”, “જતું કરવું” વગેરે વ્યવહારો વિષેની ગંભીરતા બાબતનો તેના મનમાં તણખો એ ન પડવા દીધો હોય, અજુગતો વ્યવહાર કરવામાં ક્યાંય પણ રોકયો ન હોય કે ધ્યાન સરખું યે ન દોર્યું હોય, અને એ બાળક મોટું થઇ બગડે, તો એમાં બાળકના કરતાં એનાં માવતરનો વિશેષ દોષ હોય, એવું નથી લાગતું આપને ?

બસ ! આજ નિયમનો જીણવટથી અભ્યાસ અને નિરીક્ષણ કરવામાં આવે, તો ખેતીમાં પણ ખેડુતે જેની જેની સાથે કામ પાડવાનું છે, જેના જેના કાયમી સહવાસમાં રહેવાનું છે, તે બધા પાત્રો -પછી છોડવા હોય કે ઝાડવાં, જીવડાં હોય કે જાનવરો, અરે ! મજૂર તરીકે માણસ ભલેને હોય ! તે બધાની સાથે વધારે ઉત્પાદનના શુભ આશયથી વધુ પડતી દોસ્તી, માવજત, પ્રેમ અને સ્નેહ અપાઇ ગયા ? સંભાળ લઇએ ત્યાં સુધી બરાબર ! પણ જો અતિ લાડ કરાવાઇ ગયા ? તો પછી ખલ્લાસ ! વધુ ઉત્પાદન કે તેની પાસેથી રખાતી અપેક્ષાઓ રહી જાય કોરાણે ! માવતરનો ભૂખ લાડ કરાવેલો છોકરો જેમ બગડ્યો તેમ આ બધા પણ બગડીને બેહાલ બની જઇ, ક્યારે ખફા વહોરાવી દે, એનું કાંઇ નક્કી નહીં !

પશુ બગડી જાય = મારા જૂના ગામ ચોસલામાં અમારા પાડોશી મોંઘીમાએ એની ભગરી પાડીને નાની હતી ત્યારથી એવી સાચવી, એવા લાડ લડાવ્યા અને એવો હેડો લગાડ્યો, કે મોંઘીમાને નજર સામે ભાળે તો જ ભગરીને શાંતિ થાય ! એમ કરતાં કરતાં ભગરી તો મોટી થઇ – ‘પાડી’ મટી ‘ખડી’ અને ખડીમાંથી થઇ ગઇ મોટી ‘ભેંશ’, પણ આદત એવી પાકી થઇ ગઇ કે મોંઘીમા તો બસ નજર વેગાં જ હોવાં જોઇએ ! મોંઘીમાને ભાળે નહીં, એટલે મોટા મોટા ને લાંબા રાગે ગાંગરવાનું શરુ કરી, કાળો દેકારો બોલાવે ! કોઇ મહેમાન-પરોણાનું આવન-જાવન, ગામમાં કોઇ વ્યવહારિક કામ સબબ આંટો-ફેરો મારવાનું થાય, અરે ! ક્યારેક કોઇ સારા-માઠા પ્રસંગે બહારગામ પણ જવાનું થાય, એટલે મુંઝારાનો પાર નહીં ! લીલો-સુકો ચારો નીરે, ખાણનું તગારું મોઢા આગળ મૂકે, પણ નહીં ! મોંઘીમા સિવાય બીજું કાંઇ ખપે જ નહીં ભગરીને એનું કેમ કરવું ? મોંઘીમા પણ થાક્યાં ! અને ખીજાઇને નક્કી કર્યું કે “આ લોંડીને હવે ઘેર રાખવી જ નથી. લાવ, માકલા ગોવાળ સાથે ગામનાં ઢોરાંની ભેળી ધણમાં જ ભળાવું ’’ ! ભગરીને તો મોંઘીમાએ ધણમાં મૂકવાની કરી શિક્ષા !

પણ મોંઘીમાના આ અખતરાનો થઇ ગયો ખતરો ! જેટલી ઘડી મોંઘીમા ધણમાં હાજર રહે, એટલી ઘડી ભગરી ઘાસ ચરે ! જેવા મોંઘીમા ઘર ભણી હાલતા થયા કે વાત ગઇ ! હોં…..હોં….ગાંગરતી – રુમાડો લેતીકને હારે થઇ હાલી નીકળે મોંઘીમાની હારો હાર ઘર ભણી ! માકલો ગોવાળ વાંહામાં, બરડે, મોઢે- જ્યાં આવ્યું ત્યાં, ડંડાનો બોથરાટો બોલાવે, પણ ભગરી મીણ ભણેતો ને ? માપથી વધુ જાનવરને અપાયેલ પ્રેમ, ભૂખલાડમાં પરિણમી નુકશાની વહોરાવી ગયો ને ?

અમારી ગોરી ગાયની વાછરડીનું નામ અમે “શ્યામલી” પાડેલું. શ્યામલી હતી બહુ જીવરી, અને પરાણે વહાલી લાગે એવી દેખાવડી અને માયાળું ! પછીતો શ્યામલી વાછરડી મટી-વૉડકી બની, ફાલુ થઇ- વિંયાવા માટે સાંજ-સવાર થઇ ગઇ ! પહેલું વેતર હોઇ, જરા ધીરી રહે , એ ગણતરીએ રોજ સવાર-સાંજ વખત મળે ત્યારે તેના શરીરે,માથે, આઉ-આંચળમાં હાથ ફેરવતા રહી વધુ હેવાઇ કરી, અને માળી શ્યામલી અમને એવી કળી ગઇ કે વિંયાણાં પછી પણ –દૂધ દોહવા ટાણે ઘરવાળી હાંડો લઇ દોહવા બેસે અને મારે એને માથે, ડોકે, મોઢે, કાન પાસે અને ગળા ફરતે હાથ ફેરવ્યા કરી, બસ ખંજોળ્યા કરવાનું ! ગમે તેવી કપાણ્ય હોય તોય દોહન ટાણે તો મારે હાજર થવું જ પડે ! એક બાજુ એના તરફ અમારો પ્રેમ અને માયાળુ લાગણી ! અને બીજી તરફ એના થકી પડતી મુશ્કેલી ! સારું-નરસું બન્ને ભેગું ! પણ અમે તો થાક્યા,અને એને ખંજોળવાની પડી ગયેલી આદતના હિસાબે ગાય જેવી ગાયને અમારે વેચી નાખવી પડી બોલો ! પ્રેમ પણ અતિ અપાઇ જાય, તો પરિણામ માઠું મળ્યા વિના રહેતું નથી એનો અમારા દ્વારા જ બનેલો આ દાખલો !

જીવડા પેધી જાય = પંચવટીબાગમાં પાલતુ અળસિયાંની વસાહત પણ ઊભી કરી છે. શરુ શરુમાં એકલું છાણ જ અળસિયાંને ખાવા આપતાં.પણ પછી એમ થયું કે અલ્યા ! છાણ પોતે જ ઉત્તમ ખાતર છે. એ ખાઇને અળસિયાં ખાતર બનાવી દે એમાં શી નવાઇ ? આપણી વાડીમાં તો ખેત-કચરાનો પાર નથી; એ જ ખાવા દીધો હોય તો કેમ ? અમે કર્યો પ્રયોગ ! એક પાળો કર્યો એકલા છાણનો અને બીજો કર્યો બાજુમાં ભાંગીને ભૂક્કો કરેલા ખેત-કચરાનો. એમ બાજુ બાજુમાં કુલ છ પાળા બનાવી, ભેજ આપી, ઠંડા કરી, છ એ છ માં સરખી સંખ્યામાં છોડ્યાં અળસિયાં ! દસેક દિવસે તપાસ કરી, તો કૂચાવાળા પાળામાં બચી હતી ગણી ગાંઠી સંખ્યા- જ્યારે છાણના પાળામાં જાણે કીડિયારું ઊભરાણું ! પાળા ભીંજવતા –નીચેની ભીની થયેલ સપાટી દ્વારા રાત્રિ દરમ્યાન કૂચાવાળામાંથી લાગ મળ્યો તે બધા સરકી સરકી છાણ બાજુ પહોંચી ગયેલાં.તમે જુઓ તો ખરા ! જેને નથી હાથ-પગ કે નથી આંખ-કાન, છતાં શું પહેલા ખવાય, અને એ મળતું હોય ત્યાં સુધી બીજું ન ખવાય એની પૂરી ખબર એને પડે છે બોલો !

અમે જોયું કે જ્યાં સુધી છાણ ખાવા દેશું ત્યાં સુધી આ બધાં કૂચો ખાવાનું પસંદ નહીં જ કરે- એટલે અમે હવે કૂચો જાજો અને છાણ થોડું- પણ અલગ અલગ પાળા નહીં, બધું એકમેક કરી–ભીંજાવી અળસિયાંને દેવાનું શરૂ કર્યું છે. અને એકલું છાણ ક્યાંય જડતું ન હોવાથી-ભૂખતો ભૂંડી છેને ભાઇ ! છાણ ન મળ્યું તો કંઇ નહીં ! કૂચાથી રોડવવા માંડ્યાં છે, અને એનું પણ સરસ ખાતર કરવાના કામે લાગી ગયાં છે.

ઝાડવાં-છોડવાયે તકનો લાભ લેવા માંડે = અતિ લાડથી છોકરું બગડે, જાનવર બગડે, એમ છોડવા યે બગડે અને ઝાડવાં યે બગડે એવું માની શકાય ખરું ? હા, એને પારખવાની દ્રષ્ટિ હોય, તો મારા જેવો તમને યે અનુભવ થશે.

અમે પંચવટીબાગમાં આમળાનું પ્લાંટેશન કર્યું. તે વખતે મારા નાનાભાઇ વલ્લભે સચીન – [સૂરત] માં તેના રહેણાકી મકાનના આંગણાંમાં આમળાનું એક ઝાડ લગાડેલું. પંચવટીબાગની જમીન ગણાય નબળી ,જ્યારે સચીનની ભોંય તો માથું વાવ્યું હોય તો ધડ ઉગાડી દે તેવી બળિયાવર ! અને એમાં ઘર આંગણાંના બીજા લાડક્યા ફૂલછોડની હારો હાર બધી જાતની મળે માવજત ને સગવડ ! આમળાનું ઝાડ તો વગર માવજતે વધે એવું વગડાઉ ઝાડ ! આમળી તો વધીને ત્રણ વરહમાં થઇ ગઇ મોટી કરાડ ! પંચવટીબાગના ઝાડવાં હતા પ્રમાણમાં નાનાં, પણ ફાલે થઇ જવા લાગ્યાં લથબથ ! જ્યારે વલ્લભની આમળી ? એને તો પાણી માગે ત્યાં દૂધ હાજર થતું હતું. વધો અને વિકસો બાપલા ! શરીર તગડું બનાવવામાં એ તો હતી મશગૂલ ! પાનખર ઋતુમાં પાન ખેરવી વાળે, પણ પછી ફૂલો ખિલવવાનું ટાણું ભૂલી જઇ, નર્યા પાંદડાં જ કોળાવી દે ! ચાર-પાંચ વરસ વાટ જોઇ પણ ફળો ન જ લાગ્યાં, અને અંતે ઝાડવું ખોદી નાખવું પડ્યું.

વનસ્પતિનો સ્વભાવ સાધુ-સંતોના જેવો મીતાહારી છે. પણ જ્યારે આપણે એના મોઢામાં લચપચતા કોળિયા દેવા માંડીએ ત્યારે એ ય શું કરે ? એને જરૂર ન હોય, છતાં મૂળના મોઢા પાસે જ પૂરતો ભેજ અને એમાં ઓગળેલ પોષક તત્વોનો ખડકલો ખડકી દઇએ- તો તે પણ આખરે છે તો જીવતો જીવ જ ને ! ખવાય તેટલું ખાઇ લેવાની તેને પણ ઈચ્છા થઇ જાય તે સહજ છે. અને પછી એનું ધ્યાન ફાલ બાજુ કેંદ્રિત થવાને બદલે શરીર તગડું બનાવવામાં વળી જાય, તો દોષ ઝાડવાનો કેમ ગણવો કહો !

એવું જ આપણા મોસમી પાકો- પછી તે કપાસ હોય કે દીવેલા, મગફળી હોય કે મરચી-માપથી વધુ સાચવણ- એટલે ફાલ જવાય ભૂલી અને બળ બધું વહ્યું જાય છોડવે ! છોડવા છે જીવતા.અને પરિસ્થિતિ જોઇ નિર્ણય લેવાની કે બદલવાની તાકાત કુદરતે માણસ સિવાયના બાકીના જીવોને આપી જ છે. ખાવા-પીવામાં કે સલામતીમાં કંઇ વાંધો નથી, તો આપણને હવે શી ચિંતા ? બસ, વધો-વિકસો અને મોઝ કરો બાપલા ! છોડવા ફાલ પકડવાનું વિચારે જ શું કરવા ? પણ મરવાની બીક લગાડ્યા ભેળી એને વંશ-વેલો ટકાવી રાખવાની ચિંતા જાગે છે અને ઘાંઘા થઇને ફાલ પકડે છે.

મજૂર પણ માલિકને કળી જાય = અમારી વાડીએ એક વાઘરી કુટુંબને કામ કરવા વસાવેલું. એના ઘરના બધાં માણસો વાડીમાં કામ કરે, એની એ લોકો કહે એવી મજૂરી ચૂકવું. વાડીમાં ઘરની જેમ કામ કરતા અને વફાદારી પૂર્વક વર્તતા ભાળી મેં કેટલીક વાડીની, વાડીના કામકાજની અને અન્ય મજૂરો પર દેખરેખ રાખવાની જવાબદારી એને સોંપવા માંડી. કામકાજના આયોજનમાં એનો અભિપ્રાય લેવા માંડ્યો, એને મહત્વ આપવા માંડ્યો અને માળું ! એના પર વધુ પડતા મુકાઇ ગયેલા વિશ્વાસનું પરિણામ ઊલટું આવીને ઊભું રહી ગયું ! એ અન્ય મજૂરોને પરેશાન કરવા માંડ્યો. અન્ય મજૂરો વાડી છોડી જવાની તૈયારી કરવામાંડ્યા. જરા ઊંડા ઊતરી તપાસ કરી, તો મેં મોવડી બનાવેલ મજૂરે અન્યોને એવું કહેલું કે “ આ વાડીમાં શું કામ કરવું છે, કે કોને કોને વાડીમાં રહેવાનું છે તે બાબત હવે હીરજીભાઇને નહીં, મને પૂછવાનું છે, અને હીરજીભાઇ કહે તેમ નહીં, હું કહું તેમ કરવાનું છે.” અને બે-ત્રણ દિવસ થયા, ત્યાં વાડીએથી એક ધોળિયો બળદ ચોરાયો. ! કોઇ રાશ સહિત ખીલેથી છોડીને ઉપાડી ગયેલા.ચારે બાજુ તપાસાર્થે મોટરસાયકલો દોડાવી, તો જૂનો માણસ મારી હારોહાર ! મારી જ ગાડી પછવાડે બેસી ઊંધી દિશામાં શોધખોળ કરાવી વખત વેડફાવે ! ત્રીજા દિવસે જાયું-ભાયુંના સારા પ્રતાપે બળદની ભાળ મળી ગઇ-બળદ આવી ગયો. પણ એ બળદ ચોરાવવામાં પણ મારા એ જૂના માણસનું પાપ ખૂલ્યું અને એને વાડીમાંથી ઉચાળા ભરાવવા પડ્યા.એટલે દરેક બાબતનું માપ સારું. માપથી વધારે મૂકેલો આંધળો વિશ્વાસ, વધુ પડતો દેખાડાયેલ સ્નેહ, કે વધુ પડતા કરાવાએલા લાડનું પરિણામ માઠું જ મળે છે.

એટલે આપણે આપણા પાલતુ છોડવા હોય, ઝાડવાં હોય કે હોય ભલે ગાય-ભેંશ-બળદ જેવા પાલતુ પ્રાણીઓ. અરે ! વાડીમાં કામ કરનાર મજૂર ભલેને હોય, માપે જ માવજત અને માપે જ હેત-પ્રેમ અપાય. વધુ ઉત્પાદનની લ્હાયમાં આપાયેલ વધુ પડતી માવજત ખર્ચમાં તો વધારો કરે જ , પણ ઝાડ-છોડ કે પશુ-મજૂરનો સ્વભાવ બદલાવી એની ફરજચૂક પણ કરાવે. એવું ન થવા દેવા એમના કરતા વધારે ચીવટ આપણે-ખેતી વ્યવસ્થાપકોએ જ દાખવવી પડશે ભાઇ !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

4 thoughts on ““ભૂખલાડ” ઉત્પાદનમાં પડાવે “આડ” !

 1. મઝા આવી. બહુ જાણવા મળ્યું, એ વધારાનો લાભ.

 2. આજઓ લેખ એ માત્ર ખેતી વિષયક વ્યવસ્થાપનનો નથી રહેતો. તેમાં વર્ણવેલા સિધ્ધાંતો જીવનનાં કોઈ પણ ક્ષેત્રનાં વ્યવસ્થાપનને એટલાં જ લાગુ પડે છે.

  વ્યાવસાયિક મૅનેજમેન્ટ પણ જ્યારે ઉદ્દેશ્ય સિધ્દિની જ પાછળ મચી પડે છે ત્યારે સંસ્થ્હા અને વય્વસ્યાના બીજા ઘણા સંદર્ભો નજરની એટલા બહાર રહેવા માંડે છે કે બધાં ઉદ્દેશ્યો પરિપુર્ણ કરતી સંસ્થા પણ લાંબે ગાળે ટકતી ન હોય તેવું જોવા મળે છે.

  અંગત જીવનમાં પણ સારી ટેવ હોય કે ખરાબ લત, તેનું વધારે પડતું વળગણ વ્યક્તિના સર્વાંગ વિકાસમાં મોટી આડખીલી બની શકે છે.

  માટે જ કોઈ પણ ક્ષેત્ર કે પ્રવૃત્તિમાં જૂદં જૂદાં પરિમાણો સાથે સંતુલન જાળવીને વ્યવસ્થાપન કરવા પર જ ભાર મુકાય છે.

 3. ખુબ જ સુંદર લેખ.
  કોઈ પણ વ્યવસાય માં વિશ્વાસ ના કરવો ,ઓછો કરવો કે વધારે કરવો તે પેચીદા પ્રશ્નો છે અને તેના કોઈ બધા ને લાગુ પડે તેવા અને સ્પષ્ટ જવાબ નથી હોતા. કુશળ વ્યવસ્થાપક ની અહી જ કસોટી થાય છે.
  ખુબ આભાર હીરજીભાઈ !

Leave a Reply to Dipak Dholakia Cancel reply

Your email address will not be published.